બધાં રંગોમાં વેદના ભરેલી છે -૩

જાન્યુઆરી 22, 2012

(૪) આ સ્ત્રી વિષયક ભાગ છે.*

કોરોકટ ભૂરો,સાડીમાં વિધવા બેઠો છે.

રંગમાંથી અવાજ નહીં સભાનતા ધીરે ધીરે આપણામાં અવતરે છે.આપણને ચીઢવ્યા વગર,જાણ બહાર આંખોમાંથી કૂદી નથી પડતો પણ એનામાં ખેંચી જાય છે.ધીમે ધીમે પંપાળી પંપાળી પળતુ બનાવે આપણને અને ખબર પડે તે પહેલા એમાં ડૂબી જઈએ છીએ.ભૂરાશ આપણી સમજણ કરતાં વધારે પોલી અને ઊંડી છેઃ આંખમાં જોતાં તરત દેખઈ આવે છે.

આમ તો ભૂરાશની શરુઆત સફેદમાંથી થાય છે.ભૂરાશ જ, છતાં વિભક્તતા છે.

ભૂરાશ રંગ દ્રવ્ય છે. અડકી જાય તો છૂટે જ નહીં.પાસ છે.રિક્ત પારદર્શકતા છે. આકાશની ભૂરાશમાં રંગો જન્મે છે અને પછી પાછા એમાં જ ભૂરાં થઈ જાય.આપણે પણ એ ભૂરાશની એટલા નજીક છીએ કે આપણે આપણા વિશે અન્ય કોઈ રંગમાં કશું કહી શકતા નથી.

ભૂરાશ લોકકથામાં રાજાએ પહેરેલો રેશમનો એ પાતળો ઝભ્ભો છે જેમાંથી હજું શરીર બદામી કપડાં પહેરી ઊભેલું દેખાય છે.
૨૫-૧૨-૨૦૦૫
[*=કાવ્ય સંગ્રહ ૮ ભાગ + ૩કાવ્યમાં વહેચાયેલું છે,આ ચોથા ભાગનું પહેલું કાવ્ય છે.]

Advertisements

કવિતા જીવનચિત્રોનું અક્ષયપાત્ર-૨

જાન્યુઆરી 22, 2012

૧૧)
હું કવિતા લખું
કે વરસાદનો અવાજ,
સાત શબ્દ લખું કે સાત ફેરા,
વિષયમાં કોઈ નાવિન્ય નથી.
કાગળના દરવાજા પર ટકોરા મારી
ઘૂસી આવેલો શબ્દ
આપણું સત્ય કેટલું ટૂંકું છે એટલું જ દર્શાવે છે,
અને લખવું,એ આપણું પ્રતિબિંબ નથી,
પણ ભીના પારદર્શક પાલવમાં
ઉદભવેલો સનાતન પડછાયો અંગવિક્ષેપ જ છે.
અને મેં આ શબ્દોથી
એ નકશીકામની કેવળ ઉઠાંતરી જ કરી છે. ફરીથી.
૫)
રસોડામાં તારી ઋજુતા
અને તારા ઉતાવળા પગ વચ્ચેના યુધ્ધામાં
તારા મૌન પર પડેલી રાખની વર્ષાથી
ઘા ફરી તાજા થાય છે
પ્રકાશની ધ્રૂજારી અને કારણો વિશેના શબ્દમાં
કોઇ ફરક નથી.
કાઢીનાખ તારા કપડાં
તારી કમર ફરતે બળે છે અંધારું લાલચબોળ જ્વાળામાં;
મેં હમણા જ રોમમાં બધાને પૂતળાં થઇ જતાં જોયાં છે.
૬)
સફેદ પાના પર શબ્દોનું આવવું
એ તારું અન્ય ભાષામાં
રૂપાંતર છે-
શબ્દના ઉચ્ચારમાં ગંઠાઈ રહેલા ધ્વનિ જેવું,
શબ્દ જકડાય છે, પછી બધું છોડી દે છે
અને
ખરતાં પાંદડાંમાં દેખાયા પછી
દેખાતી બંધ થયેલી કોરિયોગ્રાફી જેવું બધું
અનુસરે છે બીજી ભાષામાં,
ડર તો એટલો જ છે
કે તારા મૂળભૂતને હું ભૂલથીયે છેતરું નહીં.
(૨૦૦૫-૬


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૨

જાન્યુઆરી 15, 2012

ભૂરો તડકો ગુંબજ જેવું ગોળ લટકી રહ્યો છે.

આકાશ તો નથી.ભૂરાશ છે.ભૂરાશ ન હોય તો આકાશને એનો આકાર અને સાચો રંગ મળતો નથી.ઘણીવાર.કાળાશમાંથી ભૂરાશ પાછી મેળવાય છે.છાપરા નીચે ઊભા રહો તો કાંણામાંથી ભૂરાશ પાર પડે છે, અને ચૂતું આકાશ પી જાય છે.મારો વંઢો.વડમાંથી વરસાદ ટપકે તો ભાગોળ એને પી જાય,પછી નવી નકોર ભૂરાશ ગરમાગરમ માટીમાંથી સોડમ લઈ પાછી ફરે છે.

તમારે તો ગોદડી સીવતા ભૂરો ગોળ ટુકડો વચોવચ સીવી લેવો હતો.કાનના આંસુ જેવા લટકણિયામાં આકાશ રડતું જોવું હતું.દૂરબીનથી ખૂબ નજીક ખેંચી લાવી તમારે આકાશ તમારી સામે જકડી રાખવું હતું, અને તેને ચકાસવુંય હતું.કાવ્ય પુસ્તકના કવરપેજની ભૂરાશથી અનુરૂપતા પણ કેળવવી હતી.

પણ તમને ખબર હતી તમે શેક્યો પાપડ ભાંગી શકવાના ન હતા તેથી બને તેટલું તમે ત્યાં ઊભા રહ્યા, તડકામાં,નાગા,શેકાવાની નબળી ઈપ્સા શબ્દમાં મૂક્યા વગર, તમારી આજુબાજુના દેખાવ પ્રત્યે જરાય ઉત્સુક ન હતા,ફૂગવી નાખેલા પ્રેમ શબ્દને,માણસની સુંદરતા ટકાવી રાખવા,તમે સહજમાં નાસી જાય તેવા મનને પકડી.ઘાસ પર ટકેલાં ટીપાં લાત મારી ઉછાળો અને તમારા પર પછડાઇ તડકો અદ્રશ્ય થઈ જવા દો છો.
૧૭-૧૨-૨૦૦૫


કવિતાઃજીવનચિત્રોનું અક્ષયપાત્ર( દીર્ઘ અને ટૂંકા કાવ્ય)

જાન્યુઆરી 11, 2012

3)
તારા અંબોડામાંથી છટકી
તારી પીઠ ઉપર પછડાતા વાળ જેણે જોયા/સાંભળ્યા નથી
તેને ખબર નથી
કે સ્વપ્નમાં અવાજનું ઝરવું એટલે શું
૪)
બારીમાંથી આવતા તડકામાં
બળે છે તારી ઋજુતા
તારા જાંબૂડી હોઠમાં
બળે છે શબ્દો
બધું જ બળે છે
આ લાલચુ બપોરની સુક્ત મીઠાશમાં
તારી છાતી પરના પાણીમાં અચાનક ઉદભવેલા ઉનાળાથી.
૨૦)
યુધ્ધ પતી ગયા પછી
હલદીઘાટીમાં પાટિયા પર લખ્યું હતું
વૃક્ષારોપણ કરો.
વિચારોમાં શબ્દ હમેશા દાઝેલો જ હોય છેઃ
નવું વૃક્ષ રોપવું
એ નવી આગની શરુઆત છે.
૩૯)
માણસ હોવાની એક સુરરિયલ કે અસ્તિત્વવાદી અનુભૂતિ-

આપણો પંજો
બિલાડીના પંજા સમ જમીન પર ગોઠવી શકાય છે
અને
પત્નીની પીઠ પર ગોઠવી ઘસડી પણ શકાય છે.
પશુત્વ શેમાં છે;
પંજામાં કે પંજાની સમજણમાં?
(૨૦૦૫)


બધાં રંગોમાં વેદના ભરેલી છે

જાન્યુઆરી 8, 2012

બારીમાં દેખાતી મગરીતે* બતાડેલી ભૂરાશ અડધી ભૂરી અને અડધી બદામી નગ્નતામાં ભીંતને ટેકે ઊભી રહે ત્યારે ખબર પડે છે કાળાવાળવાળી સ્ત્રીને ભૂરી દ્રષ્ટિ છે.

આપણે જ્યારે અવાક થઈ જઈએ ત્યારે નાર્સિસસ જેવું ખાબોચિયામાં આકાશ તાકી રહીએ અને ફલાંગ ભરી આકાશ કૂદી જઈએ છીએ અને આપણી અસ્તવ્યસ્તતાનો ગર્વ સાથે ખુલ્લા આકાશ નીચે સામ્ય ધરીએ,આપણે તાકી રહીએ છીએ ભૂરા તડકામાં એવી ઇચ્છાથી કે એક ડૂબકી મારી ભૂરાશમાં ઘડીક ડૂબી રહીએ.

આપણા બદામી ઘર્ષણમાં શોધીએ છીએ કામસૂત્રની સુંદર શિલ્પાકૃતિઓ
અને એના ભૂરા કડાકા.

આપણા થાકમાં આપણે ચાવી જઇએ પરસેવામાં ઊતરેલી ભીની ધૂળ.આપણી નજીવી હયાતી- થોડાં શબ્દોમાં,નાનાં વાક્યોમાં,બારીમાંથી દેખાતા ઝબૂકતા તારાઓથી શણગારેલા પાંદડા નીચે આપણા પ્રેમ સિવાય બીજું કશું જ નહીં. આ બધાં વચ્ચે રહ્યું તે અપણું શેષ.ભૂરાશ તારી આંખોમાં, છેલ્લી દ્રષ્ટિ સુધી.મૌન.અધવચ્ચેથી અટકી ગયેલી ચીચીયારી જેવો ડચકાનો અવાજ.મૃત્યુને વરીએ ત્યારે નવે નેજાં ઊતરે લોહીના લાલમાંથી થયેલા છીકણી રંગમાં ઝેરી ભૂરાશ તળે.

ધુમાડીથી માણસનું મૃત્યુ જગજાહેર થાય છે.
અને સફેદ ધુમાડો ભૂરાશમાં ભળી જાય છે.
૧૮-૧૨-૨૦૦૫
[*બેલ્જીયન સુરરિયલ ચિત્રકાર જેણે ભૂરા અને બદામી રંગનો વિશેષ ઉપયોગ કર્યો છે.
Rene Magritte@ WikipediA પર વધારે માહિતિ મળશે.
નાર્સિસસઃ— ગ્રિક દંતકથાનુ પાત્ર જે પાણીમાં પોતાને જોઇને આત્મસુંદરતામાં મોહી પડ્યો હતો.]


વાક્ય કાવ્ય

જાન્યુઆરી 1, 2012

૧)  મને હજું નિશ્ચિત પણે યાદ છે–
નેઇલ પૉલિશ ભીના નખ,
અને ખચકાટ આંગળા ભીડવા.

૨)  આપણું રહેઠાણ
કોઇ અકસ્માત નથીઃ
બાસ્મતી સુગંધ બીડીમાં અથડાયા કરે છે…

૩) દરેક બિંદુ વર્તુળ છે અને તેની શરુઆત પણ;
પોલી બાંયમાં પહેરેલો હાથ
અમલ છોડી અમલની ઇપ્સા શરુ કરે છે.

૪) કવિતાઃ
વર્તમાનકાળ વાક્ય રચના છે.

૫) શબ્દઃ
અનેક જીણા જીણા પ્રાયશ્ચિત છે.

૬) પંક્તિઓઃ
વાર્તા ઘડી જીવન લાંબુ કરી આપે છે.

૭)  હું કવિતા લખું છું,
તમે એને માટે જીવો છોઃ
સમજાયો ભર્તૃહરિનો સ્ફોટ સિધ્ધાંત?

૮) પ્રશ્ન સંસ્મૃતિ છે;
તમે સિધ્ધાંતથી એને આદર્શ બનાવો છો.-
આ બન્ને જુદી બાબતો છે.

૯) તમારી હયાતી અહીં શા માટે છે?
તમને આશ્ચર્ય થયું ?
તમારી આંખો ક્યારે એ પકડશે!!

૧૦) આંખ–
ચીરો ના હોત તો
ધારદાર કિનાર પણ ન હોત.
[૨૦૧૦]