મીરાંesque-2:હે જી રે તારી કથાનો અંત નથી/ ને તારા અંગમાં તું તારો સંગાથી

જૂન 17, 2012

હેજી કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હેજી કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..

હો.. એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એની બની રે પ્રભુજીની મૂર્તિ,
બીજો ધોબીડાને ઘાટ..

હો.. એક રે ગાયુનાં દો-દો વાછરાં,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે વાછડો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર.. હેજી રે કરમનો સંગાથી..

હો.. એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય.. હેજી રે કરમનો સંગાથી..

હો.. એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય.. હેજી રે કરમનો સંગાથી..

ગુરૂને પ્રતાપે મીરાંબાઈ બોલીયા,
દેજો દેજો સંત ચરણે વાસ.. હેજી રે કરમનો સંગાથી..
* * * *
અંત કથામાં હોય, શબ્દમાં નહીં.શબ્દ
ચાપલુસિયો છે,નીકોટીનમાં બળ્યો,ખર્યો
ભજને ભજને એક એક કરી સળગ્યો નનામો
થયો ત્યાં સુધી.હવે રાણો અપરિચિત, મીરાં
અંધકાર ઊકળે ત્યાં સુધી કથની
લાકડે બાઝેલી કુહાડી ચસકતી નથી

હો..પથ્થરે પથ્થરે રંગ કટાયઃ છોડિયાંમાં
સમય,સમયમાં ઇતિહાસ કોવાય છતાં
શબ્દ ખાંભીમાં નક્કર ઊભો રહે અને
ખોદકામમાંથી બૂઠ્ઠો અણીદાર પથ્થર
હજું માણસ વિશે બોલે છે પોતાની
વેદનામાંથી ડચકાં ખાતો.
હે જી રે તડકો નિયમિત અથડાય વો તોડતી પથ્થરમાં*…

હો..ભેંસને ક્લોનિંગમાં અવતરી ગાય
ને એક ગાલ્લું જોતરેલું કળશી ફૂટ નીચે
ભોંયમાઃ ભૂલી જવાયેલું બાળક પછીથી
જન્મનારા પૂંજે તેમાં ઇશ્વર હયાત–
મરેલાં પડતો મૂકી ગયાં.
એક આગોતરું શોકગીત મીરાં ગાય અને
એક વરૂ દંતકથા માનસમાં દેવ થઈ ફરે.*-૧
હે જી રે માણસે ઘડ્યો દેવ એની પાસે જ માંગે અતિઘણું…

હો..ઇન્ફામીલ પાવડરમાં ને ઘસેલા જાયફ્ળમાં,
દિકરો રાતે વધે ઉંઘમાં ને ગાર્બર ફોર્મ્યુલામાં
ગાજર-બીટ હસવું રમે વરઘોડિયામાં.
તારી માતાએ બેઊ જણ્યા એમાં તું અળખામણો-
એટલેજ મુંબઈથી લખ્યો’તો આંધળો કાગળ માનેઃ
સમયમાં ચાવીરૂપ શબ્દો અર્થની ઇચ્છાથી
વેરવિખેર.માણસ હોવું શાબ્દિક ગુનો છે.
હે જી રે મનખ ચાલે શબદમાં વાદના વેડા લઈ…

હો કુંભાર ઘડે માટીની સ્ત્રી ને કુંભાર હણે પકવેલી સ્ત્રી*-૨
ઘરનાં મૌન લાકડામાં તરાડ ને ઊંબરો રોકે ડેલી,
છાપરું ધરબી રાખે ઘર ને બારી એને ખોલે,
સપનામાં મને જોડી રાખું ને આંખ ખોલી છૂટ્ટો પાડું,
મંદિરમાં ભાયડો નક્કર બેસે ને ઘરમાં ઊભડક,
એક જ ગણ ને ચાર માત્રા કરે સમવૃત વર્ણમેળ
એક શબ્દમાં બે કલા સૂક્ષ્મ અને સ્થૂલઃ આ તે કેવું છળ…
હે જી રે પશુમાં દૂધ ને દૂધમાં ઘી
એક ઠરે કંસારે ને બીજું લાશ પરે…

અંત કથામાં હોય, શબદમાં નહીં
માણસમાંથી અમે રે બોલીયા,
શબદની સેવા કરી કવિતામાં લે જે વાસ..હે જી રે..
( ૬-૧૭-૨૦૧૨ )
*=સુમિત્રાનંદન પંતના કાવ્યનું શિર્ષક.
*-૧=હોમેજ ટુ લેમિંગ વુલ્ફનો ઉલ્લેખ.
*૨= યાનિસ રિત્સોસના કુંભાર કાવ્યનો ઉલ્લેખ.

Advertisements