અનુથી છૂટા પડ્યા પછીના કાવ્ય-૪

જાન્યુઆરી 1, 2015

૧)
હવે બેઠો બેઠો હું મારા શબ્દો બાળૂં
ચામડીમાં બન્ને તરફ.ભોળો ભા.

૨)
પવનમાં ઘસઈ દિવસ કાળો થઈ જાય,
વરસાદ મટીમાં ભીનો ભીનો સોડાય,
સમુદ્ર ચંદ્રને કિનારે તાણી જવા મથે,
એક કરચલો ખૂરશીમાં રેતી નાખી
મારી જેમ શૂન્યમન્સ્ક ભૂરૂં તાકી રહે.

૩)
તને યાદ કરી
તારામાં જીવવું ધબકતું રાખું છું,
એ રીતે એકમેકના અણું આપણેઃ
હવે કલ્પના જેવાં અ-સ્પૃષ્ય છીએ.

૪)
તું પણ
એ જ વૃત્તાંત કહેતી હોઈશ
શ્યામ રાખ જેવાં,
આપણી ચોળાયેલી ચાદરમાંથી
ખંખેરાયેલાં…

૫)
તારે માટે લખેલાં દરેક કાવ્ય
હવે હું બીજી સ્ત્રીઓ પાસે વાંચું છું.

૬)
મારા બોલવામાં
શરીર ખખડાવીશ અને સ્વાસ સંતાડીશ
રાત્રે કોઇ સંભોગમાં વ્યસ્ત હશે,
અને કોઇ દસમા માળેથી કૂદ્યો હશેઃ
હું જે તારામાં સાક્ષાત નથી એ ક્યાંય વિદ્યમાન નથી.

૭)
તારા ખમીસમાં ફડફડતો પવન,
મોટરગાડીને ડરાવતો તારો કૂતરો
હજું કાનમાં વાગે છે.
માણેકચોકમાં ભૂખ ફાડતું બળેલું તેલઃ
અને ઘોઘરે આંસુ સુધી ડંખેલી
મસાલા સોડા,હવે આ બધું તું તું ને તું.

૮)
હવે સાચવજે
બીજાંઓમાં ક્યાંય ભટકી ન જવાય,
તારામાં ભટકી ગયેલો હું
હજું મને મળ્યો નથીઃ
હું તડકે બળ્યો સ્વપ્નજાગૃત છું,,,

૯)
તેં ઓળંગ્યો હતો,ભીનો ઉંબરો
ઘેરી પરસાળ.
શબ્દમાં આપણા પડછાયા સળવળે,કશુંક
સમય મારા પર ફરી વળ્યો
અને ગડીવાળી દીધી મારી.

૧૦)
હવે કશું બાકી રહ્યું લખવાનું;
ખાલીપીલી સિવાય!

ડિસેમ્બર-૨૦૧૪