અનુને મળ્યા પછીના કાવ્ય-૫

ડિસેમ્બર 21, 2015

૧)

ઇશ્વરી
ઉદ્વેગોથી
તને ચાહું છું.
૨)
આંધળી આંખોમાં
સાચવેલી દ્રષ્ટિથી
તને ચાહું છું.
૩)
તારા નામમાં
બોળેલી
આંગળીથી
તને ચાહું છું

૪)
ઇંડું તોડી
પક્ષીથી કરેલી આમ્લેટઃ
મારા સ્વાદુ પીંડૉથી
તને ચાહું છું

૫)
તારા લોહીંમાં ફરતો
અગ્નિ
આંખો ખોલી જોયોઃ
તારી મર્યાદાથી
તને ચાહું છું

૬)
તારા પ્રશ્નોમાં
ગૂંચવાઈ,
પૂનરાવર્તનોથી
તને ચાહું છું

૭)
મારે તને રીઝવવા
પક્ષી જેવું
તારી સામે ડાલમડોલમ તરવું છેઃ
રંગોમાંથી
તને ચાહું છું

૮)
શરુઆતમાં
શરીર સર્જાયું હતું
પછી આવેગ ઊમેરાયા હતાં,
મૂળમાં થયેલી શરુઆતથી
તને ચાહું છું

૯)
ટપકામાં આખી કેરી પીવાઇ જાય
ડપકામાં મીજાગરો સીંચાઇ જાય
રાજકારણમાં મતદાતા ધોવાઇ જાય-
ત્રિશંકુ અવસ્થાથી
તને ચાહું છું

૧૦)
ટીપાંમાં
ફરીથી લટકેલાં દેખાવાનું,
દ્રશ્યમય પારદર્શકતાથી
તને ચાહું છું

૧૨-૧૮ થી ૧૨-૨૦-૨૦૧૫