ઘરઃબે જણ વચ્ચેની દલિલનું અરવ કાવ્ય

ડિસેમ્બર 10, 2014

Without the poet’s unique gift of combining an exceptional sensibility with an exceptional power over words, our ability, not merely to express, but even to feel any but the crudest emotions, will degenerate.

– T. S. Eliot, The Social Function of Poetry –

ઘર – સંજુ વાળા
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમુન્ધ સૂતું હોય અંધારું
ઘરમાં તો એવું પણ હોય !
તું ધારે ચકલીની લોહીજાણ ચાંચ વિશે કાચ વિશે હું ધારું
ઘરમાં તો એવું પણ હોય !
મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી
અજવાળું ઓરડામાં આમ તેમ ફર્યા કરે, જાણે કોઈ વૃદ્ધ હોય જક્કી
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારું
ઘરમાં તો એવું પણ હોય !
બેવડ વળીને કોઈ ખૂણામાં………
ચપટીભર ઘટના ‘ને ખોબોએક સપનાં લઇ વહી જાશે પાંચ-સાત દાયકા
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઉડે વાયકા
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે : હું કહેતો વારુ
ઘરમાં તો એવું પણ હોય !
બેવડ વળીને કોઈ ખૂણામાં……….
(સૌજન્ય સંજુઇવાળાઃ-ફેસબુક)

ઘર એક એવું સ્થળ છે જ્યાં કંકાસ છે,મથામણ છે,હૈયાધારણ છેઃઅહીં સાચા અર્થમાં શબ્દ દેહાંતર પામે છે.ઘર ભીંસ છે,મુક્તિ છે.એ શરૂઆતમાં કોયડો છે જે હળુ હળુ આપણને વણી વણી ઉકેલે છે.ઘરને ભૂસ્તર છે-અબરખ જેવાં પડોનું,રંગો દેખાડતું.કવિતા હળુ હળુ ઉકલતાં એ પડ છે.ઘર આપણી સામાજિકતા છે,અને એના બૃહદ અર્થમાં સત્તા અને વગ ધરાવતી બહુધા પરિવર્તન વિરોધી પ્રસ્થાપિત સંસ્થા છે.

પ્રસ્થાપિત મૂલ્યો અને સર્જનાત્મક મૂલ્યો વચ્ચે સર્જક-વિવેચક સંજુવાળાનું ‘ઘર’ પ્રસ્તરે છે.મનુષ્ય બંધારણથી મુક્ત છે અને તેનાથી જ અપૂર્ણ છે.મનુષ્ય શક્યતાઓથી સંચાલિત અસ્તિ છે.ઘરમાં સૂતેલું અંધારું સ્પષ્ટતાની અચોક્કસતા છે અને તે પણ નિશ્ચિત સ્થળે–ખૂણો!–ત્રિકોણમાંથી શરું થતું ચોરસ,તે ઘર!અને ‘ઘરમાં તો એવું પણ હોય!’એ નિશ્ચિત અનિશ્ચિતતાનું સૂચન છે.ઘર સ્વિકૃતિમાંથી અનુસ્વિકૃતિ તરફ અને ત્યાંથી anti-સ્વિકૃતિ તરફ પણ ગતિ કરી શકે છે જે અન્યતર ઊંબરો ઊભો કરે છે-આપણે શું છીએ અત્યારેઃ પૂર્વે,પછીથી વા દરમ્યાનમાં?સ્વીકારની ત્રણેવ અવસ્થા કવિને lyric impulse તરફ દોરી જાય છે તેથી જ કવિતા એવી આંતરિક બોલી છે જે બાહ્ય વાસ્તવિકતા સાથે બાથ ભીડે છે,અને તે કાળે સ્વિકૃતિ અને લિરિકને કયું તત્વ છૂટું પાડૅ તે કહેવું મુશ્કેલ થાય છે,પણ એ ઊંબર વટાવો તો એની પાર કોઇક ગૂઢ ઊંડાણ છે,metaphysical interactive વાતાવરણ છે!(જે સંજુવાળાની કવિતાઓની લાક્ષણીકતા રહી છે.)જીવવાની અનિશ્ચિતતાથી સંચાલિત પરિસ્થિતિ આપણું હોવું છે! ચકલીની ચાંચ કે કાચ વિદ્યમાન કે પારદર્શક અનિશ્ચિતતા છે,ધારવું નિશ્ચિતતા છે,લોહી પરિસ્થિતિ છે.આ બધું સંયુક્તપણે આપણી સામાજિકતા છે.ગીતનો પહેલો શબ્દ ‘બેવડ’ઘરની અસંગતતા કે અસ્પષ્ટતાને છંછેડે છે.ચકલી કાચ અને અંધારુ એકમેકના અસ્પષ્ટતાના પૂરક છે,નિશ્ચિતપણે.

બીજા અંતરામાં સ્થળાને પરિસ્થિતિ-ગણગણવું-એક ચોક્કસ પારંપરિક ચિત્રમાં ફેરવાય છે,ઉપમાથી.ઘરની આસ્થા જ ઘરનો મોભો છે.આપણી ગ્રામ્ય પારંપરિક સંરચનાના માળ્ખાને પહેલી પંક્તિમાં…મોભાદાર પહેરવેશ…અને બીજી પંક્તિમાં આપણા ઘરડાઓની નિષ્ક્રિયતાનો ચિતાર છે,વૃધ્ધ હોવું જક્કીપણું નથી અસહાયતા કે નિષ્ક્રિયતાની આડ પેદાશ છે.પેલું અજવાળું જેમ અરવ બંધિયાર ફરે,જીર્ણતા પણ એવી જ ફરે.માણસ હોવાની આ એક પરિસ્થિતિ છે.ઘર એક એવું સ્થળ છે જ્યાં દરેક જણ એકજણ છે છતાં દરેક પ્રકારની ગુસપુસ સંયુક્ત છે,વાતો કરવાની રીતભાત કે બોલીઓને કારણે આપણા અ-સૂરમાં પણ સુમેળ થતાં એમાં લયાવર્તન ઉદભવે છે અને એ જ…પોતાનાં ગીત…ખરચડાં પણ વ્યવહારુ !

life is too short કહેવાનું ચલણ અમેરિકામાં ખૂબ પ્રચલિત છે,ઇન્ડિયન લાઇફ સ્પેન(વિસ્તાર) ૬૮ વરસ છે(Times),આ કવિ પણ એ જ લાગણીથી ભરપૂર છે,પરિસ્થિતિ(ઘટના) સપનાં કરતાં અતિઅલ્પ છે.હોવાની ઉથલપાથલમાં સમયના સાતત્યથી જીવાઈ જવાય છે,પ્રવાહના ખળભળાટ સહીત. વહી જશે..માં સંભળાય છે લીસ્સી ગતિ,પણ આપણું રોજેરોજ જીવાતું સહિયારું જીવન ઘટનાયુક્ત છે-ઘટના લોપ કે હ્રાસ નથી!-અને દરેક ઘટના એક વાર્તા છે જે સમયના થરમાં દટાતી-વીતી-જાય છે,અને ફરી ઉખડી સંભારણાં તરીકે પાછી આવે છે,આવી શકે છે.દંતકથા આપણા વ્યક્તિત્વનું પુનઃપ્રસારણ છે, સંસ્મૃતિમાં.તો આની સામે સમાજ અને સામાજિક રીતભાત કૂથલી છે-જેમ અમેરિકા-ઇંગલેન્ડમાં ફોન કૂથલી (ગોસિપ)છે.આપણા સાંપ્રતમાં કદાચ સંમતિ કે સાથ પૂરવો જીવાતા જીવનનું મનોવિજ્ઞાન છે,-જીવન રથના બે પૈડા છે’એ કથન પાછળ આ સાંપ્રત મનોવૈજ્ઞાનિક પધ્ધતિ જ વિદ્યમાન છે,હશે ને! આપણા પ્રાચીનથી અર્વાચીન સુધી,ફેરફાર વગરનું મનોજગત પ્રવર્તમાન છે,એ માણસ હોવાનું ટૂંકાપણું નથી?! સહમતિ બંધ બેસતો વિરોધ છે!

પરિસ્થિતિ અને ગતિ વચ્ચે વિસ્તર્યા કરતું આ,બે જણ વચ્ચેની દલિલના અરવનું કાવ્ય છે.સર્જક કવિતામાં ઇમેજને મેટાફર સાથે ભેળવી એક ચોક્કસ અનુભૂતિને picture perfect expressionમાં મૂકી આપે છે,કાવ્યકળાને કવિતામાં કસવાની વૃત્તિ(creative activity) સંજુવાળામાં સ્પષ્ટતઃજોવા મળે છે.
૧૨-૮-૨૦૧૪


બે તરફીઃતમસો મા જ્યોતિર્ગમય

સપ્ટેમ્બર 3, 2014

ઇશ્વર મારી સામે
રેખાગણિતથી* જૂએ અને હું ભયભીત.
એ મારામાં અચાનક ઓથારથી હુમલો કરે.
હું બૂમો પાડું બાને,
હું દરવાજા પાછળ ભરઈ જાઉં
જ્યાં બાપા સોડાતા કપડા ટાંગે;
એમણે શાંત પાડવા મીઠુ પાણી આપ્યું,
હું પ્રાર્થના ગણગણી.
પણ એક અન્ય તરીકો પણ હતો;
મને લાગશે કે એ ત્રાંસી નજરે મને જૂએ,
હું સીગરેટની જાત વિશે વિચારું,
હું બીડી,ટ્રેનની સીસોટી
ખેત મજુરણ વિશે વિચારું
સુગંધી અને પીળાં ફળ ભરેલાં બાસ્કેટવાળી.
એ જાણે તે પહેલાં,હું એના ખોળામાં.
હું એની શ્વેત દાઢી ખેંચું.
એ ફેંકે મારી તરફ દડો વિશ્વનો,
હું પાછો ફંગોળું.
[*ભૂમિતિ શબ્દ મને ખબર છે પણ આ રેખાગણિતમાં હસતરેખા અને ગણતરીનો સંદર્ભ મને વધારે યોગ્ય લાગે છેઃદૈવિ ગણતરી અને જ્યોતિષી ગણતરી.]

અછકલાપણું અને ગુરુત્વાકર્ષણઃ
આપણે જનમ્યા ત્યારથી,’પ્રભુ અંન્ધારેથી અજવાળે લઈ જા’સિધ્ધાંત,ખયાલ,વૃત્તિ,અછકલાપણું અને ગુરુત્વાકર્ષણ સમજવા રત રહ્યાં.શબ્દમાં દાબેલાં અર્થ ઉકેલવામાં વ્યસ્ત રહ્યાં.પણ એક ક્ષણ જંપો-જૂઓ વિશ્વનો દડો કેવી કુશળતાએ કવયિત્રિએ પાછો ફંગોળ્યો…

વૈશ્વૈક સંવર્ધન પ્રેમ ભર્યા વિધ્વંસની સંસ્કૃતિ છે.દરેક પેઢી ગૂઢતાને ભયે મનોમંથનથી પીડાય છે,જે શક્યતાના વિવિધ સ્તરે ઊતરી આવે છે,કાલ્પનિક વા વાસ્તવિક-વૈશ્વિક રોગ,સ્ટાર વોર,માણસમય રોબાટ,અણુયુધ્ધ,વાતાવરણ ફેરફાર,વગેરે,વગેરે.અને હાલિવૂડ-બોલિવૂડે આ ભયને-ઉત્પાતને-મનોરંજક વેપારી સ્વરૂપ આપી મૂડીબધ્ધ કરી લિધું.એ ભય માધ્યમોએ ધકેલેલો,સમાચારોમાં પણ વણાયેલો છે.જેનું વર્ચસ્વ છે તે વિધ્વંસઃ ખૂંખાર હિંસા,ગરીબી,લોભ,અન્યાય,હેરાનગતિ કે પ્રકોપ સ્વરૂપ આવે છે,આમાંથી જે ભાર વર્તાય છે તે અસહિષ્ણુતાનો છે.એવી પરિસ્થિતિનું કલાત્મક રૂપાંતર કરવાનું હોય ત્યારે એ પદાર્થ,માહિતિ વગેરે ગૂંગળામણ સર્જે,ક્યારેક જડ પણ કરીદે.

સમાંતરતા કેળવવી,બહુ અઘરું છે.એક તરફ સર્જક તરીકે કટિબધ્ધ થવું આવશ્યકતા છે નૈતિકતાએ,અને આપણને એ અંધકારને પ્રકાશમાં ફેરવવા,મથામણ કરવા,પ્રેરે છે.અને એ ક્ષણે સર્જકશક્તિ(કે કલ્પનાશક્તિ)એની સશક્તતાથી કાર્યરત થાય છેઃ સર્જન માટે,વિધ્વંસ માટે નહીં;સુધારા અને પુનઃગઠન,સૂઝ અને તારણ માટે.

આવા પ્રકાશ વિશે આ કવિતા અને આવાં કાવ્ય બોલે છે.અતિશય લાગણીશીલતાથી નહીં,જેને પોતાનું ભારે સ્વરૂપ છે,અને વ્યર્થતા પણ નહીં- એવો પ્રકાશ જે વૈશ્વિકભારને બાથ ભરે અને એમાં પરિવર્તન લાવે,જેમ કાચનો ટૂકડો એમાં ઝડપાય.આને ‘અન્ય માર્ગ’કહેવાય જે આ ‘બે તરફી’ કાવ્યમાં ઉલ્લેખાયો છે-નજીવો ફેરફાર દ્રષ્ટિકોણમાં જ્યાં બધું જ્યોતિર્મય ઉપરાંત ટીપીને ઘડિ શકાય તેવું નરમ થઈ જાય છે,બાળકના દડા સમ ઇશ્વર પ્રતિ ફંગોળાયેલું.

યુધ્ધ આક્રોશઃ આપણે એકમેક પ્રત્યે હિંસક થઈગયાં,ગરીબી અને રોગ આપણા પર સવાર થઈ ગયાં,આપણને ધરી રાખતી ધરતી રોળી નાખી-જે થાળીમાં જમ્યા એમાંજ છીદ્ર કર્યું.ગ્રીક કવિ ઓવિડે વર્ણવ્યું છે તેમ,આપણે એ તમામ પ્રકાશ મેળવવો પડશે જો આપણે
ગોર્ગોનનું કાપેલું મસ્તક મૂકતાં પર્સિયસે દાખવેલી તકેદારી અને કુમાશ કેળવવા હોય,ઉપરાંત જળ પરીઓ સમ નાની ડાંડલી અને ટૂકડા,પરવાળામાં ફેરવાતા જોઇ,પોતાના શણગાર માટે એકઠાં કરવા હોય તો.આપણે સર્જવું પડશે,ઘડવું પડશે,આ ભય,હિંસા વગેરે સંદર્ભે,એક નાજુક અને ચંચળ સૌદર્ય.

ઇટાલિયન પત્રકાર-સર્જક,ઇટાલો કેલ્વિનો સાહિત્યિક જ્ઞાન અને શોધખોળનું જ્ઞાન (વિજ્ઞાન) વચ્ચે ભેદ જણાવતા કહે છે સાહિત્ય જ્ઞાનની શોધ છે જ્યારે વિજ્ઞાન ગણતરી છે,ભૌતિક માહિતિ છે.એના મતે ચિંતનગત હળવાશ,મૂર્ખતા નહીં(lightness of thoughtfulness,not of frivolity.) જીવનાનો ભાર કાઢી શકે વા દૂર રાખી શકે છે.ઇશવર પણ ગણતરીથી(ત્રિજ્યા માંડીને)જીવાડે છે એટલે તો from inside geometry પહેલું વાક્ય છે.અંદર બેઠેલો ઇશ ત્રિકોણ કે ચોરસ કે લંબચોરસના દરેક ખૂણા જડબેસલાક રહે તેનું ધ્યાન રાખે છે! એટલે તો ઇશ્વર તમારી સામે જૂએ ત્યારે જીવ ધ્રુજી ઉઠે છે,બીજા વાક્યમાં.કોણ ઉતરી આવે છે માણસમાં ઓથાર રૂપે? માણસ પોતે કે માનવ બહારની વૈયક્તિકતા? ચેતોવિસ્તાર? આપણે બે અંધકાર(કે અજાણ) વચ્ચે સમય વ્યતિત કરતી હયાતી છીએ.આપણી માનસિકતા એટલી નબળી છે કે ભયભીતમાં-if i sense He’s peeking at me-,આપણે ભૌતિકતાનો આસરો લઈએ છીએ કે શોધીએ છીએ,બીડી-સિગરેટ,લાલ ઝભ્ભાવાળો માણસ(કવયિત્રિ પાદરી કહેવા તૈયાર નથી.)વગેરે.પણ કાવ્યાંતે સર્જક રમતે ચડી જાય છે,છતાં દડા જેવી પૃથ્વી-અંતરિક્ષની પશ્ચાદ્ભૂમાં.-સર્જક અજાણ્યા આશયે પાછી અપાતી હોય તેમ ફંગોળે છે,આશ્રયે(!)-ખોળામાં દાઢી રમાડતી- હોવાં છતાં કવયિત્રિએ કેળવેલી અલિપ્તતા ધ્યાનપાત્ર ચિંતનયુક્ત’હળવાશ’છે,કેલ્વિનોવાળી.આપણા ત્રિવિધ તાપ અને કેલ્વિનોની ત્રિવિધ હળવાશ(લાઇટનેસ)વચ્ચે ફંગોળાયા કરતાં આપણે કેવળ juxtapose છીએ-અડોઅડ મૂકાયેલાં,છતાં અલિપ્ત.

જીવનનું ગુરૂત્વાકર્ષણ છેઃ બે તરફી.

(આસ્વાદ-અનુવાદ-૬/૧૬ થી ૭/૩/૨૦૧૪)

Read the rest of this entry »


ઘરડા ભીંડાઃ-an extraordinary quantity of fakery..

ફેબ્રુવારી 23, 2014

ઘરડા ભીંડા
મોટા અને બીથી
ફાટફાટ થતા હોય છે.
છોડ પર રહી જાય,
તો સુકાઈને નક્કી ફાટે છે.

ઘરડા ભીંડાના શાકમાં
લહેજત નથી આવતી.

પણ શિખાઉ બકાલું
લેનારો મોટું કદ
જોઈ હરખાય છે.
કૂણા ભીંડાની તાજપને
એ કઈ રીતે વરતે?
સભ્ય સમાજમાં
ભીંડા અને સાહિત્યકારોની
સરખામણી નથી થતી.

તથાપિ, આ અળવીતરું મન
ભીંડામાં સાહિત્યકારને
જુએ છે.
— પવનકુમાર જૈન
સાહિત્ય અને રાજકારણ એ વિદ્વાનો કે વિદ્વત્તાનો વિષય છે,પણ સાહિત્ય અને અનાદર/સાચવણી,સાહિત્ય સર્જકોની જમાતનો વિષય છે.એવું હોઇ શકે ખરું?એવું થવું આવશ્યકતા છે? નાના કે મોટાગજાનો સર્જક,એવો ભેદ ઊભો કરવો,એ સાહિત્ય પ્રણાલી છે? હશે? અને છે તો શા માટે છે? આ કહેવાતા કે ઓળખાવાયેલાં કે વિવેચના પ્રમાણિત(અંદરખાને પણ!)સર્જકો વલણ-પ્રસ્થાપકો(trendsetter) જ હોય છે,એના ખરા અર્થમાં!આ સર્જક હોવાની,થવાની મથામણ છે કે નકારાવાની? જે હોય તે,એકવાત નક્કી છે કે આ પ્રથાથી નાસીપાસ થયેલાં યુવા સર્જકો જ ઉદભવે છે,જે કવિતાને ‘પગ પેસારો’ પ્રવૃત્તિંમાં ફેરવી નાખે છે,સંપાદક એને માટે જવાબદાર છે,જે એકહથ્થુ સત્તા છે.તો બીજી તરફ એવો પ્રશ્ન પણ ઉદભવે છેકે સંપાદક ક્રૂતિનું કેવી રીતે મુલ્યાંકન કરે જેથી એ સ્વીકારી શકે? અથવા સંપાદકના અભિપ્રાય(judgements)ના મૂલ્યો કયાં છે? ઉપરાંત એ સંપાદકની (વિવેચનાત્મક!)કાર્યક્ષમતાને પણ પડકારે છે.કે પછી સંપાદક નામની પસંદગીથી જ કાવ્ય સ્વીકારે છે,જેથી એ ટીકાપાત્ર ન ઠરે!’સારા અને ઉત્તમ કવિઓની જ કૃતિ છપવી’આ માપદંડ છે કે અવગણના છે અન્યની વા એ ચામડી બચાવ કર્મ છે?

ત્યારબાદ જે,કવિને ઉદભવ્યો,તે પ્રશ્ન દરેકને ઉદભવે છે,કેટલી હદે આપણે પૂર્વસુરિઓને પંપાળ્યા કરીશું?અને એમના પડ્તા મૂકાયેલાં કે કસ નીચોવી લીધેલાં કાવ્ય સ્વરૂપો-ઘરડા ભીંડા-માટે સામયિકોનાં કિમતી પાનાં બગાડ્યાં કરીશું,નવા આગંતુકોને વંચિત રાખીને? લવાજમોનો દૂર ઉપયોગ કરીશું?

કાવ્યની પહેલી પાંચ પંક્તિમાં બે સ્થિતિચિત્ર છે.એક પરિપક્વતાથી તરબતર થઈ ઉભરાયેલા દૂધ સમ ઢોળાઈ જવાની અને બીજી ત્યાર પછી અ-સત થઈ જવાની અથવા નિરંતર એકવિધ રહેવાની( આ વાત કેવળ રચનાત્મક સાહિત્ય જ નહીં,વિવેચનાત્મક સાહિત્યને પણ લાગુ પડે છે.)પવનકુમાર વક્રોક્તિ દ્વારા તુલના નહીં પણ રૂપક સર્જે છે,જે અર્થ અને અર્થછાયા,દેખીતી કે સંભળાતી અભિવ્યક્તિને,ચિત્રમાં ફેરવે છે.જ્યારે અર્થછાયા ચિત્રમાં પરિણમે ત્યારે નિશ્ચિત આકાર કે નક્કર રેખામાં ફેરવાય છેઃજે કવિનો શબ્દ છે.અહીં એ કદાચ આક્રોશ છે અથવા વ્યથા છે કે અણગમો છે-(જુઓને કેટલું બધું છે હે પાઠક,તું અતિપરિચિત નથી સર્જનાત્મક સાહિત્ય જગતની ખોડ-ખાંપણોથી.)જેમ વિવેચક કોઈ પુસ્તક પર હુમલો કરે એ રીતે જ સંપાદકીય,નક્કી કરાયેલાં,ધારાધોરણથી,બની શકે કે, આપણે અવગણીએ,તરછોડીએ અને કાવ્યને પૂર્વગ્રહોથી પીડાઈ વાંચીએ.જે કવિતાની શક્યતા(ચાન્સ!)ને ઓળખવામાં થાપ ખવડાવે છે.

ત્યાર પછીની બે પંક્તિ સર્જન શક્તિમાં જે ઘસારો કે નડતર રૂપ તત્વ છે તે તરફ ઈશારો કરે છે.કવિતા રસનો પ્રશ્ન છે,અરૂચીનો નથી,પણ કાવ્ય સ્વરૂપની એકવિધતા કે બીંબાઢાળ કૃતિઓના સર્જનથી બેસ્વાદપણું ઉદભવેછે,જેને’પડતુંમૂકો’નામે ઓળખીએ
અને ન વાંચીએ,તે છીટ થઈ જતી મનોવૃત્તિ’લહેજત નથી આવતી’માં સંભળાય છે

ત્યાર પછીનો પ્રશ્નવાળો ભાગ બે વાત સૂચવે છે,એક ‘શિખાઉ બકાલુ’જે અવિકસિત કે અપરિપકવ સર્જક( દ્રષ્ટિકોણ!)છે,જે હમેશા અગાઉના સર્જકોથી અસરગ્રસ્ત થાય છે.દરેક સંકૃતિમાં આ ઘટનાક્રમ હોય જ છે-નવો સર્જક અસર ઝીલે અને અનુસરે ઘોડાના ડાબલાં પહેરેલો,જેને કારણે નવાં તાજાં ‘ભીંડા'(અન્ય કશુંક નવું!)આજુબાજુ છે,કે જેને વિવેચકો ‘નવો પવન’કહે છે,તે અનુભવાતો નથી કે ચૂકી જાય છે.સર્જનમાં પ્રવેશતી નવ્યતા’વર્તાતા’ એમને હમેશા મોડું થાય છે?ઉપરાંત પોતાનામાં ગુપ્ત કે લુપ્ત સર્જકતા પણ.કવિતા પ્રતિભાનો કોયડો કે પ્રશ્ન છે?કે પ્રબોધ પરીખ(મોરારી બાપુની હાજરીમાં.) કહે છે તે શબ્દબોધનો? પવનકુમાર પહેલાં પ્રશ્ન પૂછે છે અને પછી સાચા સમાજમાં નહીં પણ સાહિત્યિક સમાજમાં શી શક્યતા કે અશક્યતા છે તે મધપૂડો છંછેડે છે.સાહિત્યકારની ‘સભ્યતા’માં તુલના કે સરખાવવું એ કાંતો આશ્ચર્ય છે વા વિચિત્રતા.તેથી કવિને અને(વ્યક્તિગત રીતે પવનકુમાર નામના માણસને)પણ અચરજ છે કે સરખામણી કરાતી હશે! આપણા કે વિશ્વસાહિત્ય જગતમાં
સભ્યતાના મૂલ્યો કયાં છે? અમેરિકામાં જેને make believe જીવન પધ્ધતિ કહે છે તે?(જે mirrored manners કરતાં પણ વધારે અસત્ય છે).

છતાં આતો બળવાખોર કે અખેવૃત્તિ* ધરાવતો કવિ છે.છેવટે મનોવક્રતાને આશરે જતા રહી કહી જ નાખે છે કે એક ‘પેરિશેબલ'( perishable) મૌલિક પદાર્થનું એક દીર્ઘકાળ ટકી રહેતી મૌલિક પ્રવૃત્તિમાં આરોપણ કર્યા વગર રહેવાતું નથીઃ કદાચ દીર્ઘકાળે બન્ને પ્રવૃત્તિ નષ્ટપ્રાય છે એ વાતનું.( કવિતામાં ટકાઉપણું એટલુંજ છે કે એ નષ્ટ નથી થતી,ઇતિહાસ થઈ જાય વા અલભ્ય થઈ પૂર્વાપર સંબંધ(archive)
થઈ જાય છે.)

સાહિત્ય જગતના અળવીંતરા પણાને કે પ્રતિભા સંપન્નતા-રોગની સર્મુખત્યારીને વાચા આપતું ભીંડાકાવ્ય (તથા પૂર્વસુરિ અને સાંપ્રત પણ પૂર્વસુરિ થઈ જવાનું છે તે ચેતવણી!)નું સ્વાગત કરું છું,મારા બે શબ્દ ઊમેરી વધાઉં છું.
what an extraordinary quantity of fakery..
*કવિ અખાનો ઉલ્લેખ છે.
૨-૫-૨૦૧૪.


સ્ત્રી એકાકી છે

જાન્યુઆરી 7, 2013

સ્ત્રી એકાકી છે.એકાકી એની મહત્તા સાથે.
ઉઘાડી આંખે.વિસ્તૃત હાથે.
બૃહદ અરવ જેવા ખૂલ્લા હ્રદયે.
અસાધ્યમાં અને નિરાશ રાતોમાં આશા ખોયા વગર થંભે.
એ માને કે તે અધિકારી વહાણમાં છે
સૃષ્ટિના ઉદાસતમ પ્રકાશ સાથે.
એણે ક્યારના સઢ ચડાવી દીધાં છે અને ઉત્તરના
પવનને તાણવા દીધી
પ્રેમાળ આંખો સામે તેજ ઉડાણે.

સ્ત્રી એકાકી છે.એ સ્વપ્નથી સ્વપ્નાં જકડી રાખે,
સ્વપ્નાં જે એની પાસે રહ્યાં,અને એન્ટીલીઝનું* સમગ્ર આકાશ,
જે ગંભીર અને શાંત સૃષ્ટિ સામે માનવ જડતા છે,
ગતિમય,ઘસડાતું પોતાના શબ્દાર્થમાં
ખોવાયેલ, પોતાના વ્યર્થ શ્બ્દમાં.

સ્ત્રી એકાકી છે.એ વિચારે કે હવે સમગ્ર કશું નથી
અને કોઇ કશું નથી કહેતું જલસાથી ઉઠમણા સુધી
કૂદતા લોહી વિશે,ધસતા લોહી વિશે
જન્મેલા લોહી વિશે વા મૃત્યુને વરેલા.

કોઇ અગ્રેસર નથી એને ફરાક આપવા
એનો અવાજ છાવરવા જે ઉઘાડે ડૂસકે,આત્મસૂચન.

સ્ત્રી એકાકી છે.લાગણીશીલ અને એનું ડૂબે સત્ય…
વિચારોમાં જે રૂપ બદલે ગુલાબના સૌંદર્યનું
નક્ષત્રોનું,પ્રેમનું,માણસ અને ઇશ્વરનું.(૯-૨૦-૨૦૧૨)

Praises & Offenses: Three Women Poets from the Dominican Republic Translated – Translations

આઇડ કાર્તાહેના પોર્ટાલાતીન(૧૯૧૮-૯૪)
વિશ્વના અનેક ટાપુઓ પર થયું છે તેમ ડૉમનિકન રિપબ્લીક પણ સર્મુખત્યારોની કરડી નજર હેઠળથી પસાર થયેલો દેશ છે. જ્યાં દરેક માણસની હયાતીને,એમના સંબંધોની હયાતીને,
સતત ભય વળગેલો રહે છે,પરિણામે ચહેરા ઢાંકી દેવા પડે છે.વેદના તો સર્જકને ભાગે આવે છેઃ ઊડા મૂળ નાખી બેઠેલું,જાતે જ પોતાના શબ્દ પર લાદવું પડેલું નિયંત્રણ.
ડૉમિનિક્સમાં આવી પરિસ્થિતિમાં ઉછરી લખતી આઈડના મનોજગતમાં એની ઘટ્ટ લાગણી ઘર કરી ગઈ હતી.આ અને આવાં સર્જકો પોતાને અને સાહિત્ય પ્રવૃત્તિને ગુપ્તતાના અનેક સ્તરે રહી,હસ્તિદંત-ચાવવા દેખાડવાના જુદા.-રીતિએ કાર્યરત રાખવી પડતી હતી.જેમાંવિભાજન તથા સરરિયાલિઝમ, અતિશયોક્તિ અને દ્વિઅર્થી જેવી શૈલી વપરાશમાં હતી.
દક્ષિણ અમેરિકાની ૨૦મી સદીની કવયિત્રિએ લગભગ ૧૯૪૦ની આસપાસમાં ડૉમિનિકન કવિઓના Poesia sorprendidaa ગ્રુપના ભાગ તરીકે પ્રસિધ્ધ થવાનું શરૂં કર્યું હતું-
એ દર્શાવવા કે કાવ્યો અણચિંત્યા( લયની સંજ્ઞા subito સંદર્ભે.)અને વિસ્મયકારી છે. આ ગ્રુપ પર આંન્દ્રે બ્રેંતોની અસર પ્રવર્તમાન હતી.ત્યારબાદ ૧૯૮૦ પછી ફરી સર્જકઓ એવી જ પરિસ્થિતિમાંથી વિવિધ સરમુખ્ત્યારોના પ્રભાવ હેઠળ લખતાં રહ્યાં જ્યાં હજુ ટૂકડા
(ફ્રેગમેન્ટેશન)અને રુપકોની સંદિગ્ધતા દેખાઈ.આઇડ પહેલા ગ્રુપ ઉપરાંત નવા ” જનરેશન ઓફ ૪૮માં પણ સામેલ હતી.આવા ગ્રુપનું સર્જન કે વલણ સત્તાને કારણે સામાજિક બાબતો તરફ વળી ગયું.
આ કવયિત્રિએ પોતાના સર્જનને સંપાદકો અને પ્રાધ્યાપકો- રાજકીય અને સામાજિક પરિવર્તન સામે પ્રતિઘોષ( પ્રત્યાઘાત)તરીકે ઓળખાવે તેવો આગ્રહ રાખ્યો હતો,કારણ કે એના મધ્યબિંદુ તરીકે એનો મિશ્ર રંગ (ગોરા + હબસીના સંતાન તરીકે.) ઉર્જા(force)હતો.લગભગ ૧૯૬૧ પછી એણે ખૂલીને લખવા માંડ્યું હતું.”એલિજી ફોર એલિજીસ” કાવ્યમાં એણે લખ્યું છે” આપણા રાષ્ટ્રીય ઇતિહાસમાં કશું સમાનસ્તરે નથી/આનંદના ઇતિહાસ સાથે/લગભગ ડોમિનિકન રાજ્યકર્તાઓ/સંડાસ અથવા નરકના પદાર્થોથી બંધાયા હતાં” ( બંધાયા એ ગર્ભધારણમાં ઉદભવેલાંના અર્થમાં છે.)એવી કવયિત્રિની આ કવિતા છે જ્યાં એ સ્ત્રિની સામાજિકતા વિશે બોલે છે,ફેમીનીઝમની ભાષા બોલે છેઃ એના એકાકી પણામાંથી(પોતાની!)

(પ્રગટ નિસ્યંદનમાં:Part 5: ‘Nisyandan’Nov. 2012


વિ-દેશવટોઃ ઘરનો રસ્તો ભૂલેલા સર્જકની કાવ્યયાત્રા

ડિસેમ્બર 25, 2012

કાવ્યક્ષેત્ર એટલું વિશાળ છે કે એક કાવ્ય વાંચતા અનેક યાદ આવે છે.સંસ્મૃતિ અચાનક વિશાળ થઈ જાય.એવું સંસ્કૃતિ વિશે પણ કહી શકાય.એનાથી દૂર થયા પછી એનો વ્યાપ વધી જાય.સંસ્કૃતિની સંસ્મૃતિને નામ છે ,ઓળખ છેઃ ઘરઝૂરાપો,નિસ્કાસન,વિ-દેશવટો આદિ.જેમ ભક્તિયુગમાં ઇશ્વર અનુરાગ હતો એમ ભૌતિકયુગમાં ‘વતન’એવું ટીખળિ વિધાન ભરતભાઈ અને અન્ય કવિઓ વાંચતા કરવાનું મન થાય.ભરત ત્રિવેદી એ કાવ્ય-જીવન યાત્રાને વિ-દેશવટો નામ આપે છે અને પન્ના નાયક પોતાને વિદેશીની નામે ઓળખાવે છે.
કુલ ત્રણ પ્રસ્તાવના અને CD સાથેનો આ સંગ્રહ બે ભાગમાં વિસ્તરેલો છે,અછાંદસ( આ શબ્દ સ્વયં ચર્ચાનો વિષય છે.)અને ગઝલ.એમાથી અછાંદસ વિશે અહીં લખાયું છે.( ગઝલ મારો વિષય નથી અને આવડત નથી.)
વિ-દેશવટો’માં સમાજવાદી ધ્વનિ છે,વ્યક્તિચિત્રો છે જે નીજી વિગતો બોલે છે.લા.ઠા.ના કાકુ સંભળાય છે તો-વેગાઝનાઇટ્સ-જેવા કાવ્યમાં વેગાઝ અને ભાદરણનો સંદર્ભ સધાતો નથી,’ઓરે પિયા મોરે પિયા’જેવાં કાવ્ય અકારણ લમ્બાયા છે.એમના કાવ્યમાં વક્રતા કે અફસોઅસ વર્તાય છે,કાવ્યજગત પ્રત્યે તો અહીં બાળસહજ રમતિયાળ ભાષા પણ છે અને સંક્ષિપ્ત કવિતા( મિનિમાલિસ્ટ પોએટ્રિ)ની ઘટ્ટતા ય છે.ક્યારેક કવિતા gag કે એના જેવા અભિગમ તરફ સરકી જાય છે.Ars poetica જેવા કાવ્યમા કવિતા simile સુધી જઈ મેટાફર બનતા અટકી જાય છે,તો ક્યાંક હોવાની વેદના,ન હોવાની,ગળાઈ ગયાની છે.કાવ્યમાં પોલિટિક્સ સંભળાય છે.’સ્પ્રિંગફિલ્ડ’માં પરદેશી પણાનો અનુભવ વક્રતા અને માનસિક અસંગતિથી ઝૂંપા લાહિરીની ‘નમસેક’માં જોવા મળે છે તેવી મથામણ છે.( આ ડાએસ્પોરા નથી એડજસ્ટમેન્ટની મથામણ છે.)આ કાવ્ય સાથે ‘ફોલિન્સબ્રુકનું મારૂ ઘર’ ટ્રાન્સમાઈગ્રેશનના કૂટપ્રશ્નો છે,મનોસ્થિતિ છે.સ્થિત્યંતર અને સ્થળાંતર પૂનરવસવાટ્ની વ્યથા છે,શારિરીક તકલીફો છે.’વિન્ટર અને હું’ સ્થાનિક અને સ્થળાંતરિત માણસનું જક્ષ્ટાપોઝિશન છેઃએવાં કાવ્ય આ મારાથી નહીં થાય કે આ મારી પરિસ્થિતિ નથી કે મારી હયાતી નથી એનો સૂર છે.જીવવું એ ટેવાવું છે.કાવ્ય પ્રાદેશિક ,સામાજિક,ધાર્મિક,શહેરી ચિત્રોથી ભરેલાં છે અને કાવ્ય વિશે પણ કાવ્યો છે જ્યાં અભિવ્યક્તિની, ભાષાની,સરળ નિખાલસતા અને સાહજિકતા( અક્લિષ્ટતા)એવાં કાવ્યોનું હાર્દ છે.’માનો ફોટોગ્રાફ-બારી બહાર’આપણા ભૂતપૂર્વ કવિ યાદ કરાવે છે,નવા ધ્વનિથી, સંદર્ભથી.’કવિતા અને એક અધૂરી કવિતા’ જેવાં કાવ્યમાં ભર્તૃહરીવાળો સ્ફોટ કાર્યરત છે,કાવ્ય સર્જનની વેદના છે, મથામણ છે.દરેક કાવ્ય અધકચરી પ્રક્રિયા છે,જ્યાંથી સર્જક પડતું મૂકે ત્યાંથી બીજા કોઇએ એને ફરી તપાસવાની છે ,ઓળખવાની છે.
ભરતભાઈની કવિતા સામાજિક મૂલ્યોનો ઉચ્છેદ વા હ્રાસ લઇને આવે છે વા રેશનાલિસ્ટ સમ આપણી સામાજિક અતિરેકતા અને આપણા મૂલ્યોની પૌરાણિકતા કે જીર્ણતા વિશે બોલે છે.ત્યારે પ્રશ્ન એ થાય કે કવિતાનું કામ ગદ્યમય પદ્યનું પણ હશે?કે પછી એ બે વચ્ચે જે ભેદ છે તે કાંઠા તોડવા જરુરી છે?કે બે શૈલી પોત પોતાની રીતે પોતાના કામ કરે તે હિતાવહ છે.આ ઉપરાંત ભરતભાઈની કવિતામાં અભિવ્યક્તિના ત્રણ અભિગમ વર્તાય છે તેમાં પહેલો એમના કાવ્યમાં pop cultureના સંદર્ભો,ઉલ્લેખો;લોકગીતો-ફિલ્મી ગીતો-કહેતી વગેરે.ડૉ.સુમન શાહ પ્રસ્તાવનામાં આને ‘ઇરાદા વગરની અથડામણો’તરીકે ઓળખાવે છે.કાવ્ય સર્જન પ્રક્રિયામાં એ આગંતુક પંક્તિઓ અકારણ તો ન જ હોવી જોઇએ.બીજું પ્રત્યારોપણ એમના કાવ્યમાં સતત ડોકાયા કરે છે,કદાચ એ છઠ્ઠી વિભક્તિના અતિરેકનું કારણ હશે.( અને એવું મોટા ભાગની ગુજરાતી કવિતામાં દેખાય છે.આપણું છઠ્ઠી વિભક્તિને ખીલે લટકતું કાવ્યક્ષેત્ર છે.)
અમેરિકા નિવાસી આ કવિને કોઇની સાથે તપાસવો હોય તો તે છે ટોની હોગલેન્ડ,કારણ આ કાવ્ય અમેરિકન confessional ( જ્યાં ‘હું’ શરૂઆત છે.) અને the social( જ્યાં ‘હું’ પોતાને તાગે છે.)ઉપરાંત એમની કલ્પના (ઇમેજીનેશન)નો વિસ્તાર શિષ્ટાચાર (શૈલી),નૈતિકતા (મૂલ્યો),સેન્દ્રિયતા,ઉર્મિયુક્ત લય અને નિખાલસતા સુધી ઘરોબોભર્યો તોફાની છે.ટોનીના કાવ્ય સાંપ્રત વા અત્યાધૂનિક જીવન પધ્ધતી અને સંસ્કૃતિ વિશે કોમેન્ટ છે,જ્યારે ભરતભાઈના દેશી મૂલ્યો વિશે છે.
ત્રિજો અભિગમ છે તે બહુ ચર્ચાએલો “ડાએસ્પોરા”નો જે ‘વિ-દેશવટો’નો ખાસ ધ્વનિ છે.એમના ઉપરાંત બાબુ સુથાર,પ્રિતમ લખલાણી,પન્ના નાયક વગેરે ( અને મેં ન વાંચ્યા હોય તેવા વિદેશી સર્જકો એ પણ) આ ધ્વન્યાત્મકતા ઉભી કરી છે. વિશ્વ કવિતા-ખાસ કરીને યહુદી માણસો તથા કવિ અને ગુજરાતી કવિતા વાંચતા આ ડાએસ્પોરા સંજ્ઞા બે અર્થમાં સમજાય છે.એક યહુદીઓની બાબીલોનમાંથી હાકલપટ્ટી અને તેમાંથી સર્જાયેલું વેરવિખેરપણું અને બીજું કોઈ પણ પ્રજાનું સામાજિક-આર્થિક-ધાર્મિક પૂર્વપીઠિકા સાથે સકારણ વિખરાવું. આ બન્નેમાં સ્થાયિ થવું મૂળગામિ અનુભવ કે વિચાર છે,આયોજન છે.એક સ્વેચ્છાએ નિસ્કાસિત થયેલો માણસ છે,બીજો “ત્રાહિત” નિસ્કાસન છે.ગુજરાતી કવિ પહેલા પ્રકારનો સ્થળાંતરિત માણસ છે પરિણામે એના સર્જનમાં પેલા યહુદી(કે એના જેવાં ઇતર)કવિમાં હયાતી ન હોવાની વેદના નથી દેખાતી પણ કેવળ દૂરત્વનો સૂર સંભળાય છે.આ કવિમાં-અને અન્યમાં પણ.- આત્મતપાસ અને આત્મનિસ્કાસન દ્વારા સ્વક્ ને ફરીથી ઓળખવાની તથા કુટુંબ સાથે-એ દ્વારા ભૂતકાળ સાથે-સંબંધ,ગઠન જાળવી રાખવા,પારંપરિક મૂલ્યોને દ્ર્ઢ કરી રાખવાની ગડમથલ અનુભવાય છે.વેદના ન હોવાની નથી, ગળાઇ ગયાની છે.આ કાવ્યોને ડાએસ્પોરા સંબંધે જોઇએ તો આ સ્થળાંતર વાતાવરણમાં ઉદભવતી socio-eco-political અડચણો કે પરાણે બદલવી પડેલી રીતભાતો અને એની મનોગત વેદના છે.સ્પ્રિંગફિલ્ડ-ફોલિનબ્રુકનું મકાન-વિન્ટર અને હું કે વર્ષો પછી વતન જતાં-આના સારાં ઉદાહરણો છે,એક ગોઠવાવાની ગડમથલ કે મથામણ છે બિજી અનસ્તિત્વની વેદના છે.સામાજિક-સાંસ્કૃતિક સંરચનાના આ કાવ્યોમાં ભરતભાઈ પાછળ મૂકિ આવેલી સંસ્કૃતિ સાથે ઘનિષ્ઠ તાદાત્મ્ય ધરાવે છે,ભૂતકાળ ભૂલાતો નથી અને નવેસરતા સ્વીકારાતી નથી એ મનોસ્થિતિ એમના મોટાભાગના કાવ્યનો ધ્વનિ છે.ઉપરાંત પેલા સિરિયન કવિ મેથ્યુ શિનોડા જેમ પૂર્વજો સાથે અનુસંધાન જાળવતા કવિતા દ્વારા પરિવર્તનો વિશે વિચારતા કરી મૂકે છે.ભૂસ્તરના અનુસંધાન પણ ધ્યાન ખેંચે છે ‘મારો એ મિત્ર’માં.આપની પ્રાગઐતિહાસિકતા જ આપણી શરૂઆત છે,આપણા મૂળગામી પણાની.અહીં એક અછડતો ઉલ્લેખ કરી લેવો છે એમના કાવ્ય વિશેની કવિતાઓનો જે કદાચ જુદો અભ્યાસ માગે છે,જ્યાં”કાવ્ય સર્જનની મથામણા,પ્રક્રિયા,અભિવ્યક્તિના દ્વંદ્વ વિશે” (મધુસુદન કાપડિયા)કશુને કશુ કહેવાનુ છે.
છેવટે આ પુસ્તકમાની ત્રણ પ્રસ્તાવના વિશે વાત કરવી છે.દરેક પુસ્તકમાં પ્રસ્તાવના બે કામ કરે છે,એ કાંતો પાઠકને પક્ષપાતી (પ્રેજુડાઇસ)કરે અથવા અભિભૂત કરે.પ્રસ્તાવનાનું કામ દિશાસૂચન જેવું છે,દોરી જવાનું નહીં.અનુસરણ ઉઅપજાવે ત્યારે એ વાંચનારની અનુભૂતિ કે ભાવનને સંકુચિત/સિમિત કરે છે અને જે કહેવાયું છે તેનાથી વિશેષ કે જૂદી રીતે કાવ્યભાવને પરિમિત કરે છે,અને ક્યારેક મૈત્રીભાવે લખાયેલી તો વધારે પડતો દેકારો મચાવે છે.પ્રસ્તાવના ચિતાર છે અને પરિપ્રેક્ષણ છે.સંદર્ભ છે,સહાનુભૂતિ નથી.ડૉ.સુમન શાહની પ્રસ્તાવના કેટલાંક પ્રશ્ન અને વિધાનો સામા ધરે છે.૧) ” અછાંદસકારે ખાસતો રચનાને અનુરૂપ લય પ્રગટાવવો રહે છે…’ શામાટે? કવિતા એટલે એને લય સાથે સંબંધ હોવો આવશ્યક છે? તો અછાંદસ એટલે લયબધ્ધ પંક્તિના ટૂકડા એમ સમજવું? તો જેને prose poetry કહેવાય છે તેમાં કવિતા નથી? તો આપણે પરંપરાને અનુરૂપ થઈને સર્જન કરવૂ રહ્યું?ટૂંકમાં આ ‘અછાંદસ’ શબ્દ જટિલતા છે,સંદિગ્ધતા છે.૨) ” કોઈ પણ કાવ્ય રચનામાં વસ્તુ,માધ્યમ,બાની કે કાવ્ય પ્રકાર મુખ્ય પરિમાણો છે..” આ બ.ક.ઠા.ના જમાનાને લાગુ પડે e-poetry યુગમાં પ્રવેશેલી કવિતાને નહીં.આપણા કાવ્ય “તપાસવાના” માપદંડ હજુ પૌરાણિક જ છે શા માટે? ૩) (ભરતભાઇની) રચનાઓ અછાંદસની જાણીતી પરંપરામાં નથી…”કઈ પરંપરા? ગુજરાતી ભાષામાં આ જાણીતી પરંપરાના નામ કે ઓળખ છે? ૪) ” એને (ભરતભાઈને) આપણા સાહિત્યિક વાતાવરણની,એમાં જાગેલા ,શમેલા,વા કે વંટોળની ખબર નથી…” આમ જોવા જાવ તો લાંબી ટૂંકી પંક્તિના છાંદસ ટૂકડા -અછાંદસ !-ગીત ,ગઝલ અને સૉનેટ એ ગુજરાતી કાવ્યનું વાતાવરણ છે-ગઝલ મુક્તિધામ છે.ગઝલ વગર-એ પહેલાં ગીતયુગ હતો.-ગુજૌ કવિતાને ઉધ્ધાર નથી.છપાતાં મેગેઝીન,ઇન્ટર્નેટ, અને હવે ઈ-મેગેઝિન ઉપરાંત દૈનિક કૉલમના લેખક-સંપાદક પ્રાચીન અને પારંપરિક દ્ર્ષ્ટિથી જ કવિતા માગે છે,મેળવે છે અને છાપે છે.આપણા સમ્પાદકે આપણી કવિતાને મારી નાખી છે.૬૦ના દાયકાના કવિના ૬થી૧૦ કાવ્ય બે મેગેઝિન એક સાથે છાપી,નવ્ય સાહિત્ય માટેના પાનાનો ભેલાડ કરીને !! ૫) ” રચનામા ડાયાસ્પોરિક વગેરે ભાવ -ભાવનાત્મક કથાનકની ગૂથણી પણ હોય….” અહીં ડાએસ્પોરિક એટલે ગુજરાતી કાવ્ય પરંપરા એવો નિર્દેશ દેખાય છે.ઉપરાંત ‘કથાનક’ શબ્દ એવાં કાવ્યમાં નેરેટિવ પધ્ધતિ પર ભાર મૂકે છે, જે અમેરિકન કવિતામા,લુઇસ ગ્લિકમાં ખાસ,દેખાય છે અને વિ-દેશવટો’માં પણ એ વિશેષ કરીને પ્રવર્તમાંન છે.

ડો.ચીનુ મોદી એમની પ્રસ્તાવનામાં સ્પષ્ટતઃ કહે છે વિ-દેશવટૉ’ની કવિતા-ગઝલ સિવાય-conflict છે.ત્યાં અને અહિં એ બે ભિન્ન હયાતી વચ્ચે,પરિસ્થિત વચ્ચે,તેથી કવિ બાહ્યતા અનુભવે છે.વેદના હોવાની નથી,ગેરહાજરીની છે.
મધુસૂદનભાઈની પ્રસ્તાવના આ સંગ્રહ અને સંગ્રહ બહારના કાવ્ય સંદર્ભથી મિશ્રિત છે.એમાં કવિ અને કાવ્યસર્જન વિશે લખાયેલાં કાવ્યનો વિશેષ ઉલ્લેખ છે.પૃ.૩૧ પર ઉલ્લેખેલાં લાઇફ અને ટાઇમ આ સંગ્રહમાં નથી.
ત્રણેવ પ્રસ્તાવનાનો કૉમન શબ્દ છે “ઘરઝુરાપો” જેને કવિ પોતે ” વતન વગરના શ્વાસ પરાયા…” સ્વરૂપે ઓળખાવે છે.
છેલ્લે જેમ અનેક ગજરાતી પુસ્તકોમાં બને છે તેમ અહીં પણ પ્રૂફરિડિંગના પ્રોબ્લેમ આંખે વળગે છે.ભરતભાઈની કાવ્ય ભાષા રમતિયાળ છે,એના લહેંકાઓને કારણે ડૉ.ચીનુ મોદી કહે છે તેમ”જુદા પ્રકારની ગમ્મતનો અનુભવ” કરાવે છે.હોગલેન્ડ સમ ભરતભાઈના wisecrack lyricism હમેશા જામતા નથી પણ આળો જોસ્સો લાગણીશીલ આતુરતા એક પુદગલ બાંધી આપે છે જેના પર એક લાક્ષણિક ચારિત્ર્ય ઉભું થાય છે.જે ટોની હોગલેન્ડ કહે છે તેમઃ-
like a heavy piece of furniture inside you;
you carry it,it burdens you,it drags you down…
than you stop,and rest on top of it.

આસ્વાદઃ અમદાવાદ

તને છોડવા છતાં
ક્યાં છોડી શકાયું છે?
ને
અહીંયા આટલું રોકાવા છતાં
ક્યાં વસી શકાયું છે?

ભાષાને તાંતણે
મારી ગઈકાલ આજની સાથે
જે ગૂંચવાઈ ગઈ છે
તેની આ કવિતા છે.
કાવ્યની પ્રથમ બે પંક્તિ conflict (વિચ્છેદ) છે.આ વિચ્છેદ પ્રશ્નથી તથા તને-ક્યાં-અહીંયા અને ફરીથી-ક્યાં એ ચાર પ્રશ્નાર્થ શબ્દથી ભારપૂર્વક વ્યક્ત થાય છે.મનમાં શંકા છે ,ગડમથલ છે.આવું થયું છે કે થવાની શક્યતા છે એ દ્વિધા કાર્યકારી છે.આ ઘરઝુરાપો કે અતિતરાગ હોવાનુ ભિન્નત્વ છે,હું હતો અને છું વચ્ચેનો ખટરાગ છે, માન્સિઅક વિકેન્દ્રિકરણ છે-અહીયા આટલું રોકાવા છતાં/ક્યાં વસી શકાયું છે?-આ પરંપરાથી ફંટાઇ ગયાનો વિષાદ,ભૂતકાળમાંથી વુખૂટા થવાનું જ્ઞાન જે એના દરેક અર્થમા-ધાર્મિક,સામાજિક,આર્થિક અને રાજકારણ-સંદર્ભમાં છે તે પોતાના મૂળગામીપણામાંથી વિખરાવા વિશે છે.એ વેદના છે , વસવસો છે,ત્યારે પૂર્ણમાંથી પૂર્ણ બાદ થતાં પૂર્ણ શેષ રહે રે વ્યાખ્યા ,જ્ઞાન અસહ્ય લાગે છે.આંખ વચ્ચે નાક પર કરચલીઓ તણાય છે અને ચહેરો બદલઈ જાય છે.સ્થળાંતર,દેશાંતર ચહેરો બદલાવાની પ્રક્રિયા છે.
માણસ અને કવિ વચ્ચે અભિવ્યક્તિનો ફેર છે.પહેલો છે તે ફરિયાદ,કકળાટ અને સતત પુનરાવર્તનથી જીવે છે ,બોલે છે.એ સામાજિકપણાથી પિડાય છે.બીજો,કવિ વિહંગાવલોકનથી પિડાય છે.એ બહારથી આંદર નિહાળે છે.સંવેદનશીલ હોવાથી સર્જક એની આસપાસની સમગ્રતાને અભિવ્યક્ત કરે છે.એની પાસે ભૂતકાળ અને સાંપ્રતને કહેવાની ભાષા છે.જે ખૂબ નાજુક છતાં બળ્કટ છે-“ભાષાને તાંતણે…” આ તાંત કરોળિયાના જાળાં જેવા ગૂંથાયેલાં કે ગૂંચવાયેલાં,ગમે તેમ પણ એકમેક સાથે સજ્જડ.માણસ હોવાની આ પરિસ્થિતિ છે જે ગઈકાલ અને આજ સાથે સંમિશ્રિત છે,જેને સંસ્મૃતિ કહેવાઈ છે.એ કાંતો ગૂંથાયેલી છે વા ગૂંચવાયેલી.એ પાતળી સંસ્મૃતિ હોવાની કવિતા છે,સ્થળકાળની કવિતા છે.પ્રસ્તાવનામાં કહેવાયું છે તેમ આ અને આવી ભાષા અતીતરાગ છે.
બે પ્રશ્ન ચિન્હ અને એક પૂર્ણવિરામથી જડબેસલાક આ કાવ્ય લાક્ષાગૃહમાં ન દાઝ્યાની બળતરા છે.

હિમાન્શુ પટેલ ( અમેરિકા )


સાહચર્યની કુમાશને વલુરતી અભિવ્યક્તિઃએક આસ્વાદ.

ફેબ્રુવારી 21, 2012

કેસરભીની હથ્થેળીમાં—સંજુ વાળા

કેસરભીની હથ્થેળીમાં બોળી રે તર્જની !
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી

આંગળી નીચોવીએ તો રેલાતા ટાચકા
પણ કોઈ રીતે તૂટતું ના કળતર
અડીયલ ઉજાગરાનો જાંબુડીઓ ગઢ
વાય વ્હાણું ‘ને ખરી પડે ખર.. ખર…
ભીંત ભૂલીને દીવા બદલે પેટાવ્યો રે મણિ
… અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી

આછેરી ઓળખેલી અણીયાળી ફૂંક
આજ વીંઝાતી કાચેરી વયમાં
સાંભરે ચટ્ટાક લાલ નીતરતા ડંખ
પછી રેબઝેબ ભીંસાવું ભયમાં
કોઈ સપરમી પીડાની ભોંકાતી તિર્યક અણી
અંગ્ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી

કેસરભીની હથ્થેળીમાં બોળી રે તર્જની !
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
તમારા હાથમાં કોઇ કવિતાનું પુસ્તક આપે અને શબ્દો સ્ફોટમાં પોતાને મૂર્ત કરે તેજ રીતે લાગણીથી સીવાયેલો માણસ પણ અભિવ્યક્તિમાં ઉઘડી પડી પોતાને વ્યક્ત કરે છે હ્રદયના તળગોળાકારમાંથી.
કોઇપણ સર્જકનું ભાષા કર્મ એની ઉંડી લયકારી અને ઉચ્ચારણની અનપેક્ષિતતા કે નવ્યતાથી કળાત્મક સૌન્દર્યાનુભૂતિની અભિવ્યક્તિના તત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ પણ કરે છે.મૃત્યુ હોય કે સાહચર્ય,ડેવિડ શેપીરો-અમેરિકન કવિ-એની મા માટે કહે છે તેમ
Eros touches her lightly
with the palm of his left hand…
અનુભૂતિ અને તેની અભિવ્યક્તિની વિદગ્ધતા કે ઘનિષ્ઠતા કોઇ પણ કૃતિનું કેન્દ્રવર્તિ ગુરુત્વાકર્ષણ છે.
દરેક કવિ એની સંસકૃતિને અગળ લઈ જતો કણ(એટમ)છે,જે સતત ફ્યુઝન થયા કરે છે અર્થાત કવિ પહેલાં વ્યક્તિ(individual) છે અને પછી સિંહાવલોકનમાં ઉમેરાય.ગુજરાતી કે હિન્દુસ્તાની સાહિત્યમાં હજું school જેવી પરંપરા કે નિશ્ચિત વળાંક જોવા નથી મળ્યા કારણ આપણે અનુકરણ કે સાર સાગ્રાહક(eclectic)વિચારસરણીઓમાંથી ઉદભવ્યા છીએ.એની સામે છે આપણી પારંપારિક કાવ્યરીતિમાં ગીતો(લિરિક) અને અન્ય ભક્તિ પરંપરાના પ્રકારો જ.ગઝલ પણ બહારથી આવી આત્મસાત થયેલું સ્વરૂપ છે,નરસિંહ-મીરાં,દયારામ કે અખાએ ક્યારેય ગઝલ લખી નથી.પણ પ્રેમનો અભિનિવેશ સનાતન સંવેદના છે,પછી એ ઉઘાડો હોય કે ઢાંકેલો કે રાજકોટના દિયર-ભાભી જેમ મંદિરની ભીંતે વળગેલો હોય,પ્રેમ અવ્યય છે.આ જે અવ્યય છે તે જ માણસ અને વસ્તુ કે સંવેદનાત્મક લાગણી વચ્ચેનાં જોડાણ વ્યક્ત કરે છે.
સંજુવાળાના કાવ્યત્વને ગૂઢતત્વથી આ્ચ્છાદિત ગણાવાઈ હશે પણ બીજી તરફ એમાં કાંત જેવી સેન્દ્રિયતા પણ છે,જ્યાં ભાષા અભિવ્યક્ત્ને અપનાવે(borrow) છે દૃષ્ય-શ્રાવ્યતામાંથી.આપણી સંસ્કૃત પરંપરામાં વલણના કાવ્યમાં આ જોવા મળે છે,એના એક કાવ્યમાં એ કહે છે,”ઉઘાડા નહીં પણ ભીના પાલવ પાછળ્ના સ્તન વધારે વાંછીત છે.”એલિયટ”એકાગ્રતા” પર, પાઉન્ડ”ઇમેજ” પર અને કાર્લોસ વિલિયમ(અમેરિકન કવિ) કહે છે,”જેટલું લાંબુ હુંમારી સ્થાનિકતામાં જીવું, જીવવાની વિગતપ્રચૂરતામાં જીવું,ત્યારે મને ભાન થાય છે કે આ જૂદા પાડેલા અનુભવ અને નિરિક્ષણો,ઊંડાણ તાગવા, ભેગાં કરવા આવશ્યક છે.”સંજુવાળાનું આ કાવ્ય એવા સાહચર્યની કુમાશને વલુરતી અભિવ્યક્તિ છે.
એક સ્ત્રી અને પુરુષ મળે અને હાથ મેળવે ત્યારે હથેળી વચ્ચે આંગળી ઘસી આપતો પુરુષ સંબંધોની ઇપ્સાથી તરબતર છે,પણ આ કાવ્યમાં હથેળી કેસરભીની છેઃરંગ અને માધુર્ય સાહચર્યની સંલગ્નતા(nexus)સત્કારવા ઉપસ્થિત છે, જે એક સમે ભય અને પ્રસંશા બન્ને છે-અંગ ધ્રાસ્કો મ્હોર્યો..આ ભય સ્પર્શથી જન્મેલા સ્પંદનોથી મ્હોરેલો કુણો,તાજો,લીલોકચ છે.સમર્પણથી-અડતા અડતામાંતો તડ્ડાક દઈ તૂટતો,સહચર્યની એક લાગણી, અનુભૂતિંમાં દડી ગબડેલો છે.કાવ્યની પહેલી પંક્તિમાં પ્રણયની પરિપૂર્ણતા જેમાં છે તે સમાગમનો અંગૂલિનિર્દેશ અને આકૃતિ-અડીયલ ઉજાગરો- તથા પ્રથમ સમાગમના erosના પહેલા હળવા સ્પર્શનું સંકોચન, કળતર-ધ્રાસ્કો છે.જોડ્યા’થ’નો ઉપયોગ શારિરીક પ્રતિક્રિયા તથા આઠ ‘ઇ’.બે ‘આ’અને બે ‘ઓ’ના ઉચ્ચાર પછી ‘ટપ્પક’માંના ત્રણ ‘અ’ની હળવાશ અનુભૂતિની ટપકી, તૂટી(ખરી) પડેલી પરિપૂર્ણતા છે.’કાંત’માં વિવશતા છે,અંગ સાથે અંગ જોડી દેવાની માંગણી છે,અહીં તો રત અંગોની કમનીયતા છે.
કાવ્યના બીજા ભાગમાં રમણક્રિયાની લાક્ષણિક રજૂઆત છે.આવી ભાષાનું કામ પ્રતિક અથવા શિલ્પમાંથી ઉદભવતી અન્ય ભાષાકે સ્વર(voice) સાથે સંવાદ રચવાનું છે.ફ્રેન્ચ ફિનોમીનોલોજીસ્ટ કહે છે તેમ”જેવા તમે આકૃતિ(શિલ્પ)ના પ્રેમમાં પડો કે તરત એનું સ્વરૂપ બદલઈ જાય”(એ હકિકતથી દૂર હટી જાય).ભાષા જ્યારે સ્ફોટ સાથે સંવાદ રચે કે તાદાત્મ્ય સાધે ત્યારે એ ઇતર સ્વરને નવ્ય સંદર્ભ અને સ્વક આપે છે.જેમ માનવ ચૈતન્યમાં જટિલતા પ્રતિબિંબિત થયા કરે જે નથી વિખુટુ કે મર્યાદિત સ્વયં પુરતું.નીચોવવું શબ્દમાં અમળાવું અને લવચિકતા બન્ને એક સાથે છે.રતિક્રિડાનો સમય,ઉમંગ અને એમાં સધાયેલો સંવાદ તથા એનો અંત બીજા અંતરાનો મૂળ ધ્વનિ છે.
એમાં ‘ર’અને’ળ’નો વપરાશ રસિકતાને વહેતા રાખે છે,જેમ વાક્ય રચનામાં ગૂંથાયેલોઅ લય.આખો અંતરો માનવ જાગૃતતા અને ક્રિડન વચ્ચેની dialogic પરિસ્થિતિ છે જે સતત અમળાયા કરે back and forth જે બે જણ વચ્ચે માન્યતા(કદર.) અને પ્રતિક્રિયા માટે વ્યાપ દર્શાવે કે સૂચિત કરે છે.અમેરિકન કવયિત્રિ મી.મી. બરસેનબર્ગ એમના ‘હેલો,ધ રોઝિસ’માં કહે છેઃ
there is a feeling of touching and touched,
the shading of colors she can sense from touch
there’s an affinity between awareness and blossom.
બન્ને જગ્યાએ જાંબુડિયો રંગ પોતાની objectivity ગુમાવે છે અને અનુભૂતિ કે સંવેદના વિસ્તરણમાં પ્રવેશ કરાવે છે અને વાંચનારના ચૈતન્યને પણ ઉકેલે છે,તથા બન્ને તન spaceમાં વધારે જોયેલામાં કે જોવામાં વિસ્તરે છેઃજે દૃષ્ટિ અને ગતિનું વણાટકામ છે.
ત્યારે ભીંત ભૂલી દિવાને સ્થાને મણી પ્રગટે છે.આ મણીમાં સાપનો ઉલ્લેખ છે અને સાપ ડી,એચ.લોરેન્સથી ફ્રોઈડ સુધી આપણી સુસુપ્ત વૃત્તિ(સમાગમમાં રહેલી)નું પ્રતિનિધિત્વ કરે છે.
બીજા અંતરામાં ડંખાયેલી અક્ષતતા અને એ લાગણી પ્રત્યેની સભાનતા જેમાંથી જન્મેલો ભય બે’ટ’ના જોડાણ અને ઉચ્ચારથી છતો થાય છે.કાવ્યનો ધ્વનિ અહીં અંત સુધી સર્જનાત્મક અભિગમને દાખવે છે,કારણ અનુભવવાની(કાવ્ય)શક્તિ counter powerમાં કે એની શક્યતામાં ફેલાયેલી છે.છેલ્લા અંતરામાં ૧૯ વખત વપરાયેલો’ઇ’ સ્ત્રૈણ અનુભૂતિની તીક્ષ્ણતા અને બારીકી બન્ને એક સાથે રજૂ કરે છે,અભિવ્યક્ત કરે છે.
સાહચર્યની કુમાશને વલુરતી અભિવ્યક્તિનું નવું નામ તે કેસરભીની હથેળીમાં બોળેલી આંગળી eros…eros…eros…
[૧/૨૩થી૨/૧૮/૨૦૧૨]


શું લખવું ?!ઃ-મિથ ઓફ સિસિફસ જેવી સંવેદના મૂકી જતી ગઝલ

નવેમ્બર 2, 2011

સતત અવઢવને હું તોલું, કશું લખવું તો શું લખવું ?!
કોરા કાગળને ઢંઢોળુ, કશું લખવું તો શું લખવું ?!

વહી આવે છે ખાલી કેટલા કંઈ શબ્દના ટોળાં,
પછી અર્થોને હું ખોળું, કશું લખવું તો શું લખવું ?!

ઘણાએ છંદ તોડ્યા ને મરોડ્યા કાફિયા કંઈએ,
રદીફો હું નવા જોડું, કશું લખવું તો શું લખવું ?!

અગર લખવું તો એવું ખુદને ભાવે, ભાવકો ને પણ,
અહીં ઉગે છે બસ મોળું, કશું લખવું તો શું લખવું ?!

હજુ ‘આનંદ’ એ વાતે વિચારો આવતા રહે છે,
ભલે અટવાય મન થોડું, કશું લખવું તો શું લખવું ?!

-અશોક જાની ‘આનંદ’
(સૌજન્યઃ-ગુર્જર કાવ્ય ધારા…a way of talking)

કાવ્યાસ્વાદ કોઇ સાહિત્યિક કળા કે સૈધાન્તિક પ્રવૃત્તિ નથી.એ કાંતો નિજાનંદ છે કે પછી કવિતા અને તેનું સ્વરુપ સમજવાનો આનંદ છે.કાવ્યાસ્વાદ કોઇ અધ્યાપકિય રીતરસમ નથીઃ- ટૂંકાણમાં સમજાવો વા ભાવાર્થ આપો. કવિતાને અનેક પરિપ્રેક્ષ્યમાં કે સંદર્ભોમાં અનુભવવી તે કાવ્યાસ્વાદ છે, એમાં કવિતાનો આનંદ છે.કવિતા આનંદ છે વાંચવાનો અને પોતાને સંભળાવવાનો.શબ્દ હવે કેવળ વાંચવાનો નથી રહ્યો, કૉન્ક્રિટ કાવ્ય કે ઇ-કાવ્યોથી સાંભળવાનો પદાર્થ પણ થઈ ગયો છે.ગુજરાતી ભાષાનો શબ્દ તો વળી તેનાથી આગળ જઈ આપણા ઉચ્ચાર અને સ્વસન તંત્રમાં અનુભવાય છે.દા.ત. ચુપ શબ્દનો ઉચ્ચાર પૂરો થતાં હોઠ ભીડાય અને અવાજ બંધ થઈ જાય કે ખાલીખમ શબ્દના ઉચ્ચારને અંતે ‘મ’માંથી ઉદભવેલું વાયબ્રેશન છેક નાભી સુધી રિક્તતા રચી આપે છે.
આવી ભાષામાં સર્જનની મુંઝવણ અશોક જાની અનુભવે છે.’અવઢવ’બે શક્તિ ભરેલો શબ્દ છેઃ ઝંખના અને અચોક્કસપણું.ડૉ.નલિન પંડ્યાને મતે કોઇ પણ કવિતાની પહેલી પંક્તિ દેણ(દત્ત) છે અને મારે મતે મુંઝવણ છે.આ ગઝલનો કર્તા પહેલી પંક્તિ માટે જ નહીં પણ કાવ્ય માત્ર માટે ઝંખના અને અચોક્કસપણું બન્ને એકજ સમયે અનુભવે છે.
‘ગઝલ’ગુજરાતી ભાષાનું ચવાઈ ગયેલું સ્વરુપ છે અને એમાં આ કવિ શબ્દની/સર્જનની અનિશ્ચિતતાનો મુઝારો અનુભવે છે.ગુજરાતી ભાષામાં ઝંખના અને અચોક્કસપણું કૃતિ અને કર્તા બન્નેમાં અનુભવાય છે.સતત ગઝલ લખ્યા કરતા સર્જકને ‘નવ્યતા’ની કોઈ ઝંખના નથી અને એ ચીલાચાલુ બંધારણમાં શું નવું કરી શકાય તેનું અચોક્કસપણું(આંગળીને વેઢે ગણાય તેટલા સર્જકો સિવાય.)વ્યાપેલું દેખાય છે.એટલે તો મથાળામાં જ પ્રશ્ન અને આશ્ચર્ય અનુભવે છે-પ્રશ્ન પહેલો છે.
લતા હિરાણીએ ‘જળ’કાવ્યમાં કહ્યું ” કાળા અક્ષરની તરસ/ને કોરા કાગળના તાપ…” શબ્દ બળતરા છે, વા શબ્દ લુપ્ત છે. છતાં સર્જક ક્યાંક કશું ખોવાયું કે નિઃસત્વ થઈ ગયું છે તેની મથામણમાં શબ્દને નહીં પણ કાગળને, તેમાં રહેલી રિક્તતાને-સફેદીને-ઢંઢોળે છે કારણ કશુંક તો લખવું છે. મુઝારો સર્જકનો દ્રષ્ટિકૉણ છે, દરેક શબ્દ એક ગ્રાફિક કોયડો છે જે ઉકેલવો પડે છે વાંચવા માટે, સાંભળવા માટે.
વાત ત્યાંથી આગળઃ વહી આવે છે ખાલી….આ ભાષાની વાત છે કે પછી સર્જકોની? જે રીતે ગીત-ગઝલ અચાનક દૂધના ઊભરા જેવા આવ્યા તેનું આ આશ્ચર્ય હશે.ખાલી અને ટોળાં-આપણી સાંપ્રત સ્થિતિ છે,’અસર’ બ્લોગના યશવંતભાઈ લખે છે ” ઠેરઠેર ધોધમાર લાગણી ખાબકી હોવાથી ગઝલ ગીતનાં ગાડાં ભરાયાં છે.” તો એમાં અભિવ્યક્તિ કે શક્યતાઓને ક્યાં તાગવી? સર્જન એક એવી પ્રક્રિયા છે જ્યાં વાક્યોના(પંક્તિના) ઉભરા આવે છે, કેટલુંય વ્યર્થ નીવડે છે,ફાડી નાખવું પડે છે.કેટલાય સર્જકો ‘નવ્યતા’ના પ્રયોગો કરે છે,છંદમાં છૂટછાટ લઈને- અને ફેસબુક પર આ છંદો,છૂટછાટ માટે વાગ યુધ્ધો થતાં દેખાય છે, બંધારણમાંથી છૂટવું નથી અને બંધારણને નવું કરવું છે(એને માટે તો ફેસબુક પર ક્લાસ ચલાવાય છે.)”રદીફો હું નવા જોડું..’મથામણ છે કે હતાશા કે ગુંચવાડો હશે? પરંપરાથી ફંટાવું આપણા છંદબધ્ધ કાવ્યો સમ ગઝલને માન્ય નથી. છતાં ગઝલ ક્ષેત્રે લયમાં, અભિવ્યક્તિમાં નાવિન્ય દેખાયું છે.છતાં{આ મોટા પાયે થતાં ઉત્પાદનમાં}કશું લખવું તો શું લખવું એ લમણાકુટ તો રહેવાની જ–મર્યાદા એનું મૂળ છે.
કવિતા અને રસનો પ્રશ્ન કેટલાંય વર્ષોથી ઘૂંટાતો-ચર્ચાતો આવ્યો છે.વેબ જગતમાં ડૉ.વિવેક ટેલર ‘સામાન્ય માણસને સમજાય તેવું કે તેવી ભાષામાં લખવું’નો આગ્રહ રાખે છે.આ સર્જક કેવળ ભાવકને નહીં પોતાને ગમે તેવું લખવાની વાત કરે છે.પોતાના કાવ્યનો પતે judge? પણ સર્જક સભાન છે તેથી તરત કહે છે’અહીં ઉગે છે બસ મોળું…’આપણી ગઝલની અનાથી વધારે સારી કઈ ઓળખ હોઈ શકે? આ મોળુ શબ્દમાં મોળ પણ સંતાયેલો છે.’પ્રત્યાયન’ના પંચમ શુક્લનો પણ ગઝલની આ ઓળખ છે,ડૉ.વિવેક ટેલરના અભિપ્રાય સંદર્ભે “ગુજરાતમાં લખાતી ગુજરાતી ગઝલ સમય સાથે એક ડગલું આગળ વધે છે તો બે ડગલા પાછળ ખસે છે. મોટાભાગના નવા ગઝલકારોના ચિત્તતંત્ર મરીઝ/ઘાયલ… કે આદિલ/રાજેન્દ્ર …. યુગમાં જ ચકડોળે ચડેલા હોય ત્યાં નવી ગતિ કે મૌલિકતાનું ચલણ દીવો લઈને જ શોધવું પડે.”
પોતાની પરંપરાને ઓળખતો કવિ વિચારે છે,મૂંઝાય છે, અટવાય છે,પાછો પડે છે.ફરી ફરી પુનરાવર્તન પામતું વાક્ય “કશું લખવું તો શું લખવું ?!” સાંપ્રત ગુજરાતી સાહિત્યની સ્થિતિનો ચિત્કાર છે,આ ફ્રેક્ચર્ડ વિશ્વ જેવી સાહિત્યિક પ્રવૃત્તિનો.જો કાવ્ય સામાન્ય માણસને સમજાય તેવું થવું જોઈતું હોય તો આપણે દલપત-નર્મદ કે નરસિંહ-મીરાંથી આગળ વધવાની આવશ્યકતા ખરી? કવિનું કામ રૂચી ઘડવાનું છે,નથી માન્યતા મેળવવાનું કે કવિઓ ઘડવાનું !
આપણી નબળી થતી કવિતાના મિથ ઓફ સિસિફસ જેવી સંવેદના મૂકી જતી આ ગઝલ સર્જકોને સદા જાગૃત રાખશે એ જ…અસ્તુ.

[ અહીં આસ્વાદ તળે થોડી નોંધ મુકું છું જે વિચાર પ્રેરેક નીવડશે તેવી અપેક્ષા છે.]

૧) આપણું cyberculture  (cy·ber·cul·ture  /ˈsaɪbərˌkʌltʃər/ Show Spelled[sahy-ber-kuhl-cher] Show IPAnoun a unique setof habits, values, and other elements of culturethat have evolved from the use of computers and the Internet અથવા તો noun
the culture that emerges from the use of computers for communication and entertainment and business) આપણી નબળી કડી છે/હશે કે થતી જાય છે કે ત્યાં દોરી જાય છે ?

૨)આપણું કાવ્ય(વેબ)જગત pop culture(લોકપ્રિય સાહિત્ય)થઈ ગયું છેઃ જે વેપારી જગત સમ consumerist થયું,subculture સમ ગઠબંધનમાં કે નાના ગ્રૂપમાં ફેરવાઈ ગયું, દાવા માંડીને sensationalist થઈ ગયું અને આ બધાંથી એ corrupted છે.

૩)કદાચ વિશ્વમાં લખાયું છે તેમ અઘરી કવિતા એટલે શું ? એ વિશે આપણે પણ વિચારવું પડશે વર્નન શેટલી(Vernon Shetley) સમ-After the Death of Poetry: Poet and Audience in Contemporary America [Paperback]’

૪) ગઝલ આપણા નનકડા I નુ સાહિત્ય છે?
ઓક્ટોબર-૨૦૧૧


આપણી આધૂનિક પૌરાણિકતાનો સૂરઃઅણજાણ્યાઓની પ્રતીક્ષા

જુલાઇ 20, 2011

અણજાણ્યાઓની પ્રતીક્ષાઃસી.પી.કવાફી (૧૯૦૪)ગ્રીક

આપણે કોની પ્રતીક્ષામાં છીએ, જાહેરમાં ટોળેવળી ?

અણજાણ્યાઓ આવશે આજે.

રાજ્યસભામાં કેમ કશી કાર્યવાહી નથી ?
પ્રતિનિધિઓ કેમ કારભાર વગર બેસી રહ્યાં છે ?

કારણ અણજાણ્યા આવવાના છે આજે.
ધારાસભ્યોની કાર્યવાહીને હાલમાં શો અર્થ છે ?
જ્યારે અણજાણ્યા અહીં હશે, તેઓ કારભારું કરશે.

આપણો રાજા શા માટે આટલો વહેલો જાગી ગયો,
અને શહેરના મુખ્ય દરવાજે સિંહાસને બેઠો છે,
મુગટ પહેરી, ઠસ્સાદાર ?

કારણ અણજાણ્યા આવવાના છે આજે
અને રાજા પ્રતીક્ષામાં છે એમના નેતાના આદરાતિથ્ય માટે.
અને આપવા ભૂંગળભટિયુંય હાથમાં છે.
પ્રભાવશાળી નામોલ્લેખથી, પદવીઓથી ખીચોખીચ.

શા માટે આપણા બે એલચી અને ન્યાયાધીશો બહાર આવી પહોંચ્યા
એમના ભરતભર્યા, લાલ ઝભ્ભા પહેરી ?
શા માટે પહેર્યાં છે નીલમ મઢ્યા કડાં,
વીંટીઓ ભભકાદાર રત્નોથી ઝ્બુકતી ?
શા માટે ગ્રહી છે મનોહર લાકડીઓ
સોના-ચાંદીના ઘડતરથી સુશોભિત ?

કારણ અણજાણ્યા આવવાના છે આજે
અને એવી વસ્તુ એમને આંજી દે છે.

શા માટે નામાંકિત વક્તાઓ હમેશા સમ ના આવ્યા
જાહેર વ્યાખ્યાનાર્થે, એમને કહેવું હોય તે કહેવા ?

કારણ અણજાણ્યાઓ આવવાના છે આજે
અને તેઓ કંટાળે છે વાકછટા અને જાહેઅર વ્યાખ્યાનોથી.

આ ઓચિંતો રઘવાટ, ગરબડ ગોટો શા માટે ?
( કેટલા ગંભીર થઈ ગયા છે લોકચહેરા.)
શા માટે ગલીઓ અને ચોક ઝડપથી ખાલી થાય છે,
દરેકજણ અનિશ્ચિત ઘેર પાછા વળ્યાં ?

કારણ રાત્રિ ઢળી અને અણજાણ્યા આવ્યા નહીં.
અને આપણા માણસોએ સરહદથી પાછા આવી કહ્યું
અણજાણ્યા હયાત નથી.

હવે અણજાણ્યાઓ વગર આપણું શું થશે ?
એ લોકો એક પ્રકારનું નિરાકરણ હતાં. ( ૨-૨૬-૨૦૧૧ ) અનુ. હિમાન્શુ પટેલ

Waiting for the Barbariaન

દરેક કવિતા લખાતી હોય ત્યારે એના ‘ડાયેસ્પોરા’ સાથે એનું સંધાન માણસ અને તેના dna જેવું હોય છે.સર્જન કેવળ કાલ્પનિક ગતિવિધિ કે વિદ્યર્થ નથી,શબ્દ સ્ફોટનો નિચોડ છે.કવિ એની દરેક સાંસ્કૃતિક ઉથલપાથલનો સાક્ષી છે અને એજ એની સર્જકતાનો મૂળગામી (radical)અનુભવ છે, સમજ છે.જે તે સંસ્કૃતિમાં એના સર્જકનો શબ્દ ઉથલપાથલ કરનારો છે તેથી જ આપણને એ કવિતા વાંચવા આકર્ષે છે,અને કદાચ એ જ સર્જકને વૈયક્તિકપણે અને સામાજિક સ્વરૂપે જવાદાર બનાવે છે. કવિ આપણે કૉણ છીએ અને આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ તે સતત યાદ કરાવે છે, કારણ કે કવિ પૂછે છે “શા માટે મારી કવિતાના મૂળ આ જગ્યાની માટીમાં ઊંડા છે.”( પાબલો નેરુદા,ચીલે.-passions and impressions.)

ગ્રીક ભાષામાંથી કવાફી જેટલો ભાગ્યેજ કોઈ અંગ્રેજીમાં(ગુજરાતીમાં તો નહીવત.)ચર્ચાયો હશે,એની ઐતિહાસિકતા,સંવેદના અને કામુકતા માટે. બે દેશો કે સંસ્કૃતિમાં વહેચાયેલો કવિ નિશ્ચિત આશયથી, સંદિગ્ધતાથી કાવ્યોનું સર્જન કરે છે.કોઈ પણ કવિ કાવ્ય સર્જનની શરુઆત કરે ત્યારે હમેશા ‘પ્રભાવિત’ કાવ્યો જ સર્જે છે, જે એની નબળી શરુઆત હોય છે.ત્યાર પછી જ એના વિકાસમાંથી આગવું સર્જન આવે છે. પણ આ તરવરીયો ગ્રીક કવિ -એકાંતવાસી જીવન જીવતો.-એના  જીવનકાળ દરમ્યાન અપ્રસિધ્ધ રહ્યો. છાપામાં અને ચોપાનિયામાં કાવ્યો પ્રકાશિત થતાં રહ્યાં છતાં એ કાવ્યો  નાનો – મોટો જુવાળ  પેદા કરતાં રહ્યાં. કવાફીની ભાષા નિશ્ચિત વલણથી તરબતર છે પરિણામે એના કાવ્યોમાં નિખાલસતા ઓતપ્રોત આવે છે. કાવ્યની ભાષામાં ક્યાંય તત્વગ્યાનભાર કે વિચારભાર જણાતો નથી, છતાં એના શબ્દો તણખા છે.ભાષા એક જ સમયે સંદિગ્ધતા અને વિસ્તાર ભરેલી છે, એના કાવ્યો મૃત્યુ પછી વધારે પ્રકાશમાં આવ્યા છે તેથી કવિનું આધિપત્ય વર્તાતું નથી.

કવાફી અને એના કાવ્યો  સંસ્કૃતિની પૌરાણિકતા અને જીવાતા  સમયની આધુનિકતા અથવા સંદર્ભોને સાંકળવાનું કામ કરે છે. વિગતે જોઈએ તો સ્વક સંસ્કૃતિના જૂઠાણા પ્રત્યે વિવાદ સર્જે છે. એના કાવ્યોમાં ક્યાંય નિષ્ઠુરતા કે આક્રોશ સીધો અભિવ્યક્ત થતો નથી. આપણા અખા સમ એ ગંભીરતાપૂર્વક ચાબખા મારે છે. કવિતા એના ડાયાસ્પોરાને, એની  પૌરાણિકતાને એકત્ર કરે છે.

ઐતિહાસિકતાની દ્ર્ષ્ટિએ જોઇએતો કવાફીએ આ કાવ્ય ગીબને લખેલા ઇતિહાસને વાંચી એના પ્રતિકાર માટે લખ્યું  હશે.જી. પી. savidis એના “કવાફી,ગીબન અને બાયઝેનટાઇન ” લેખમાં અંતે  જણાવે છે કે…”  Waiting for the Barbarians” ―a poem written during the period he was pondering over Gibbon’s shrewd but overly optimistic guess that “Europe is secure from any future irruption of Barbarians; since, before they can conquer, they must cease to be barbarous” આગળ કહ્યું તેમ કવિતા પ્રતિકાર છે અથવા ડાયોસ્પોરા પ્રતિ અભિરામ છે. કાવેફી માનવ  ગ્યાન અને મનોવૃત્તિને સંગોપતો, વિસ્તારતો કવિ છે,બાયઝેન્ટાઇનબાનીનો શંકાતીત ધ્વનિ છે.

૧૦૭ વરસ પછી આ કાવ્યને કેવળ એના ઐતિહાસિક સંદર્ભોથી નહીં પણ એની સર્વકાલિનતાથી અનુભવવી છે. કવિ  અહીં વક્રોક્તિ ખૂબ સાદાઈથી કાવ્યાનુભૂતિમાં મૂકી આપે છે બધાં અલંકૃતો ઉતારીને અને કાવ્યરીતિ પ્રશ્ન અને ઉત્તરના પુનરાવર્તનથી ઘડાયેલી છે.પ્રશ્નોત્તર જેવું સંભળાતું કાવ્ય બાળ સહજ કૂતુહલવૃત્તિ અભિવ્યક્ત કરે છે અને એ કામ કાવ્યમાં એક જ વક્તા કરે છે.સમગ્ર કાવ્ય અંદરો અંદર ગૂંથેલી સંવાદપ્રવૃત્તિ છે જે આપણા આજના સમાજની કૃત્રિમ રાજકિય આચાર પધ્ધતિ જોઇ આપણે સ્વક સાથે રચીએ છીએ.પ્રથમ વાંચને કાવ્ય સંવાદ કે વર્તાલાપ લાગે છે, પણ ખરેખરતો ગોપિત અને ગૂઢાર્થમાં, ભય અને આવશ્યકતા, જે આપણી દૈનિક જીવન પધ્ધતિને વિકૃત કરે છે તેના સંકેતોથી તરબતર છે. આ કાવ્ય વિષે લખતાં અમેરિકન કવિ રોબર્ટ પીન્સ્કીએ લખ્યું છે,” આ લુચ્ચાઈ ભર્યા રમૂજી કાવ્યમાં  એના મશ્કરી માટે મુદ્દો બતાવતા શબ્દો ક્યારે ય થાકતા નથી કે ઘસાઇ નથી જતાં .”એ જ કાવ્યની સર્વકાલિનતા છે. કાવ્યની શરૂઆતમાં આપણે શું કહીએ છીએ એનું કોઇ વિષેશ મહત્વ નથી કારણ કે અણજાણ્યા આવવાના છે અને બધું બદલાઇ જશે, સુધરી જશે. કાવ્યનો ચિતાર પરંપરાગત(ક્લાસિકલ) છે, રાજા, સિંહાસન, લાલ ભરત ભર્યા ઝભ્ભા…કવાફી એના બાયઝાન્ટાઇન ગ્રીક સમાજનો ઉલ્લેખ કરે છે છતાં કાવ્યની છેલ્લી પંક્તિમાં જેનો નિર્દેશ કરાયો છે તે ભય આધુનિક આત્મ સભાનતા પ્રત્યેનો છે જે આપણી રાજકિય અને સાર્વજનિક સભાનતા કે અભાનતા પ્રત્યે અંગૂલિનિર્દેશ છે.

આજના સંદર્ભમાં જુઓ-કે ગ્રીક સંદર્ભે.- આ અસંસ્કૃત લોકો ( રાજકારણીઓ, આતંકવાદીઓ કે તક-સાધુ !!) ન ઓળખાયેલા, જે તમારી ભાષા નથી બોલતા અથવાતો તમારા મૂલ્યો સાથે સંકળાયેલા નથી, ટૂંકમાં તમારા ‘ડાયેસ્પોરા’માં નથી. ખરેખર તો .અણજાણ્યા’ એના વિસ્તૃત સંદર્ભમાં એ અસ્તિત્વ છે જેમનામાં સંસ્કૃતિ, એના મૂલ્યો, જે જાણેલા અથવાતો જે જાણી શકાતા નથી અને જેને મૂળગામીપણાનો ખયાલ નથી-things like that impress barbarians, ૧૦૭ વરસ પહેલા કવિને  ૨૦૧૧ના સમાજ પ્રત્યે સહાનુભૂતિ હતી અથવા આપણા વધું પડતા આચરણ(અતિરેક.) પ્રત્યે શંકા હતી! સાચા અર્થમાં અણજાણ્યા કોણ છે? તત્વગ્યાનીઓ પૂછે છે તેમ ખરેખર કોણ નિષ્ફળ નિવડ્યું છે,એમની આ ઉદ્દમ પ્રવૃત્તિને સમાજમાં   ઉશ્કેરવામાં ? એ સાચું હશે કે દરેક સમાજને એની હયાતીને ન્યાય આપવા ‘દુશમનો’ આવશ્યક છે જેમ ગામ વસાવવા બે સારા અને ખરાબ જરુરી હોય !કે પછી આજના  રાજકારણીઓ સમ એક ખરાબ તત્વને નાથીને બીજું પ્રજાને ધાકમાં રાખવા પેદા કરવું જોઇએ!! કવાફીના શહેરી નાગરિકો ખરખર તો અણઘડને નાથવા નથી મથતા, પણ ચર્ચિલે કહ્યું છે તેમ ત્રીજું વિશ્વયુધ્ધ ભયથી આવશે,તે ભયમાં એકલા પડી ગયા અને ખરખરતો કોઇ દુશ્મન નથી, તે કૂટપ્રશ્ન ઉકેલવાનો છે !! સેમ્યુઅલ બેકેટના નાટક ” વેઇટીંગ ફોર ગોદો ” જેવી આપણી દશા છે જ્યાં આપણે આપણી જવાબદારીમાં આપણને રક્ષવાના છે કારણ આપણેજ આપણી પોતાની છેતરપિંડીમાં સપડાયેલા છીએ. આપણેજ આપણી ભાષામાં, ગ્યાનમાં અને એ બન્નેના ઉપયોગના-મૂલ્યો સમજાવવાના-ફાંદામાં લેવાયેલા છીએ.

વિશ્વ સાહિત્યમાં, આજ શિર્ષક લઈ નોબેલ સર્જક જે. એમ. કોએટ્ઝીએ નવલકથા લખી છે અને આવા ધ્વનિ સામ્યવાળું બેકેટનું દ્વિઅંકી  નાટક પણ છે. ત્રણ સર્જકો આ ” પ્રતિક્ષા “( waiting) ને આપણી હયાતીની લાક્ષણિકતા ગણાવે છે અને ત્રણેવ પ્રતિક્ષા કોઇ નિશ્ચિત સામ્રાજ્યમાં પ્રવર્તમાન નથી, આપણા અનિશ્ચિત વ્યાપમાં આપણી અનિશ્ચિતતા આ કૃતિઓનો મૂળગામી અનુભવ છે. આપણી અનિશ્ચિતતા  કોએટ્ઝીના પેલા ન્યાયાધીશ સમ આપણો લાભ લે છે ( ભારતના સાંપ્રત સત્તધારીઓ સમ.) કે કવાફીના સામ્રાજ્યમાં છે તેમ આપણા પ્રત્યે બેદરકારી સેવે છે.( ભારતના સત્તધારીઓ સમ.) ટૂંકમાં ‘અવકૃપા’ લાદેલી લાક્ષણિકતા છે કે  આપણી વણનોતરી સ્વિકૃતિ છે !! કદાચ આપણી બેદરકારી જ આપણો ભય છે.( perhaps our carelessness/negligence is our fear.-himanshu patel)

આ કાવ્યમાં, કોએટ્ઝીની નવલકથામાં કે બેકેટના નાટકમાં અર્થ સાથેના પૂર્વગ્રહો( મનમાં ઘોળાતા વિચારો,) આદાનપ્રદાન અને બાની હયાત છે. છતાં ત્રણેવમાં એમની પ્રજાની ભાષા કોઇ બોલતું નથી . ત્રણેવમાં એક વાતનું સાતત્ય છે ભાષા અને તેનો વિનિમય, સત્તા બંધારણ (power structure), વસાહતવાદ,અનિવાર્યતા અને અર્થ. આ કાવ્ય અને અન્ય કૃતિઓ લોકોની ભાષા નથી બોલતી. સરમુખત્યાર પ્રજા તથા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે તેથી અહીં શરુ થાય છે ભેદ, સત્તાનો, આધિપત્યનો, વસાહતવાદનો અને સાંસ્કૃતિક અથડામણનો, કાયદેસરતાનો. યુધ્ધ સત્તા અને પ્રજા વચ્ચે નથી પણ લોકોને સામુહિક ટોળા સ્વરુપે ગણાવામાં આવે છે તેનું  છે. નાગરિકને en mass  તરીકે જોવાય છે.

કાવ્ય માણસ અને તેની હયાતીની ભાષા બોલે છે અર્થાત એ ભાષાને માનવ સંદર્ભે શું અર્થ છે તે, એમાં તેને કેટલો વિશ્વાસ છે તે, અન્ય વિશે શું બોલે છે તે અને પ્લોટ કે વિષય સંદર્ભે શું નથી સમજી શકતા તે વિશે બોલે છે. આજના સંદર્ભે આ કાવ્ય એટલું જ  સાચું છે જે ગઈકાલના સંદર્ભે હતું. બારબેરિયન્સ ( અણજાણ્યા) અને ટેરેરિસ્ટ આપણી ગેરસમજ છે.પોતાને સમજવાની ઉણપ એ આપણું અપકૃત્ય છે, અણઘડ  કેવળ એનો લાભ લે છે.કવાફી આપણી આજની સંસ્કૃતિનો આદ્ય સૂર છે, એ મેજીસ્ટ્રેટ અને બારબેરિયન્સ બન્ને એકસાથે છે. આપણી આધૂનિક પૌરાણિકતાનો એક જ સમયે ઉદગાર  છે! કાવ્યની ભાષા સોસૂર અને ભર્તૃહરિનો સમન્વય છે.

કવાફીની બાનીનું મહત્વ છે તે બે પધ્ધતિનું મિશ્રણઃ એક લોકબોલીની ગદ્યાળુતા(demotic)- જે ‘તથાપી’ના સંપાદક જયેશ ભોગાયતાને ગુજરાતી ભાષામાં માન્ય નથી!! – અને ૧૯મી સદીમાં સરકારી નોકરિયાતોએ દાખલ કરેલી કૃત્રિમ ભાષા (katharevousa.) કવાફીના સમયમાં એ ભાષા ઉત્તમ સાહિત્ય માટે શિષ્ટાચાર હતી. કવાફીની આ મિશ્ર ભાષા માણસ હોવાના વિચિત્ર સંબંધને આજના અને અગાઉના સમયને પણ લાગુ પડે છે( ex post facto).કાવ્યની ભાષામાં માણસ એક જ દિવસ જીવનાર જંતુ ( ephemera ) છે. આપણે જ આ ધરતીનો અંધકાર છીએ, એટલે તો વિચારીએ છીએઃ those people were a kind of solution.

૩-૩-૨૦૧૧


ટીનએજરની ગઝલઃવિકસેલી સદીના આવિર્ભાવની ગઝલ

જુલાઇ 5, 2011

ટીનએજરની ગઝલ ♥ પંચમ શુક્લ

પાંપણ પર મસ્કરા ને નજર તીરછી હતી,
આંખોમાં એની મેંય તલબ પારખી હતી.

કોકિલની જેમ, એની ઘટાટોપ કૂંજમાં,
આતપની તરસ ટહુકે ટહુકે ઠારવી હતી.

એની ગ્રીવાના ગર્થના અંદાજમાં અકળ,
મારી ખયાલી સેર સરસ ઝૂલતી હતી.

એની ડૂંટીની નીચે નીચે ભૂરાં જીન્સનાં-
ખિસ્સામાં છોળ અબ્ધિની સંતાડવી હતી.

મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.
(૧૯૯૨)
ગ્રીવાઃ ડોક, ગર્થઃ ઘેરાવો, અબ્ધિઃ સમુદ્ર
છંદોલય: ગાગા લગાલ ગાલ લગાગા લગા લગા

ઉમેરેલા શેરઃ
ચિત્રો મહીં અજંતા-ઈલોરાના જોઈ’તી,
એ અંગભંગિમાઓ એમાં ખોળવી હતી.

દાતાર-દત્ત શી પવિત્ર એની ટૂંક પર,
દશાંગુલિ-પતાકાઓ લહેરાવવી હતી.

જૂનું ફૂલ નવી સોડમ જેવી ૧૯ વર્ષ પછી પ્રકાશીત ગઝલ વિષે લખવું એ ૭૦ના દાયકાની ‘હરે રામ હરે ક્રિષ્ણ’ જેવી મૂવીની ડ્રગ ઇફેક્ટ વિષે લખવા જેવું સાહસ થાય. માઝા મૂકી ઢોળાયેલી મસ્તીને, એની અભિવ્યક્તિને આલેખવી કે એમાં ઓળઘોળ થવા જેવી સાહસ પ્રવૃત્તિ થઈ જાય. માદકતા ચોફેર ફરીવળે અને યૌવન ચોમેરથી ભીંસે- માનવ પ્રકૃતિ અને કુદરતી impulseનો સંસ્કૃત સમન્વય. માનવ મસ્તી અને વીસમી સદીમાં વિકસેલી નારીના ભરપૂર જોબનથી તસતસતી ભાષા અને મૂળગામી સેન્દ્રિયતાનો ઊકળાટ તે ‘ટીનએજરની ગઝલ’.
કહેવાતા celebrity અભિગમથી અથવા icon પરિભ્રમણથી પીડાતી આ સદીની
યૌવના-પાંપણ પર મસ્કરા’અને તેનું ક્ષણભંગુર આયુષ્ય-લાભ-એની સેન્દ્રિયતાને આ ભાષા લખી આપે છે.આપણો સમાગમ -અભિગમ અને તેનું વૈવિધ્ય’તલબ’ શબ્દમાં ભારોભાર ઉપસી આવે છે. કવિ આપણી નહિવતતાનો ભાર અનુભવે છે, અથવા આપણી સંસ્કૃતિમાં પ્રવર્તમાન તત્કાલ લાભના અભિગમનો માનસિક-વિકાર ભાવ અનુભવે છે.સામાજિક સામુહિક પીડા, આ સંસ્કૃતિનો, યદ્યપિ અભિગમ છે,અનુભવ છે.સંસ્કૃતિ હોવું એ સામુહિક પીડન હશે ?
બીજા શેરમાં સર્જક આ સંસ્કૃતિના સ્ત્રૈણ માર્કેટિંગ અંદાજનો ફોડ પાડે છે.આપણી વેપારી વૃત્તિ સ્ત્રીને પદાર્થ સ્વરૂપે અને ખરીદદાર તરીકે ચકાસે છે.સ્ત્રી આ સંસ્કૃતિનો મહદ વેપાર છે,એ આ make believe સાંસ્કૃતિક અભિગમની અગ્રેસર છે.સ્ત્રીની ડોકની ઉંચાઈ,પહોળાઈ માલની ખપત છે,( જુઓ મલાની,ભીંડી,વગેરે જ્વેલર્સની ઘરણાની જાહેરાત.)અને એવી ગ્રીવા પર લટકતી વાળની એક સેર આધુનિક જાહેરાત સૌદર્યની વ્યાખ્યા છે એટલેતો એ કોઈપણ વ્યક્તિ-સર્જક સહિત-ની મનોવૃત્તિ છે, માનસિક જાગરૂક અભિગમ છે.આપણે આપણી ‘નવ્યતાથી’પીડઈએ
છીએ?!એ આપણૂં વિવરણ, સ્પષ્ટિકરણ કે પ્રદર્શન છે! કે પછી આપણી આધુનિક
જાગરુકતાની વિકૃતિ? માણસ માણસ મટી વેચાઉ પદાર્થ થઈ ગયો.વિશ્વમાં વિકૃતિ સિવાય ઇતર કોઈ સૌંદર્ય નથી…!
સ્ત્રીના પ્રદર્શીત અવયવોથી પીડાતો આજનો માણસ- માનસ ! -કે સ્ત્રૈણ સૌંદર્યની કદર કરતું માનસ ( સાચો અભિગમ કયો ? )એના ટહુકાથી શુશોભિત છે-કોકિલની જેમ.સૌંદર્ય કેવળ દ્ર્ષ્ટિ નથી કર્ણ પ્રિયતા પણ છે.’ઘટાટોપ’-અંબોડો સૌંદર્યનો ભાગ છે અને એમાં ઠરેલી દ્રષ્ટિ સંતોષ છે.સ્ત્રીગત આકારમાં ઉપસવું અને ગોળાકાર આકર્ષણ,સુંદરતા અને આતપ- આવેગ, ઇપ્સનો ઉશ્કેરાટ અને તેની ગરમી-ના દ્યોતક છે.
ચોથા શેરમાં આપણા pop cultureનો ઉલ્લેખ છે.હજારો વર્ષ પહેલાં સંસ્કૃત ભાષામાં લખતા વલણે કહ્યું છે-
સૌંદર્ય શબ્દમાં કહેવાયું છે તે નથી
પણ કહેવાયા વગર કહ્યું છે તેમાં છે.
ઊઘાડા નહીં, પણ પાર્દર્શક પાલવ પાછળના સ્તન
હમેશા વાંછિત છે.
અને હાલના એ exposed વધારે આકર્ષક છે, બે અંત્યેષ્ઠિમાં વ્યાપ્ત આપણી વિભાવના બદલાયેલા અભિગમને વ્ય્ક્ત કરે છે, અથવા આપણા sex(સેન્દ્રિત્યતા) પ્રત્યે ફેરવિચારાયેલા વલણને.આપણે વધારે ખૂલ્લા પડી ગયાં છીએ કે આપણી સ્વતંત્રતાને આપણા મૂલ્યોમાં આપણે generalized કરી નાખી છે,ખીસ્સામાં સંતાયેલો ભીનો ઉશ્કેરાટ…સમુદ્રના આવાગમન જેવો!’અબ્ધિ’ આપણી ગોપિત અને forceful વૃત્તિને એના પરિપૂર્ણ મેટાફોરિક સ્વરૂપે મૂકી આપે છે.
પાંચમાં શેરમાં કવિ માણસ હોવાની વૃત્તિને વ્યક્ત કરતાં જે સમાજમાં હયાત છે
તે સમાજના નિયમો સ્વીકારી કહે છે, મનમાં જે પહેલા પ્રેમનો આવેગ હતો, પરથમ પ્રેમનું આકર્ષણ હતું એ -બધી મુરાદ હતી.પહેલો પ્રેમ હમેશા મસા જેવો હોય છે,કુદરતી અને સદાકાળ.પ્રેમ દરેક ઇચ્છા છેઃ વપરાવું-વાપરવાની. અને હિન્દુ સમાજમાં બને છે તેમ વગોવાઈ જવાની. આપણી સંકુચિત(!) માનસની અભિવ્યક્તિ છેલ્લી પંક્તિમાં સંદિગ્ધતાથી વ્યક્ત થઈ છે.મેલીન’તી..છતાં વગોવાઈ હતી. પ્રેમની શુધ્ધતા અને એનો અસ્વીકાર. સંસ્કૃતિ માનસને વ્યક્ત કરે છે, આપણી રૂઢતાને વ્યક્ત કરે છે.
૯૦ના દાયકામાં લખાયેલી આ ગઝલ ચંદ્રકાંત શાહના બ્લુ જીન્સથી સંસ્કૃત કાવ્યબાનીમાં વ્યક્ત માદકતાની યાદ મૂકી જાય છે.તેમાં દરિયાની ખીચોખીચ પારદર્શકતા છે તો શબ્દોનું હળાહળ મૌન છે, જ્યાં આંખો જોઈ નથી શકતી તે અંદરની સતત શરૂઆત છે.અહીં ભાષામાં grace અને સ્વરમાધુર્યની અસર શબ્દોની સાદગી અને તાર્કિક સંબંધના મીલનથી આવે છે.શબ્દો એકમેકને અડીને,
એકબીજામાં વણાઇને આપ્તભાવ પેદા કરે છે,જે માનવ સ્વભાવ જેમ નૈસર્ગિક આકર્ષણ બની રહે છે.અહીં નક્કર ઇમેજીસ અને ભાષાની સ્પષ્ટતા અભિવ્યક્તિ પર
પકડ જમાવી રાખે છે,શબ્દો મુલાયમ મેલડી માટે સ્પષ્ટતઃ પસંદ કરાયેલા છે.આ aesthetics સ્પષ્ટ પણે theme of individual human experience તરફ વળેલી છે.કવિતા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં બોલે છે અને અહીં આજની અનુભૂતિ ગઈકાલની ભાષામાં છે. ભાષા તાવીજ જેવી છે.
૨-૧૮-૨૦૧૧
( છેલ્લા બે નવા ઉમેરેલા શેર વિષે એટલુંજ કહેવાનું કળા સંગોપનમાં છે ઉદઘાટનમાં નથી, ઉમેરો મને obvious લાગ્યો છે.)


એકાંત બહુ ગમે:બહુવિધ અર્થછાયાઓને વરેલી કૃતિ-આસ્વાદ

જૂન 22, 2011

મે 28, 2011 at 6:38 am · Filed under ગઝલ, ડૉ. કિશોર મોદી
પાદરના પાળિયે ઊભું એકાંત બહુ ગમે,
ખેતરના ઢાળિયે ઊભું એકાંત બહુ ગમે.

વૈશાખની બપોર માથે મૂકી ચાલતા,
માણસના ફાળિયે ઊભું એકાંત બહુ ગમે.

શેરીમાં મંદ મંદ વાતા વાયરા સમું,
શરમાતું જાળિયે ઊભું એકાંત બહુ ગમે.

સ્મરણો ગણી ગણી ઉપર ગોઠવી દીધાં,
ચિક્કાર માળિયે ઊભું એકાંત બહુ ગમે.

કિશોર ચોતરફ ઋતુ આનંદઘેલી છે,
નિર્લેપ ચાડિયે ઊભું એકાંત બહુ ગમે.
(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા………a way of talking )

કોઈપણ કૃતિમાં ભાષાનું કર્મ મૂળભૂત પૂદગલને ઘનિભૂત કરી એને શક્ય હોય તેટલું
એકલોહિયું બનાવવાનું છે,DNA જેટલું એકકેન્દ્રિ.ભાષાથી કવિતા નવ્ય બને છે,ઘટ્ટ બને છે.આ ઘટ્ટ ભર્તૃહરિના સ્ફોટ જેવો શબ્દ છે, અનેકાર્થ અભિગમ ધરાવતો.એ મલ્ટિકલ્ચરલ વિભાવના જેવો છે.એટલે તો ઝાક રોબોએ કહ્યું છે poetry exist in language and in poems.

ડૉ.કિશોર મોદીની આ ગઝલ langu(im)age(લેન્ગ્વે(ઇમે)જ)અભિગમથીતપાસવી છે.જ્યાં ભાષા અને ઇમેજ તદરુપ છે,અર્થાત વાક્ય રચનાને ઇમેજથી વિખૂટી કરી શકાતી નથી,વાક્ય કે વાક્યમાં વપરાયેલી ભાષા સ્વયં ઇમેજનું સ્વરૂપ ધારણ કરી લે છે, જેમ વર્તુળમાં શ્વેત જગ્યા વા શ્વેત જગ્યા ફરતે ગોળાકાર કાળી લીટી.

ગ્રીક ભાષામાં poiesis એટલે બનાવવું કે સર્જવું અને લેટીનમાં poetria એટલે મૌખિક સર્જનકળા નિહિતપણે તે નાદના સર્જનમાં પ્રવૃત્ત છે. કવિતાનું મૂળગામી દ્વૈત સ્વરુપ-શબ્દનો લેખિત (અર્થાત visual ) આકાર અને મૌખિક ઉચ્ચાર સાથે અનુસંધાન, એનું રુઢ વર્તન છે.આ વર્તન ભાષાને આપણી પાસે પદાર્થ તરીકે લાવે છે. ભાષા જ્યારે પદાર્થ રુપે આવે ત્યારે એનો ઓરતરાહનો(exotic)ઉપયોગ
કરી શકાય છે અને તેજ કાવ્યની નવ્યતા છે.

‘એકાંત બહુ ગમે’માં આવી નવ્યતા દેખાય છે જ્યાં શબ્દ, ઉચ્ચાર અને અર્થ ત્રણેવ સંયુક્ત પણે કે એકાકાર થઈ એકકેન્દ્રિ થાય છે.સર્જક પાઠક્ને નવા પ્રકાશમાં, વિચારને દેખાડે છે અને એ દ્વારા એને નવી રીતે અનુભવવા પ્રેરે છે.કવિ પોતાની રજૂઆતથી શબ્દના સામન્ય કે રોજિંદા અભિગમને નવું કલેવર આપે છે.પાદરનો
પાળિયો એની નક્કર દશામાં અને સતત ઊભી અવસ્થાને ખેતરના ઢાળિયામાં ‘ઊભું’ શબ્દથી જોડી આપી ઢાળને નક્કર ઊભો દેખાડ્યો છે, એ બન્નેમાં પડી રહેલું
એકાકીપણું નક્કર થઈ ગયું છે અને આ એકલતા અસ્વીકૃત મનોદશા છે છતાં કવિ
‘બહુ ગમે’ કહીને એને લાગણીક્ષમ્ય કે અનુભવક્ષમ્ય બનાવે છે.મેટાફિરિક ભાષા સંવેદનાનું આ પરિવર્તન છે.
બળબળતી બપોરે છત્રી જેવું કામ કરતું ફાળિયું માથા પર મુકેલ બપોરી હવાનો કે તડકાનો ભાર-તડકાને, માણસને અને બપોરને ઊભી અવસ્થામાં મૂકી આપે છે.
માણસની બપોરી અસહિષ્ણુતા,તેની એકલતા સાથે બહુ ગમે છે અને માણસ હોવાથી
ગમાઅણગમાની એક અભિવ્યક્તિને સર્જક દેખાડે છે. આ કામ સર્જક અર્થ કે વિચારના પુનઃગઠન(re-structure)થી કરે છે.ત્રીજા શેરમાં જાળિયું શરમાયેલું હોય
તેવો અનુભવ પેલા મંદ વાયરામાં ઘેરાયેલી શેરીની અરવતાથી થાય છે.

ચોથા શેરમાં આપણે શું યાદ રાખવું છેની નહીં પણ શું યાદ રહ્યું છે તેની મથામણ છે.સંસ્મૃતિ કેવળ પોતાના જ નહીં પણ બીજાએ દેખાડેલાં અનુભવોથી પણ ગંઠાય છે.ઘરના માળિયામાં પદાર્થ વૈવિધ્ય છે તે જ રીતે આપણા માળિયામાં-મગજમાં-
ભરચક શબ્દો,એના અર્થો અને એના દ્રશ્યો,અરવ એકાકી પડી રહ્યાં છે, આ seeing-as દ્વારા કોઈ એક વ્યક્તિત્વનું પુનઃગઠન છે. સંસ્મરણ વગર જન્મેલો એની ગીચતા સાથે મરે છે. કાવ્યની ભાષા ચિત્રો સ્વરુપે આવે છે,ભાષામાંથી
ચિત્રો નથી આવતાં.આ ભાષામાં ધ્વનિ જોડણીકોશમાં જણાવાયો છે તે નથી પણ
સંવેદના કે અનુભૂતિમાં પડઘા છે, ધ્વન્યાર્થમાં પડઘા છે.શબ્દ સ્વયં મૌખિક કળા છે અર્થાત એ ઉચ્ચારથી સાંભળવાનો પદાર્થ છે. કવિતાને આ પદાર્થ નવ્યતા માટે
આવશ્યકતા છે.
છેલ્લા શેરમાં જે અનાશક્તિ કેળવાઈ છે તે આસક્તિમાંથી આવી છે.રંગોથી,મ્હેકથી,
આકારથી લથબથ ઋતુ અને છ્તાં નક્કર ચાડિયો આત્મસ્વીકૃત એકાંત જે બહુ ગમે છે!ભાષામાં ગુંથાયેલી ઈમેજથી તરબતર ગઝલ(અનેકમાંની એક.) કિશોરભાઈની
આ ગઝલ એક નવી છણાવટ કે અનૂભૂતિ તરફ દોરી ગઈ એ જ એની સશક્તતા
છે.કૃતિમાં શ્ક્યતાઓ આવશ્યક છે તાત્પર્ય નહીં.’એકાંત બહુ ગમે’ બહુવિધ અર્થછાયાઓને વરેલી ગઝલ છે,કાવ્ય છે.
૬-૮-૨૦૧૧
હિમાન્શુ પટેલ.