બધાં રંગોમાં વેદના ભરેલી છે-૧૨

નવેમ્બર 2, 2012

ધ્રુવ પ્રદેશના ઉંદર જેવાં પ્રાણી સમ આપણા સમયમાં આપણે ધસીએ છીએ
અને અનંતની ભૂરાશમાં ડૂબકી મારી મૃત્યુ પામીએ.

પછી આપણી શ્રધ્ધા જેવું કશું રહેતું નથી,કેવળ દાણાદાર ચળકતા કાગળ પર
ચોટી રહેલા ચહેરાની રંગીન સંસ્મૃતિઃ જેવી રીતે ખરતા પથ્થરમાંથી બનેલો ઇશ્વર
ધીમે ધીમે ખરી જતાં ભીંત પર રહી ગયેલા એના ડાઘા ફરતે બાંધેલું ભવ્ય
મંદિર અને સિંદૂરિયા રંગે ભરી દિધેલો ડાઘો, માણસની ફીકાશમાંથી.આમ તો
સંસ્મૃતિ ચોમાસામાં ઉદભવેલાં ઝીણા ઝીણા ખાબોચિયાં સમ અદ્રષ્ય થઈ જાય છે.
પણ જરુર પડે ટીટોડી સમ ડૂબકી મારી આપણે સમયોચિત વેદનાની માછલી
પકડી લાવીએ છીએ.કાં તો ગુસપુસમાં અથવા ધોળાવીરે ભીંતના છાંયડામાં
મળેલા ડેરા સામે કોઇ હૂંફ માટે પ્રવેશીએ છીએ એ આપણને યાદ નથી.છતાં
ત્યાં બેસી સંસ્મૃતિના પુસ્તકમાંથી આપણે પાનાં ફેંદીએ છીએ અને ફેંદીએ છીએ…

આ સંસ્મૃતિ જ આપણું મૃત્યુ તો નથીને?
૨૨-૧૨-૨૦૦૫


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૧૧

ઓક્ટોબર 30, 2012

હું કવિ છું તેથી શબ્દ પકડું અથવા લય પકડું.પણ
અમાનવીયપણું જેવાં શબ્દ ચલણી સિક્કા જેવા આપણી
વાતોમાં ફરતા થઈ ગયા છે–

આપણી વાતોમાં કે ટેબલ પર ચા પીતા કરેલી ચર્ચામાં કે
રંગોના જ્ઞાનને કારણે આપણે કોઇ દિવસ ચહેરા જેવું
કશું દોર્યું નથી.પેપર પર દોરેલો ચહેરો વધારે પડતો
એકલો પડી જાય છેઃ આપણો ભય.આપણી નબળાઇમાં
સામેવાળાનો ઇશ્વર પણ પોતાનો ચહેરો ભૂલી જાય છે,
અને હજું પણ એક જ જાતના માણસને બોલાવે
છે અને ચીતરે છે ચામડી ઉપર.

આપણી જ ટેવ છેઃ આયનામાં ડોકિયું કરી
રોજ આપણો પહેલો દિવસ શરૂ કરીએ છીએ.
૨૧-૧૨-૨૦૦૫


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૧૦

ઓક્ટોબર 26, 2012

શિવાજીએ ફૂંકેલી તૂતૂડી ફરી વગાડી
હું મારા સમયની કવિતા નવેસરથી લખું છું;
અતિશય ખરખરતા. અણુપ્રચુર મિસલ્સમાં ટૂંકા થઈ ગયેલા મહાસાગરની,
ઓયલ ઢોળાતા ચીકણો લેંટ થઈ ગયેલા દારૂના પ્યાલાની
ધાર જેવા મદીલા દરિયાની,
પૌરાણિક વસ્તુઓ અને ભંડાર ખૂલી જતાં અતિશય ઘોંઘાટ્ટથી પારદર્શક દરિયાની,
કાસમની વીજળીથી સોંસરો પાર ન થઈ અમસ્તા ઉછળ્યા કરતા દરિયાની,
દરિયાની આખી કવિતા મેં હજું સાંભળી નથી,
એની ભૂરી ઊછળતી એકોર્ડિયન પ્રત્યક્ષતાની,
એમાં ડૂબેલ પૌરાણિક સંસ્કૃતિની ખિન્નતાની,
સમુદ્રમંથનથી ઉદભવેલા કાલગ્રસ્ત અવાજની વિસંવાદિતાની,
નારિયેળ પાણીમાં પીવાઈ ગયેલો ઊનાળો ભૂંસતી રેતીની,
અને
ભૂરા દરિયાકિનારાના, મક્તા રૂમાલ પર પીઠ શેકતી
છોકરીના ઉઘાડની
૧-૧-૨૦૦૬


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૯

ઓક્ટોબર 21, 2012

મેં તને જોઇ. વળાંક આવતા જ તું વળી ગઈ.

હું કેવળ તારું આવું સપાટ જતું રહેવું જોઇ રહ્યો.
તારે આવવું જ ન હતું.છૂટા પડવું એ સરળ અનુભવ છે.
તારાથી એ કહેવાયો નહીં તારું મારી સામે જોઇ રહેવું;
એમાંથી કશા અણસાર મળતા નથી. તારી આંખો તો
મેકપથી સંતાડાયેલી હતી.ભૂરાશથી પહોળી થતી હતી,
પોપચાં પાછળથી.

છતાં આ કવિતા લખવી એ મારામાંથી છૂટા પડી તારામાં
જોડાઇ જવાનો અનુભવ છે.
૧૧-૧-૨૦૦૬


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૮

ઓક્ટોબર 17, 2012

આ કવિતા એને રંગ નથી પણ સ્ત્રી કરતાં પણ વધારે કામોદ્દિપક છેઃ
આકાર,અર્થ ઘટ્ટતા,પારદર્શકતા,વળાંકો એના સંતાયેલા અવાજ સાથે
ઊભી રહે છે અને પેલી સ્ત્રીને દુભવે છે, જે માણસ તરીકે જીવે છે.

શબ્દો મોહેન્જોદારો જેવાં છે,આવે અને જતાં રહે એમના ઢગલા વાળીને.
અને પછી આપણને ઓળખવાની અડચણ ઊભી કરે.શબ્દને આપણાં
જેવાં શરીર નથી પણ ચોક્કસ આકાર છે,એમાં તત્કાલીન અવાજ છે.
સાંત્વનામાં આપણે આપણું ગેરહાજર અસ્તિત્વ અનુભવીએ છીએ.આપણે
સૂર્યના અજવાળામાં વેરવિખેર પડી રહીએ અને આપણને શોધતા ખાસ્સો
સમય જતો રહે છે.શબ્દ કે સમયને કશી ઉતાવળ નથી એમને પોતાનું
અલાયદું સ્વક છે. આ શબ્દોમાંથી આપણે સર્જીએ છીએ આપણી વાર્તા,
વાક્યો,નાશ પામતા ચહેરા, મોહેન્જો દારોમાંથી ખોદી કાઢેલા,ભૂલી જવાયેલા ઇશ્વર
(એમની દંતકથા જે આપણા પર લાદેલા એમના સ્વપ્ન હતાં,આટલા બધાં
આપેલાં યજ્ઞબલિ પછી પણ!)
આપણે વિવિધ ઇચ્છા ભરેલો, સ્વપ્નથી ઊભરાતો આત્મા અભિવ્યક્ત કર્યો છે
શબ્દમાં(સ્ત્રીના કાનમાં પણ.)છતાં અદ્રશ્ય વેદનાનાં ઊંડાણોમાંથી નિખાલસપણે
પૂછીએ છીએઃ હું હજું શેનો ઋણી છું?
૨૯-૧૨-૨૦૦૫


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૭

ઓક્ટોબર 16, 2012

એક દિવસ તડકો ચાલતા માણસો વચ્ચે રસ્તા પર ઊકળતો હતો.

આકાશ ઝેર પીધેલાં માણસ જેવું ભૂરું હતું.એની છાપ. વિચિત્ર હતી.
બળેલા ઘરમાં ગેરહાજર ઘર જેવી.કેવળ સંકળાયેલી સાંત્વના તરે
એની બળેલી બાહ્યરેખામાં દ્ર્ઢ કરાયેલી.એનો આભાસાત્મક દરવાજો
નકારાત્મક આવકાર અથવા પ્રેક્ષકની દ્રષ્ટિ સાથે સંકળાયેલો દ્રઢ ઊભો છે.
બળેલા દરવાજાનો હાથો કરોળિયાના જાળાનું મધ્યબિંદુ છે વા હાથો
જાળામાં લોખંડી જંતુ જેવો સપડાયેલો છે. ઉપર તણાયેલા લાંબા ટૂંકા વાંકા સળિયા પર ભૂરું
છાપરું ત્રાંસુ અટકી રહ્યું છે.બાહ્ય રેખા અને આકાશના મેળાપમાં તણાયેલી છે લાંબી
સાદી કાળી જખમની નિશાની કે એ વિભક્તતાની ભૂતિયા રેખા.એક દિવસ તડકો
ઉનાળુ ઘરમાં રાહ જોઇ ઉભો હતો,મોગરાની ગંધે હમણા જ રંગલા કઠેરા પર ચળકતો.
કવિતા સીવવાના સંચા પરની રીલ જેવું ધીમે ધીમે ઉકલતી હતી.ઇચ્છા સળવળી
ઉભી રહે છે કાળા નિશ્ચલ પડછાયામાં.
નજીવા ખુલ્લા રહી ગયેલા દરવાજામાંથી પરિવર્તનની ઇચ્છા પર તણાયેલો
તડકો મર્યાદા ઓળંગી બહાર નીકળી ગયો…
૧૭-૧૨-૨૦૦૫


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૬

ઓક્ટોબર 14, 2012

આંખમાંથી ભૂરાં વાક્યો બહાર આવતા હોય છે.
એ ખૂબ ઝડપથી પસાર થઈ જાય છે.
રોજિંદા શબ્દો. કોઇ ચોક્કસ વિભાવના ય નહીં.
સમાગમમાં ઉઝરડાયેલા.પાંપણથી.દાંતથી.રજઈ પરની રુંવાટીથી.
કદાચ એટલે જ શબ્દો સમજવા અઘરા છે, અને
આપણે વ્યથિત છીએ જ્યારે એ ભરતી અને ઓટ
સમ સતત આવ જાવ કરે છે,
ને આપણી સમજણના ચોકઠામાં બંધ બેસતા નથી..
ગાંડીવ જેવા. નીચે તરફ તણાતા આપણા હોઠ.
ઉચ્ચાર છોડી દીધેલાં વ્યંજન જેવા આપણા અદ્રશ્ય પ્રકાશીત બદામી શરીર
અને અનઅભિગમ્ય હાથ.
છતાં સુરરિયલ શબ્દો અને ચીથરેહાલ સંસ્મૃતિઓ આપણા ટેરવાં પર છે.
૧૬-૧૨-૨૦૦૫