મીરાંesque-૧

મે 27, 2012

પગ ઘુંઘર બાંધ મીરાં નાચી રે, મીરાં નાચી રે
મેં તો મારા જન્માક્ષર માં
હરીવરજી ને એક પલકમાં,એક ઝલકમાં
લીધા હૃદયથી વાસી રે
મારા બારે બાર ખાનામાં, મોરપિચ્છ ને મંજીરા છે
મુરલીયા નાં શબ્દચીજમાં મીરાં મીરાં મીરાં છે
રોમ રોમનાં રંગ મહેલમાં મીરાં તુમ્હારી દાસી રે
મારા આ જન્મારા પુરતો, એક જ તુલસી ક્યારો રે
પળ પળ નાં આ પાંદડે પાંદડે, શ્યામ સદાય મારો છે
જન્મ જન્મ ની દાસી મીરાં રાજી રાજી રાજી રે
* * * * * * * * * * * * * * * * *

(૧)
પગ ઘુંઘર બાંધ મીરાં નાચી રે, મીરાં નાચી રે

હું પ્રતિક્ષા ટાળવા તાલ-થાટ વાપરુ છું,
મારી નર્વસ ક્ષણે બારીમાં તડકો વલોવીને.
દરેક કલાકોના આવર્તન મને ગળે છે.
શબ્દો લાઉડ સ્પીકર સમ ફાટેલાં હવામાં નીકળી પડે,
પછી સોનેરી કિનારનું ધોતીયું દેખાય છે.
એ બીનઆશય આશ્વાસનો બોલી જાય,
હાથ ઉછાળી,હથેળી દેખાડી,
રિહર્સલ કરેલાં વાક્યોમાં અને
તાળી મારી ચાલ્યો જાય.સફેદ
આવજો.હવે હું મારી અંતહીન
પ્રતિક્ષામાં થનગનતી..તા થૈ.

(૨)
મેં તો મારા જન્માક્ષર માં

અંધકાર ચહેરાને વિધિસર પ્રશ્નો
પૂછી ઉચ્છેદે છે.મિરાંને એવી
અગ્નિમાં તાકવીઃ કેન્સર
સ્તનમાં ઉઝરડા પાડે તેવું.એના
સ્તન આંખોમાં આંખો કપાળમાં
હાથ પગમાં અને પગ ખભામાં એ
નરી કળા અને સાંધા ગાંડી કતપૂતળી
એક નાદ છાયા પાંગરતી’તી એનામાં
અન્ય મીરાં અંદરથી એના દરેક સાંધે
સ્પર્શતી હતી થનગનાટમાં…ત થૈ.

(3)
હરીવરજી ને એક પલકમાં,એક ઝલકમાં

શિયાળુ રાતે એક પ્રકાશ આગિયામાં
લંપટ થઈ ધ્રૂજે અને ઘસે આવેગ
હવાને.એકતારો રણઝણે પોતાનું
લોહી પહેરી અથાક આવે સ્વક
સમય પાર જેમ કૂપળ પથ્થર ફોડી
એક ઝલકમાં. એક વિઘટન અંદરમાં
એક પથ્થરમાં કે ઓઝટમાં.આંખમાં
વસંત આખી ઝરી.ભૂરી વસંત ભૂસ્તરમાં
વિયાય જન્માંતર ઘૂટીના તા થૈમાં
ધ્વનિ વિપર્યાસ.

(૪)
લીધા હૃદયથી વાસી રે

દા.ત. બપોરિયામાં હું સીધો
બેડરૂમમાં પહોંચી ગયો.અને છાતી
પર સ્તન નાના બાળક જેવાં
બાંધેલા હતાઃ હ્રદયમાંથી દબાયેલી
લાગણીના ઊભરા.તારા વિચારો-
તું વિચારોમાં પહેલો,ઉંઘમાં જોયો
અંદર અને બહાર આગળે અથડાતો,
મોનાલિસા હાસ્ય ઝબકારતો,
સાંકળ ખખડાવ્યા વગર આવજે કાળીયા,તા થૈ.

(૫)
મારા બારે બાર ખાનામાં, મોરપિચ્છ ને મંજીરા છે

બારમાસી જેવી બાર રાશી વહેણ બદલે
તો કથનીના કહેણ પીત્તળના તાલ
છાતીના ખલમાં ખૂંટી-ઘૂંટી સંસ્મૃતિના
તાંતણામાં ચોટલા વાળે.
બાઈ મધમાંખીને ગતાગમ
ફૂલ ચૂસીને મધમાં વાળે
એક પરબિડિયું ગુંદર ચાટી
મોક્લ્યું રાણાએ ઇલ્કાબો ભરી,
એક છેતરપીંડી,દ્વૈત તા થૈ.

(૬)
મુરલીયા નાં શબ્દચીજમાં મીરાં મીરાં મીરાં છે

દરેક ઉત્કૃષ્ટ સંવેદન ભવિષ્યમાં છે.
પૈસા બોડિસમાં સંતાયેલાં પડી રહે છે.
સ્વક હોવું અને એવું જઃ
મુકદ્દમો સતત ચાલ્યા જ કરે.
નામ થોડી ક્ષણો મહેંદીમાં લુપ્ત રહે
પછી પહેલી રાત….
એક સ્ત્રી ઉખડી ખરેલો હીરો કબાટ તળે શોધ્યા કરે,તા થૈ.

(૭)
રોમ રોમનાં રંગ મહેલમાં મીરાં તુમ્હારી દાસી રે

એક સફર્જન ભૂરાશ ફોડી પડ્યું
મહેલના આંગણમાં
લીલું ઘાસ દેખાતી દુખદ
મજ્બૂત આશા છેઃ
મૂકો ત્યાં ઉગે.
ઇડન વધારે પડતો ફાલેલો બગીચો,
એકતારો ટેરવામાં
એક જ ડાઘા પર ફરી ફરી ડાઘો પાડે,તા થૈ.

(૮)
મારા આ જન્મારા પુરતો, એક જ તુલસી ક્યારો રે

અમેરિકન છોકરીનો બાપ-
વિદુષક વાદળ અને led પ્રકાશમાં
અવતરેલો માણસઃ
પારણામાં પણ બાપ યાદ નથી હોતો.
અમેરિકન વર-
હાલોવિનમાં મોહરું પહેરે તેમાં
કેળવાય તેનો મુખ્ય ચહેરો,
આંખમાં દેખાતા ચહેરા અને એની
આંખમાંય દેખાતા ચહેરા અને ત્યાં
દેખાતા, તા થૈ.

(૯)
પળ પળ નાં આ પાંદડે પાંદડે, શ્યામ સદાય મારો છે

પીળેરે પાંદે…સરકી જાયે પલ
મારી અમેરિકન પત્ની દરેક બાબાતમાં,
ઉંઘમાં,વૃક્ષમાં,આશ્ચર્યમાં,સૂરજમાં,ખભામાં,
બોચીંમાં,વાળ પાતળી નસોના
હારતોરાં-માં,શ્રધ્ધા વાદળ આકાર.
પીપળે વીંટેલો દોરો બીહામણું યુધ્ધ.
મારે શરણે આવઃસલાહ નથી,આજ્ઞા છે,તા થૈ.

(૧૦)
જન્મ જન્મ ની દાસી મીરાં રાજી રાજી રાજી રે

હવે બીજો વરસાદ પહેલા પર પડે.
તમે ગણતરીમાં લો ત્યારે એક જ લાગણી
તમને મળે.મારે અંધકારમાં બહાર
નથી જવું(એક માનસિક અનુરૂપતા.)
ગૂંથણી.ભાષાકીય ભૂખ.
મારી હયાતી અહીં બીન અધિકારી છે.તા થૈ.

(નવેમ્બર-૧૫-૨૦૧૧ થી મે-૧૪-૨૦૧૨)
[નોંધઃપીળેરે પાંદે…સરકી જાયે પલ..આ બે અનુક્રમે રાવજી અને મણીલાલની અડધી પંક્તિઓ છે જેમાંથી એક આખી પંક્તિ ઉપજાવી છે ઇન્ટરએકટિવ ફોર્મ્યુલાએ.આભાર કવિ.]


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૫

મે 17, 2012

ઘર પાછળ શિશુવૃત્તિથી ખાડો ખોદ્યો,અને માટી ઉલેચતાં
ઊભરાયેલા પાણીમાં ભૂરું આકાશ તરવા માંડ્યું.

તારી આંખો વધારે પલળેલી અને પાણી કરતાં વધું પારદર્શક છે,
કહી દેવાની મથામણમાં તર્યા કરતી, મૃત્યુના મૌન કરતાં વધારે તીવ્ર.

દરેક ક્ષણ મારી બહાર એક યુગારંભ છે જે હું એક વખત જીવ્યો હતો, અને
તરા દરેક ધબકારા ભૂરા અંધકારને ટકાવી રાખી તને માપ્યા કરે છે.તમારા
બોલાયેલા દરેક શબ્દમાં છે ચીડનો કોલાહલ, ગણતરીના પુનર્જન્મ,arabesque*
વિચારો,ડૂંગળીના પૈતા જેવી પણ છૂટી પડી ગયેલી ગોળ
ચોક્કસતા અને ઇશ્વરના અસ્તિત્વની સાબિતીઓ જેવું સંકોચશીલ સત્ય.

માંછલીના મોઢામાંથી નીકળતા સીસકારા સાથે હું તારી
આંખમાં જોઉં છું; ભૂરા આકાશની સતત ધોવાતી ખિન્નતા.
૮-૧-૨૦૦૬

*ઍરબેસ્ક= વેલ કોતરણીવાળી શણગારની શૈલી, એકબીજામાં ગૂંથાયેલાં પાંદડાં, કાગળના વીંટા ઇ.ની આકૃતિ વડે કરેલો શણગાર, નૃત્યની એક ભંગિ


બે મૃત્યુ ચિંતન

મે 1, 2012

૧)
ક્લૉઝેટમાં લટકતાં પોશાક વૈવિધ્યમાંથી
હું હિમાન્શુ પટેલ છું,
અને ટેલિવિઝનના સમાચારથી
મારૂં સાંપ્રત છે,
હું જન્મ્યો’તો જીવવા માટે
પણ જાહેરાતોએ મારો કબજો કરી લીધો,
હવે હું માણસ છું
મારા an othernessમાં
કેવળ મૃત્યુ જ મારાં મૂળાંકુરોમાંથી આવે છે.
૨)
અને પછી મારો અગ્નિદાહ પત્યો.
અધૂરાં હાડકાં ધરબોળ. મૂલોચ્છેદ કરી લીધો.
સંસ્મરણ ગપસપમાં, પુનઃ મૂળગામી શરૂઆત.