ચાલ જઈએ
હું અને તું
આકાશ સમક્ષ ફેલાયેલી
બારીએ કાચ પર
સીધા ચઢાણે
લીલો પીળો જીવડો
(ઇથરાઈઝ્ડ દર્દી જેવો)
કાચ પર
પેટ ઘસે છે
લપસી પડતા અટકવા ખોડંગાતો
તાંતણા ચોંટાડી
સૂર્ય એની પીઠ પર
તડકો ઘસે
પડછાયો ઘસે
હું જોયા કરતો
મનમાં એ વિશે વાતો કરતો
અને મને ખબર નથી
હું કઈ દશા તરફ
ક્ષણ દર ક્ષણ જઈ રહ્યો છું
ચાલ જઈએ
હું અને તું
મહાભારતનું યુધ્ધ
હવે સંસ્મૃતિમાં ઠરેલું પડી રહ્યું છે
બરડ પીળા પાનામાં
બળેલા ભુખરા ભૂસ્તરમાં સ્તરબધ્ધ
લોકો સીગરેટ ફૂંકતા
રેસ્ટોરાંના ટેબલ પર,ફેસબુક પર
કૃષ્ણવાતો કરે
બહુ પહેલાં અને ખૂબ દૂરના સમયે
અને once upon a time….
આખી રાત
દટાયેલી વાર્તા ખૂલ્લા પાનાઓમાં
ટેબલ લેમ્પ નીચે
દાઝતી પડી રહી છે
ચાલ જઈએ
હું અને તું
પેલા રંગોમાં ( મિરર ઇમેજમાં-
બધું ખસે છે
એવી બપોરે જેવી આ
જ્યાં એક વખત સ્થળ હતું
જીવડાંથી સંલગ્નિત
પિઆનો નીચે ખોવાયેલા
ફરસમાં
તમે પાછા વળી તમારામાં નીહાળો છો
જેમ નીકળ્યા પછી ઓરડો
ચાલ જઈએ
હું અને તું
બેડરૂમમાં કે આર્ટ ગેલેરીમાં
બારીઓ પીળી ગરમી સાચવી રાખે
એની ગંધ સાથે
રસોડામાં વટાણા,ટામેટાં,કાંદા-લસણમાં
આપણો સમય શાકભાજી છદ્મવેશે
વેરણછેરણ પડી રહ્યો છે
અને બારી બહાર ફરી એકવાર
મલકતો ચંદ્ર દેખાવા મથી રહ્યો છે
તારા દાંત પર બીડી
પીળીપધરક વળગી રહી છે
હું ખસ્યા વગર હાલતો તારી સામે ઊભો છું
એક લાંબું એકાકી-
જેમ હોસ્પિટલની વેઈટીંગ રૂમમાં-
હાથ પડતા રાખી
ચાલ જઈએ
હું અને તું
ઘર બહાર છે નકશો
માણસ,ખૂન ખરાબા, બજાવણી,શકુનીચાલ
બળતા વાળ જેવું અમળાતા
અને ઓયિસ્ટર તૂટતા
કડાકામાં આપણા ખરી પડેલાં હાસ્ય
ચાલ જઈએ
હું અને તું
આપણી સંસ્મૃતિ આપણને સેવે છે
ત્યાર પછી
કાટ, ભૂરાશ અને મૌન….૧૧-૧૭-૨૦૧૧
(* ટી એસ એલિયટના૧૯૦૯માં લખાયેલા કાવ્યનું શિર્ષક)
http://www.everypoet.com/archive/poetry/t_s_eliot/t_s_eliot_the_love_song_of_j_alfred_prufrock.htm