મ્રુત્યુ

સપ્ટેમ્બર 25, 2012

તારી આંખો
મારી સાથે મસ્તી કરતી હતી.

હું પલંગ ઉપર
અને તું
ભીંત ઉપર ચળકતી….


માઇક્રોગ્રામ્સ-3

સપ્ટેમ્બર 6, 2012

#૧૧૯) અને પછી આકાશ પંખીમાં ઉડ્યું.
શહેર ધુમ્મસ્માં ભૌમિતિક દટાઈ રહ્યું;
એક પીંઢારો ભીંતીચિત્ર લખી ગયો.

#૧૨૨) અને પછી ભીંત પછીતે કરેલા ચુંબનમાં કશુંક ક્યાંક જતું રહ્યું.
શરમાયેલી ભીંત અને તારી પીઠમાં કોતરાયેલી ઈંટો;
હમેશા આ બે સત્ય વચ્ચે હું જીવું છું.

#૧૧૫) અને પછી મેં બારીનાં કપડાં ઉતાર્યાં.
તડકો પહેર્યો,વાદળ ઢાક્યાં,તારા કંથારાં ચાવી ગયો;
મેં ચિત્ર દોર્યું, દરેકે જોયું.

#૧૨૮) અને પછી આ શહેર મને વધારે પડતું ઓળખી ગયું.
કૈલાસ પંડિતે ગઝલમાં રમાડેલું;
ઇન્દ્રધનુષ દરેક આકાશમાં મૂકેલું નસ્તર છે.

#૧૩૦)અને પછી અંબોડામાંથી છટકેલા વાળમાંથી ટપકી જવું પડ્યું.
વાળમાં લસરેલી મારી લિપિ કોઈ વાંચતું નથી;
જેમ ગલમાં ખરેલા પ્રકાશમાં એકલતા દેખાતી નથી.

#૧૩૧) અને પછી મીચેલી આંખ સીમાંકન માટે ખૂલી.
કશુંક કહું તે પહેલાં બોલેલા બરડવામાં;
અનેકસ્તર સંસ્મૃતિ unfurnished ઓરડા જેવું ઉઘડી.

#૧૪૦) અને પછી સૂર્યોદયથી અસ્ત સુધી અજવાળુ નાટક નામે ભજવાય.
પત્નીને અડે-છંછેડે,દરવાજામાં પોતે ઉઘાડ-બંધ;
રાત્રે એટલું જ વિચારે, બહાર કોઈ રહી ગયું છે !

#૧૪૧) અને પછી સમય બૂટ જેવો ટૂંકો થઈ જાય.
કાનને અડેલી ભીંત આરપાર થઈ જાય;
ધુમ્મ્સમાંથી બહાર આવતા સૂર્યનું પણ કંઇક એવું જ.

#૧૪૪) અને પછી જન્મ થતાં દીવો-મીણબત્તી શરૂ થઈ ગયાં.
બળોતીયાં,ભેટ.. અને દીવાળીથી માપ્યાં અનુભવો;
પણ એક જ મીણબત્તીમાં છેક સુધી બળ્યો-પીગળ્યો.

#૧૪૫) અને પછી પત્ની સાધારણ પણે મરી ગઈ.
વળગણી પર કાંજી કરેલી સાડી અવાજ કર્યા વગર લટકે;
હું બેઠો બેઠો ચોકલેટ પરનું પ્લાસ્ટિક મસળ્યા કરું.

#૧૪૨) અને પછી બંધ barમાં શહેર પણ બંધ.
માણસ વેદના અને દારુથી ખૂલે;
સલમાન-શાહરુકના નશંત બરાડમાં જેમ મુંબાઈ.