( બધું આપણા વિશે જ )cont.

સપ્ટેમ્બર 15, 2009

૧૭)

તારી વાતો ગેંગટોકથી ઊતરતી
તીષ્ટાનું વહેણ હતી.
તારી પાંપણની પાંખમાં ચકલીનો ફફડાટ
બે ભીંતોથી વધારે લંબાતો નથી.
ઝાડ તડકાની ડીકશનરી જેવું ઊભું છે બબડતું,
અને વામકુક્ષી તારા માથા નીચે
છાંયડાના પોટલામાં ભીંત પાસે
નારંગીની પેશી જેવા સ્તન વચ્ચે ભીંસાઈ પડીરહી છે.

૧૮)

મારે તને રાતા મસામાં જાળવી રાખવી છે.
પગે જન્મેલા બાળકની વેદના સમ–
પછી બ્રૂટસ શક્તિથી મસો ઉખાડવા
ખોસેલા ચપ્પાની તીક્ષ્ણતા, મારા સિવાય
બીજું કોઇ નહીં જાણી શકેઃ
લોહીંમાં અને કવિતામાં વહેતા મૂકાયેલા લય
કેવળ સમજણ માટે તરછૉડાયેલી પરિસ્થિતિ જ છે.
આપણને કોણ સમજાવે ?

૧૯)

તારો પ્રેમ આ વરસાદનો શિકાર છે.
એની ભીનાશ ઉત્તેજક છે.
મને એનો દાણાદાર ચહેરો ભમ્મર પર લટકી રહેવા
ઢીલ કરતો દેખાય છેઃ

પણ એનો એક જ ગુણ ના ગમ્યો-
પર્વતીના શરીર પર લસરી અમર થઈ ગયું,
અને તું વરસાદથી ધોવાયેલી છતાં કોરી ફર્યા કરું છું.

૧૨-૦૭-૨૦૦૬

Advertisements

( બધું આપણા વિશે જ )cont.

સપ્ટેમ્બર 9, 2009

૧૨)

મુંબઈ વરસાદ પડ્યો
ત્યારે મીઠીબાઈ કોલેજમાં મેં આષ્લેષનું કૌમાર્ય માગ્યું હતું.

જ્યાં બીજું કોઈ નથી
શરીરના એ ખાનાઓમાં તું ભરઈ જા.

આમતો મેં આ વિશે કોઈને ક્યારેય કશું કહ્યું નથી.

પણ તારા વાળમાં
મહેંદીનો સળગતો રંગ એ લોકો જોઈ ગયા હતા.

૧૩)

મેં તને ચોફેર શોધી હતી.
સૂર્યકિરણના થાંભલા ફરતે શોધી હતી,
દરિયા નીચે લાંબુ અંતર ચાલી ફરી વળ્યો હતો,
ધુમાડાની ભીંત પાછળ ડાફોંળીયા મારી આવ્યો હતો.
પણ મને ખબર નહતી
કે તને પ્રેમ કર્યા પછી
મારૂ શરીર તારી ધરતી હતી અને
મારૂ હ્રદય જ તારા ઘરનું સરનામું હતું

૧૪)

તને ત્યાંથી દેખાય છે,
એ જ તારો મને અહીંથી પણ દેખાય છે.
અંતર તો બે આંખ વચ્ચે છે તેટલું જ છે;

તો પછી આપણે બન્ને વારેઘડીએ,
શા માટે ખોવઈ જઈએ છીએ ?

૧૫)

મેં તને અત્યાર સુધી પ્રેમ નહતો કર્યો.
પણ તારા ચણીયાની,
કમર ફરતે લક્ષ્મણ રેખા જોયા પછી
થયું કે હવે તું છેતરાઈશ નહીં
અને ઊડી પણ નહીં જાઉં.

૧૬)

હું તારા પ્રેમમાં પડ્યો
ત્યારે પોલકામાં ઉછાળા મારતા સ્તનથી
ઇશ્વરનું દિનરાતચક્ર બદલાઈ ગયું હતું–
દિવસ કાળી આંખમાં અંધારૂ થઈ એદી પડી રહે છે,
અને રાત્રી પશ્ચિમમાં સવાર થઈ જાય છે.

૧૨-૦૬-૨૦૦૬


( બધું આપણા વિશે જ )cont.

ઓગસ્ટ 25, 2009

૯)
દુખમાં બાકી રહી ગયેલો,
પ્રેમ ભૂલી જવા
હું શહેનાઝ બારમાં બેઠો હતો.

અને તું
શાટ ગ્લાસ તળેના કોસ્ટરમાંથી
એક આંખે તાકી રહી હતીઃ

ભાષા અને સમય-
બન્ને એક જ પધ્ધતિએ આપણને વિખૂટા રાખે છે.

૧૦)
શરૂઆતમાં પૄથ્વી હતી.
કેવળ ગદ્ય જેવી, અને સપાટ.
પછી અક્ષાંશ-રેખાંશ થયા,
તારા સ્તનના તરછોડેલા વળાંકો જેવાઃ

હવે પૄથ્વીના અંત સુધી કવિતા સિવાય બીજું
કશું નહીં હોય,
શરૂઆતથી પૄથ્વીને ભૂતકાળમાંથી જ પુનઃસ્થાપિત
કરવામાં આવી હતી.

૧૧)
આપણો પ્રેમ
શરીરના દરેક ખૂણાંમાં વળે છે.
આપણો પ્રેમ
શરીર પરથી વરસાદના દરેક ટીપામાં ચચરતો નીતરે છે.
પણ
તારી આંખમાં એ ડૂબે છે છતાં પલળતો નથી !


( બધું આપણા વિશે જ )cont.

ઓગસ્ટ 24, 2009

૭)
પ્રેમ શા મટે અને કેવી રીતે છે?
તારે તો આ બધા માટે ચોખવટ જોઈએ છે,
પણ તને કેમ યાદ નથી, મધમાંખી સમ
મારી બધી સ્ત્રૈણ વૃત્તીઓ ડંખ મારીમારી
તેં મીઠી કરી નાખી છે, રાણી થઈ જવા.
અને હવે
તારા ઊંબરામાં નૃસિંહના નખમાંથી ટીપેટીપે
દદડું છું.

૮)
તેં મારા વિશે ઘણું સાંભળ્યું છે,
હું એ શબ્દોને મળતો પણ આવું છૂં,
સુવર્ણ જયંતિ ભરેલા વર્ષો આપણા સંબંધોમાં
રઝળ્યા હતા,
આપણુંતો પચાસ પ્રકરણમાં લખાયેલું
સચિત્ર મહાકાવ્ય છે.
તો પછી, તારી બંધ આંખમાં જે પુસ્તક છે
એના વિશે કેમ મને કશી ખબર નથી ?


( બધું આપણા વિશે જ ) cont.

ઓગસ્ટ 23, 2009

૫)
હું જ્યારે પણ તને પ્રેમ કરું છું,
વિશ્વની દરેક ભાષા પર એનો ભાર પડે છે.

હું જ્યારે પણ તને પ્રેમ કરું છું,
તારા સ્તન ધરતીકંપ સમ ધ્રુજે છે.

હું જ્યારે પણ તને પ્રેમ કરું છું,
ફિડેલ કાસ્ટ્રો ટીવી.ના અરીસામાં ફરી ફરી દેખય છે,
(દમન સમયના માનવ સ્વરૂપે મારી પાછળ ઊભેલો.)

હું જ્યારે પણ તને પ્રેમ કરું છું,
એની શરૂઆત તારી આંખોમાં સતત પીગળ્યા કરે છે.

મેં જ્યારથી તને ચાહી છે,
ભૂરું સરોવર, તારી આંખમાં છાનુંમાનું છાનુંમાનું .

૬)
કવિતામાં શબ્દો વપરાઈ લપટા થાય ત્યાં સુધી
પ્રેમના પ્રસંગો તો રોજ ઉદભવે છે,
આપણા સંબંધોમાં;
તો ચોર્યાશી લાખ સ્વરૂપોમાં,
માત્ર ચોર્યાશી આસનોથી જ કેમ થાકી ગઈ ?


બધું આપણા વિશે જ

ઓગસ્ટ 22, 2009

[કુલ ૧૦૦ કવ્યનો આ સંપૂટ ટુકડે ટુકડે રજૂ થશે ]

( તારા બારવરસે ગળાવાયેલી
વાવના પગથિયાં ઊતરતા પહેલાના
કાવ્યો,)

૧)
આમતો તને કશું પણ કહેવુ
સહેલું નથી–કે
શિયાળાના તડકા જેવી હુંફાળી
તું મારી છુઃ

તારી આંખ ખૂલતા
હું ખસી જાંઉ છું તારા સ્વપ્નમાંથી.

૨)
તને પ્રેમ કરવો સહેલો હતો.
તારો હાથ પકડ્યો ત્યારે જ
આઉટ ઓફ ફેશન
અને આઉટ ઓફ ડીમાંન્ડ થઈ ગયો.

૩)
મેં તને પ્રેમ કર્યો ત્યારે
પેલા જાદૂઈ ચિરાગના જીન સમ
ગુજુ કવિઓ મોરારીબાપુ સામે ઊભા હતાઃ
પણ, મેં તો, તારી નમણી ઝૂકેલી આંખ જ પસંદ કરી હતી.

૪)
પ્રેમની શરૂઆત થઈ ત્યારે હું મૂંગો ઊભો હતો.
માંછલી જેવી તરબોળ
તું ઊભી થઈ ત્યારથી જ
ગુજરતી કવિતાનૂ કામસુત્ર
ટીપે ટીપે નીતરતું હતું ;
મારી બંધ આંખોમાં….

૧૨-૦૫-૨૦૦૬