કવિતા જીવનચિત્રોનું અક્ષયપાત્ર-૨

જાન્યુઆરી 22, 2012

૧૧)
હું કવિતા લખું
કે વરસાદનો અવાજ,
સાત શબ્દ લખું કે સાત ફેરા,
વિષયમાં કોઈ નાવિન્ય નથી.
કાગળના દરવાજા પર ટકોરા મારી
ઘૂસી આવેલો શબ્દ
આપણું સત્ય કેટલું ટૂંકું છે એટલું જ દર્શાવે છે,
અને લખવું,એ આપણું પ્રતિબિંબ નથી,
પણ ભીના પારદર્શક પાલવમાં
ઉદભવેલો સનાતન પડછાયો અંગવિક્ષેપ જ છે.
અને મેં આ શબ્દોથી
એ નકશીકામની કેવળ ઉઠાંતરી જ કરી છે. ફરીથી.
૫)
રસોડામાં તારી ઋજુતા
અને તારા ઉતાવળા પગ વચ્ચેના યુધ્ધામાં
તારા મૌન પર પડેલી રાખની વર્ષાથી
ઘા ફરી તાજા થાય છે
પ્રકાશની ધ્રૂજારી અને કારણો વિશેના શબ્દમાં
કોઇ ફરક નથી.
કાઢીનાખ તારા કપડાં
તારી કમર ફરતે બળે છે અંધારું લાલચબોળ જ્વાળામાં;
મેં હમણા જ રોમમાં બધાને પૂતળાં થઇ જતાં જોયાં છે.
૬)
સફેદ પાના પર શબ્દોનું આવવું
એ તારું અન્ય ભાષામાં
રૂપાંતર છે-
શબ્દના ઉચ્ચારમાં ગંઠાઈ રહેલા ધ્વનિ જેવું,
શબ્દ જકડાય છે, પછી બધું છોડી દે છે
અને
ખરતાં પાંદડાંમાં દેખાયા પછી
દેખાતી બંધ થયેલી કોરિયોગ્રાફી જેવું બધું
અનુસરે છે બીજી ભાષામાં,
ડર તો એટલો જ છે
કે તારા મૂળભૂતને હું ભૂલથીયે છેતરું નહીં.
(૨૦૦૫-૬


કવિતાઃજીવનચિત્રોનું અક્ષયપાત્ર( દીર્ઘ અને ટૂંકા કાવ્ય)

જાન્યુઆરી 11, 2012

3)
તારા અંબોડામાંથી છટકી
તારી પીઠ ઉપર પછડાતા વાળ જેણે જોયા/સાંભળ્યા નથી
તેને ખબર નથી
કે સ્વપ્નમાં અવાજનું ઝરવું એટલે શું
૪)
બારીમાંથી આવતા તડકામાં
બળે છે તારી ઋજુતા
તારા જાંબૂડી હોઠમાં
બળે છે શબ્દો
બધું જ બળે છે
આ લાલચુ બપોરની સુક્ત મીઠાશમાં
તારી છાતી પરના પાણીમાં અચાનક ઉદભવેલા ઉનાળાથી.
૨૦)
યુધ્ધ પતી ગયા પછી
હલદીઘાટીમાં પાટિયા પર લખ્યું હતું
વૃક્ષારોપણ કરો.
વિચારોમાં શબ્દ હમેશા દાઝેલો જ હોય છેઃ
નવું વૃક્ષ રોપવું
એ નવી આગની શરુઆત છે.
૩૯)
માણસ હોવાની એક સુરરિયલ કે અસ્તિત્વવાદી અનુભૂતિ-

આપણો પંજો
બિલાડીના પંજા સમ જમીન પર ગોઠવી શકાય છે
અને
પત્નીની પીઠ પર ગોઠવી ઘસડી પણ શકાય છે.
પશુત્વ શેમાં છે;
પંજામાં કે પંજાની સમજણમાં?
(૨૦૦૫)