અનુથી છૂટા પડ્યા પછીના કાવ્ય-3

ડિસેમ્બર 25, 2014

૧)
તને સ્પર્શેલાં દરેક અંગમાં
સંસ્મૃતિ deathlessness અનુભવે છેઃ
તારી ગેરહાજરી મારૂં મૃત્યુ છે.

૨)
તારામાંથી છૂટી ગયેલાં દિવસો
કાળક્રમે વૃધ્ધ થાય છેઃ
પછી કાળિયું,રોટલો,બીડી અને રહાણ.

૩)
અંધકાર મારામાં રોજ ઉઠે છે,
સવાર કણસે,અને
બારીમાંથી ઘોંઘાટ મને ઉઝરડે.
ભૂખમાંથી આનંદ ઉજવવો
એનાથી વધું સહેલું શું હોય.

૪)
કૃષ્ણ વિશે ખોદકામ થાય એમ
મારામાં ગંઠાયેલાં તારા પ્રસ્તરો ઉખડે
નવરાશ પળોમાંઃ
સાક્ષાત્કારનું સ્વપ્ન,સોગટાબાજી..

૫)
ઇશ્વર વર્ષો પહેલાં છોડી ગયો હતો,
પશ્ચાતાપદગ્ધ મૃત્યુ માટેઃ
તું મને ગઈકાલે જ છોડી ગઈ હતી-
એ મારો ઇતિહાસ અને આપણી મરણાધીનતા.

૬)
અજવાળૂં અને હું,મળસ્કે ફૂટપાથ પર
દૂકાનના કાચમાં,જડબેસલાક ઠૂંઠવાતા,અંદરમાંથી બહાર ઊભાં હતાં.
પાછળ ધુમ્મસ બોળ્યું,લાલ-પીળું,ટપકાદાર શહેરઃ
હવે બધું-
તારું રડવું અને બન્ને કપ એકમેકમાં મૂકી ગોઠવેલી
બ્રા જેવું સ્પષ્ટ છે.

૭)
હું તાકી રહું છું-
તારી ગેરહાજરીમાં.
હવે હું બધું થઈ શકું છું
અને કશું નહીંઃ
થાકેલી સદીમાં આપણે ઉદવેગજનક રમત.

૮)
જતાં પહેલાં,
મૂકી ગયેલી ખીચડીને તપેલી ચોંટી ગઈ હતી.
સ્વાદ,ઇચ્છા અને બળતરાઃ
ટૂંકી જીંદગીના ભૂવા છે.

૯)
તારી ગેરહાજરી,ડાર્વિને,મને દત્તક લીધો.
પછી
નહોરવાળા પ્રાણી તરીકે છૂટો મૂકી દીધો,
જે પામ્યો હતો
તે બધુંઃ
હવે કૂતરાની સાવધાનીથી લૂસ પડી રહ્યું છે.

૧૦)
બીજો એક દિવસ પસાર થઈ ગયો,
કૂતરા,પાંદડાં,ધૂળ,તરંગાદિ પસાર થઈ જાય,
શરીર સ્વીકારે એટલું જ દેખાય અને અડકાય.
હું તારા પડછાયામાં તરું-
શક્યતા અઘરો શબ્દ છે
અને કઠણાઇથી એ હકિકત છે.

[રહાણ=સવારનો કુમળો તડકો
ડાર્વિન=વૈજ્ઞાનિક]

(ડિસેમ્બર-૨૦૧૪)


અનુથી છૂટા પડ્યા પછીના કાવ્ય-૨

ડિસેમ્બર 18, 2014

૧)
હવે નાનકડી ભાષામાં
સાહિત્યિક પ્રેમ લખી
ફરીથી એક અજાણ્યા કવિને શોધું છુંઃ
જેની આંગળી હિમદગ્ધ છે.
૨)
વરસાદ બરફમાં આંગળી નાખી
પોતાને મારી નાખે છે.વાછટ બારીમાં બબડે.
તારામાં ફાટ્ફાટ નગ્ન તડકોઃ
હવે ઠેસ અને ઊડતી ધૂળ.
૩)
હું વત્તા,
અને પુસ્તકો પર જામતો દળ,
ખરતી પોપડીમાં પછડાતું અરવઃ
અબજો રજકણમાં સળવળતું.
૪)
તેં દરવાજો ખોલ્યો
હું ઉઘડ્યો હતો
તું ભીનીભદ થઈ ગઈ હતી
હું કોરોધાકોર બહાર નિકળ્યો હતોઃ
આપણાં ધરાયેલાં તન કાવ્યાત્મક થયાં હતાં.
૫)
કહેવાય છે
આપણે આયનાના વિશ્વમાં હયાત છીએ,
તારો ચહેરો
ભીંતના કાંણામાંથી આલ્ફ્રેડ પ્રૂફ્રોકે ખૂંદેલી
ગલી તાકી રહે છેઃ
ખબર નથી કોણ રિક્ત છે?
૬)
દરિયાઈ પક્ષીએ ફેંકેલી ચીસો
એકમેકમાં અથડાઈ સમુદ્ર ડોહળે,
કિનારે સૂતેલી તારી ભીનાશમાંથી
ક્રોધિત સાગરઃ
પાણીદાર ભૂરા ચપ્પાથી,તને ચીરી,ફીણ કાઢે પડખામાંથી.
એક બહાનું રસળે તારામાંથી.
૭)
એક આયનો મને ચીતરે.
પડદામાંથી નબળો તડકો મારો પલંગ પાથરે
પડદો સંધ્યાકાળ જેવું બપોરે ટમટમેઃ
અરીસામાં છાપેલાં મને પંજાથી તેં ઢાંકી દીધો
ચાટલામાં ઇમિગ્રન્ટ ફિંગરપ્રિન્ટ ચાડી ખાય.
૮)
જો તને ન બદલી શકું ફેરફારમાં
આપણી વચ્ચેના જોજનમાં ફેરફાર કરી નાખીશ.
હું ઝીણી ભાષામાં ગાળ બબડતો ઊઠ્યો હતો.
૯)
તારા સ્પર્શમાં
સંવેદન ચાકડે બીબું થઈ ગયું હતું
સ્પર્શ તત્કાલ ઓલવાતી સંસ્મૃતિ
તડકામાં રજકણો હવે રસળે
સંસ્મૃતિ એના ઠાલા ભારથી ભરેલી છે.
૧૦)
મારી બા બારીએ ઊભા રાખેલા તડકાના
સૂનકારથી ગભરાય છે
તું તો ચીરીને વટાણાય ફોલી આપતી હતી
ચીરાતા વટાણામાંથી ફાટેલો અવાજ હોઠે ચોંટે
મંદિરે ચંપલ તારાથી છૂટા પડી ગયાં
અને પછી
વિશેષ કશું નહીં
૧૨/૧૧ થી ૧૮/૨૦૧૪


અનુથી છૂટા પડ્યા પછીના કાવ્ય-૧

ડિસેમ્બર 13, 2014

૧)

ભૂંજાયેલો.

૨)
ત્યાં ખૂણે તારા આકારમાં લટકતી બ્રા
તને ભૂલી ગઈ છેઃ
હું તો કેવળ લોહી અને આંતરડાં.

૩)
તેં
મારામાંથી
અગ્નિ ચોરી લીધોઃ
હવે લોકો તારા ખબરઅંતર પૂછે છે.

૪)
તરાથી છૂટા પડ્યા પછી પણ
રેઝર કાપી ચામડી જેવું
તને જોડાઈ રહ્યો છું.

૫)
હવે લબડી પડેલો વૃધ્ધ;
સ્વપ્નદોષ
સ્વપ્નદોષ
સ્વપ્નદોષ..

૬)
હવે અમૂર્તતાની ઇચ્છાઓમાં
આપણા સેન્દ્રિય આલિંગન
ઉઘડે છે.

૭)
હવે સંસ્મૃતિનો લવારો,
આપણી હયાતીને ફરીથી
શોધી કાઢે છે.

૮)
આપણો જૂનો સોમવાર કૂતરાના મોઢા જેવો
લાંબો
અને તીખી ગંધબાળો પ્રાણવાયુ પરસેવો
બંધિયાર વાવની ગંધે સોડાય છે.

૯)
અચાનક ચંપલમાં
ઉનાળુ પગલાં ખળભળી
ધસ્યાંઃ
અને મોઢામાં તથા ઉપાન રેણૂએ આભ છાયું;
પછી દિવસે હળુ હળુ કપડાં ઉતાર્યાં.

૧૦)
હવે બધાં સાથે લોકબોલીમાં
વાતો નથી કરી શકતોઃ
અવાજમાં શબ્દો તડકાથી બ્લીચ થયાં છે.
૧૨/૫ થી ૧૨/ ૭/૨૦૧૪