ઘરડા ભીંડાઃ-an extraordinary quantity of fakery..

ફેબ્રુવારી 23, 2014

ઘરડા ભીંડા
મોટા અને બીથી
ફાટફાટ થતા હોય છે.
છોડ પર રહી જાય,
તો સુકાઈને નક્કી ફાટે છે.

ઘરડા ભીંડાના શાકમાં
લહેજત નથી આવતી.

પણ શિખાઉ બકાલું
લેનારો મોટું કદ
જોઈ હરખાય છે.
કૂણા ભીંડાની તાજપને
એ કઈ રીતે વરતે?
સભ્ય સમાજમાં
ભીંડા અને સાહિત્યકારોની
સરખામણી નથી થતી.

તથાપિ, આ અળવીતરું મન
ભીંડામાં સાહિત્યકારને
જુએ છે.
— પવનકુમાર જૈન
સાહિત્ય અને રાજકારણ એ વિદ્વાનો કે વિદ્વત્તાનો વિષય છે,પણ સાહિત્ય અને અનાદર/સાચવણી,સાહિત્ય સર્જકોની જમાતનો વિષય છે.એવું હોઇ શકે ખરું?એવું થવું આવશ્યકતા છે? નાના કે મોટાગજાનો સર્જક,એવો ભેદ ઊભો કરવો,એ સાહિત્ય પ્રણાલી છે? હશે? અને છે તો શા માટે છે? આ કહેવાતા કે ઓળખાવાયેલાં કે વિવેચના પ્રમાણિત(અંદરખાને પણ!)સર્જકો વલણ-પ્રસ્થાપકો(trendsetter) જ હોય છે,એના ખરા અર્થમાં!આ સર્જક હોવાની,થવાની મથામણ છે કે નકારાવાની? જે હોય તે,એકવાત નક્કી છે કે આ પ્રથાથી નાસીપાસ થયેલાં યુવા સર્જકો જ ઉદભવે છે,જે કવિતાને ‘પગ પેસારો’ પ્રવૃત્તિંમાં ફેરવી નાખે છે,સંપાદક એને માટે જવાબદાર છે,જે એકહથ્થુ સત્તા છે.તો બીજી તરફ એવો પ્રશ્ન પણ ઉદભવે છેકે સંપાદક ક્રૂતિનું કેવી રીતે મુલ્યાંકન કરે જેથી એ સ્વીકારી શકે? અથવા સંપાદકના અભિપ્રાય(judgements)ના મૂલ્યો કયાં છે? ઉપરાંત એ સંપાદકની (વિવેચનાત્મક!)કાર્યક્ષમતાને પણ પડકારે છે.કે પછી સંપાદક નામની પસંદગીથી જ કાવ્ય સ્વીકારે છે,જેથી એ ટીકાપાત્ર ન ઠરે!’સારા અને ઉત્તમ કવિઓની જ કૃતિ છપવી’આ માપદંડ છે કે અવગણના છે અન્યની વા એ ચામડી બચાવ કર્મ છે?

ત્યારબાદ જે,કવિને ઉદભવ્યો,તે પ્રશ્ન દરેકને ઉદભવે છે,કેટલી હદે આપણે પૂર્વસુરિઓને પંપાળ્યા કરીશું?અને એમના પડ્તા મૂકાયેલાં કે કસ નીચોવી લીધેલાં કાવ્ય સ્વરૂપો-ઘરડા ભીંડા-માટે સામયિકોનાં કિમતી પાનાં બગાડ્યાં કરીશું,નવા આગંતુકોને વંચિત રાખીને? લવાજમોનો દૂર ઉપયોગ કરીશું?

કાવ્યની પહેલી પાંચ પંક્તિમાં બે સ્થિતિચિત્ર છે.એક પરિપક્વતાથી તરબતર થઈ ઉભરાયેલા દૂધ સમ ઢોળાઈ જવાની અને બીજી ત્યાર પછી અ-સત થઈ જવાની અથવા નિરંતર એકવિધ રહેવાની( આ વાત કેવળ રચનાત્મક સાહિત્ય જ નહીં,વિવેચનાત્મક સાહિત્યને પણ લાગુ પડે છે.)પવનકુમાર વક્રોક્તિ દ્વારા તુલના નહીં પણ રૂપક સર્જે છે,જે અર્થ અને અર્થછાયા,દેખીતી કે સંભળાતી અભિવ્યક્તિને,ચિત્રમાં ફેરવે છે.જ્યારે અર્થછાયા ચિત્રમાં પરિણમે ત્યારે નિશ્ચિત આકાર કે નક્કર રેખામાં ફેરવાય છેઃજે કવિનો શબ્દ છે.અહીં એ કદાચ આક્રોશ છે અથવા વ્યથા છે કે અણગમો છે-(જુઓને કેટલું બધું છે હે પાઠક,તું અતિપરિચિત નથી સર્જનાત્મક સાહિત્ય જગતની ખોડ-ખાંપણોથી.)જેમ વિવેચક કોઈ પુસ્તક પર હુમલો કરે એ રીતે જ સંપાદકીય,નક્કી કરાયેલાં,ધારાધોરણથી,બની શકે કે, આપણે અવગણીએ,તરછોડીએ અને કાવ્યને પૂર્વગ્રહોથી પીડાઈ વાંચીએ.જે કવિતાની શક્યતા(ચાન્સ!)ને ઓળખવામાં થાપ ખવડાવે છે.

ત્યાર પછીની બે પંક્તિ સર્જન શક્તિમાં જે ઘસારો કે નડતર રૂપ તત્વ છે તે તરફ ઈશારો કરે છે.કવિતા રસનો પ્રશ્ન છે,અરૂચીનો નથી,પણ કાવ્ય સ્વરૂપની એકવિધતા કે બીંબાઢાળ કૃતિઓના સર્જનથી બેસ્વાદપણું ઉદભવેછે,જેને’પડતુંમૂકો’નામે ઓળખીએ
અને ન વાંચીએ,તે છીટ થઈ જતી મનોવૃત્તિ’લહેજત નથી આવતી’માં સંભળાય છે

ત્યાર પછીનો પ્રશ્નવાળો ભાગ બે વાત સૂચવે છે,એક ‘શિખાઉ બકાલુ’જે અવિકસિત કે અપરિપકવ સર્જક( દ્રષ્ટિકોણ!)છે,જે હમેશા અગાઉના સર્જકોથી અસરગ્રસ્ત થાય છે.દરેક સંકૃતિમાં આ ઘટનાક્રમ હોય જ છે-નવો સર્જક અસર ઝીલે અને અનુસરે ઘોડાના ડાબલાં પહેરેલો,જેને કારણે નવાં તાજાં ‘ભીંડા'(અન્ય કશુંક નવું!)આજુબાજુ છે,કે જેને વિવેચકો ‘નવો પવન’કહે છે,તે અનુભવાતો નથી કે ચૂકી જાય છે.સર્જનમાં પ્રવેશતી નવ્યતા’વર્તાતા’ એમને હમેશા મોડું થાય છે?ઉપરાંત પોતાનામાં ગુપ્ત કે લુપ્ત સર્જકતા પણ.કવિતા પ્રતિભાનો કોયડો કે પ્રશ્ન છે?કે પ્રબોધ પરીખ(મોરારી બાપુની હાજરીમાં.) કહે છે તે શબ્દબોધનો? પવનકુમાર પહેલાં પ્રશ્ન પૂછે છે અને પછી સાચા સમાજમાં નહીં પણ સાહિત્યિક સમાજમાં શી શક્યતા કે અશક્યતા છે તે મધપૂડો છંછેડે છે.સાહિત્યકારની ‘સભ્યતા’માં તુલના કે સરખાવવું એ કાંતો આશ્ચર્ય છે વા વિચિત્રતા.તેથી કવિને અને(વ્યક્તિગત રીતે પવનકુમાર નામના માણસને)પણ અચરજ છે કે સરખામણી કરાતી હશે! આપણા કે વિશ્વસાહિત્ય જગતમાં
સભ્યતાના મૂલ્યો કયાં છે? અમેરિકામાં જેને make believe જીવન પધ્ધતિ કહે છે તે?(જે mirrored manners કરતાં પણ વધારે અસત્ય છે).

છતાં આતો બળવાખોર કે અખેવૃત્તિ* ધરાવતો કવિ છે.છેવટે મનોવક્રતાને આશરે જતા રહી કહી જ નાખે છે કે એક ‘પેરિશેબલ'( perishable) મૌલિક પદાર્થનું એક દીર્ઘકાળ ટકી રહેતી મૌલિક પ્રવૃત્તિમાં આરોપણ કર્યા વગર રહેવાતું નથીઃ કદાચ દીર્ઘકાળે બન્ને પ્રવૃત્તિ નષ્ટપ્રાય છે એ વાતનું.( કવિતામાં ટકાઉપણું એટલુંજ છે કે એ નષ્ટ નથી થતી,ઇતિહાસ થઈ જાય વા અલભ્ય થઈ પૂર્વાપર સંબંધ(archive)
થઈ જાય છે.)

સાહિત્ય જગતના અળવીંતરા પણાને કે પ્રતિભા સંપન્નતા-રોગની સર્મુખત્યારીને વાચા આપતું ભીંડાકાવ્ય (તથા પૂર્વસુરિ અને સાંપ્રત પણ પૂર્વસુરિ થઈ જવાનું છે તે ચેતવણી!)નું સ્વાગત કરું છું,મારા બે શબ્દ ઊમેરી વધાઉં છું.
what an extraordinary quantity of fakery..
*કવિ અખાનો ઉલ્લેખ છે.
૨-૫-૨૦૧૪.

Advertisements

અવાવરી કુદરત

ફેબ્રુવારી 10, 2014

તરછોડેલો ખૂણોઃ
ખૂણામાં તોડી મૂકી રાખેલી હૂંફ
હૂંફ પાછળ ઊભેલો તરછોડેલો ખૂણો,ત્યાં છે કેવળ-
ભીંતમાં ચોટી રહેલો પેશાબ
અ-હોઠ ભીંત પર.
હવા લબડી રહી છે પોલ્યુટ
ઉતાવળી,ઝાંઝવામાં
ઝાંઝવામાં જાળીદાર તડકો
ભીંતમાં અથડાયા કરતો
ભીનાશમાં ભોંયે પડી રહેલો
પાઈપમાંથી પોલા મોઢે-વકાસી
નીતરી ગયેલી રિક્તતા
અરવ વકાસ
એટલો અરવ કે ખૂણામાં સરક્તો પવન
પાણીમાં સંભળાય ભીંત ઘસતો
દરવાજા તળે પોલામાં ભરઈ રહેલા ઘસારા જેવો
પાછળ છોડી જાય
એના ગાબડુ કટાયેલા દાંતિયા
અને કટાયેલા સૂકા સર્પાકાર,જળમાં લુપ્ત અવર-જવર
૨-૮-૨૦૧૪