ચાર રાજ્ય કાવ્ય

ફેબ્રુવારી 25, 2012

ચાર રાજ્ય કાવ્ય

૧) કલાપી રજ્ય

પીઠ પર વચોવચ
પરસેવાનું ટીપું ઘટ્ટ લોહી જેવું
શીરોલંબ ઊતરે.ટોળામાંથી છટકી
ખૂણે ઊભેલા કલાપી જોયા
પણ ‘કાંત’ ક્યાંય દેખાયા નહીં.

૨)અસ્તિત્વવાદ નગર

ધારાવીમાં માણસ
ઉઘાડા ડીલે ન્હાય
ઉનાળૂ દિવસે,અને હું ઠોકરખાઈ
અક્સ્માતે પ્રબોધ પરીખ પર ગબડ્યો.

૩) મુબાઈ

મહેરબાની કરજો.
આ સ્થળ અકુદરતી અને
ભીડ ભીડ ઘોંઘાટ તથા માનહાની છે.
કેટલો સમય લાગે છે નિરંજન ભગતને શોધતા.

૪) રાજકોટ

નીશાચર,
અને ચૂક્યા ધ્રૂવનો તારો.
રાજકોટ હંકારો અને ખરીદો મ્યુનિસિપાલિટી બદલામાં.


સાહચર્યની કુમાશને વલુરતી અભિવ્યક્તિઃએક આસ્વાદ.

ફેબ્રુવારી 21, 2012

કેસરભીની હથ્થેળીમાં—સંજુ વાળા

કેસરભીની હથ્થેળીમાં બોળી રે તર્જની !
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી

આંગળી નીચોવીએ તો રેલાતા ટાચકા
પણ કોઈ રીતે તૂટતું ના કળતર
અડીયલ ઉજાગરાનો જાંબુડીઓ ગઢ
વાય વ્હાણું ‘ને ખરી પડે ખર.. ખર…
ભીંત ભૂલીને દીવા બદલે પેટાવ્યો રે મણિ
… અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી

આછેરી ઓળખેલી અણીયાળી ફૂંક
આજ વીંઝાતી કાચેરી વયમાં
સાંભરે ચટ્ટાક લાલ નીતરતા ડંખ
પછી રેબઝેબ ભીંસાવું ભયમાં
કોઈ સપરમી પીડાની ભોંકાતી તિર્યક અણી
અંગ્ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી

કેસરભીની હથ્થેળીમાં બોળી રે તર્જની !
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
તમારા હાથમાં કોઇ કવિતાનું પુસ્તક આપે અને શબ્દો સ્ફોટમાં પોતાને મૂર્ત કરે તેજ રીતે લાગણીથી સીવાયેલો માણસ પણ અભિવ્યક્તિમાં ઉઘડી પડી પોતાને વ્યક્ત કરે છે હ્રદયના તળગોળાકારમાંથી.
કોઇપણ સર્જકનું ભાષા કર્મ એની ઉંડી લયકારી અને ઉચ્ચારણની અનપેક્ષિતતા કે નવ્યતાથી કળાત્મક સૌન્દર્યાનુભૂતિની અભિવ્યક્તિના તત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ પણ કરે છે.મૃત્યુ હોય કે સાહચર્ય,ડેવિડ શેપીરો-અમેરિકન કવિ-એની મા માટે કહે છે તેમ
Eros touches her lightly
with the palm of his left hand…
અનુભૂતિ અને તેની અભિવ્યક્તિની વિદગ્ધતા કે ઘનિષ્ઠતા કોઇ પણ કૃતિનું કેન્દ્રવર્તિ ગુરુત્વાકર્ષણ છે.
દરેક કવિ એની સંસકૃતિને અગળ લઈ જતો કણ(એટમ)છે,જે સતત ફ્યુઝન થયા કરે છે અર્થાત કવિ પહેલાં વ્યક્તિ(individual) છે અને પછી સિંહાવલોકનમાં ઉમેરાય.ગુજરાતી કે હિન્દુસ્તાની સાહિત્યમાં હજું school જેવી પરંપરા કે નિશ્ચિત વળાંક જોવા નથી મળ્યા કારણ આપણે અનુકરણ કે સાર સાગ્રાહક(eclectic)વિચારસરણીઓમાંથી ઉદભવ્યા છીએ.એની સામે છે આપણી પારંપારિક કાવ્યરીતિમાં ગીતો(લિરિક) અને અન્ય ભક્તિ પરંપરાના પ્રકારો જ.ગઝલ પણ બહારથી આવી આત્મસાત થયેલું સ્વરૂપ છે,નરસિંહ-મીરાં,દયારામ કે અખાએ ક્યારેય ગઝલ લખી નથી.પણ પ્રેમનો અભિનિવેશ સનાતન સંવેદના છે,પછી એ ઉઘાડો હોય કે ઢાંકેલો કે રાજકોટના દિયર-ભાભી જેમ મંદિરની ભીંતે વળગેલો હોય,પ્રેમ અવ્યય છે.આ જે અવ્યય છે તે જ માણસ અને વસ્તુ કે સંવેદનાત્મક લાગણી વચ્ચેનાં જોડાણ વ્યક્ત કરે છે.
સંજુવાળાના કાવ્યત્વને ગૂઢતત્વથી આ્ચ્છાદિત ગણાવાઈ હશે પણ બીજી તરફ એમાં કાંત જેવી સેન્દ્રિયતા પણ છે,જ્યાં ભાષા અભિવ્યક્ત્ને અપનાવે(borrow) છે દૃષ્ય-શ્રાવ્યતામાંથી.આપણી સંસ્કૃત પરંપરામાં વલણના કાવ્યમાં આ જોવા મળે છે,એના એક કાવ્યમાં એ કહે છે,”ઉઘાડા નહીં પણ ભીના પાલવ પાછળ્ના સ્તન વધારે વાંછીત છે.”એલિયટ”એકાગ્રતા” પર, પાઉન્ડ”ઇમેજ” પર અને કાર્લોસ વિલિયમ(અમેરિકન કવિ) કહે છે,”જેટલું લાંબુ હુંમારી સ્થાનિકતામાં જીવું, જીવવાની વિગતપ્રચૂરતામાં જીવું,ત્યારે મને ભાન થાય છે કે આ જૂદા પાડેલા અનુભવ અને નિરિક્ષણો,ઊંડાણ તાગવા, ભેગાં કરવા આવશ્યક છે.”સંજુવાળાનું આ કાવ્ય એવા સાહચર્યની કુમાશને વલુરતી અભિવ્યક્તિ છે.
એક સ્ત્રી અને પુરુષ મળે અને હાથ મેળવે ત્યારે હથેળી વચ્ચે આંગળી ઘસી આપતો પુરુષ સંબંધોની ઇપ્સાથી તરબતર છે,પણ આ કાવ્યમાં હથેળી કેસરભીની છેઃરંગ અને માધુર્ય સાહચર્યની સંલગ્નતા(nexus)સત્કારવા ઉપસ્થિત છે, જે એક સમે ભય અને પ્રસંશા બન્ને છે-અંગ ધ્રાસ્કો મ્હોર્યો..આ ભય સ્પર્શથી જન્મેલા સ્પંદનોથી મ્હોરેલો કુણો,તાજો,લીલોકચ છે.સમર્પણથી-અડતા અડતામાંતો તડ્ડાક દઈ તૂટતો,સહચર્યની એક લાગણી, અનુભૂતિંમાં દડી ગબડેલો છે.કાવ્યની પહેલી પંક્તિમાં પ્રણયની પરિપૂર્ણતા જેમાં છે તે સમાગમનો અંગૂલિનિર્દેશ અને આકૃતિ-અડીયલ ઉજાગરો- તથા પ્રથમ સમાગમના erosના પહેલા હળવા સ્પર્શનું સંકોચન, કળતર-ધ્રાસ્કો છે.જોડ્યા’થ’નો ઉપયોગ શારિરીક પ્રતિક્રિયા તથા આઠ ‘ઇ’.બે ‘આ’અને બે ‘ઓ’ના ઉચ્ચાર પછી ‘ટપ્પક’માંના ત્રણ ‘અ’ની હળવાશ અનુભૂતિની ટપકી, તૂટી(ખરી) પડેલી પરિપૂર્ણતા છે.’કાંત’માં વિવશતા છે,અંગ સાથે અંગ જોડી દેવાની માંગણી છે,અહીં તો રત અંગોની કમનીયતા છે.
કાવ્યના બીજા ભાગમાં રમણક્રિયાની લાક્ષણિક રજૂઆત છે.આવી ભાષાનું કામ પ્રતિક અથવા શિલ્પમાંથી ઉદભવતી અન્ય ભાષાકે સ્વર(voice) સાથે સંવાદ રચવાનું છે.ફ્રેન્ચ ફિનોમીનોલોજીસ્ટ કહે છે તેમ”જેવા તમે આકૃતિ(શિલ્પ)ના પ્રેમમાં પડો કે તરત એનું સ્વરૂપ બદલઈ જાય”(એ હકિકતથી દૂર હટી જાય).ભાષા જ્યારે સ્ફોટ સાથે સંવાદ રચે કે તાદાત્મ્ય સાધે ત્યારે એ ઇતર સ્વરને નવ્ય સંદર્ભ અને સ્વક આપે છે.જેમ માનવ ચૈતન્યમાં જટિલતા પ્રતિબિંબિત થયા કરે જે નથી વિખુટુ કે મર્યાદિત સ્વયં પુરતું.નીચોવવું શબ્દમાં અમળાવું અને લવચિકતા બન્ને એક સાથે છે.રતિક્રિડાનો સમય,ઉમંગ અને એમાં સધાયેલો સંવાદ તથા એનો અંત બીજા અંતરાનો મૂળ ધ્વનિ છે.
એમાં ‘ર’અને’ળ’નો વપરાશ રસિકતાને વહેતા રાખે છે,જેમ વાક્ય રચનામાં ગૂંથાયેલોઅ લય.આખો અંતરો માનવ જાગૃતતા અને ક્રિડન વચ્ચેની dialogic પરિસ્થિતિ છે જે સતત અમળાયા કરે back and forth જે બે જણ વચ્ચે માન્યતા(કદર.) અને પ્રતિક્રિયા માટે વ્યાપ દર્શાવે કે સૂચિત કરે છે.અમેરિકન કવયિત્રિ મી.મી. બરસેનબર્ગ એમના ‘હેલો,ધ રોઝિસ’માં કહે છેઃ
there is a feeling of touching and touched,
the shading of colors she can sense from touch
there’s an affinity between awareness and blossom.
બન્ને જગ્યાએ જાંબુડિયો રંગ પોતાની objectivity ગુમાવે છે અને અનુભૂતિ કે સંવેદના વિસ્તરણમાં પ્રવેશ કરાવે છે અને વાંચનારના ચૈતન્યને પણ ઉકેલે છે,તથા બન્ને તન spaceમાં વધારે જોયેલામાં કે જોવામાં વિસ્તરે છેઃજે દૃષ્ટિ અને ગતિનું વણાટકામ છે.
ત્યારે ભીંત ભૂલી દિવાને સ્થાને મણી પ્રગટે છે.આ મણીમાં સાપનો ઉલ્લેખ છે અને સાપ ડી,એચ.લોરેન્સથી ફ્રોઈડ સુધી આપણી સુસુપ્ત વૃત્તિ(સમાગમમાં રહેલી)નું પ્રતિનિધિત્વ કરે છે.
બીજા અંતરામાં ડંખાયેલી અક્ષતતા અને એ લાગણી પ્રત્યેની સભાનતા જેમાંથી જન્મેલો ભય બે’ટ’ના જોડાણ અને ઉચ્ચારથી છતો થાય છે.કાવ્યનો ધ્વનિ અહીં અંત સુધી સર્જનાત્મક અભિગમને દાખવે છે,કારણ અનુભવવાની(કાવ્ય)શક્તિ counter powerમાં કે એની શક્યતામાં ફેલાયેલી છે.છેલ્લા અંતરામાં ૧૯ વખત વપરાયેલો’ઇ’ સ્ત્રૈણ અનુભૂતિની તીક્ષ્ણતા અને બારીકી બન્ને એક સાથે રજૂ કરે છે,અભિવ્યક્ત કરે છે.
સાહચર્યની કુમાશને વલુરતી અભિવ્યક્તિનું નવું નામ તે કેસરભીની હથેળીમાં બોળેલી આંગળી eros…eros…eros…
[૧/૨૩થી૨/૧૮/૨૦૧૨]


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૪

ફેબ્રુવારી 16, 2012

આ ભૂરાશ પારદર્શક કાચ પાછળ હળુહળુ સરકેલાં અર્ધનારેશ્વર કપડાંમાં તૂટી પડી
કાળી પડી જાય છે.

ઉત્પત્તિનાય પહેલા દિવસ કરતાં પહેલી આવેલી આ ભૂરાશ સાંજે પારદર્શક કાળાશમાં વિચિત્ર પણે ગરકી જાય છે.પછી બાકી રહે છે કાચમાં સળવળેલા પડછાયા.ચોફેર. અંધકારનો ઢગલો.ઘટ્ટ કાળા વૃક્ષો.આવું બધું રોજ ભૂલ વગર થયા જ કરે છેઃએ જ માણસની પારદર્શક વિચિત્રતા છે.કેટલી બધી આપણી ઝાંખી ભૂરાશ,આજે રાત્રે વાતો કરીશું અંધકારના ઢગલા નીચે આપણે કેવાં યુગોથી દટાયેલાં છીએ,ઝાંખા,આપણી સ્ત્રિઓ,વિજય પતાકા ચ કવિતા સાથે. આપણે તરછોડાયેલાં છીએ આપણી મૂળગામી પરિસ્થિતિમાં કણસતાં,માણસની શરુઆત થઈ તે પહેલાંના દિવસથી.હિટલરે બાળી મૂકેલાં માણસમાંથી આપણે હળવાશ અનુભવીએ છીએ કારણકે આપણે યાતના સમજવાની ચૈતસિક પધ્ધતિઓ વિકસાવી છેઃએ કેવળ ભૂલી જવામાં મદદ કરે છે.આ ભૂલી જવું એ નવાં ઘર બાંધવાની, દૂર ખસી જવાની અને સાંપ્રતની દરેક પ્રવૃત્તિમાં ગોઠવાઈ જવાની ભેટ છે.રોજ રાત્રે એક ઘટના પૂરી થાય અને બીજી થવાની રાહ જોઈ ઊભી રહે છેઃઆ આપણી વ્યાખ્યા છે?

આ રીતે તરછોડાયેલાં આપણે નથી જાણતાં કઈ તરફ વળવું.(૨૯-૧૨-૨૦૦૫)


અક્ષયપાત્ર-3

ફેબ્રુવારી 10, 2012

૨)
ફ્લોરા ફાઉન્ટનના ફૂટપાથ પર
એ લગભગ દેખાયા વગર છાપા નીચે સૂઇ રહેતી હતી
તડકો છાપામાં પીળો પડી ગયો હતો
ટેવાયેલાં લોકો હવે એને ઓળખતા નથી
એણે દેખાડ્યું હતું તે
હવે લોકસ્મૃતિમાં
કૃષ્ણજન્મ પછી ક્યારે ન થયેલી દેવવાણી જેવું મૂક થઈ ગયું
એણે ચા પીવાની છોડી દિધી છે
ત્યારથી ફૂટપાથ હવે ફૂટપાથ તરીકે જ વપરાય છે.

૩)
મારું મુબઈ પોસ્ટકાર્ડ છે.
ઉઘાડી કથા-વ્યથા અને તથા,
મારા શબ્દમાં ડૂબેલો શાંત ભૂરો દરિયો.

૧)

જન્મ કુંડળી જેવા લોકો આ શહેરમાં ફર્યા કરે છે
ટ્રેનમાં લટકી એમના સ્નાયુ
રિબામણીમાં આમળ્યા હોય તેવાં થઈ ધ્રુજતા હોય
રોજ રાત્રે ક્રિશ્ચયન સ્મશાનમાં પથ્થરો
નામ સાથે ઊભા રહે તેમ મકાનો મુંબઈમાં ઊભા રહે છે.
ફોરસ રોડ પર અટકી ગયેલા પુરુષની બાયડી
મનમાં કબૂલ કરી રડે
ત્યારે સંતો જીવનની સાદગી સમજાવે
છ્તાં ભવિષ્ય ભાખ્યા વગરના બકરા જેવા
ટ્રેન નીચે કપાઈ લોકો છૂટા પડી જાય છે.

૪)
જહાંગીર આર્ટ ગેલેરી પાસે
ઝાડમાંથી નીતરી પડેલા છાંયડામાં
પાંદડાથી હવા ખખડતી હતી
ગેલેરીમાંથી આવતી રંગીન હવામાં
મેં આકાશ જેટલી શાંતિ અનુભવી હતી
મેં આકાર શ્વસ્યા હતા
રંગો તાળવે મૂકી ચાખ્યા હતાં
ગેલેરીમાંથી બહારા આવી વિશ્વ ઉપર દ્રષ્ટિપાત કરું
તો આંખમાંથી કેવળ ફેરફાર જ ટપકે છે
જે ૧૨ વરસની છોકરીના સ્તન
અને ૩૬ વરસની સ્ત્રીના સ્તન જેવા છે.
(૨૦૦૫)

 

 

 


અર્થનિર્ધારણ કાવ્ય

ફેબ્રુવારી 4, 2012

સોનેરી છરી-કાંટા
ફૂલો
છાપેલાં
પાનખર ૪.૦૦ વાગે
બદામી
લીલું
લાલ
*****
પાણી ત્રિપાર્શ્વ
માંછલીમાં
ગેલે સળવળતી ભીંત
જગ્યા
*****
પવન અને વાજીંત્રો
સફેદ બારી
સોડમાં
*****
ગજરો અને કોડી
માલાબાર છોરી
એક રેખાચિત્ર માંસલ કૈરાલી નાર
*****
દેવદાસી
ઑલ્ટર બોય
અમેરિકન ઇન્ડીયા
*****
બ્યુટિપાર્લર અને દારૂખાનું
ઢીંગલામાં જાંબુડી દ્રષ્ટિ
કાળા મોજા
સૌંદર્યશાસ્ત્ર
ગુલાબી
ગુલાબી
*****
એક પારો ચોરસ
એક પારો ચોરસ
એક ભૂરી બોડીસ
બદામી ગજરો
અરીસો કબાટ
*****
ભૂરો ગુંબજ
ઊંચે શહેરી આકાશ
અતિદૂરી
*****
આકાશ દરિયો
હેંગીંગ ગાર્ડન
દારુ પીતો દેશી
રંગ બદલેલી આંખો
એકાકી
પરિસ્થિતિ
*****
કૂહાડો હળવો
લાકડું ભારી ભરખમ
*****
સફેદ છરીકાંટા
રણજીતરામ સૂવર્ણ ચંદ્ર અને કાવ્ય સંગ્રહ
પીળું
પીળું
રિક્ત કાન
*****
સરદારબેન્ડ
બધાં લાલ ટોપી પહેરે
લગન ઔપચારિકતા
લગન ઔપચારિકતા
લગન ઔપચારિકતા
કંટાળો
૧-૨૨થી૧-૨૫-૨૦૧૨
[ભાષા ઘડાયેલો પદાર્થ છે,ત્યાં દરેક ઉચ્ચારને અર્થ પ્રાપ્ત છે કે અપાયો છે અને તે દરેકને એક અથવા અનેક સંદર્ભ છે,અર્થ છે.શબ્દને વાક્ય બહાર સ્વક હયાતી છે,દા.ત.
કેવળ ‘સાંજ’કે’ઉમર’શબ્દ કોરા કાગળ પર વચોવચ લખો તો પણ એ એકાકી શબ્દથી ઘણું બધું સમજાય છે, સમજાવું જોઈએ.આ અર્થનિર્ધારણ કે શબ્દોના ફફેરફાર કે અભિધા આ કાવ્યની લાક્ષણિકતા છે.શબ્દનું એકાકીપણું પણ વ્યાપકતા છે એને કોઈ સંગાથની આવશ્યકતા નથી પણ ટ્રેનમાં અડોઅડ બેઠેલાં કે અરસપરસ બેઠેલાં મુસાફર સમ,ઘણાપણાથી ભરેલાં છે,બે જણ અજાણ્યા હોવાં છતાં એમની વૈયક્તિતાથી સમૃધ્ધ છે,
ફરક માત્ર એટલો જ કે માણસ મૌન ધારીને પોતાને સંતાડે છે કે લુપ્ત રાખે છે,શબ્દ એવું કરી શકતા નથી.એવાં સાયુજ્ય શબ્દોની આ કવિતા છે અને કથની છેઃઅર્થનિર્ધારણ કાવ્ય.]