ફ્રેસ્કો વિશે…

ડિસેમ્બર 25, 2017

કવિતા-યુરોપ સમ- સરમુખત્યારની હયાતીમાં ઉછરે છે,તે પણ ગૂંગળાતી.ત્યાર પછી રાફડો ફાટી નીકળે છે,કવિતાના વિકાસમાં,અનુભૂતિમાં.કળાના અભ્યુદયમાં આ પ્રવૄત્તિ કેટલી પરિણામકારી છે? કવિતા કવિતા રહે છે કે ટોળું થઈ જાય છે? એ સમય,એ સંસ્કૃતિની કવિતા પર ધરમૂળથી લાદેલા ફેરફાર હોવા છતાં.કવિતા માટે,એવા કાળમાંથી પસાર થતાં,એક જોખમ ઉદભવે છે,તે એ કે એ સાંસ્કૃતિક ક્રાંતિ મટી કેવળ નફરત કે ઘૃણા ન થઈ જાય,લાગણીમાં અચાનક થતાં જોરદાર પલટાથી.કવિતાનું કામ ઇજા પહોંચાડવાનું કે વપરાશમાંથી નાબુદ થવાનું નથી.સામાન્યતઃ આવાં કાવ્ય તેમના સમયની વક્રોક્તિ છે અને કવિ એના સમયનો બારોટ છે.જે એની ધરીમાં લાદેલી સમાજવાદી વાસ્તવિકતા ઊતરડી ફરીથી પોતાનો અને સંસ્કૃતિનો ભાર વેંઢારે છે.આવાં કાવ્યનો નાનકડો સંગ્રહ,અનુવાદ સ્વરૂપે,લુલયેતા લેશનાકુ(Luljeta Lleshanaku )૧૯૬૮,આલબેનિયામાં જન્મેલી કવયિત્રિનો,સર્જક ઉપરાંત બીજાં દશ અનુવાદ કર્તાઓએ સંયુકતપણે’ફ્રેસ્કો'(Fresco)નામે બજારમાં મૂક્યો છે.

ફ્રેસ્કો-માં ૧૧૯૨ થી ૧૯૯૯ સુધીમાં પ્રકાશિત ચાર સંગ્રહના, ત્રણ વિભાગમાં ઉપરાંત બીજાં નવાં ઉમેરેલાં કાવ્ય, એમ કુલ મળી સત્તાવન કાવ્ય પ્રકાશિત છે છતાં પાછલાં પુઠ્ઠા ઉપર ૫૮ નોંધ્યા છે.આ એકમાત્ર વિગત દોષ સાથે જણાવવાનું કે, ‘ ફ્રેસ્કો’ના કાવ્ય પીડિત સંસ્કૃતિની અનુભૂતિના સ્વર પર આઘાત કરતાં ચિહ્ન કાવ્ય છે.સંપાદક હેન્રી ઇઝરાયલનો સંગ્રહ અંતેનો ઉપોદઘાત અને પીટર કોન્સ્ટેનટાઈનની પ્રસ્તાવના-ગુજરાતી સાહિત્ય જગતમાં મેં કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યાં ત્યારે સ્વ.ડૉ.નીતિન મહેતાએ કહ્યુ હતું હું પ્રસ્તાવના લખતો નથી અને વિશ્વ સાહિત્યમાં સર્જકો ,વિવેચકો લખવા તૈયાર છે ,આતુર છે.( આપણે પ્રોત્સાહન આપવામાં સાવ બેદરકાર છીએ અથવા આપણે પક્ષપાતી છીએ.)-કોઈ કવિને વિશ્વ સમક્ષ રજૂ કરવા મથામણ કરે છે,લેશનાકુના કેસમાં બન્ને અભ્યાસીઓ આલ્બેનિયા ગયાં હતાં માહિતિ મેળવવા.-ત્યારે ગુજરાતીઓ આટલા બધાં સંસ્થાવાદી,ચોકઠાવાદી અને એકમેકને ધીક્કારતી સાહિત્ય પ્રજા અને પ્રવૃત્તિ શા માટે છે? ૧૯૮૦થી મુંબઈના સર્જકોની સાઠમારીથી માંડીને આજ સુધી જોયેલાં સર્જકો-વિવેચકો કેવળ નર્યાં ટોળાં હતાં અને છે !!!.ગુજરાતી સાહિત્ય સાચા અર્થમાં ‘સુરરિયલ’ છે,સાહિત્ય પ્રવૃત્તિ ગુજરાતી ભાષામાં મોભાધારી-માલધારી ગતિ-વિધિ છે,ક્યારે અટકશે??– આલ્બેનિયાની યુવા કવયિત્રિને એના વિકાસયુક્ત દ્ર્ષ્ટિકોણ સાથે વિશ્વ સમક્ષ મૂકી આપે છે.આ સંગ્રહની પ્રસ્તાવના દરેક ગુજરાતી વિવેચકે વાંચવી એટલે જરુરી છે કે કોઇપણ કવિને એના સામયિક સંદર્ભો સહિત વાંચો-નહીં કે કેવળ એના ખાનગી જીવનના પ્રસંગો,રાજકીય,સામાજિક પણ-જે કવિતા વિશે દ્રષ્ટિકોણ બદલે છે.આપણે આપણું સંત સાહિત્ય સામાજિક સંદર્ભે -અને તે પણ કાવ્યમાં મળતાં પ્રસંગોમાંથી વાર્તા રૂપે.-તપાસ્યું છે અને ભાષા સંદર્ભે,બોનસમાં.એ રીતિ હજુ પણ ચાલું છેઃ જુઓ રાવજી પટેલ વિશે લખાયેલાં લેખો એના કાવ્ય સંગ્રહ અંતે.(અંગત-ચતુર્થ આવૃત્તિ,૧૯૯૯)કવિતાના વિકાસ સાથે સંસ્કૃતિની ઉથલપાથલ પણ એક વધારે જુદા દ્રષ્ટિકોણથી જોવાય છે,તપાસાય છે.વાંચો પાછલા પુઠા પરના અભિપ્રાય આ સંદર્ભે,અને આ રહ્યાં થોડાં એમાંથીઃ
૧) a child who paid for the political sins of her grandparents in Hoxha’s Albenia.-એલિયટ વાઈનબર્ગર.
૨) in this bewildering human world such articulate determination proves again our common faith.-રોબર્ટ ક્રીલી.
૩) she makes explicit what it means to live in a violent and corrupt public world which penetrates privacy and betrays every intimacy.-એલન ગ્રોસમન.

૧૯૬૮માં જન્મેલી લુલયેતા એન્વર હોજા(Enver Hoxha)ના આપખૂદ સાસનકાળમાં ઉછરી છે.હોજા ૧૯૮૫માં મૃત્યુ પામ્યો.પણ આલ્બેનિયામાં પરિવર્તન-સુધારા!-હળવે કે દાબતે પગલે પ્રવેશ્યા હતાં.સોવિયેત યુનિયનમાં રાજકિય પડતી પછી આલ્બેનિયા લોકશાહી તરફ વળ્યું,પણ મર્યાદિત સફળતા સાથે.પીટર કોન્સ્ટેનટાઈનની પ્રસ્તાવનામાં આવશ્યક માહિતી સાથે.ટૂંકું વિહંગાવલોકન,ખાસ કરીને કવિતા,જે નિયંત્રિત સમય દરમ્યાન કેવળ ટકી રહી એટલું જ નહીં પણ બીજાં સ્વરૂપો કરતાં વધારે વિકાસ પામી,તે ખાસ ધ્યાન ખેંચે છે.કવયિત્રિની મથામણ,પ્રતિકૂળતાને,હેન્રી ઇઝરાયલીએ કાવ્યાંતે પ્રસ્તાવનામાં વિગતે બયાન કરી છે.

‘ફ્રેસ્કો’લુલયેતાનો પહેલો અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલો કાવ્ય સંગ્રહ છે.સર્જક સહિત કુલ અગ્યાર અનુવાદકોનું એક સાથે કામ કરતું અનેરું તંત્ર છે,એની પાછળ એ પણ કારણ હોઇ શકે કે એ ભાષા એટલી જટીલ હશે કે એક અનુવાદકથી સંપૂર્ણ કામ કરવું શક્ય નહીં હોય,અથવા એક અનુવાદક પાસેથી પાંચ-છથી વધારે કાવ્યો અનુવાદ કરાવવા ભરોસા પાત્ર નહીં હોય! છતાં,અનેક હાથે અનુવાદ થયાં હોવાં છતાં,અને વીસમી સદીના વળાંક સુધી આલ્બેનિયામાં તુર્કીભાષા પણ વપરાતી હતી,તે જોતાં સંગ્રહના ધ્વનિંમાં એકરૂપતા જળવાયેલી છે.એ કાવ્યધ્વનિંમાં સ્પષ્ટોક્તિ અને સામર્થ્ય અંગ્રેજીમાં પણ અનુભૂતક્ષમ છે.અનુવાદ આંટીઘૂંટી વગરના,સરળભાષી,અ-છાંદસ અને ભારે કે લાંબા શ્બ્દપ્રયોગ વગરના છે.કાવ્ય પ્રમાણમાં સંક્ષિપ્ત છે,પરિણામે મિતભાષી છે.

આખો કાવ્ય સંગ્રહ એક બેઠકે વાંચી જતાં,સૌથી પહેલી અનુભૂતિ થઈ તે મોટા ભાગની કવિતામાં સંસ્મૃતિ કેન્દ્ર સ્થાને છે,મોખરે છે.આ સંસ્મૃતિ વિશ્વયુધ્ધના અનેક કવિઓની જેમ ઇતિહાસ અને ભૂતકાળમાંથી અપ્રિહાર્ય આવે છે.એક માણસે અન્ય જણને આપેલી કાળાશ.એ પોતાને વિશે હોય,માતૃભૂમિ મટે હોય કે એની મા વિશે હોય,એ કેવળ ઉતપત્તિના મૂળગામી મૌનથી ભરેલી છેઃ
“મારૂં કાળુ લોહી ફરે છે,મારી કાળી સંસ્મૃતિ/પોતાની સામે થઈ જાય/અને ડૂબે/ઉતપ્ત્તિના આદી મૌનમાં”(ૃ.૧૭)આ પંક્તિઓ જર્મન કવિ પાઉલ સેલાનની’ડેથ ફ્યુહુ” કવિતા મનમાં ટપકાવી જાય છે.આવાં જ સંસ્મૃતિના કાવ્યોમાં એક સ્ત્રી પોતાના કુટુંબને જીરાફના કુટૂંબમાં જૂએ છે અથવા કાતર સંદર્ભે પણ વિચારે છેઃજીરાફ વિશે લખતાં-‘ એ ચામડી એટલી ગરમ/કે હવા પણ શેકાઈ ટેરા કોટા થઈ જાય.’અથવા,’મારાં મા-બાપના સામાન્ય સ્વપ્નને છેતરતીઃદરજીની મોટી કાતર/ચોકની સફેદ લાઈનને અનુસરે છે.’આ એજ કાતર છે જેણે છાપાંના કકડા કરી ગરમી આપતા સ્ટવની પાઈપોમાંની તરાડો ઢાંકી હતી,અને સોજા જેવા નાજુક નખ કાપ્યા હતાં.આવી સુરરિયલ ઈમેજો આપણી અપેક્ષા વધારે છે,છતાં બહુધા કરીને કાવ્યપધ્ધતિ,વસ્તુઓને યથાર્થપણે ચીતરતી ઉત્કૃષ્ટ કક્ષાની કાવ્યપધ્ધતી છે,જે મા વિષયક કવિતામાં વધારે અસરકારક છે.’આપણે ક્યારેય મૃત્યુ વિશે વાતો નથી કરતાં મા/જેવી રીતે પરણેલા ક્યારેય સમાગમ વિશે બોલ્યા નથી.’યદ્યપિ આપણે કવિતા સાથે મૃત્યુ તરફ ગતિ કરીએ છીએ-‘કેમોમાયલ દૅથ'(chamomile [kam-uh-mahyl,ઇન્ડિયાના શબ્દકોષોમાં camomile જોડણી છે)કાવ્યમાં એની માને કહે છે,’રાહ જો મરણની,એ મેળાના માણસ સમ ઘોંઘાટીયું આવશે.’

તો ક્યારેક ઇમેજીસ કર્કશ કે રૂક્ષ લાગે છે-આવું કયા કાવ્ય સંગ્રહમાં નથી બનતું?અથવા કયોઅ સર્જક પૂર્ણતઃ અ-ચૂક છે!-જેમ કે,’માફ કરજો,બાપુ આ કવિતા લખવા માટે/જે દરવાજાના કિચૂડાટ જેવી સંભળાય/ચીંથરાના ઢગ સામે/ઓરડામાં એની બગલના જાળાં સાથે…(પૃ.૪૫)દરવાજો કિચૂડાટ કરે પણ ચીંથરા સામે કેવો કરે?રૂમની બગલ એટલે? કદાચ ખૂણો અભિપ્રેત હશે !જ્યારે સ્પ્ષ્ત નથી કે નિશ્ચિત પણ નથી કે ક્યાંથી શા માટે શુષ્ક ફરિયાદ આવે છે…કદાચ બગલ શબ્દ આલ્બેનિયન ભાષાની વાક્ય રચનામાં અલગ રીતે બંધ બેસતો હશે,પણ અંગ્રેજી પર્યાય તરીકે વપરાતા કદાચ વાક્ય રચના અજુગતી બની ગઈ હોય.

કાવ્ય સંગ્રહ કદાચ એની દરેકે દરેક કવિતાની પૂર્ણતાની ખાતરી નહીં કરાવતો હોય છતાં એ ઇતિહાસની-ભૂતકાળની-સબળતા ઝીલીને આવે છે.ઉપરાંત યુરોપની ઓછી ઓળખાયેલી સંસ્કૃતિની ઝાંખી પણ લાવે છે-જેમાં લુલયેતા એ અનુભૂતિ કે અનુભવ તરફ અંગૂલીનિર્દેશ કરે છે( જેમ સેલાન,બાકમેન,હેરબર્ટ,પ્રીમો લીવી વગેરે કરે છે)-કે યુરોપના માણસમાં જીવન વિભાવના અને મથામણ કેવી હતી.સંત્રસ્ત.આગળ-પાછળ મૂકેલા લેખોથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ‘ફ્રેસ્કો’ની કવયિત્રી કાવ્યને ચોક્કસ ઓળખે છે;પણ કદાચ અનુવાદની મર્યાદાને કારણે આપણે કવિતાની ઉણપ પાસે પણ બેસીએ છીએ.પ્રશ્ન એ પણ ઉદભવે કે કવિતા ‘કાવ્યબાની’થી-તોડી ફોડીને-ઓળખાય કે કવિતાને માનવ સંદર્ભમાં-જે કવિતાનો વિષય છે.-ઓળખવી જોઇએ,જ્યારે કવિતા એક સર્જકનો અનેક સંસ્કૃતિ અનુભવ થઈ ગઈ છે.
૩-૩-૨૦૦૮

Advertisements

ઉલટાવેલી પ્રતિમા (મિરર ઇમેજ)માં અટકી ગયેલા માણસનો કવિ

ડિસેમ્બર 21, 2017

ધ કલેક્ટેડ પોએમ્સ,૧૯૫૬-૧૯૯૮,
ઝ્બીગન્યેફ હેરબર્ટ ( પોલીશ ઉચ્ચાર )
ઝ્બીગન્યેફ હરબર્ટ ( અંગ્રેજી ઉચ્ચાર )
જીવનકાળઃ૧૯૨૪-૧૯૯૮
સંપાદનઃઅલિસા વાલેસ(alissa valles)
પ્રકશકઃએકો(ecco)પ્રેસ,૨૦૦૭ ($૩૪.૯૫ નવિ આવૃત્તિ
$૨૦.૯૫ વાપરેલી મારી આવૃત્તિ)

વિશ્વ સાહિત્યમાં દ્રષ્ટિપાત કરતાં એવું દેખાય છે કે જો સર્જક કોઇપણ રાજકીય તત્વજ્ઞાન કે પરંપરાને વળગી ન રહે તો-મોટા ભાગે-એને નોબેલ પ્રાઇઝ મળતું નથી.ઝ્બીગન્યેફ હેરબર્ટ માટે આવું કહી શકાય,કારણ કેબોર્હેસની જેમ એનો પણ ઓછા જાણીતા સર્જકની તરફેણમાં અસ્વીકાર કરાયો હતો.પણ એમના મૃત્યુ પહેલા ટી. એસ.એલિયટ પારિતોષિક આપી,એમનો સર્જક તરીકે,નહીંકે સિધ્ધાંતવાદી તરીકે,સ્વિકાર કરાયો હતો.અને મૃત્યુ પછી પ્રકાશીત આ અનુવાદોએ પણ વિશદ ચર્ચા ઊભી કરી છે.હેરબર્ટના કાવ્યોમાં,આત્મસંયમ અને ગૌરવ એકસાથે,જીવનમાં ઉદભવેલી અછત અને કશુંક ગુમાવ્યાના જે અનુભવો જીવનકાળ દરમ્યાન થયાં તેમાંથી ઉદભવ્યા છે.પહેલાં નાત્સિને(Na·zi/ˈnɑtsi,] હાથે અને પછી સામ્યવાદીઓ.છતાં એમના કાવ્યમાં આશા અને હ્યુમર બન્ને અભિવ્યક્ત થાય છે.આ પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છેઃ પહેલા વિભાગમાં શરૂઆત કાળનાં કાવ્યો-જેમાં વિશાદ અને કશુંક ગુમાવ્યાના રૂપક અને કોઇકવાર વેરવિખેર થયાની લાગણીઓ વ્યક્ત થાય છે.બીજો ભાગ વક્રોક્તિ ભરેલાં ગદ્યકાવ્યોની હારમાળા છે,ત્રીજો ભાગ એમનામ ગદ્યકાવ્યથી સજ્જ છે,એમાં એમનું ઉત્કૃષ્ટ કવિકર્મ છે તે ‘નાનું પંખી’અને શિર્ષક કાવ્ય, જ્યાં જીવન અને કળા બન્નેને અલ્વિદા કહેવાઈ છે,જે ખરેખર તો હેરબર્ટના સ્મૃતિલેખની ગરજ સારે છે.ચોથા ભાગમાં ૧૯૯૦માં પ્રગટ થયેલ’એલિજી ફોર ડિપાર્ચર’ના કાવ્યો છે જે ખરેખર શોકપૂર્ણ ધ્વનિથી વિશિષ્ટ છે.

આગળ કહ્યું તેમ આ કાવ્યોમાં ઊણા ભૂતકાળનું ભયાવહ હકિકતો સાથે સામિપ્ય સર્જાતા એનું સ્થાન નવો વર્તમાન ગ્રહણ કરી લે છે,જેમાંથી મૃત્યુ પામેલાં ભાગ્યેજ ગેરહાજર રહ્યાં છે.’થ્રી પોએમ્સ બાય હાર્ટ’ ‘આર્ડનના જંગલ’ જેવાં કાવ્યોમાં કબૂતર કે સ્ટ્રોબેરીના વર્ણન યુધ્ધ સમયે થયેલી કત્લેઆમના ઊંડા સંબંધો/સંદર્ભો મૂકી જાય છે,અથવા કહોકે એ સંબંધો કે ઉલ્લેખોનો છેદ નથી ઉડી જતો.-‘કબૂતર હળવેકથી પડ્યાં/જાણે કે ગોળી મારી પાડેલી હવા.’ અથવા ‘બળેલાં વાદળો-કપાળ ડામીને છાપ ઉપસાવેલા-અને હજારો ઢાંકણાં દાબેલાં-તંગ સ્થીર આંખો પર.’હેરબર્ટ, દરેક પદાર્થ જીવનથી જાણે કે હિંસક પણે છૂટો પાડી ગયો છે તે રીતે અભિવ્યક્ત કરે છે.આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એનું ‘રીંછ’ કાવ્ય છે.જેમાં રીંછનું રમકડું -વીની ધ પુહ- જે બાળ અનુભૂતિનું સર્વસ્વ છે,’પણ જંગલમાં ભમતા શિકારીઓ બે નાનકડી આંખ વચ્ચે ગોળી મારે છે.’કવિ કાવ્યમાં,સંસ્મૃતિનો પ્રભાવ,ભૂતકાળમાં થયેલી છેતરપીંડી અને જવંત તથા મૃત વચ્ચેના ઘરોબાની તલસ્પર્શી અભિવ્યક્તિ આપી ગયાં છે.ધીમે ધીમે એમના કાવ્યો વધારે ને વધારે ખાનગી થતાં ગયાં,ટૂંકા થતાં કાવ્ય ક્યારેક તો કહેવત કે સુત્રો જેવાં લાગવા માંડે છે.એને કારણે જ કેટલાંય વિવેચક આ સર્જકને પોલેન્ડના બન્ને-મિલોશ અને સિમ્બોર્સ્કા જેવા નોબેલ વિજેતા સાથે સરખાવી,પાસે બેસાડે છે.ન્યુયોર્ક ટાઈમ્સના સ્ટીફન ડોબિન્સ તો એટલે સુધી કહે છે કે,’ન્યાયી વિશ્વમાં હેરબર્ટને તો કેતલાય સમય પહેલાં નોબેલ પ્રાઇઝ મળ્યું હોત.’

અહીં આ પુસ્તકે જે ચર્ચા જગડી છે,અનુવાદની કળા વિશે,તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે.આમતો અનુવાદનું કર્મ હમેશા થક્વી નાખનારું,વિવાદ સર્જનારું,બદનામી કે ધિક્કાર(વિવેચકો માથે માંછલાં ધૂએ તે સંદર્ભે.) ઉપજાવનારું છે.ખરેખર તો અનુવાદ એ સ્વતંત્રપણે અન્યતર સર્જન પ્રક્રિયા છે,જે દેખાતી નથી,પણ જ્યાં અનુવાદકે ગેરહાજર રહીને બીજી ભાષામાં દેખાવાનું છે.કદાચ અનુવાદની પ્રક્રિયામાં એટલોજ ફરક છે કે એક જ કાવ્યને કવિના અવાજમાં સાંભળો અને એ જ કાવ્યને મૌન વાંચો.આ નાદયુક્ત અને નીરવ કાવ્યને આગવો આકાર છે,અવેજી નથી.અનુવાદ અવેજી ન થઈ જાય તે જ મહત્વનું છે.છતાં પ્રશ્ન તો છે જ કે સારા કે સાચા(?) અનુવાદ કોને કહેવા? ઘણીવાર એક જ કાવ્યના અનેક જુદા જુદા અનુવાદ મળે છે,એ સમજ ફેરને કારણે કે વાક્ય રચનાને કારણે? ચોફેર જેટલાં લેખ આ પુસ્તક વિશે વાંચવા મળે છે તેમાં કવિ કે કાવ્ય વિશે જેટલી ચર્ચા નથી તેટલી દુર્ભાગ્યે અનુવાદ વિશે અને અનુવાદ કરનાર વિશે છે.મહત્વની બાબત એ છે કે તમારે હેરબર્ટને વાંચવા સ્મજવા હોયતો એના વિશેની સમીક્ષાઓ નહીં પણ કાવ્યને વાંચો.તમારી તટસ્થતામાં જ કવિ અને કવિતાની અન્યતર ભાષા ઉદભવે છે,જે જે તે કવિની આવશયક લાક્ષણિકતા છે.હેરબર્ટ,એમની ‘એપિસોડ ઇન અ લાયબ્રેરી’ગદ્ય કાવ્યમાં લખે છે તે વાત કોઇપણ અનુવાદને કદાચ લાગુ પડી શકે છેઃ ‘Now as i watch the death of the words,i know there is no limit to decay.All that will be left after us in the block earth will be scattered syllables.Accents over nothingness and dust.(હવે જેમ જેમ હું શબ્દોનું મૃત્યુ જોયા કરું છું,હું જાણું છું વિઘટન પરિમિત નથી.જે કંઈ આપણી પાછળ કાળી ધરતીમાં રહેશે(તે) વેરવિખેર મૂળાક્ષરો જ હશે.ધૂળ અને નહીંપણા ઉપર સ્વરભાર.)

આ કાવ્યની વિશેષતા એની ભાષા અને વાક્યના બંધારણ માટે વપરાતાં વિરામ ચિહ્નો;અલ્પોક્તિઓ અને નમણી વક્રોક્તિઓમાં છે,જે છઠ્ઠી વિભક્તિ કે વિશેષણ બનાવી ઉભાં કરાતાં રૂપકો કે વાગચાતુરીથી દૂર રહ્યાં છે.એની વેદના કે સંવેદનો,એના સર્જનના જે પદાર્થ છે તે નરી ક્લ્પનાઓથી કેવી રીતે રૂપાંતર પામે છે અને નાશ પામે છે તે સભાનતામાંથી આવે છે.અને એજ કવિને માનવ પરિસ્થિતિનું સાચું ભૂગળગાણું ગાતા સર્જક સ્વરૂપે વિશ્વ સમક્ષ વ્યક્ત કરે છે.ઝ્બીગન્યેફ હેરબર્ટ એ અરીસો છે જેમાં આપણી ઇચ્છાઓ,ઊણપો,નાશ કે મનોદૌર્બલ્ય સતત ડોકાયા કરે છેઃasks the water for face. આ મેટાફર આપણે જે જાણીએ છીએ તેની સાથે જોડી આપી આપણને-મનુષ્ય માત્રને.-હમેશા તર્કગ્રાહ્ય બનાવે છે.પાઉલ સેલાન સમ માનવ પરિસ્થિતિના tragicomic egoનું એલાન કરતો સાચો Mr.Cogito:- ગઈ સદીનો એકમાત્ર કાવ્યાત્મક a star named Hamlet we shall never meet/what i shall leave will not be worth a tragedy/it is not for us to greet each other or bid farewell/we live on archipelagos…(elegy of fortinbras)

[૧૯૯૮માં મૃત્યુ પામેલો કવિ હવે ઇનામ તો નહીં જીતે પણ કાવ્યજગત અને કાવ્ય રસિયાઓને તો ચોક્કસ જીતશેઃએ જ મારી અંજલી]
નોંધઃ- આ અનુવાદ વિશે વિગતે લેખ વાંચવો હોય તો જૂઓ,Poetry,may 2007,a dead necktie’-માઇકલ હોફમન(Michel Hofmann).
૧૨-૫-૨૦૦૭


સાહિત્ય અને રાજકારણ સંચાલિત માનવજૂથથી ઘેરાયેલો સર્જકઃઓરહાન પામુક

ડિસેમ્બર 21, 2017

૨૦૦૬માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક અપાયું હતું તે તુર્કીના ઓરહાન પામુકનું મૂળ ૧૯૯૯માં પ્રકાશિત (Öteki Renkler) Other Colors: Essays and a Story. પુસ્તકમાં,પ્રગટ અને થોડાં અપ્રકાશિત નિબંધોના અનુવાદ છે જે એમની નવલકથાઓનો આડકતરો ઉલ્લેખ છે.નવલકથાના નામના રંગો,જ્યાં લાગણીની ઉત્કટતા સ્વયં,એમની નવલકથાની લાક્ષણિકતા થઈ ગઈ છે,ત્યાં ‘અધર કલર્સ’ના નિબંધો-અને એક માત્ર વાર્તા,જે ગ્રન્ટાના લવસ્ટોરી અંક ૬૮માં ‘ફેમસ પિપલ’નામે અંગ્રેજીમાં છપાઈ હતી,-અહીં એ ‘ટુ લુક આઉટ ધ વિન્ડો’નામે ફરી છપાઈ છે( અહીં એક વાતનો ઉલ્લેખ કરવાનો કે ‘તથાપિ’અંક-૫માં નિમેષ પટેલે અનુવાદ પહેલાંના ટૂંકા પરિચયમાં જણાવ્યું છે કે

‘ધ અધર કલર્સ(૧૯૯૯)નામનો તેમનો વાર્તા સંગ્રહ છે.’એ ખોટી માહિતિ છે.’અધર કલર્સ’મૂળથી જ નિબંધ સંગ્રહ છે.)ખૂબ જ ઝીણી વિગતો ભરેલાં, સંવેદન શીલ અને અર્થ,ભાવ,રંગ વગેરેની છટા કે ભેદ આ સર્વની નાજુકાઈ તરફ ઢળે છે.તેથી જ એમના કેટલાંય નિબંધોંમાં રેખાચિત્રો ચોકઠા વિનાના પુસ્તકના મુખપૃષ્ઠ પર આછી પાતળી પાર્શ્વભૂમિ પર છાપેલાં ફોટા જેવા છે,તો સાથે સાથે એક સર્જકની કે લાગણીશીલ ચીવટભર્યા નિરીક્ષકના રોજિંદા આનંદ અને વેદના વિષયક પ્રતિભાવ છે.જેમ કે વ્યસનત્યાગ,સગાંઓ સાથે બેસી જમવાનું કે દિકરી સાથે કરેલી રમતો વા મધરાતે પોતાના ઘરમાં આંટા માર્વા અને વાવાઝોડા-તોફાન પછી બહાર ફરવા જવું,ઇત્યાદિ વિશે.

મૂળે ચિત્રકાર પામુકે,આ નિબંધનાં શબ્દચિત્રો એ જ શોકપૂર્ણ ધ્વનિથી ભર્યાં છે જે,’ઇસ્તંબુલઃ મેમરીઝ એન્ડ ધ સિટી’માં આપ્યાં છે.છેવટે મૂકેલી વાર્તા પામુકનો નાનકડો કલાત્મક ટૂકડો છે-જેંમાં ૧૯૫૯ના શિયાળામાં પામુકના સમૃધ્ધ કુટુંબની જીવન પધ્ધતિમાંથી આવેલાં કડવા-મીઠા આવાહન ૭ વરસના ઓરહાનની દ્રષ્ટિથી જોવાયાં છે.જવેલ્લેજ આપણને જોવા મળે છે આવું ખૂબ જ ગળે ઊતરે એવું,બાળકની આંખે જોવાયેલું પુખ્ત વિશ્વ.પામુકમાં એ બાળક ક્યારેય વિકાસ જ નહતું પામ્યું એટલે તો એમાં છે અવિચારી,સાહસિક બાળ સહજ પ્રામાણિકતા.જેમ બાળક જેવું જૂએ તેવું જ કશા ફેરફાર વગર કહી નાખે,તેમ પામુક બોલ્યા પછી શું આફત આવશે તે વિચાર્યા વગર બાળસહજ વૃત્તિથી બોલી જાય છે.કદાચ આ સાહજિક નિખાલસતાએ પામુકની ચોફેર સામાજિક અને રાજકીય વાવંટોળ સર્જ્યો હશે !

આ ખાનગી નિબંધોમાંથી અહીં તુર્કી સાહિત્ય અને રાજકારણ વિશે જે લખાણ હતાં તે કાઢી નંખાયા છે.એને સ્થાને ૨૦૦૦ની સાલ પછી લખાયેલાં ડાસ્ટઃયેફ્સ્કી[Dostoevsky(dos-tuh-yef-skee)]થી સલ્માન રશદી અને પોતાની નવલકથા વિશે વિચાર રજુ કર્યો છે તે,નોબેલ વ્યાખ્યાન,વગેરે સામેલ કર્યા છે.ખાસ કરીને ‘વ્હાઇટ કેસલ’વિશે જે લખાયો હતો,the white castle afterwords,અહીં પ્રથમ વખત સામેલ કરાયો છે.ખરેખર તો એ નવલકથાના આમુખ સ્વરૂપે મૂકાવો જોઇતો હતો,કારણ કે એમાંજ સર્જકે શેમાંથી પ્રેરણા મેળવી હતી તે વિશે વિગતે ચર્ચા કરી છે.નોબેલ વ્યાખ્યાનથી માંડીને જે બિજાં વ્યાખ્યાનો-ઇનામો જીતવા બદલ-મળ્યાં છે તે દરેક વિગતોમાંથી એક જ વાત ફલિત થાય છે કે પામુક નવલકથા,પશ્ચિમનું માનવ સંસ્કૃતિને વિશેષ પ્રદાન છે,પોતાને અને બિજાંઓને સમજવા માટે,કહીને સાહિત્યના એક સ્વરૂપની સ્તૂતિ કરે છે.

સાહિત્ય કેવળ કળા નથી,એ ધર્મ જેવી જ(નિઃસંકોચ એનાથી ઉત્તમ)ટેવ છે,પામુક કદાચ આ ટેવથી વંચિત રહ્યાં નથી,નવલકથાની કાલ્પનિક ભૂમિ એટલીજ મહત્વની છે,(અને કોઇપણ માનવ અસ્તિત્વને અભિવ્યક્ત કરતી નવલકથાને આ લાગુ પડે છે.) જેટલા વાસ્તવિક સ્થળો છે.પામુકની ચાર નવલકથા અને આ નિબંધ સંગ્રહ વાંચયા પછી એ થોમસ મન,સ્ટર્ન,સ્ટેન્ધલ કે ડાસ્ટઃયેફ્સ્કી વગેરે સાથે વાંચી શકાય એટલો સર્જનાત્મક લાગ્યો છે,એનું કારણ કદાચ એ હોઇ શકે કે આમાંના કેટલાંક નિબંધો,નવલકથા ચાહકનો વર્ગ અને રાજકીય જવાબદારી,જેવા પ્રશ્નની અવારનવાર છણાવટ કરે છે.Mario Vargas LLosa વિશેના લેખમાં પામુક લખે છે કે ત્રીજા વિશ્વના લેખકોની અવસ્થા,જ્યાં દેશ નિકાલ,’ is not so much a matter of geography as a spiritual state…of being a perpetual foreigner.’પામુકના લેખ તુર્કીની બહાર જેટલા પ્રવાસ કરે છે તેટલા જ સ્થાનિક પણ છે,જ્યાં એના હજામ,લારીવાળા,કૌટુંબીક ભોજન-રજાનું કે ધાર્મિક દિવસો,વગેરે વિશેના અવલોકનોમાં સમાજ વ્યવસ્થા કે ઇતિહાસ અને વ્યક્તિગત સંભારણા વ્યક્ત થાય છે.પામુકના લખાણની વિશિષ્ટતા એ છે કે ઐતિહાસિક દૃષ્ટિકોણ કે ખયાલ સાથે આત્મસંસ્મરણોનું નિબિડ મિશ્રણ છે,અને એમાં રજકીય ટિપ્પણીની છાંટ જોવા મળે છે કે સંભળાય છે.એની પધ્ધતિને કારણે-શહેરીપણું અને એનું શહેરી-મનોદૌરબલ્ય અને વિઘટન એને સાચા સંદર્ભે કેવળ રોમેન્ટિક જ નહીં પણ પોસ્ટમોર્ડન સર્જક તરીકે મૂકી આપે છે.એણે લખ્યું છે કે,’the city’s collective memory is its soul,and its ruins are its most eloquent testimony.’લખાણો વાંચતા સતત એવું સંભળાયા કરે છે કે પૂર્વ-પશ્ચિમના વલણ વિષયક કે આદર્શોના ટકરાવાના પ્રશ્નોએ પામુકનો પીછો નથી છોડ્યો,છતાં નમુનારુપ સર્જકોમાં રશિયન સર્જક પણ છે.

પામુક ફરતે સર્જાયેલો રાજકીય-કાયદાકીય વંટોળથી-ખાસ કરી એના જાતિસંહાર શબ્દના ઉપયોગ માટે.-( અહીં નોંધ કરવાની કે આર્મેનિયન સર્જક સિયામેન્ટોનું’બ્લડી નુઝ ફ્રોમ માય ફ્રેન્ડ’આ સંદર્ભે વાંચવા જેવું છે.)એની માનવાધિકાર અને ધાર્મિક સહિષ્ણુતા ટાળી શકાય નહીં,અને એ વિશેના અભિપ્રાય દાબી દેવાય પણ નહીં.પુસ્તકની શરુઆતમાં’લિવિંગ એન્ડ વરિયિંગ,વિભાગમાં, લેખક તરીકેની મથામણ અને બીજા નિબંધમાં પિતાના મૃત્યુના સમાચાર વગેરે લખાણોમાં રોજબરોજના કુટુંબ અને મિત્રો સાથેના સહઅસ્તિત્વની વિગતો છે,છતાં એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે એ દેશમાં,જેના વિશે બહુ માહિતિ જ નથી મળતી,લોકોનો દિવસ કેવી રીતે પૂરો થતો હશે,એનો આપણી પાસે કયો ચિતાર છે કે દ્રશ્ય છે એ પ્રજા વિશે? પામુકના ‘પોલિટિક્સ,યુરોપ,એન્ડ અધર પ્રોબ્લેમ્સ ઓફ બીઈંગ વન્સેલ્ફ’વિભાગના નિબંધોંમાં તુર્કીનું યુરોપમાં ભળી જવા વિશેનો નોખો ખયાલ વાંચવા મળે છે.આ બધામાંથી વૈયક્તિક અભિપ્રાય અને સાંસ્કૃતિક ઉત્ક્રાંતિનો દ્વૈત સૂર સંભળાય છે.પામુકના શબ્દો એને એના દેશમાં કુખ્યાત ચીતરે છે,તો વિશ્વના ઇતર દેશોંમાં આ વિશે ક્યાં નવાઈ છે.હિન્દુસ્તાન,ચીન,જાપાન,રશિયા,પાકિસ્તાન વગેરે દેશોએ પાશ્ચાત્ય અર્થતંત્રનો અંગિકાર ક્ર્યો છે અને સત્ય પ્રત્યેની સજાગતા ઢાંકપીછોડા તરફ ગતિમાન છે.વિશ્વના દરેક સમાજ,રાજકીય તંત્ર(અને એ દ્વારા)દેશોમાં રાજકીય પક્ષો રાજકારણ અને ધર્મ(ઉપરાંત રંગ.)ના સંમિશ્રણ તરફ ઝૂકેલા દેખાય છે.શું આને સમાનાધિકાર તંત્ર કે નિષ્પક્ષપાતી તમ્ત્ર કહેવાય? પામુકના લખાણ આવા પ્રશ્નથી,સંકેતોથી સિંચિત છે.છતાં એવું તો ચોક્કસ કહેવું પડે કે પામુકના સર્જનના વલણ અને વફાદારી,વિશ્વના માણસના અધિકાર અને અભિવ્યક્તિના વ્યક્તિ સ્વાતંત્ર્ય વિશે છે,વિવિધ સંસ્કૃતિના ઘર્ષણ વિશે નથી.પશ્ચિમના દેશો કે યુરોપના દેશોમાંથી આવા આવ્યા તેથી જ પામુક એ સંસ્કૃતિના મિથ્યાચાર,લોકશાહીને નામે માંડેલા યુધ્ધ કે સંહાર વિશે બોલે છે,દુઃખતો એ વાતનું છે આપણે કેવળ આદર્શ પર જીવીએ છીએ,આપણી-જે તે દેશની- સંસ્કૃતિએ પ્રસ્થાપિત કરેલી પરંપરાને સાથે લઈને નહીં.આ નિબંધો પામુકને વિશ્વના લેખક તરીકે રજુ કરે છે,પણ વિષિષ્ટ,ગહન અને નિશ્ચિત તુર્કી દઅષ્ટીકોણવાળો વિશ્વ-સર્જક.
૧૦-૧૪-૨૦૦૭


વિ-દેશવટોઃ ઘરનો રસ્તો ભૂલેલા સર્જકની કાવ્યયાત્રા

ડિસેમ્બર 25, 2012

કાવ્યક્ષેત્ર એટલું વિશાળ છે કે એક કાવ્ય વાંચતા અનેક યાદ આવે છે.સંસ્મૃતિ અચાનક વિશાળ થઈ જાય.એવું સંસ્કૃતિ વિશે પણ કહી શકાય.એનાથી દૂર થયા પછી એનો વ્યાપ વધી જાય.સંસ્કૃતિની સંસ્મૃતિને નામ છે ,ઓળખ છેઃ ઘરઝૂરાપો,નિસ્કાસન,વિ-દેશવટો આદિ.જેમ ભક્તિયુગમાં ઇશ્વર અનુરાગ હતો એમ ભૌતિકયુગમાં ‘વતન’એવું ટીખળિ વિધાન ભરતભાઈ અને અન્ય કવિઓ વાંચતા કરવાનું મન થાય.ભરત ત્રિવેદી એ કાવ્ય-જીવન યાત્રાને વિ-દેશવટો નામ આપે છે અને પન્ના નાયક પોતાને વિદેશીની નામે ઓળખાવે છે.
કુલ ત્રણ પ્રસ્તાવના અને CD સાથેનો આ સંગ્રહ બે ભાગમાં વિસ્તરેલો છે,અછાંદસ( આ શબ્દ સ્વયં ચર્ચાનો વિષય છે.)અને ગઝલ.એમાથી અછાંદસ વિશે અહીં લખાયું છે.( ગઝલ મારો વિષય નથી અને આવડત નથી.)
વિ-દેશવટો’માં સમાજવાદી ધ્વનિ છે,વ્યક્તિચિત્રો છે જે નીજી વિગતો બોલે છે.લા.ઠા.ના કાકુ સંભળાય છે તો-વેગાઝનાઇટ્સ-જેવા કાવ્યમાં વેગાઝ અને ભાદરણનો સંદર્ભ સધાતો નથી,’ઓરે પિયા મોરે પિયા’જેવાં કાવ્ય અકારણ લમ્બાયા છે.એમના કાવ્યમાં વક્રતા કે અફસોઅસ વર્તાય છે,કાવ્યજગત પ્રત્યે તો અહીં બાળસહજ રમતિયાળ ભાષા પણ છે અને સંક્ષિપ્ત કવિતા( મિનિમાલિસ્ટ પોએટ્રિ)ની ઘટ્ટતા ય છે.ક્યારેક કવિતા gag કે એના જેવા અભિગમ તરફ સરકી જાય છે.Ars poetica જેવા કાવ્યમા કવિતા simile સુધી જઈ મેટાફર બનતા અટકી જાય છે,તો ક્યાંક હોવાની વેદના,ન હોવાની,ગળાઈ ગયાની છે.કાવ્યમાં પોલિટિક્સ સંભળાય છે.’સ્પ્રિંગફિલ્ડ’માં પરદેશી પણાનો અનુભવ વક્રતા અને માનસિક અસંગતિથી ઝૂંપા લાહિરીની ‘નમસેક’માં જોવા મળે છે તેવી મથામણ છે.( આ ડાએસ્પોરા નથી એડજસ્ટમેન્ટની મથામણ છે.)આ કાવ્ય સાથે ‘ફોલિન્સબ્રુકનું મારૂ ઘર’ ટ્રાન્સમાઈગ્રેશનના કૂટપ્રશ્નો છે,મનોસ્થિતિ છે.સ્થિત્યંતર અને સ્થળાંતર પૂનરવસવાટ્ની વ્યથા છે,શારિરીક તકલીફો છે.’વિન્ટર અને હું’ સ્થાનિક અને સ્થળાંતરિત માણસનું જક્ષ્ટાપોઝિશન છેઃએવાં કાવ્ય આ મારાથી નહીં થાય કે આ મારી પરિસ્થિતિ નથી કે મારી હયાતી નથી એનો સૂર છે.જીવવું એ ટેવાવું છે.કાવ્ય પ્રાદેશિક ,સામાજિક,ધાર્મિક,શહેરી ચિત્રોથી ભરેલાં છે અને કાવ્ય વિશે પણ કાવ્યો છે જ્યાં અભિવ્યક્તિની, ભાષાની,સરળ નિખાલસતા અને સાહજિકતા( અક્લિષ્ટતા)એવાં કાવ્યોનું હાર્દ છે.’માનો ફોટોગ્રાફ-બારી બહાર’આપણા ભૂતપૂર્વ કવિ યાદ કરાવે છે,નવા ધ્વનિથી, સંદર્ભથી.’કવિતા અને એક અધૂરી કવિતા’ જેવાં કાવ્યમાં ભર્તૃહરીવાળો સ્ફોટ કાર્યરત છે,કાવ્ય સર્જનની વેદના છે, મથામણ છે.દરેક કાવ્ય અધકચરી પ્રક્રિયા છે,જ્યાંથી સર્જક પડતું મૂકે ત્યાંથી બીજા કોઇએ એને ફરી તપાસવાની છે ,ઓળખવાની છે.
ભરતભાઈની કવિતા સામાજિક મૂલ્યોનો ઉચ્છેદ વા હ્રાસ લઇને આવે છે વા રેશનાલિસ્ટ સમ આપણી સામાજિક અતિરેકતા અને આપણા મૂલ્યોની પૌરાણિકતા કે જીર્ણતા વિશે બોલે છે.ત્યારે પ્રશ્ન એ થાય કે કવિતાનું કામ ગદ્યમય પદ્યનું પણ હશે?કે પછી એ બે વચ્ચે જે ભેદ છે તે કાંઠા તોડવા જરુરી છે?કે બે શૈલી પોત પોતાની રીતે પોતાના કામ કરે તે હિતાવહ છે.આ ઉપરાંત ભરતભાઈની કવિતામાં અભિવ્યક્તિના ત્રણ અભિગમ વર્તાય છે તેમાં પહેલો એમના કાવ્યમાં pop cultureના સંદર્ભો,ઉલ્લેખો;લોકગીતો-ફિલ્મી ગીતો-કહેતી વગેરે.ડૉ.સુમન શાહ પ્રસ્તાવનામાં આને ‘ઇરાદા વગરની અથડામણો’તરીકે ઓળખાવે છે.કાવ્ય સર્જન પ્રક્રિયામાં એ આગંતુક પંક્તિઓ અકારણ તો ન જ હોવી જોઇએ.બીજું પ્રત્યારોપણ એમના કાવ્યમાં સતત ડોકાયા કરે છે,કદાચ એ છઠ્ઠી વિભક્તિના અતિરેકનું કારણ હશે.( અને એવું મોટા ભાગની ગુજરાતી કવિતામાં દેખાય છે.આપણું છઠ્ઠી વિભક્તિને ખીલે લટકતું કાવ્યક્ષેત્ર છે.)
અમેરિકા નિવાસી આ કવિને કોઇની સાથે તપાસવો હોય તો તે છે ટોની હોગલેન્ડ,કારણ આ કાવ્ય અમેરિકન confessional ( જ્યાં ‘હું’ શરૂઆત છે.) અને the social( જ્યાં ‘હું’ પોતાને તાગે છે.)ઉપરાંત એમની કલ્પના (ઇમેજીનેશન)નો વિસ્તાર શિષ્ટાચાર (શૈલી),નૈતિકતા (મૂલ્યો),સેન્દ્રિયતા,ઉર્મિયુક્ત લય અને નિખાલસતા સુધી ઘરોબોભર્યો તોફાની છે.ટોનીના કાવ્ય સાંપ્રત વા અત્યાધૂનિક જીવન પધ્ધતી અને સંસ્કૃતિ વિશે કોમેન્ટ છે,જ્યારે ભરતભાઈના દેશી મૂલ્યો વિશે છે.
ત્રિજો અભિગમ છે તે બહુ ચર્ચાએલો “ડાએસ્પોરા”નો જે ‘વિ-દેશવટો’નો ખાસ ધ્વનિ છે.એમના ઉપરાંત બાબુ સુથાર,પ્રિતમ લખલાણી,પન્ના નાયક વગેરે ( અને મેં ન વાંચ્યા હોય તેવા વિદેશી સર્જકો એ પણ) આ ધ્વન્યાત્મકતા ઉભી કરી છે. વિશ્વ કવિતા-ખાસ કરીને યહુદી માણસો તથા કવિ અને ગુજરાતી કવિતા વાંચતા આ ડાએસ્પોરા સંજ્ઞા બે અર્થમાં સમજાય છે.એક યહુદીઓની બાબીલોનમાંથી હાકલપટ્ટી અને તેમાંથી સર્જાયેલું વેરવિખેરપણું અને બીજું કોઈ પણ પ્રજાનું સામાજિક-આર્થિક-ધાર્મિક પૂર્વપીઠિકા સાથે સકારણ વિખરાવું. આ બન્નેમાં સ્થાયિ થવું મૂળગામિ અનુભવ કે વિચાર છે,આયોજન છે.એક સ્વેચ્છાએ નિસ્કાસિત થયેલો માણસ છે,બીજો “ત્રાહિત” નિસ્કાસન છે.ગુજરાતી કવિ પહેલા પ્રકારનો સ્થળાંતરિત માણસ છે પરિણામે એના સર્જનમાં પેલા યહુદી(કે એના જેવાં ઇતર)કવિમાં હયાતી ન હોવાની વેદના નથી દેખાતી પણ કેવળ દૂરત્વનો સૂર સંભળાય છે.આ કવિમાં-અને અન્યમાં પણ.- આત્મતપાસ અને આત્મનિસ્કાસન દ્વારા સ્વક્ ને ફરીથી ઓળખવાની તથા કુટુંબ સાથે-એ દ્વારા ભૂતકાળ સાથે-સંબંધ,ગઠન જાળવી રાખવા,પારંપરિક મૂલ્યોને દ્ર્ઢ કરી રાખવાની ગડમથલ અનુભવાય છે.વેદના ન હોવાની નથી, ગળાઇ ગયાની છે.આ કાવ્યોને ડાએસ્પોરા સંબંધે જોઇએ તો આ સ્થળાંતર વાતાવરણમાં ઉદભવતી socio-eco-political અડચણો કે પરાણે બદલવી પડેલી રીતભાતો અને એની મનોગત વેદના છે.સ્પ્રિંગફિલ્ડ-ફોલિનબ્રુકનું મકાન-વિન્ટર અને હું કે વર્ષો પછી વતન જતાં-આના સારાં ઉદાહરણો છે,એક ગોઠવાવાની ગડમથલ કે મથામણ છે બિજી અનસ્તિત્વની વેદના છે.સામાજિક-સાંસ્કૃતિક સંરચનાના આ કાવ્યોમાં ભરતભાઈ પાછળ મૂકિ આવેલી સંસ્કૃતિ સાથે ઘનિષ્ઠ તાદાત્મ્ય ધરાવે છે,ભૂતકાળ ભૂલાતો નથી અને નવેસરતા સ્વીકારાતી નથી એ મનોસ્થિતિ એમના મોટાભાગના કાવ્યનો ધ્વનિ છે.ઉપરાંત પેલા સિરિયન કવિ મેથ્યુ શિનોડા જેમ પૂર્વજો સાથે અનુસંધાન જાળવતા કવિતા દ્વારા પરિવર્તનો વિશે વિચારતા કરી મૂકે છે.ભૂસ્તરના અનુસંધાન પણ ધ્યાન ખેંચે છે ‘મારો એ મિત્ર’માં.આપની પ્રાગઐતિહાસિકતા જ આપણી શરૂઆત છે,આપણા મૂળગામી પણાની.અહીં એક અછડતો ઉલ્લેખ કરી લેવો છે એમના કાવ્ય વિશેની કવિતાઓનો જે કદાચ જુદો અભ્યાસ માગે છે,જ્યાં”કાવ્ય સર્જનની મથામણા,પ્રક્રિયા,અભિવ્યક્તિના દ્વંદ્વ વિશે” (મધુસુદન કાપડિયા)કશુને કશુ કહેવાનુ છે.
છેવટે આ પુસ્તકમાની ત્રણ પ્રસ્તાવના વિશે વાત કરવી છે.દરેક પુસ્તકમાં પ્રસ્તાવના બે કામ કરે છે,એ કાંતો પાઠકને પક્ષપાતી (પ્રેજુડાઇસ)કરે અથવા અભિભૂત કરે.પ્રસ્તાવનાનું કામ દિશાસૂચન જેવું છે,દોરી જવાનું નહીં.અનુસરણ ઉઅપજાવે ત્યારે એ વાંચનારની અનુભૂતિ કે ભાવનને સંકુચિત/સિમિત કરે છે અને જે કહેવાયું છે તેનાથી વિશેષ કે જૂદી રીતે કાવ્યભાવને પરિમિત કરે છે,અને ક્યારેક મૈત્રીભાવે લખાયેલી તો વધારે પડતો દેકારો મચાવે છે.પ્રસ્તાવના ચિતાર છે અને પરિપ્રેક્ષણ છે.સંદર્ભ છે,સહાનુભૂતિ નથી.ડૉ.સુમન શાહની પ્રસ્તાવના કેટલાંક પ્રશ્ન અને વિધાનો સામા ધરે છે.૧) ” અછાંદસકારે ખાસતો રચનાને અનુરૂપ લય પ્રગટાવવો રહે છે…’ શામાટે? કવિતા એટલે એને લય સાથે સંબંધ હોવો આવશ્યક છે? તો અછાંદસ એટલે લયબધ્ધ પંક્તિના ટૂકડા એમ સમજવું? તો જેને prose poetry કહેવાય છે તેમાં કવિતા નથી? તો આપણે પરંપરાને અનુરૂપ થઈને સર્જન કરવૂ રહ્યું?ટૂંકમાં આ ‘અછાંદસ’ શબ્દ જટિલતા છે,સંદિગ્ધતા છે.૨) ” કોઈ પણ કાવ્ય રચનામાં વસ્તુ,માધ્યમ,બાની કે કાવ્ય પ્રકાર મુખ્ય પરિમાણો છે..” આ બ.ક.ઠા.ના જમાનાને લાગુ પડે e-poetry યુગમાં પ્રવેશેલી કવિતાને નહીં.આપણા કાવ્ય “તપાસવાના” માપદંડ હજુ પૌરાણિક જ છે શા માટે? ૩) (ભરતભાઇની) રચનાઓ અછાંદસની જાણીતી પરંપરામાં નથી…”કઈ પરંપરા? ગુજરાતી ભાષામાં આ જાણીતી પરંપરાના નામ કે ઓળખ છે? ૪) ” એને (ભરતભાઈને) આપણા સાહિત્યિક વાતાવરણની,એમાં જાગેલા ,શમેલા,વા કે વંટોળની ખબર નથી…” આમ જોવા જાવ તો લાંબી ટૂંકી પંક્તિના છાંદસ ટૂકડા -અછાંદસ !-ગીત ,ગઝલ અને સૉનેટ એ ગુજરાતી કાવ્યનું વાતાવરણ છે-ગઝલ મુક્તિધામ છે.ગઝલ વગર-એ પહેલાં ગીતયુગ હતો.-ગુજૌ કવિતાને ઉધ્ધાર નથી.છપાતાં મેગેઝીન,ઇન્ટર્નેટ, અને હવે ઈ-મેગેઝિન ઉપરાંત દૈનિક કૉલમના લેખક-સંપાદક પ્રાચીન અને પારંપરિક દ્ર્ષ્ટિથી જ કવિતા માગે છે,મેળવે છે અને છાપે છે.આપણા સમ્પાદકે આપણી કવિતાને મારી નાખી છે.૬૦ના દાયકાના કવિના ૬થી૧૦ કાવ્ય બે મેગેઝિન એક સાથે છાપી,નવ્ય સાહિત્ય માટેના પાનાનો ભેલાડ કરીને !! ૫) ” રચનામા ડાયાસ્પોરિક વગેરે ભાવ -ભાવનાત્મક કથાનકની ગૂથણી પણ હોય….” અહીં ડાએસ્પોરિક એટલે ગુજરાતી કાવ્ય પરંપરા એવો નિર્દેશ દેખાય છે.ઉપરાંત ‘કથાનક’ શબ્દ એવાં કાવ્યમાં નેરેટિવ પધ્ધતિ પર ભાર મૂકે છે, જે અમેરિકન કવિતામા,લુઇસ ગ્લિકમાં ખાસ,દેખાય છે અને વિ-દેશવટો’માં પણ એ વિશેષ કરીને પ્રવર્તમાંન છે.

ડો.ચીનુ મોદી એમની પ્રસ્તાવનામાં સ્પષ્ટતઃ કહે છે વિ-દેશવટૉ’ની કવિતા-ગઝલ સિવાય-conflict છે.ત્યાં અને અહિં એ બે ભિન્ન હયાતી વચ્ચે,પરિસ્થિત વચ્ચે,તેથી કવિ બાહ્યતા અનુભવે છે.વેદના હોવાની નથી,ગેરહાજરીની છે.
મધુસૂદનભાઈની પ્રસ્તાવના આ સંગ્રહ અને સંગ્રહ બહારના કાવ્ય સંદર્ભથી મિશ્રિત છે.એમાં કવિ અને કાવ્યસર્જન વિશે લખાયેલાં કાવ્યનો વિશેષ ઉલ્લેખ છે.પૃ.૩૧ પર ઉલ્લેખેલાં લાઇફ અને ટાઇમ આ સંગ્રહમાં નથી.
ત્રણેવ પ્રસ્તાવનાનો કૉમન શબ્દ છે “ઘરઝુરાપો” જેને કવિ પોતે ” વતન વગરના શ્વાસ પરાયા…” સ્વરૂપે ઓળખાવે છે.
છેલ્લે જેમ અનેક ગજરાતી પુસ્તકોમાં બને છે તેમ અહીં પણ પ્રૂફરિડિંગના પ્રોબ્લેમ આંખે વળગે છે.ભરતભાઈની કાવ્ય ભાષા રમતિયાળ છે,એના લહેંકાઓને કારણે ડૉ.ચીનુ મોદી કહે છે તેમ”જુદા પ્રકારની ગમ્મતનો અનુભવ” કરાવે છે.હોગલેન્ડ સમ ભરતભાઈના wisecrack lyricism હમેશા જામતા નથી પણ આળો જોસ્સો લાગણીશીલ આતુરતા એક પુદગલ બાંધી આપે છે જેના પર એક લાક્ષણિક ચારિત્ર્ય ઉભું થાય છે.જે ટોની હોગલેન્ડ કહે છે તેમઃ-
like a heavy piece of furniture inside you;
you carry it,it burdens you,it drags you down…
than you stop,and rest on top of it.

આસ્વાદઃ અમદાવાદ

તને છોડવા છતાં
ક્યાં છોડી શકાયું છે?
ને
અહીંયા આટલું રોકાવા છતાં
ક્યાં વસી શકાયું છે?

ભાષાને તાંતણે
મારી ગઈકાલ આજની સાથે
જે ગૂંચવાઈ ગઈ છે
તેની આ કવિતા છે.
કાવ્યની પ્રથમ બે પંક્તિ conflict (વિચ્છેદ) છે.આ વિચ્છેદ પ્રશ્નથી તથા તને-ક્યાં-અહીંયા અને ફરીથી-ક્યાં એ ચાર પ્રશ્નાર્થ શબ્દથી ભારપૂર્વક વ્યક્ત થાય છે.મનમાં શંકા છે ,ગડમથલ છે.આવું થયું છે કે થવાની શક્યતા છે એ દ્વિધા કાર્યકારી છે.આ ઘરઝુરાપો કે અતિતરાગ હોવાનુ ભિન્નત્વ છે,હું હતો અને છું વચ્ચેનો ખટરાગ છે, માન્સિઅક વિકેન્દ્રિકરણ છે-અહીયા આટલું રોકાવા છતાં/ક્યાં વસી શકાયું છે?-આ પરંપરાથી ફંટાઇ ગયાનો વિષાદ,ભૂતકાળમાંથી વુખૂટા થવાનું જ્ઞાન જે એના દરેક અર્થમા-ધાર્મિક,સામાજિક,આર્થિક અને રાજકારણ-સંદર્ભમાં છે તે પોતાના મૂળગામીપણામાંથી વિખરાવા વિશે છે.એ વેદના છે , વસવસો છે,ત્યારે પૂર્ણમાંથી પૂર્ણ બાદ થતાં પૂર્ણ શેષ રહે રે વ્યાખ્યા ,જ્ઞાન અસહ્ય લાગે છે.આંખ વચ્ચે નાક પર કરચલીઓ તણાય છે અને ચહેરો બદલઈ જાય છે.સ્થળાંતર,દેશાંતર ચહેરો બદલાવાની પ્રક્રિયા છે.
માણસ અને કવિ વચ્ચે અભિવ્યક્તિનો ફેર છે.પહેલો છે તે ફરિયાદ,કકળાટ અને સતત પુનરાવર્તનથી જીવે છે ,બોલે છે.એ સામાજિકપણાથી પિડાય છે.બીજો,કવિ વિહંગાવલોકનથી પિડાય છે.એ બહારથી આંદર નિહાળે છે.સંવેદનશીલ હોવાથી સર્જક એની આસપાસની સમગ્રતાને અભિવ્યક્ત કરે છે.એની પાસે ભૂતકાળ અને સાંપ્રતને કહેવાની ભાષા છે.જે ખૂબ નાજુક છતાં બળ્કટ છે-“ભાષાને તાંતણે…” આ તાંત કરોળિયાના જાળાં જેવા ગૂંથાયેલાં કે ગૂંચવાયેલાં,ગમે તેમ પણ એકમેક સાથે સજ્જડ.માણસ હોવાની આ પરિસ્થિતિ છે જે ગઈકાલ અને આજ સાથે સંમિશ્રિત છે,જેને સંસ્મૃતિ કહેવાઈ છે.એ કાંતો ગૂંથાયેલી છે વા ગૂંચવાયેલી.એ પાતળી સંસ્મૃતિ હોવાની કવિતા છે,સ્થળકાળની કવિતા છે.પ્રસ્તાવનામાં કહેવાયું છે તેમ આ અને આવી ભાષા અતીતરાગ છે.
બે પ્રશ્ન ચિન્હ અને એક પૂર્ણવિરામથી જડબેસલાક આ કાવ્ય લાક્ષાગૃહમાં ન દાઝ્યાની બળતરા છે.

હિમાન્શુ પટેલ ( અમેરિકા )


રિવ્યુ-1

ઓગસ્ટ 16, 2009

અસ્તિત્વની ક્ષિતિજને પેલે પારઃ
એક પુનઃઅવલોકન
કવિ-કમલેશ શાહ , એપ્રિલ-૨૦૦૦,ગૂર્જર ગ્રંથ્રત્ન કાર્યાલય.મૂલ્ય ૧૫૦ રૂ.

૧૯૭૦ના દાયકામાં ગુજરતી સાહિત્યમાં અનેક કવિઓ લખતા થયા હતા.અને એ બધાં એક કવ્ય સંગ્રહ પૂરો કરી થાકી ગયા–કોણ જવાબદાર છે એ માટે, કવિ કે ગુજરતી પાઠક?કે આપણું
અંગ્રેજી શિક્ષણ તરફ ઢળવું ! ઍ સમયગાળામાંથી કે અર્વાચીનોમાંથી કવિ-સંપાદક કમલેશ શાહ પણ છે.૧૯૭૧થી૭૯ સુધી સાંપ્રત સાહિત્યના જોસ્સાથી કટિબધ્ધ, એ સમયના યુવા સર્જકોના
વિકાસ માટે આવશ્યક sine qua nons (અનિવાર્ય શરત કે લાયકાત )થી સજ્જ પણ હતો. એનાથી વધુંમાં એની પાસે વિશેષ પણે તીવ્ર સંવેદનક્ષમતા પણ હતી. એના કાવ્યોમાં હોવાની
મથામણ-કે ચિંતા વા ગુનાહિત ભાવના–અભિવ્યક્ત થાય છે. ૨૦૦૦ની સાલમાં પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ ઘણું વૈવિધ્ય ધરાવે છેઃ ( ગુજરતી સાહિત્યએ “ભૂષણો ” મેળવેલા કવિઓ છોડી
એના વિસરાઈ ગયેલા વિદ્યમાન કવિઓની ફેરતપાસ કરવી જોઇએ.)સ્થાનિક ધરતીના કાવ્યો વિશેષ સ્થાન ધરાવે છે. જેમકે–પીપળાનું વ્રુક્ષ, ઉનાળાની ભરબપોરે અમદાવાદ, વરસાદપછી
સાંજે મુંબઈ, કે , વન ટ્રી પોઇંન્ટ, માથેરાન–વગેરેમાં જે તે સ્થળના સ્થાનિક જનજીવન, રૂઢીઓ, આદતો જે આપણી પરંપરાએ ઊભી કરી તે મૂળભૂતતાને, આધૂનિકતા સાથે ભેળવી પણ છે,
અને એ દ્વારા પોતાના હોવપણાની શોધ આદરે છે.

અહિં ખાસતો અના બૂધ્ધ કાવ્યો વિશે વાત કરવાનો ઉપક્રમ છે. જ્યાં કવિ જીવનની વિશળ સમજણમાં, કુદરતમાં અને એ દ્વારા સમસ્તમાં, પરંપરિક લાગણી બધ્ધતાથી, એ રીતે જૂદો પડે છે
કે કવિ અસ્તિત્વના મૂળભૂત કૂટપ્રશ્નોની ” હું ” થી ફેરતપાસ કરે છે. પરિણામે કવિતા કવિમાં વિલિન થાય છે. સંગ્રહના પહેલા બન્ને બુધ્ધ કાવ્યમાં કવિ પોતાને આડકતરી રીતે પ્રથમ પુરુષ
એકવચનમાં ઉદ્દેશે છે, જે બુધ્ધમાં વિલિન છે. કવિની તીવ્ર મથામણ એના હોવાના વિરોધાભાસમાં–શરીર અને આત્મા, ઈચ્છા અને આરોપણ, એકતરફ , રિક્તતા અને ગુણાતીત બીજી તરફ.
જે વૈશ્વિક પરંપરામાં થયું છે તે પ્રમાણે ( પણ ) દ્વિભાજનથી આગળ ગયું છે. પહેલા નાનકડા કાવ્યમાં બુધ્ધ થવાની ઇપ્સામાં પોતે બોલે છે, પણ છેવટે પોતાને સંક્રાંત કરી, તૂટી જઈ, ફરી
પોતાની હોવાની નિષ્ફળમાં કેદ થઈ જાય છે ” અટકાવી રાખ્યો છે ” એ સભાનતાથી. આ શુધ્ધતમ (કે પવિત્ર !) અને ” હું ” બુધ્ધની રિક્તતા ( નિર્વાણ !) નું શિક્ષણ અને શિક્ષણની રિક્તતા બન્ને સમથળ થઈ જાય છે. પરિણામે કવિ માટે કે એના કાવ્યતત્વ માટે નિર્વાણ અવસ્થા પ્રાપ્ત કરવાને બદલે હોવાનું સત્ય લાદવું વધારે મહત્વનું છે.

બીજા કાવ્યમાં ઉમેરાયેલું સ્નેહતત્વ એટલુ જ સૂચવે છે કે ઈચ્છા અને આરોપણ પ્રાપ્તિ માટે કે હોવાની શક્યતા માટે આવ્શ્યકતા છે. અને આ બૌધ્ધિક સૂઝ કાવ્ય વાંચવાના અનુભવ્નો એક ભાગ છે.કમલેશના કાવ્યોનો પાઠક આવા અનેક બળકટ સંવેદન, હતાશા, ઈચ્છા અને દ્વિધાવ્રુત્તિમાંથી જાગી માણસ હોવાની ટાળી ન શકાય તેવી જબરદસ્તી, અસ્વાભવિકતા, મુંજવણ, સંકોચ વગેરેમાં અસ્થિરપણે ઝુલે છેઃ અને એ જ છે માનવ પરિસ્થિતિ.

અંતે એ કહેવું પણ અનિવાર્ય થી જાય છે કે કમલેશના આ બે કાવ્યો તાઈવાનિસ કવિ શી હ્વે ચી પણ યાદ કરવે છે. શી ચીના “માંખી સાંભળે છે બુધ્ધનું તત્વજ્ઞાન ” અથવા ” મારા બુધ્ધ તું
દયાજનક છુઃ આનંદનો સ્વિકાર ” વા ” ખોવાયેલો સ્કાર્ફ ”

i take out from my bosom the once lost khata / and see glistening purple tears well up in your eyes…ane
અને હું જાગ્યો ત્યારે મારી ઉપર
બૂધિવ્રુક્ષ
સ્વાસ લેતું હતું…તારી પાનીની ઠેશ વાગ્યા પછી.

નોંધઃ khata=સ્કાર્ફ. હિમાન્શુ પટેલ ૭-૨૯-૨૦૦૯