કાવ્યકળા

જુલાઇ 30, 2011

થોડીક કીડીઓ
આખી ઈયળ તાંણતા એને ગોળગોળ ફરે છે,
નવો શિકાર.

કોઈ સમજદાર તત્વજ્ઞાનીએ
આ કીડીઓ સાથે કાવ્યબાની ચર્ચવી જોઈએ,
જે રીતે એ ખોડંગાતી રસવિચારણા એકમેકને
ઘસાતા ઘસાતા કરે છે.

આવિશ્વમાં
વિભાવનાગત મનોવિજ્ઞાન
આપણે આ રીતે નથી અનુભવતા.

કોઈએ, એ જાહેરાત કરવી જરૂરી છે,
કે એકના તીક્ષ્ણ દાંત
બીજાના તસતસતા લોહીમાં ખૂંપેલા છે.
૬-૨૭-૨૦૦૮

Advertisements

તડકો

જુલાઇ 29, 2011

તડકો નાગરવેલી પાન
જઈ મુજરે લઈ છણકો
ચાવ્યો રસ ઘોળી ઘોળી
તડકો મારા સમગ્રમાં
તારી આખી ઓળઘોળ સરગમ
તડકો છાતીમાંથી
આંગળીયુંમાં ઉઘડે લાલ ચટ્ટાક
તડકો ગાલ પર મારા
તારા વ્હાલપની રાતીચોળ કરેણ
તડકો તારા ચુંબનનું
રતુંરાતું નાગરવેલી વહેણ
તડકો મારી સોળ વરસની સાન
તડકો મુજરામાં સળગેલું નાગરવેલી પાન….


આપણી આધૂનિક પૌરાણિકતાનો સૂરઃઅણજાણ્યાઓની પ્રતીક્ષા

જુલાઇ 20, 2011

અણજાણ્યાઓની પ્રતીક્ષાઃસી.પી.કવાફી (૧૯૦૪)ગ્રીક

આપણે કોની પ્રતીક્ષામાં છીએ, જાહેરમાં ટોળેવળી ?

અણજાણ્યાઓ આવશે આજે.

રાજ્યસભામાં કેમ કશી કાર્યવાહી નથી ?
પ્રતિનિધિઓ કેમ કારભાર વગર બેસી રહ્યાં છે ?

કારણ અણજાણ્યા આવવાના છે આજે.
ધારાસભ્યોની કાર્યવાહીને હાલમાં શો અર્થ છે ?
જ્યારે અણજાણ્યા અહીં હશે, તેઓ કારભારું કરશે.

આપણો રાજા શા માટે આટલો વહેલો જાગી ગયો,
અને શહેરના મુખ્ય દરવાજે સિંહાસને બેઠો છે,
મુગટ પહેરી, ઠસ્સાદાર ?

કારણ અણજાણ્યા આવવાના છે આજે
અને રાજા પ્રતીક્ષામાં છે એમના નેતાના આદરાતિથ્ય માટે.
અને આપવા ભૂંગળભટિયુંય હાથમાં છે.
પ્રભાવશાળી નામોલ્લેખથી, પદવીઓથી ખીચોખીચ.

શા માટે આપણા બે એલચી અને ન્યાયાધીશો બહાર આવી પહોંચ્યા
એમના ભરતભર્યા, લાલ ઝભ્ભા પહેરી ?
શા માટે પહેર્યાં છે નીલમ મઢ્યા કડાં,
વીંટીઓ ભભકાદાર રત્નોથી ઝ્બુકતી ?
શા માટે ગ્રહી છે મનોહર લાકડીઓ
સોના-ચાંદીના ઘડતરથી સુશોભિત ?

કારણ અણજાણ્યા આવવાના છે આજે
અને એવી વસ્તુ એમને આંજી દે છે.

શા માટે નામાંકિત વક્તાઓ હમેશા સમ ના આવ્યા
જાહેર વ્યાખ્યાનાર્થે, એમને કહેવું હોય તે કહેવા ?

કારણ અણજાણ્યાઓ આવવાના છે આજે
અને તેઓ કંટાળે છે વાકછટા અને જાહેઅર વ્યાખ્યાનોથી.

આ ઓચિંતો રઘવાટ, ગરબડ ગોટો શા માટે ?
( કેટલા ગંભીર થઈ ગયા છે લોકચહેરા.)
શા માટે ગલીઓ અને ચોક ઝડપથી ખાલી થાય છે,
દરેકજણ અનિશ્ચિત ઘેર પાછા વળ્યાં ?

કારણ રાત્રિ ઢળી અને અણજાણ્યા આવ્યા નહીં.
અને આપણા માણસોએ સરહદથી પાછા આવી કહ્યું
અણજાણ્યા હયાત નથી.

હવે અણજાણ્યાઓ વગર આપણું શું થશે ?
એ લોકો એક પ્રકારનું નિરાકરણ હતાં. ( ૨-૨૬-૨૦૧૧ ) અનુ. હિમાન્શુ પટેલ

Waiting for the Barbariaન

દરેક કવિતા લખાતી હોય ત્યારે એના ‘ડાયેસ્પોરા’ સાથે એનું સંધાન માણસ અને તેના dna જેવું હોય છે.સર્જન કેવળ કાલ્પનિક ગતિવિધિ કે વિદ્યર્થ નથી,શબ્દ સ્ફોટનો નિચોડ છે.કવિ એની દરેક સાંસ્કૃતિક ઉથલપાથલનો સાક્ષી છે અને એજ એની સર્જકતાનો મૂળગામી (radical)અનુભવ છે, સમજ છે.જે તે સંસ્કૃતિમાં એના સર્જકનો શબ્દ ઉથલપાથલ કરનારો છે તેથી જ આપણને એ કવિતા વાંચવા આકર્ષે છે,અને કદાચ એ જ સર્જકને વૈયક્તિકપણે અને સામાજિક સ્વરૂપે જવાદાર બનાવે છે. કવિ આપણે કૉણ છીએ અને આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ તે સતત યાદ કરાવે છે, કારણ કે કવિ પૂછે છે “શા માટે મારી કવિતાના મૂળ આ જગ્યાની માટીમાં ઊંડા છે.”( પાબલો નેરુદા,ચીલે.-passions and impressions.)

ગ્રીક ભાષામાંથી કવાફી જેટલો ભાગ્યેજ કોઈ અંગ્રેજીમાં(ગુજરાતીમાં તો નહીવત.)ચર્ચાયો હશે,એની ઐતિહાસિકતા,સંવેદના અને કામુકતા માટે. બે દેશો કે સંસ્કૃતિમાં વહેચાયેલો કવિ નિશ્ચિત આશયથી, સંદિગ્ધતાથી કાવ્યોનું સર્જન કરે છે.કોઈ પણ કવિ કાવ્ય સર્જનની શરુઆત કરે ત્યારે હમેશા ‘પ્રભાવિત’ કાવ્યો જ સર્જે છે, જે એની નબળી શરુઆત હોય છે.ત્યાર પછી જ એના વિકાસમાંથી આગવું સર્જન આવે છે. પણ આ તરવરીયો ગ્રીક કવિ -એકાંતવાસી જીવન જીવતો.-એના  જીવનકાળ દરમ્યાન અપ્રસિધ્ધ રહ્યો. છાપામાં અને ચોપાનિયામાં કાવ્યો પ્રકાશિત થતાં રહ્યાં છતાં એ કાવ્યો  નાનો – મોટો જુવાળ  પેદા કરતાં રહ્યાં. કવાફીની ભાષા નિશ્ચિત વલણથી તરબતર છે પરિણામે એના કાવ્યોમાં નિખાલસતા ઓતપ્રોત આવે છે. કાવ્યની ભાષામાં ક્યાંય તત્વગ્યાનભાર કે વિચારભાર જણાતો નથી, છતાં એના શબ્દો તણખા છે.ભાષા એક જ સમયે સંદિગ્ધતા અને વિસ્તાર ભરેલી છે, એના કાવ્યો મૃત્યુ પછી વધારે પ્રકાશમાં આવ્યા છે તેથી કવિનું આધિપત્ય વર્તાતું નથી.

કવાફી અને એના કાવ્યો  સંસ્કૃતિની પૌરાણિકતા અને જીવાતા  સમયની આધુનિકતા અથવા સંદર્ભોને સાંકળવાનું કામ કરે છે. વિગતે જોઈએ તો સ્વક સંસ્કૃતિના જૂઠાણા પ્રત્યે વિવાદ સર્જે છે. એના કાવ્યોમાં ક્યાંય નિષ્ઠુરતા કે આક્રોશ સીધો અભિવ્યક્ત થતો નથી. આપણા અખા સમ એ ગંભીરતાપૂર્વક ચાબખા મારે છે. કવિતા એના ડાયાસ્પોરાને, એની  પૌરાણિકતાને એકત્ર કરે છે.

ઐતિહાસિકતાની દ્ર્ષ્ટિએ જોઇએતો કવાફીએ આ કાવ્ય ગીબને લખેલા ઇતિહાસને વાંચી એના પ્રતિકાર માટે લખ્યું  હશે.જી. પી. savidis એના “કવાફી,ગીબન અને બાયઝેનટાઇન ” લેખમાં અંતે  જણાવે છે કે…”  Waiting for the Barbarians” ―a poem written during the period he was pondering over Gibbon’s shrewd but overly optimistic guess that “Europe is secure from any future irruption of Barbarians; since, before they can conquer, they must cease to be barbarous” આગળ કહ્યું તેમ કવિતા પ્રતિકાર છે અથવા ડાયોસ્પોરા પ્રતિ અભિરામ છે. કાવેફી માનવ  ગ્યાન અને મનોવૃત્તિને સંગોપતો, વિસ્તારતો કવિ છે,બાયઝેન્ટાઇનબાનીનો શંકાતીત ધ્વનિ છે.

૧૦૭ વરસ પછી આ કાવ્યને કેવળ એના ઐતિહાસિક સંદર્ભોથી નહીં પણ એની સર્વકાલિનતાથી અનુભવવી છે. કવિ  અહીં વક્રોક્તિ ખૂબ સાદાઈથી કાવ્યાનુભૂતિમાં મૂકી આપે છે બધાં અલંકૃતો ઉતારીને અને કાવ્યરીતિ પ્રશ્ન અને ઉત્તરના પુનરાવર્તનથી ઘડાયેલી છે.પ્રશ્નોત્તર જેવું સંભળાતું કાવ્ય બાળ સહજ કૂતુહલવૃત્તિ અભિવ્યક્ત કરે છે અને એ કામ કાવ્યમાં એક જ વક્તા કરે છે.સમગ્ર કાવ્ય અંદરો અંદર ગૂંથેલી સંવાદપ્રવૃત્તિ છે જે આપણા આજના સમાજની કૃત્રિમ રાજકિય આચાર પધ્ધતિ જોઇ આપણે સ્વક સાથે રચીએ છીએ.પ્રથમ વાંચને કાવ્ય સંવાદ કે વર્તાલાપ લાગે છે, પણ ખરેખરતો ગોપિત અને ગૂઢાર્થમાં, ભય અને આવશ્યકતા, જે આપણી દૈનિક જીવન પધ્ધતિને વિકૃત કરે છે તેના સંકેતોથી તરબતર છે. આ કાવ્ય વિષે લખતાં અમેરિકન કવિ રોબર્ટ પીન્સ્કીએ લખ્યું છે,” આ લુચ્ચાઈ ભર્યા રમૂજી કાવ્યમાં  એના મશ્કરી માટે મુદ્દો બતાવતા શબ્દો ક્યારે ય થાકતા નથી કે ઘસાઇ નથી જતાં .”એ જ કાવ્યની સર્વકાલિનતા છે. કાવ્યની શરૂઆતમાં આપણે શું કહીએ છીએ એનું કોઇ વિષેશ મહત્વ નથી કારણ કે અણજાણ્યા આવવાના છે અને બધું બદલાઇ જશે, સુધરી જશે. કાવ્યનો ચિતાર પરંપરાગત(ક્લાસિકલ) છે, રાજા, સિંહાસન, લાલ ભરત ભર્યા ઝભ્ભા…કવાફી એના બાયઝાન્ટાઇન ગ્રીક સમાજનો ઉલ્લેખ કરે છે છતાં કાવ્યની છેલ્લી પંક્તિમાં જેનો નિર્દેશ કરાયો છે તે ભય આધુનિક આત્મ સભાનતા પ્રત્યેનો છે જે આપણી રાજકિય અને સાર્વજનિક સભાનતા કે અભાનતા પ્રત્યે અંગૂલિનિર્દેશ છે.

આજના સંદર્ભમાં જુઓ-કે ગ્રીક સંદર્ભે.- આ અસંસ્કૃત લોકો ( રાજકારણીઓ, આતંકવાદીઓ કે તક-સાધુ !!) ન ઓળખાયેલા, જે તમારી ભાષા નથી બોલતા અથવાતો તમારા મૂલ્યો સાથે સંકળાયેલા નથી, ટૂંકમાં તમારા ‘ડાયેસ્પોરા’માં નથી. ખરેખર તો .અણજાણ્યા’ એના વિસ્તૃત સંદર્ભમાં એ અસ્તિત્વ છે જેમનામાં સંસ્કૃતિ, એના મૂલ્યો, જે જાણેલા અથવાતો જે જાણી શકાતા નથી અને જેને મૂળગામીપણાનો ખયાલ નથી-things like that impress barbarians, ૧૦૭ વરસ પહેલા કવિને  ૨૦૧૧ના સમાજ પ્રત્યે સહાનુભૂતિ હતી અથવા આપણા વધું પડતા આચરણ(અતિરેક.) પ્રત્યે શંકા હતી! સાચા અર્થમાં અણજાણ્યા કોણ છે? તત્વગ્યાનીઓ પૂછે છે તેમ ખરેખર કોણ નિષ્ફળ નિવડ્યું છે,એમની આ ઉદ્દમ પ્રવૃત્તિને સમાજમાં   ઉશ્કેરવામાં ? એ સાચું હશે કે દરેક સમાજને એની હયાતીને ન્યાય આપવા ‘દુશમનો’ આવશ્યક છે જેમ ગામ વસાવવા બે સારા અને ખરાબ જરુરી હોય !કે પછી આજના  રાજકારણીઓ સમ એક ખરાબ તત્વને નાથીને બીજું પ્રજાને ધાકમાં રાખવા પેદા કરવું જોઇએ!! કવાફીના શહેરી નાગરિકો ખરખર તો અણઘડને નાથવા નથી મથતા, પણ ચર્ચિલે કહ્યું છે તેમ ત્રીજું વિશ્વયુધ્ધ ભયથી આવશે,તે ભયમાં એકલા પડી ગયા અને ખરખરતો કોઇ દુશ્મન નથી, તે કૂટપ્રશ્ન ઉકેલવાનો છે !! સેમ્યુઅલ બેકેટના નાટક ” વેઇટીંગ ફોર ગોદો ” જેવી આપણી દશા છે જ્યાં આપણે આપણી જવાબદારીમાં આપણને રક્ષવાના છે કારણ આપણેજ આપણી પોતાની છેતરપિંડીમાં સપડાયેલા છીએ. આપણેજ આપણી ભાષામાં, ગ્યાનમાં અને એ બન્નેના ઉપયોગના-મૂલ્યો સમજાવવાના-ફાંદામાં લેવાયેલા છીએ.

વિશ્વ સાહિત્યમાં, આજ શિર્ષક લઈ નોબેલ સર્જક જે. એમ. કોએટ્ઝીએ નવલકથા લખી છે અને આવા ધ્વનિ સામ્યવાળું બેકેટનું દ્વિઅંકી  નાટક પણ છે. ત્રણ સર્જકો આ ” પ્રતિક્ષા “( waiting) ને આપણી હયાતીની લાક્ષણિકતા ગણાવે છે અને ત્રણેવ પ્રતિક્ષા કોઇ નિશ્ચિત સામ્રાજ્યમાં પ્રવર્તમાન નથી, આપણા અનિશ્ચિત વ્યાપમાં આપણી અનિશ્ચિતતા આ કૃતિઓનો મૂળગામી અનુભવ છે. આપણી અનિશ્ચિતતા  કોએટ્ઝીના પેલા ન્યાયાધીશ સમ આપણો લાભ લે છે ( ભારતના સાંપ્રત સત્તધારીઓ સમ.) કે કવાફીના સામ્રાજ્યમાં છે તેમ આપણા પ્રત્યે બેદરકારી સેવે છે.( ભારતના સત્તધારીઓ સમ.) ટૂંકમાં ‘અવકૃપા’ લાદેલી લાક્ષણિકતા છે કે  આપણી વણનોતરી સ્વિકૃતિ છે !! કદાચ આપણી બેદરકારી જ આપણો ભય છે.( perhaps our carelessness/negligence is our fear.-himanshu patel)

આ કાવ્યમાં, કોએટ્ઝીની નવલકથામાં કે બેકેટના નાટકમાં અર્થ સાથેના પૂર્વગ્રહો( મનમાં ઘોળાતા વિચારો,) આદાનપ્રદાન અને બાની હયાત છે. છતાં ત્રણેવમાં એમની પ્રજાની ભાષા કોઇ બોલતું નથી . ત્રણેવમાં એક વાતનું સાતત્ય છે ભાષા અને તેનો વિનિમય, સત્તા બંધારણ (power structure), વસાહતવાદ,અનિવાર્યતા અને અર્થ. આ કાવ્ય અને અન્ય કૃતિઓ લોકોની ભાષા નથી બોલતી. સરમુખત્યાર પ્રજા તથા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે તેથી અહીં શરુ થાય છે ભેદ, સત્તાનો, આધિપત્યનો, વસાહતવાદનો અને સાંસ્કૃતિક અથડામણનો, કાયદેસરતાનો. યુધ્ધ સત્તા અને પ્રજા વચ્ચે નથી પણ લોકોને સામુહિક ટોળા સ્વરુપે ગણાવામાં આવે છે તેનું  છે. નાગરિકને en mass  તરીકે જોવાય છે.

કાવ્ય માણસ અને તેની હયાતીની ભાષા બોલે છે અર્થાત એ ભાષાને માનવ સંદર્ભે શું અર્થ છે તે, એમાં તેને કેટલો વિશ્વાસ છે તે, અન્ય વિશે શું બોલે છે તે અને પ્લોટ કે વિષય સંદર્ભે શું નથી સમજી શકતા તે વિશે બોલે છે. આજના સંદર્ભે આ કાવ્ય એટલું જ  સાચું છે જે ગઈકાલના સંદર્ભે હતું. બારબેરિયન્સ ( અણજાણ્યા) અને ટેરેરિસ્ટ આપણી ગેરસમજ છે.પોતાને સમજવાની ઉણપ એ આપણું અપકૃત્ય છે, અણઘડ  કેવળ એનો લાભ લે છે.કવાફી આપણી આજની સંસ્કૃતિનો આદ્ય સૂર છે, એ મેજીસ્ટ્રેટ અને બારબેરિયન્સ બન્ને એકસાથે છે. આપણી આધૂનિક પૌરાણિકતાનો એક જ સમયે ઉદગાર  છે! કાવ્યની ભાષા સોસૂર અને ભર્તૃહરિનો સમન્વય છે.

કવાફીની બાનીનું મહત્વ છે તે બે પધ્ધતિનું મિશ્રણઃ એક લોકબોલીની ગદ્યાળુતા(demotic)- જે ‘તથાપી’ના સંપાદક જયેશ ભોગાયતાને ગુજરાતી ભાષામાં માન્ય નથી!! – અને ૧૯મી સદીમાં સરકારી નોકરિયાતોએ દાખલ કરેલી કૃત્રિમ ભાષા (katharevousa.) કવાફીના સમયમાં એ ભાષા ઉત્તમ સાહિત્ય માટે શિષ્ટાચાર હતી. કવાફીની આ મિશ્ર ભાષા માણસ હોવાના વિચિત્ર સંબંધને આજના અને અગાઉના સમયને પણ લાગુ પડે છે( ex post facto).કાવ્યની ભાષામાં માણસ એક જ દિવસ જીવનાર જંતુ ( ephemera ) છે. આપણે જ આ ધરતીનો અંધકાર છીએ, એટલે તો વિચારીએ છીએઃ those people were a kind of solution.

૩-૩-૨૦૧૧


ટીનએજરની ગઝલઃવિકસેલી સદીના આવિર્ભાવની ગઝલ

જુલાઇ 5, 2011

ટીનએજરની ગઝલ ♥ પંચમ શુક્લ

પાંપણ પર મસ્કરા ને નજર તીરછી હતી,
આંખોમાં એની મેંય તલબ પારખી હતી.

કોકિલની જેમ, એની ઘટાટોપ કૂંજમાં,
આતપની તરસ ટહુકે ટહુકે ઠારવી હતી.

એની ગ્રીવાના ગર્થના અંદાજમાં અકળ,
મારી ખયાલી સેર સરસ ઝૂલતી હતી.

એની ડૂંટીની નીચે નીચે ભૂરાં જીન્સનાં-
ખિસ્સામાં છોળ અબ્ધિની સંતાડવી હતી.

મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.
(૧૯૯૨)
ગ્રીવાઃ ડોક, ગર્થઃ ઘેરાવો, અબ્ધિઃ સમુદ્ર
છંદોલય: ગાગા લગાલ ગાલ લગાગા લગા લગા

ઉમેરેલા શેરઃ
ચિત્રો મહીં અજંતા-ઈલોરાના જોઈ’તી,
એ અંગભંગિમાઓ એમાં ખોળવી હતી.

દાતાર-દત્ત શી પવિત્ર એની ટૂંક પર,
દશાંગુલિ-પતાકાઓ લહેરાવવી હતી.

જૂનું ફૂલ નવી સોડમ જેવી ૧૯ વર્ષ પછી પ્રકાશીત ગઝલ વિષે લખવું એ ૭૦ના દાયકાની ‘હરે રામ હરે ક્રિષ્ણ’ જેવી મૂવીની ડ્રગ ઇફેક્ટ વિષે લખવા જેવું સાહસ થાય. માઝા મૂકી ઢોળાયેલી મસ્તીને, એની અભિવ્યક્તિને આલેખવી કે એમાં ઓળઘોળ થવા જેવી સાહસ પ્રવૃત્તિ થઈ જાય. માદકતા ચોફેર ફરીવળે અને યૌવન ચોમેરથી ભીંસે- માનવ પ્રકૃતિ અને કુદરતી impulseનો સંસ્કૃત સમન્વય. માનવ મસ્તી અને વીસમી સદીમાં વિકસેલી નારીના ભરપૂર જોબનથી તસતસતી ભાષા અને મૂળગામી સેન્દ્રિયતાનો ઊકળાટ તે ‘ટીનએજરની ગઝલ’.
કહેવાતા celebrity અભિગમથી અથવા icon પરિભ્રમણથી પીડાતી આ સદીની
યૌવના-પાંપણ પર મસ્કરા’અને તેનું ક્ષણભંગુર આયુષ્ય-લાભ-એની સેન્દ્રિયતાને આ ભાષા લખી આપે છે.આપણો સમાગમ -અભિગમ અને તેનું વૈવિધ્ય’તલબ’ શબ્દમાં ભારોભાર ઉપસી આવે છે. કવિ આપણી નહિવતતાનો ભાર અનુભવે છે, અથવા આપણી સંસ્કૃતિમાં પ્રવર્તમાન તત્કાલ લાભના અભિગમનો માનસિક-વિકાર ભાવ અનુભવે છે.સામાજિક સામુહિક પીડા, આ સંસ્કૃતિનો, યદ્યપિ અભિગમ છે,અનુભવ છે.સંસ્કૃતિ હોવું એ સામુહિક પીડન હશે ?
બીજા શેરમાં સર્જક આ સંસ્કૃતિના સ્ત્રૈણ માર્કેટિંગ અંદાજનો ફોડ પાડે છે.આપણી વેપારી વૃત્તિ સ્ત્રીને પદાર્થ સ્વરૂપે અને ખરીદદાર તરીકે ચકાસે છે.સ્ત્રી આ સંસ્કૃતિનો મહદ વેપાર છે,એ આ make believe સાંસ્કૃતિક અભિગમની અગ્રેસર છે.સ્ત્રીની ડોકની ઉંચાઈ,પહોળાઈ માલની ખપત છે,( જુઓ મલાની,ભીંડી,વગેરે જ્વેલર્સની ઘરણાની જાહેરાત.)અને એવી ગ્રીવા પર લટકતી વાળની એક સેર આધુનિક જાહેરાત સૌદર્યની વ્યાખ્યા છે એટલેતો એ કોઈપણ વ્યક્તિ-સર્જક સહિત-ની મનોવૃત્તિ છે, માનસિક જાગરૂક અભિગમ છે.આપણે આપણી ‘નવ્યતાથી’પીડઈએ
છીએ?!એ આપણૂં વિવરણ, સ્પષ્ટિકરણ કે પ્રદર્શન છે! કે પછી આપણી આધુનિક
જાગરુકતાની વિકૃતિ? માણસ માણસ મટી વેચાઉ પદાર્થ થઈ ગયો.વિશ્વમાં વિકૃતિ સિવાય ઇતર કોઈ સૌંદર્ય નથી…!
સ્ત્રીના પ્રદર્શીત અવયવોથી પીડાતો આજનો માણસ- માનસ ! -કે સ્ત્રૈણ સૌંદર્યની કદર કરતું માનસ ( સાચો અભિગમ કયો ? )એના ટહુકાથી શુશોભિત છે-કોકિલની જેમ.સૌંદર્ય કેવળ દ્ર્ષ્ટિ નથી કર્ણ પ્રિયતા પણ છે.’ઘટાટોપ’-અંબોડો સૌંદર્યનો ભાગ છે અને એમાં ઠરેલી દ્રષ્ટિ સંતોષ છે.સ્ત્રીગત આકારમાં ઉપસવું અને ગોળાકાર આકર્ષણ,સુંદરતા અને આતપ- આવેગ, ઇપ્સનો ઉશ્કેરાટ અને તેની ગરમી-ના દ્યોતક છે.
ચોથા શેરમાં આપણા pop cultureનો ઉલ્લેખ છે.હજારો વર્ષ પહેલાં સંસ્કૃત ભાષામાં લખતા વલણે કહ્યું છે-
સૌંદર્ય શબ્દમાં કહેવાયું છે તે નથી
પણ કહેવાયા વગર કહ્યું છે તેમાં છે.
ઊઘાડા નહીં, પણ પાર્દર્શક પાલવ પાછળના સ્તન
હમેશા વાંછિત છે.
અને હાલના એ exposed વધારે આકર્ષક છે, બે અંત્યેષ્ઠિમાં વ્યાપ્ત આપણી વિભાવના બદલાયેલા અભિગમને વ્ય્ક્ત કરે છે, અથવા આપણા sex(સેન્દ્રિત્યતા) પ્રત્યે ફેરવિચારાયેલા વલણને.આપણે વધારે ખૂલ્લા પડી ગયાં છીએ કે આપણી સ્વતંત્રતાને આપણા મૂલ્યોમાં આપણે generalized કરી નાખી છે,ખીસ્સામાં સંતાયેલો ભીનો ઉશ્કેરાટ…સમુદ્રના આવાગમન જેવો!’અબ્ધિ’ આપણી ગોપિત અને forceful વૃત્તિને એના પરિપૂર્ણ મેટાફોરિક સ્વરૂપે મૂકી આપે છે.
પાંચમાં શેરમાં કવિ માણસ હોવાની વૃત્તિને વ્યક્ત કરતાં જે સમાજમાં હયાત છે
તે સમાજના નિયમો સ્વીકારી કહે છે, મનમાં જે પહેલા પ્રેમનો આવેગ હતો, પરથમ પ્રેમનું આકર્ષણ હતું એ -બધી મુરાદ હતી.પહેલો પ્રેમ હમેશા મસા જેવો હોય છે,કુદરતી અને સદાકાળ.પ્રેમ દરેક ઇચ્છા છેઃ વપરાવું-વાપરવાની. અને હિન્દુ સમાજમાં બને છે તેમ વગોવાઈ જવાની. આપણી સંકુચિત(!) માનસની અભિવ્યક્તિ છેલ્લી પંક્તિમાં સંદિગ્ધતાથી વ્યક્ત થઈ છે.મેલીન’તી..છતાં વગોવાઈ હતી. પ્રેમની શુધ્ધતા અને એનો અસ્વીકાર. સંસ્કૃતિ માનસને વ્યક્ત કરે છે, આપણી રૂઢતાને વ્યક્ત કરે છે.
૯૦ના દાયકામાં લખાયેલી આ ગઝલ ચંદ્રકાંત શાહના બ્લુ જીન્સથી સંસ્કૃત કાવ્યબાનીમાં વ્યક્ત માદકતાની યાદ મૂકી જાય છે.તેમાં દરિયાની ખીચોખીચ પારદર્શકતા છે તો શબ્દોનું હળાહળ મૌન છે, જ્યાં આંખો જોઈ નથી શકતી તે અંદરની સતત શરૂઆત છે.અહીં ભાષામાં grace અને સ્વરમાધુર્યની અસર શબ્દોની સાદગી અને તાર્કિક સંબંધના મીલનથી આવે છે.શબ્દો એકમેકને અડીને,
એકબીજામાં વણાઇને આપ્તભાવ પેદા કરે છે,જે માનવ સ્વભાવ જેમ નૈસર્ગિક આકર્ષણ બની રહે છે.અહીં નક્કર ઇમેજીસ અને ભાષાની સ્પષ્ટતા અભિવ્યક્તિ પર
પકડ જમાવી રાખે છે,શબ્દો મુલાયમ મેલડી માટે સ્પષ્ટતઃ પસંદ કરાયેલા છે.આ aesthetics સ્પષ્ટ પણે theme of individual human experience તરફ વળેલી છે.કવિતા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં બોલે છે અને અહીં આજની અનુભૂતિ ગઈકાલની ભાષામાં છે. ભાષા તાવીજ જેવી છે.
૨-૧૮-૨૦૧૧
( છેલ્લા બે નવા ઉમેરેલા શેર વિષે એટલુંજ કહેવાનું કળા સંગોપનમાં છે ઉદઘાટનમાં નથી, ઉમેરો મને obvious લાગ્યો છે.)


અગ્નિ

જુલાઇ 2, 2011

અગ્નિ
સામાન્ય માણસમાં
સતત સળગે છે.
મેં વાળને વળગી રહેલી ભીંત સાંભળી છે,*૧
માણસથી દૂર
સ્મશાન દટાયેલું પડ્યું પાથર્યું છે,
ભીંત પર કીરમજી જીભ ડોગટેગ છે*૨
(જમણે ખૂણે,સામાન્ય માણસે,મતુંથી માન્યતા આપી છે.)
ભીંત રંગ ઉચ્છવાસે છે.
આકાર કાંટાળા તારમાં અમળાયેલા આવે છે,
ઘા ચીટકી રહે,
સળગતી બળતરા ખૂલ્લી રાખીઃ
અતિશય વેદનાજ અવશેષ રહે છે.
સામાન્ય માણસમાં શું દેખાય છે?
૬-૩૦-૨૦૧૧
૧) પોલેન્ડમાં હિટલરરાજમાં બાળેલા માણસના જથ્થા વાળ હજું ભીતે ચોટી
રહેલા જોવા મળે છે ગેસ ચેંબરમાં.
૨)વિશ્વયુધ્ધમાં મૃત માણસના ભીડાયેલા દાંત વચ્ચે ખોસાતી પતરાની ઓળખ
ચક્તી.