મારાં શિયાળુ ચિત્રો

માર્ચ 23, 2012

૧) ચૂલો

એક ખૂરશી બરફમાં
ધોળા હથ-પગ પહેરી
ઠારેલા ચૂલા સામે તાકી રહી
બેઠી છેઃ
ગરમી ઢગલો રાખમાં
ઊંધું ઘાલી ખૂંધી પડી રહી છે
આગમણે.

૨) રસ્તો

રસ્તા પર
બરફને કાળા ડાઘા
પડ્યા છે.

૩) વૃક્ષ

બરફ
વૃક્ષમાં એનુ જ
છીકણી રેખા ચિત્ર.

૪) કૂફી

બરફ
કૂફી* સમ
છોડ પર
ગોળાકાર પહેરાયેલો
પડ્યો છે.

[*કુફીઃ યહુદીઓ માથા પર પહેરે
તે રકાબીના માપની જાળીદાર ટોપી.]


પ્રૂફ્રોક એક અનુસંધાન-ભાગ ૨

માર્ચ 9, 2012

અંદર જઈએ,ચાલ.
ખાલીપણામાં.
હું અને તું.
વિશાળ હૉલ
નાસી ગયેલો રિક્ત,
અફાટ ચળકાટ લપસતી ટાઇલ્સ
દરવાજામાં બંધપવન ઘરડો,ચોરસ
ચિત્રોમાં રંગથી રંગીન ભીંત,
માઇકલએન્જલો આપી ગયો still life:
મથતા આકાર
બહેરામૂંગા અરિસામાં
ઉગેલા આકાર સાથે હરિફાઇમાં
હું અને તું
જઈએ આકારમાં,
રિક્તતામાં,જડબેસલાક શિલ્પ
(ખીલા પહેરી ઉભેલો ઇશ્વર.)
શરૂઆત દેખાતી નથી
પાછળના ખાલીપામાં,આપણામાં કોઇ અથડાય.
હું અને તું
જઇએ આપણી અનાકાર
શરૂઆતમાં
બંધાતા મોતીમાં ચચરેલું પાણી અને એની કુમાશ,
સાંભળતા સમુદ્ર ઘોંઘાટ
ઘોંઘાટમાં સમુદ્ર આકાર ડૂબી પડેલું શહેર.
ચાલ જઇએ
હું અને તું
શહેરમાંથી શહેર શોધવા
અને બીજું કશુંક,
શરૂઆતના પાણીમાં પલળી
તળ બેઠેલાં
ઠરીઠામ અંધકારના ઉંબરા અને
આપણા પાંચ સૂર્યાસ્ત ઇનદ્રિઓમાંથી
જે ઓળંગી નથી શકતા
એ કોરી(ભીની) રેતીમાં સરકતા મૌન.
ચાલ કેવળ જઈએ
ચાલ કેવળ જઈએ
કોઇ કવિએ અનુવાદ કરેલા શબ્દોમાં,
આંખમાં સંતાડેલા water fireમાં
માસિકમાં ખરી પડેલા લોહીમાં;
હું અને તું.
૨-૧-૨૦૧૨
( પહેલો ભાગ ૧૨-૨૫-૨૦૧૧ એ મુકાયો હતો)