માઇક્રોગ્રામ્સ-૨

ઓગસ્ટ 26, 2012

#૯૬-અને પછી માંછલી એક વેપારી સભામાં લટકી રહી.
પાણીમાં સ્થિર રહી પસાર થતું બધું જોતી હતી;
દરેક લોહીમાં સ્વપ્ન છે.

#૯૭– અને પછી દરેક “પોતાની” ટેક ઝીલે છે.
ટોળામાં જોડાવા આપણે છીએ;
વિશ્વમાં સરખાં દેખાતા શહેરમાં લોકો મને તરછોડે છે.

#૯૮-અને પછી ટામેટા પરના ચીરા સમ ઘરમાં ભીંત ઉઘડી.
પણ કાંક્રિટ રાડ ક્યારે ય સંભળાઈ ન હતી;
દૂરત્વમાં જીવવું શરમજનક અને એકાકી છે.

#૯૯-અને પછી વિદેશી આકાશ,વોર્ડ અને નિયંત્રણમાં જીવવા માંડ્યું.
અહીં જે ભાષા પાર પાડે તે નમ્ર અને ન્યાન્યતર છે;
પણ ફરિયાદ કરતાં અમારો કાચો રંગ દેખાયો.

#૧૦૦-અને પછી જળ વચ્ચે કમળ જોયું.
એલિયટના કાવ્યમાં ધુમ્મસ પીઠ ઘસે ને માણસ કોફી પાવડરથી જીવન માપે;
ખબર નથી કઈ શાહીથી બધું કોતર્યું હતું.

#૧૦૩– અને પછી વિડીયો ગેમ્સમાં એમનાં જીવનતંત્ર દેખીતાં છે.
ગૂંથણીમાં નાગરિકો બહારની જેમ જ હણાય;
મુદ્દા અપ્રસ્તુત છે, joystick meditationમાં.

#૧૦૯– અને પછી લોથલમાંથી વાતોના ધ્વનિ સંભળાયા.
વિશ્વ એની બરડતામાં પણ શેષ રહે છે;
આપણે પણ કોઈ ઇતર કાળના જ અવશેષો છીએ.

#૧૧૦– અને પછી માટી ખસતાં ડાયનાસોરે નખ ઊંચક્યો.
યુગો એમની ગંધ અને fall વિશે કહેતાં બહાર આવ્યા;
સઘળું homeless એમના નવ્ય યુગમાં.

#૧૦૧- અને પછી પડદો ફાટી જતાં સૂર્ય ભરેલી બારી ઉઘાડી પડી ગઈ.
આકાશને ચાઠું, ટેબલ પર મર્યા પછી ફોટામાં વધું જીર્ણ બાપા;
એક શાશ્વત ચાની વરાળમાં ઝાંઝવાં.

#૧૦૪-અને પછી તું બહારથી મારી આંખમાં અંદર તાકી રહું.
વાવંટોળે શયનગૃહના ઉખડેલા છાપરા પછી;
પલંગમાં ભીની રતિક્રિડાઓ હજું તારી આંખમાં અનિયંત્રિત છે.


માઇક્રોગ્રામ્સ-૧

ઓગસ્ટ 12, 2012

#૪૫
અને પછી તમે બોલો, કૂતરો તમને જૂએ.
ઘાસ સાંભળે લળીને;
માણસ સાદ પાડે-અલ્લાહ કે નામ પે દે દે.
#૪૬
અને પછી સત્ય શોધવા બે ઘર વચ્ચે વાડ બાંધી.
કબૂતર સીધી લાઇનમાં ચરકી ગયાં;
એક ગૂઢ વાર્તા ઝઘડ્યા કરી.
#૪૭
અને પછી શહેર ભટક્યા કર્યું.
એક ભીખારી હાથમાંથી બીજામાં;
એક ચિત્ર,નામે scream. ૫-૧૩-૨૦૧૨.
#૪૮
અને પછી વરસાદ બારીમાં ઊભો રહ્યો.
શરીર ખૂરશીમાં reassemble કર્યું;
સીગરેટમાં બોળેલો શિયાળો, એકમેકને આધાર આપે છે.
#૫૬
અને પછી કવિતા સ્ફોટથી પડછાયો પાડે છે.
શબ્દ સમુદ્ર જેવો છે;
ઇમેજ દેખાય પછી પાછી એમાં જ સંતાય.
#૬૩
અને પછી શબ્દમાં દરવાજો ઊઘડ્યો,અફાટ.
એમાંથી એક છેલ્લો માણસ બહાર નીકળ્યો;
ખરડાયેલો,એક ભૂગોળમાંથી બીજીમાં દાખલ થતો.
#૬૪
અને પછી મેં અનહદ કાવ્ય વાંચ્યા.
મારમાંથી એક માણસ નીકળ્યો,બીજો, પછી સતત નીકળ્યું;
હવે બધાં સામે ન ઓળખાયેલો ઊભો છું.
#૭૨
અને પછી બા ખાલી થઈ ગઈ.
હું છેલ્લો અને પહેલો હતો;
અમે ન વંચાયેલા સંગ્રહની પહેલી અને છેલ્લી આવૃત્તિ.
#૮૦
અને પછી મારી કવિતા વાંચતા તું એમાં વસી ગઈ.
બહેતર છે તું તને ખોલ એમાં;
અડોઅડ રાત્રે કારની હેડલાઈટમાં પકડાયેલાં પ્રાણી.
#૮૧
અને પછી સૂર્યની કતરણ ખૂંચી.
એક ધૂપબત્તી કીરમજી તીક્ષ્ણતાએ તાકી રહી;
પ્રકાશનો ભાર આગિયામાં રાત્રીની બળતરાથી વર્તાય છે.
#૯૧
અને પછી મારો હાથ તારા ખભા પર નાગ જેવું બેઠો.
સખત બપોર હટવાનું નામ જ નથી લેતી;
મોઢામાં જડથું જીભ ભાવશૂન્ય ઝરે છે.
#૯૨
અને પછી અં’દાવાદની પોળો ઠાલી તડકો ઠાંસેલી છે.
ડમર અહીંતહીં ઉઠી;
એક રખડી પડેલી ગાંધી ટોપી પર ઠરે.
#૯૩
અને પછી મધરાતબાદ સિરિયામાં નાગરીકો ઠાર કરાયા.
સમડીની ચાંચમાં અંગાર;
convulsive તડકો થઈ ચકરાયા કરે.
#૯૪
અને પછી ‘પીઠ ઘસતું પીળું ધુમ્મસ’* સૈકા બાદ પોપડીએ ખર્યું.
સૂર્ય હિંસક આથમ્યો;
લોહીભીની ધરતીમાંથી લાલાચબોળ નાર્સિસસ જ ઉગ્યાં.
[*ts eliot ના લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રુફ્રોકની પંક્તિ.
નાર્સિસસ ગ્રીક મિથ.]
<નોંધઃ-બધાં ગ્રામ્સ મે થી ઑગસ્ટ ૨૦૧૨માં લખાયેલાં છે.>