હમણા

જુલાઇ 15, 2012

ક્રોધ
૧)
હમણા જ,
બૂટના તળીયામાં,
એક જીવડૂં ટેટી જેવું ફૂટ્યું,
૨)
હમણા જ,
એક કવિતા,
અનુવાદ કરી; સળગાવી દીધી.
૩)
હમણા જ,
એક વાસણનો
ગોબો ઉપાડી,ભોંયરામાં ફેંક્યું.

સહાનુભૂતિ
૧)
હમણા જ
તળીયે ફૂટેલું જીવડું
ખાડામાં દાટી ઉપર અગરબત્તી રોપી.
૨)
હમણા જ
બળેલો કાગળ
તેલમાં ભેળવી, મેસ આંખમાં આંજી.
૩)
હમણા જ,
ફેંકેલા વાસણમાં
છાશ – રોટલો ચોળી,ઓડકાર ખાધો.

કવિતા

બે વચ્ચે ટૂંકામા ટૂંકુ અંતર તેઃ હમણા.

(૭-૧૨/૧૪-૨૦૧૨)

Advertisements

બે ડાયોસ્પોરા કાવ્ય

જુલાઇ 1, 2012

૧)
નવું વડોદરા

ખંડેરાવ માર્કેટ હજું એવું જ સોડાય છે.
ગલીઓ પડઘા
ફેરીયાના હાકોટા
બજાર.
ઘર શીકામાં લટકી રહે,
બારી ઉનો મકાઈદોડો ઉપાડી લે,
માથા પરના વૈશાખી ટોપલામાંથી.
હું તાકેલો ઊભો છું ,સૂર્યથી.
વંડા પાછળ ગરીબ પેઢી કંતાનમાં સળવળે
પછી આવે સંસ્મૃતિઃ
કિર્તિમંદીર પર આથમતો સૂર્ય,
સિસિફસે* અણીદાર પર ટેકવેલો નક્કર દડો….(૬-૩૦-૨૦૧૨)
*મિથ ઓફ સિસિફસ,ફ્ર્ન્ચ સર્જક આલ્બેર કામ્યુનો ઉલ્લેખ.
૨)
સૂર્યમંદીરઃ મોઢેરાના પથ્થર ગોઠવતાં

તારું મલકાવું. ઘણ ઉઠાવ*૧ ( પરસેવામાં એના તૂટી જતો લગાવ.)
ખૂબ અડીને બેસી પથ્થરની
ચોરસ-લંબચોરસ-ઘંટીગોળ
ગોઠવી આપ્યા ઘડેલાં.
વાતો અરસપરસ ટાંકી ટૂકડા પાડી
પરસેવો ચણી નાખ્યો શિખરબધ્ધ વૈતરાંમાં;
ફૂટી નીકળ્યું ઝરણું…વો તોડતી પથ્થર*૨.

હવે વાતો નરી અફડાય અરવ
અને દરેક રહેવું હટવું હતું
શરુઆતથી જ રસ્તા ફંટાયેલાં હતાં આપણા
કેવળ ઘડતરના ઘોંઘાટમાં તોતડતા શબ્દો અને સંસ્મૃતિ મોઢેરામાં કાયમી,
રોજ સૂર્યાસ્તથી દાઝેલો પ્રેમ-નથી સહેવાતો આ ભારેલો અગ્નિ.

આપણી સંપૂર્ણતા અરસપરસ માંગી હતી-
કપચી જેવાં વેરવિખેર છીએ,
વાંસે લપેટેલાં ટાટિયાં,લટકતા છીબલાં-ઠાઠડી જેવું ઊંચકેલા આપણી વચ્ચે-
વિભાજન,પેટાવિભાજન બન્નેવ સંવેદના.
(૭-૧-૨૦૧૨)
*૧=કવિ સુંદરમના કાવ્યનું શિર્ષક.
*૨=હિન્દિભાષી કવિ સુમિત્રનંદન પંતના કાવ્યનું શિર્ષક.