બધું આપણા વિશે જ

ઓક્ટોબર 31, 2011

1)
પ્રેમ શા મટે અને કેવી રીતે છે?
તારે તો આ બધા માટે ચોખવટ જોઈએ છે,
પણ તને કેમ યાદ નથી, મધમાંખી સમ
મારી બધી સ્ત્રૈણ વૃત્તીઓ ડંખ મારીમારી
તેં મીઠી કરી નાખી છે, રાણી થઈ જવા.
અને હવે
તારા ઊંબરામાં નૃસિંહના નખમાંથી ટીપેટીપે
દદડું છું.

2)
તેં મારા વિશે ઘણું સાંભળ્યું છે,
હું એ શબ્દોને મળતો પણ આવું છૂં,
સુવર્ણ જયંતિ ભરેલા વર્ષો આપણા સંબંધોમાં
રઝળ્યા હતા,
આપણુંતો પચાસ પ્રકરણમાં લખાયેલું
સચિત્ર મહાકાવ્ય છે.
તો પછી, તારી બંધ આંખમાં જે પુસ્તક છે
એના વિશે કેમ મને કશી ખબર નથી ?


આ ધરતી

ઓક્ટોબર 22, 2011

આ સફરજન ગોળ ધરતીપર
મોટ્ટા મોટ્ટા શહેરોમાં
સજાતિય કાયદા ઘડાયા,
લૈંગિક જીવન કળામાં મિશ્ર કરાયેલું છે,
દરવાજામાંથી પ્રવેશ અને રંગો ઉઘડે, ઉકલે,
અને ગલીઓ ઘર જોડી રાખે,
રસ્તા શેરીઓ સાંધી સાંધી લંબાયા કરે
રોટરીએ વિખરાઈ જાય–
આંચકા વિપુલ.

નામઃ ફેરબદલી છે.
પંચવર્ષિય યોજનામાં ઘણી કોલોનીઓ ચૂકાય છે,
( ભૂગર્ભમાં કીડીઓએ બાંધેલી અતિશય હોય છે)
નગરપાલિકા નકશામાં બધું દેખાડતી નથી–
વસ્તિગણતરી હમેશા ખૂટતો પદાર્થ છે,
વરસાદ માત્ર ખરે છે-
આનંદી યંત્રો તમારી જિન્દગી હાંકે છે–
તમારામાં બેધ્યાન ધ્યાન સ્થીર ઊભું રહ્યું છે
અને શ્બ્દો જ્યારે પણ
તમારા પર તૂટી પડે છે ; કૂતરાં ભસે.


તારી અઠ્યાસીમી વર્ષગાંઠે

ઓક્ટોબર 15, 2011

તું જ્યાં બેઠી છું રહોણે કોકડુંવળી
ત્યાંથી શરુ થયો હતો
તાકી રહેવાનો ગાંડો ઉનાળો
અને એ લંબાયો ગમાણમાં ફાનસ લઈ
ભેંસ નીચે બેસી રહેવાનું થયું ત્યાં સુધી.

ચામડીમાં ઉનાળાનું ખંજવાળવું
અને રવિવારે ભાગોળે લેમડા તળે બેસી રહેવું,
અને યુગો પહેલા ત્યાં ઉથલી પડેલો ચક્રવર્તિ રથ,
અને આપણી જૂની ભવ્યતા પ્રત્યે ઉરોગામી ગમગીની
એમાં હતું આપણુ ઇતર સંગીત.
તું જ્યાં બેઠી છું ત્યાંથી તડકાના મૂળીયા જેવું પ્રસ્તરેલું,

તું અહીં સુધી વિસ્તરેલી છું,
સુક્કા વેરવિખેર વાળ સુધી,
વાડામાં ઊગી નીકળેલા તમરાના ચવાઈ ગયેલા કોરસ સુધી,
તારી છાતી પર જામેલા દળમાં બંધાયેલી મૌનની દિવાલ સુધી,
લખોટીમાં ચોંટી રહેલા ચળકાટ જેવા આપણા અકરાંતિયા સંબંધો સુધી.

અને તારી ઊંડી આંખમાં,
અને તારા હોઠ પર,
અને તારા વાળમાં ઢંગધડા વિનાના ચળકતા પ્રકાશ્માં,
અને મધ્યરાત્રીએ ઢોળાયેલા દુધિયા શબ્દો પાછળ,
આપણા ખરતા પથ્થરના શરીરમાંથી ઊગે છે
આપણી લોકકથાના તારાઆકાર વગડાઊ સફેદ ફૂલ-
તારા હોઠથી મારા હોઠ સુધી વિસ્તરેલા આપણા પ્રેમશરીરમાં
લખેલા ચ્હેરામાંથી બદલાતા પવનના આવેગમાં
સાંભળેલા humming સંગીતમાં
પહેલો શબ્દ વિસ્તરે છે એના પુનરાવર્તનમાં,
અને રેતીના એ dunesમાં હું સાંભળુ છું આપણું વક્રીય સળગતું સંગીત,

તેં મને કદી કહી નહતી તારી આંખોમાં લટકતી સફેદ એકલતા,
તેં મને કદી કહી નહતી રૂમાલની ગડીમાં વાળેલા રૂપિયામાં આપી દીધેલી
તારા સ્તનની તાજગી
તેં મને કદી કહી નહતી આંખોમાં વિસર્જિત રવાનુકારી રાત્રિ,

હું હજું પણ તારા હાસ્યના ધબકતા ગર્ભાચ્છાદનમાં ગોથા ખાતા શબ્દાંશમાં
વિસ્તરું છું ઢચુપચુ થતા
સૂકાયેલા હોઠમાં આથમતી સાંજમાં
જ્યાં પ્રકાશ હજું લટકી રહ્યો છે મમતીલો.

૧૨-૦૩-૨૦૦૪


ગોદોકરણ*

ઓક્ટોબર 12, 2011

બધાં રસ્તા મૌન છે,
દરેક ગલીઓ અને વળાંકો,
દરેક પ્રવેશ અને ડગલાં
એક જ દિશામાં દોરી જાય છે.
દરેક શ્વાસમાં મૃત્યુ સ્વતઃ છે
મને પાછળ છાંડી,હું ચાલ્યો
પછી…
પાછા વળી મને જોયો
હું ત્યાં છું
હું ત્યાં હતો
હું ત્યાંજ હોઇશ
દરેક શ્વાસમાં આપણે મૃત છીએ.
godotism
July 24, 2009

All roads are in silence,
Every street and corner,
Every door and footprint,
Leads in one direction,
In every breath we die our death
Leaving me behind, I walk
Then….
Turn back to see me,
I am there
I was there
I shall be there
In every breath we are dead.
*સેમ્યુઅલ બેકીટના નાટક waiting for godotનો ઉલ્લેખ છે શિર્ષકમાં.
http://en.wikipedia.org/wiki/Waiting_for_Godot