અનુને મળ્યા પછીના કાવ્ય-૫

ડિસેમ્બર 21, 2015

૧)

ઇશ્વરી
ઉદ્વેગોથી
તને ચાહું છું.
૨)
આંધળી આંખોમાં
સાચવેલી દ્રષ્ટિથી
તને ચાહું છું.
૩)
તારા નામમાં
બોળેલી
આંગળીથી
તને ચાહું છું

૪)
ઇંડું તોડી
પક્ષીથી કરેલી આમ્લેટઃ
મારા સ્વાદુ પીંડૉથી
તને ચાહું છું

૫)
તારા લોહીંમાં ફરતો
અગ્નિ
આંખો ખોલી જોયોઃ
તારી મર્યાદાથી
તને ચાહું છું

૬)
તારા પ્રશ્નોમાં
ગૂંચવાઈ,
પૂનરાવર્તનોથી
તને ચાહું છું

૭)
મારે તને રીઝવવા
પક્ષી જેવું
તારી સામે ડાલમડોલમ તરવું છેઃ
રંગોમાંથી
તને ચાહું છું

૮)
શરુઆતમાં
શરીર સર્જાયું હતું
પછી આવેગ ઊમેરાયા હતાં,
મૂળમાં થયેલી શરુઆતથી
તને ચાહું છું

૯)
ટપકામાં આખી કેરી પીવાઇ જાય
ડપકામાં મીજાગરો સીંચાઇ જાય
રાજકારણમાં મતદાતા ધોવાઇ જાય-
ત્રિશંકુ અવસ્થાથી
તને ચાહું છું

૧૦)
ટીપાંમાં
ફરીથી લટકેલાં દેખાવાનું,
દ્રશ્યમય પારદર્શકતાથી
તને ચાહું છું

૧૨-૧૮ થી ૧૨-૨૦-૨૦૧૫


અનુને મળ્યાં પછીના કાવ્ય-૪

નવેમ્બર 13, 2012

૧)
હું આંખ મીચું
અને મારી અનાભિવ્યક્તિમાં ખોવાઈ જાઉં,
જેમ પેલો હિટલરના કેમ્પમાં નોંધાયેલો;
તુ હું હતી મારામાં તું હતી કે હું મરામાં કોઇ ન હતું-
દરેક શરૂઆત અને અંત માણસમાં જ થાય છે.

૨)
જ્યારથી પ્રેમ કર્યો,
તારી બીજી ભાષા મને ભીંસે છે;
every perfect house is locked.*

૩)
તને ગીતમાં શોધી ગઝલમાં
ગદ્ય-પદ્યમાં ફરી વળ્યો,
શહેર આખું લાઈટ ચાલું રાખે-
છતાં લોકો એમનું અજાણ્યાપણું જ પાછું વાળે છે,અનુ.

૪)
તારા તીરસ્કારમાં,
હું ખંડેરમાંથી નવી ભાષા બોલતાં શીખ્યોઃ
મારામાંના કોઇકને હું કશું કહી શક્યો હતો.

૫)
તારા હસવામાં ભાષાનું
પ્રાચીન ઘરાનું સંભળાય છે,
ત્યાં મારું અર્વાચીન પ્રાચીન છેઃ
હવે હું સંકલિત કાવ્યસંગ્રહ થઈ ફરું છું-તારી ગેરહાજરીમાં.

૬)
હું બૂમો પાડું છું
અને elegy ઉપસી આવે છે,
તો રિલ્કે એ દૂઇનો એલિજી લખવાની
ક્યાં જરુર હતી?
શબ્દ કેમ subconsciousના બખ્તરમાં છે !

૭)
કેટલાંક લોકો
મને શંકાથી જૂએ છે,
તું બધાંને કેમ available છું?

*જફર સેનેચેક (જર્મન કવિ)ની પંક્તિ-સાભાર.


અનુને મળ્યાં પછીના કાવ્ય-3

નવેમ્બર 11, 2012

૧)
તું મારી કવિતા દરરોજ.

૨)
તું વૃક્ષમાં પાંદડા પાછા ફરે
તેમ મને પાછી ફરું છું;
મારી જિંદગી dialectic થઈ ગઈ.

૩)
અનુ,તારો છણકો વાળમાં વણ ઓળ્યો
કાળો બળ્યો.
આંસુ કિરમજ આંખો ઠારતી હતી,
તારૂં મૌન એકલું પડી ગયું હતું;
અને તારૂં મરકલડું ચહેરા વગરનું.

૪)
મારું એકાકીપણું
કૉફીમાં નાખેલા સુગરક્યુબ જેવું;
હું મારામાં જ ઑગળું છું તને લઈને.

૫)
તારી ગેરહાજરીમાં
મારો શબ્દ એદી થઈ ગયો છે.

૬)
તારા સ્પર્શ એટલા આત્યંતિક હતાં
કે હું મારામાં
શબ્દપૂર્તિ રમતો થઈ ગયો.

૭)
તું સ્ટેનોગ્રાફીમાં
પૂર્ણ અભિવ્યક્તિ લખી લઊં છું,અનુ;
પણ પ્રેમતો લાંબી ભાષા છે,એનું શું?

૮)
કોઈ unexpected આવી
એનો ભાગ demand કરે છે;
પણ બે આંખો સિવાય કશું શેષ નથી રહ્યું.


અનુને મળ્યાં પછીના કાવ્ય-૨

ઓક્ટોબર 31, 2012

૧)
છેલ્લું ચુંબન
અફીણ પોપચામાં ભારોભાર વર્તાય
એવું આ શિર્ષકમાં છે.
સાંજ. એમના ખરડાયેલાં યુનિફોર્મ,
આપણે જોયું એ પૂરતૂં નથી;
પછી હું તારામાં સૂઈ ગયો.
૨)
પછી શહેર, પ્રકાશ,
અને તારી લાગણીઓ ભિન્ન દિશામાં
વિખરાઈ ગઈ.
ફૂટપાથ મને ગમે ત્યાં દોરી જાય;
એક વાંકડીયા વાળવાળી છોકરી
શેરી રમતનું સુલેખન બેસૂર ગાઈ વગાડે છે.
(strumming up a street calligraphy of a corner game.)
૩)
તું વાતોડિયણ છું,
જેમ લોહી અગણિત નસોમાં.
કોમ્યુનિકેસનનો લય શોધીએ છીએ
પેલાં રસળતા ૮૪ આસનના, ગદ્ય પ્રવાહમાં.
૪)
વૃક્ષ આખી સ્ત્રી બોલી જાય છે
કોમળ રાત્રિમાં,
ફૂટપાથમાં તીરાડો કાળી બેઠી છે,
બોનસાઈ વૃક્ષમાં રહ્સ્ય ઠીંગરાયું છે,
દરવાજે મૃત સ્વપ્ન મિજાગરામાં કટાઈ ચીચીયારીઓ પાડે;
અનુ, ફેંકેલા પાસામાં
આપણે જ શકુની અને આપણેજ દ્રૌપદી.
૫)
તારી આંગળીમાં
સંસ્મૃતિ ચોટલા જેવું ગૂંથેલી છે.
ભીલડીના છૂંદણા સમ
નામ હથ્થેળીઓમાં ચીતરેલું છે;
સાડીના ખભામાં ખોસેલું બોરિયું મૌન ભાષા બોલે છે.
૬)
આકાશ ટેબ્લેટની ભૂરાશમાં
તારૂં નામ લખી રાખ્યું હતું.
ટેબ્લેટ ખોવાઈ ગયું
હવે તારી આંખોની ઝીણવટ યાદ છે
અને આ ત્યક્ત ઘરનું અસ્થાન,અનુ.
૭)
હવે સંસ્મૃતિ
ચોટેલાં શબ્દો સાથે ગળામાં અટકી ગઈ,
રહસ્ય શોધવા હું મથ્યો;
એક ભાષા
વપરાશ વગર કેવળ ઘૂંટાયા કરે સ્વાસમાં.
૮)
કવિતા લખતા પહેલાં
થોડાં શબ્દમાં અસ્તિત્વ
સંકોડાઈ ગયું હતું,
હવે તારો ધ્વનિ મને ઉકેલે
અને હું ભાષામાં બાની સાથે અથડયા કરું છું.
૯)
દરેક શરીર વારાથી પ્રેમ કરે છે.
તેં તારા પ્રેમને પ્રેમ કર્યો હતોઃ
દરેક પુરષ ઊંઘમાં ખસી કરાયેલો છે.


અનુને મળ્યાં પછીના કાવ્ય-ભાગ-૧

ઓક્ટોબર 18, 2012

૧)
શબ્દમાં જીવન રસ ઉદભવે છે,
જ્યારે એ તારા હોઠની પંક્તિમાંથી ફૂટી નીકળે.

૨)
શબ્દ એ દરવાજો છે
જેમાંથી આપણે એકમેકમાં પ્રવેશીએ છીએ;
પછી જે થાય તે કેવળ ભર્તૃહરીનો સ્ફોટ જ.

૩)
તું છેલ્લી છું
જે ઠાલવી ગઈ પોતાને મારામાં,
હજું ન બોલાયેલાં કે લખાયેલાં વાક્યમાં.

૪)
તને મળવા આવવાની
દરેક યાત્રા
શબ્દ વગરનું માર્ગદર્શન છે.

૫)
દરેક દિશા
તારી હાજરીથી સળવળ્યા કરે છે.
તેથી મારી શોધ હવે અનાકાર શોધવા જેવું છે.

૬)
તારી આંખમાં ઋતુ ઉઘડે
પછી મારું grace ક્યારેય એની હરિયાળી ગુમાવતું નથી.

૭)
તાર શર્ટનું પહેલું બટન ખૂલ્લું રહી જતાં
દરેક રાશિ ચિહ્ન પોતાના પુરુષોનું
ભવિષ્ય બોલવા માંડે છે.
કેવળ હું એકલો જ
હમિંગ પક્ષી સમ ઘર બાંધવા
ત્યાં સતત અચળ પાંખો ફફડાવ્યા કરું છું.

૮)
તને દરેક મળવું
સંશોધન જેવું છેઃ
ચુનાના ખડકમાં જાળવેલી વંશાવલિ પાછી મેળવવા.
પણ હું તો વિસ્મૃત સંસ્મૃતિ શોધનારો છું.

૯)તારા ગાલ પરનો તલ-
લુપ્ત ભાષા ઊકેલવા કોઇ સંકેત હોય
તો હું એની ચાવી છું.

૧૦)
આપણું સાયુજ્ય
અકાશમાં ઉછાળેલું પંખીઃ
પછી સંગીત,પવન વૃક્ષને મરડે તેમ,આપણને પણ.
૧૦-૧૮-૨૦૧૨