આપણા કાવ્ય

માર્ચ 29, 2011

૧) ચંદ્ર પ્રસંગ
ધુમ્મસ તરબોળ
પાંદડામાંથી હલબલતી હવાની સ્વરરચના
છૂટથી ટપક્તી હતી,
વિચારો પાંદડા સમ
રસથી તસતસતી ડાળીઓમાં વળગી રહ્યાં’તા.
સવારે ધુમાડીયામાંથી સરકી આવી
જાગેલાં સ્વપ્નને
શહેર પર પક્ષીમાં ઉડતા મૂકી દીધાં;
સાંભળ,
આ આડકતરાં પ્રવાહસાથે
ફરીથી દેખાયેલ વનરાજીમાં
સંગીતમય વાવાઝોડું
અને જો રાત્રિમાં
વૃક્ષને અંબોડા સમ વળગી રહેલો ખગ્રાસ ચંદ્ર
૨-૨૪-૨૦૧૧
૨)-
તારા વાળમાં
ઓળી આપું છું સહેજ ભીનો પવન,
સમય પગથિયાં પર
ઉપર-નીચે થયા કરે,
ખેતર નકશો યાદ રાખી ઉકલી પડે,
પક્ષીઓ વૃક્ષમાંથી
પડઘા જેવું બહાર આવે-
આંખને ક્રિયાપદ નથી
અને દર્ભ ખોખરું ગીત વગાડે;
ચાલ ઘાસ પર બેસીએ,
જ્યાં વર્ષો,
તારા વાળ સમ મૂળિયામાં ઊંડા ખૂંપેલા છે,
જ્યાં વૃક્ષ અને પવન
છૂટથી આપણા વિષે વાતો કરે,
શબ્દમાં લખેલું, આપણું બધું રૂઝાય છે..
૨-૨૪-૨૦૧૧


આઇસ્ક્રીમઃઊર્મિશીલ સૌંદર્ય અને નિરપેક્ષ ઊંડાણ

માર્ચ 9, 2011

એક સ્કૂપ ભરી
તડકો પ્લેટમાં મૂક્યો
અને ગોળાકાર ગરમી
એના હાથમાં બઝાબાઝી કરે

પ્લેટમાંથી તડકો ધોયો
અને બારીમાંથી જોયો
લોટ ખરડ્યા હાથ
મસળી ખંખર્યા

કુમળી આંગળીઓથી
આડણી વાળી લીધી
અને પહોળી પલાંઠીમાં
ગોઠવ્યો ટેકો

ખીલીઓ જેવાં લવિંગમાં
પડી રહી હતી મારી વેરણછેરણ જગ્યા
પાસુ મરડી સ્થિર થયેલી ક્ષણોમાંથી
ઉંચક્યુ માથુ ચાર વાગે

ફરી પ્રેમ ગોળમટોળ
ગબડી પડ્યો સ્કૂપના ખાડામાંથીઃ
એક ગતીશીલ સંગીતનો દડો
તડકે રસળતો…તસતસતો…
૩-૪-૨૦૧૧


બે કવિતા

માર્ચ 2, 2011

૧) મારી કાવ્યાત્મકતા

હું કવિતા લખું
ત્યારે તમારા અંતરમાં આવું છું.
લખાઇ ગયા પછી
કોઇ અણજાણ્યા અનંતમાં ગરકી જાઉ છું,
ડાલીએ સ્ત્રૈણ છાતીમાં
કેટલાંય ડ્રોવર* ખોસી દીધાં છે;
મારે
મારા જેવા કેટલાંય અન્યતરો(એમાંથી)
શોધવા છે, ઓળખવા છેઃ
કવિતા ખાસ્સો લાંબો પહોળો થાક છે
અને એમાં જ
મારે મને સમજાવવાનો છે….
i am many we…
2-23-201

૨) અ-છંદ સોનેટ

પેટમાંથી.
અરવ ખરડાયેલું લોહી લઈ
મારી ખિન્નતા અને
સામાજિક અરાજકતામાં-
તારા માટે પ્રવેશ્યો હતો.
મારા અચાનક વૈવિધ્ય સાથે.
કવિતા જે હજુ લખવી હતી,
દ્રશ્યો આંખોમાં ભીંચાઇ બંધાયેલા હતાં.
સૂર્ય છૂટથી-
નાનકડી દૂકાનમાં ભરપૂર બેઠો હતો.
વેદના મારા પર રમતિયાળ ઝૂકેલી હતી,
આંખ ખૂલતાં-
અવાજ ભરેલા શબ્દો ફરી વળ્યા
આંખો શરીરમાં foist બારી છે…
૨-૨૪-૨૦૧૧

http://www.virtualdali.com/36AnthropomorphicChestOfDrawers.html