#૨૦ હવે કશું અડતો નથી

જાન્યુઆરી 18, 2011

હવે કશું અડતો નથી,
કાવ્યમાં કશા ફેરફાર કરતો નથી.
ભૂતકાળમાં કોઇ વળાંક કે વલણ હવે શક્ય નથી,
બધાં સ્ત્રૈણ સ્વપ્નમાં
ક્લોઝેટ હજું અસળ લટકી રહ્યું છે.
મૃત્યુથી કોણ મરી જાય છે?
શબ્દો ખૂલે. વચ્ચે પાછાં બંધ થઈ જાયઃ
આપણા બેની ઊંઘમાં પુઠ્ઠાં વચ્ચે ચીરી થઈને.
હવે ત્રિવિધ તાપ;
હવે તું સદાકાળ નથી–એને નામ નહીં મળે.
હવે હું એક જ વાક્ય બોલીશ;
‘સામે ખાલીપો કપડાં આકારે અસંપર્ક ઊભો છે…
હવે ક્યારેય કશું તારા જેવું નહીં હોય-પિકાસોની
સ્ત્રી અને કુંપળો વચ્ચે શો ફેર, જ્યાં દરેક
વાક્ય માત્ર ઉચ્છેદ જ છે…
કેવળ અંદરથી બહાર કાઢેલી આકૃતિ જ ગણતરીમાં લેવાયઃ
જ્યાં છે તારી સુગંધ અને
આડકતરી પારદર્શકતા.
૭-૧૩-૨૦૧૦


ઉંદરિયામાં એક ઉંદર

જાન્યુઆરી 14, 2011

[નાની શિયા માટે]
સળિયા વચ્ચેથી નાનકડો ઉંદર દોડી જાય
બારીની ધારે આવ-જાવ કરે
ઉખડતી ભીંતો એને નિહાળે
લોહી તૃપ્ત મચ્છર નિહાળે
એ તો આકાશનો ચંદ્ર પણ તાણી લાવે
રુપેરી
પડછાયા પડે
સુંદર,જાણેકે ઉડતો
ઉંદર આજે રાત્રે નિમ્ન હતો
ખાય નહી પીવે નહી દાંત કચરે નહીં
છેતરાય નહીં તે આંખે તાકી રહેતા,
ચાંદનીમાં રસળતા. ૧-૧૪-૨૦૧૧
[સૌજન્યઃhttp://www.pen.org/viewmedia.php/prmMID/3029/prmID/172]
૨૦૧૦નું શાંતિ માટે નોબેલ પ્રાઈઝ વિજેતા ચીનના ચળવળ પ્રણેતા લિયુ શાઉબોનું આ કાવ્ય સ્વતંત્રતા માટેના ઉદગાર છે.ચીલેમાં પાબ્લો નેરુદાએ
કહ્યું હતું i utter therefore i am. દરેક કવિ વાણી સ્વતંત્રતાનો ઉદઘોષક છે.
સ્વતંત્રતા.એ શું? કોની પાસે છે? કેવીરીતે મેળવાય છે? કવિ આવા પ્રશ્નો પૂછે છે. અને કાવ્ય્બાનીમાં તે વિષે ઉચ્ચારે છે.લિયુના કાવ્ય ” જેલમાં એક ઉંદર” જેમાં આપણને સ્વતંત્રતાના વિવિધ રંગો/પાસાં વાંચવા મળે છે.સ્વતંત્રતા અનુભવ છે, સંવેદન છે, નિર્વાણ છે.
ઉંદરિયું, ઉંદર માટે જેલ છે, તે આ કવિનો મેટાફોરિક અનુભવ છે ખોવાયેલી સ્વતંત્રત માટે.કવિને તેનો ઉદવેગ છે, અને આપણને વાંચક તરીકે તે પકડમાં જકડાઈ ગયેલા માણસનો અનુભવ કરાવે છે.
જ્યાં કવિ પૂરાયો છે તે જગ્યા કેવી છે-ઉખડતી ભીંતો,લોહી સંતૃપ્ત મચ્છરો વાળી. જેલના વાતાવરણનું આ ચિત્ર-કે ઉદાહરણ.-માણસે માણસ માટે રચેલી પરિસ્થિતિનો તીવ્રતાથી ઓળ્ખ અને વિરોધ બન્ને એક સાથે રચી આપે છે. લોહી સંતૃપ્ત મચ્છરો સરમુખત્યારી છે.! તો ચાંદનીમાં રસળતો કવિ-કે માણસ.-નર્વાણનુ સૂચન છે,શરીર અહીં છે આત્મા દૂર દૂર વિહરે છે.ઉર્ધ્વગામી મુક્તિ માટે.
આ બળવો પોકારતો કવિ કવિતાથી લાગણી અને સંવેદન કે અનુભૂતિ વિશે બોલે છે.ચાંદનીમાં વિહરવાની વાતથી આત્મ મુક્તિની વાત છે ,સંપૂર્ણ સ્વતંત્રતા વિશે આ માનવ ઉદગાર છે.જેલની ભીંતો પર પછાડેલા શબ્દો
મરતા નથી આકાશવાણી થઈ જાય છે.


કોઇ કાવ્ય સંગ્રહમાં લખવી બાકી રહેલી પ્રસ્તાવના

જાન્યુઆરી 12, 2011

[બે કાવ્યો-એક મારું બીજો અનુવાદ]
૧]
શબ્દો ભરેલી શેરીઓમાં
મારી હયાતી અને ભવિષ્ય શ્રધ્ધાપૂર્વક બેઠાં છે.
લુચ્ચાઈ અને વિશ્વાસઘાત
લટકી રહેવા ઇપ્સ્યા કરશે ત્યારે
પેલો બાહ્યતર
એ ગૂઢ કડવાશ પાન-બીડીમાં ચાવી ફૂંકી નાખશે.
તમારી ચિત્રાત્મક સંસ્મૃતિમાં
સંઘરી રાખજો,
આ બધી ગલીકૂંચીઓ ઉઘડશે
અને તેમાંથી નવ્ય કવિતા મુક્ત પણે વિહરશે
એક સ્વ્સ્થ કાવ્ય સંસ્કૃતિ ઘડવાઃ
હું આ ધરતીની ખવાઉ એકલતાથી જીવું છું.
૧૨-૨૯-૨૦૧૦

૨] યુવાન કવિઓને

લખો
સ્વેચ્છાએ
તમને ગમતી શૈલીમાં
અત્યંત લોહી વહી ગયું છે ભૂસ્તરોમાં
એવું માન્યા કરવા
કે એક જ માર્ગ સાચો છે.
કાવ્યમાં બધી જ છૂટ છે.
કેવળ આ શરતે,
તમારે કોરું પાનું કેળવવું પડશે.

[નિકેનોર પારા,ચિલે સૌજન્ય PoemHunter.com]
૧-૮-૨૦૧૧


જટાયુઃ એક આવર્તન જેમાં ટકી રહેવું છે જીત નથી

જાન્યુઆરી 10, 2011

આમ જુઓ તો
મારે માટે હું કેવળ પંખી,
કુમળા આંતરડા વાળું, કદાચ સફેદ.
કોઈએ
કાપ્યું’તું મારુ અટ્ટહાસ્ય
સાંભળવા મને,
કેટલો અજાણ્યો છું
માણસમાં ઠાંસેલી ઘાતકી દૈવી વેદનાથી !

આમ જુઓ તો
હું વિશાળકદ ચકરાયા કરતું પંખી
જંગલો ફરી વળ્યો’તો
અવકાશ ખૂંદી વળ્યો’તો
કોઈએ
દાટ વાળી દીધો મારા ઉડાણોનો
ખેરાત વગરઃ

મારા પડેલામાં
તારા ઘોંચણ સ્પર્શથી
ધૂર્ણન ધ્રૂજારી ફરી વળે ત્યાં સુધી-
મારી શરૂઆતમાં
જેટલાં આવર્તનો જીંદગી વિશે પસાર થાય
પડી રહે છે તે સમગ્ર
તારા નિશ્ચિત માપદંડમાં અનાકાર…


નારુકારુ

જાન્યુઆરી 7, 2011

બેંકમાં કેશીયર મારા ડ્રાઇવીંગ લાયસન્સમાંથી મારો ચહેરો તપાસતી હતી. મારામાંથી ફરીફરી
લાયસન્સમાં મને તાકી રહે.કદાચ હું એમાં ખોટો હતો એની શંકામાં,થોડું વધારે હસ્યો હતો
તેથી આંખમાં ત્રાંસ આવી હતી, એ એની શંકા હશે અને ચહેરામાં દાંત પણ જરા મોટા દેખાતા હતા, હસતા હોઠ વચ્ચે.’ ફોટામાં તું ધોળીયો દેખાંઉ છું.’એવું કહી મને પ્લાસ્ટિકમાં
ચળકાટ પાછળ થોડો વધારે વખત વાંકોચૂંકો, આડોઅવળો કરી મારામાં ઉપલી ટ્યૂબલાઈટ અને પ્રકાશની અસર તપાસી લીધી.’એશીયન’ એ બબડી અને ચોંટાડેલા રંગીન લાંબા નખથી ટાલ પર ટકોરા માર્યા,મારા જેવી દેખાતી હયાતી પર.મારો ભય ( મારા અનઅસ્તિત્વનો ! ) એના ભારદાર વાક્યમાં વર્તાતો હતો, એની કોઈક ખૂલ્લી દ્રષ્ટિમાં સંતાયેલો મળી આવ્યો હોઊ.મારે નમ્ર સ્વરે એને કહેવું હતું, પહેલા તો હું મારા મા-બાપની હવસનો શિકાર થયો, પછી નાના ભઈ જેવા બરછટ વાળ,બહેન જેવા ગોળ ચહેરામાં સપાટ આંખો,અને ઉપરથી સમાજમાં ડોકાયા કરતી મારી કાટલાછાપ બીજી સુધારેલી આવૃત્તિ, કે સંશોધિત. વારસઈમાં બંધબેસતુ હોવું એ આપણી ભૂલચૂક નથી, કોઇ પંચમહાલના મામુ કે મહેસાણીયાની મશ્કરી કરવી વાંક નથી,કે મેકડાનલમાંથી
સાયકલ પર ડિલિવરી કરવા જવું જેને માટે મારી બા પૂછતી હતી નોકરી વિશે વાત કરી ત્યારે અને મારા ચાઈનીસ શેઠે ભવાં ચઢાવ્યા હતાં દિલાસો આપવા યત્ન કર્યો તેમાં.આપણે ચામડીમાં બધું સાચવી રાખીએ છીએ કે સંઘરીએ છીએ ! આ કેશીયર જે ‘એશીયન’ બબડી હતી, મે ભારપૂર્વક કહ્યું હું અર્ધ-સ્પેનીશ છું,હું ખોટી રીતે ઓળખાયો હતો એને ખાતરી કરવી હતી કે મારો ચેક લીધા પછી હું બહાર જઈ મારી ટાઈ ઢીલી કરીશ અને હાથી પર બેસી પૂર્વમાં ઉડી જઈશઃ
મને મારી બાનો ઈતિહાસ આપો, અનેક વર્ષો પછી વારસઈમાં પણ હું હજું છંછેડાયેલો છું…

નારુકારુઃ વસવાયા પણ ઇમિગ્રન્ટ જ છે આપણા સમાજમાં. ૪-૬-૨૦૧૦


બે કાવ્યો

જાન્યુઆરી 1, 2011

૧)
એક સારા દિવસે અગ્નિ હતો.
રાત્રિ હતી.
અગ્નિમાં એક સારા દિવસે રાત્રે ઘર હતું.
મને હતું ઘરમાં બારી ખોલી
માંછલી જેવો ચળકતો કાચ તડકામાંથી
અંદર પ્રવેશવા દઇશ.
બધું એકાએક સંતલસ થઈ ગયું.
કોઠામાંથી નીકળવું મોડું પડ્યું,
ગલમાં ઘોંચાઈ ગયેલી માંછલી જેવું.
ઘરમાંથી મારે અંદર જવું હતુ.
ધુમાડો વિચારોમાં ગણગણતો હતો,
ઊંઘ પૂંજતી હતી અંધ-
કાળ, અગ્નિથી ધબકતા હૈયે. ૬-૨૫-૨૦૧૦

૨)
હવે તો
સવારે સરરીયલ આંખો ખૂલી જાય છે.
રસોડામાં રાત્રી ભરી રાખેલો પ્યાલો
ચાથી ભરી દઉં
ત્યારે રાત્રિ મેં કરેલા સંક્ષિપ્ત અવાજમાં
નીકળી જાય છે.
રોજબરોજ આવું કર્યાજ કરું છું….
આદત મારી નાખ્યા વગર
એ જ ખૂરશીમાં એ જ મુદ્રામાં બેસી
એ જ ભરેલાં ડગલાં પાછાં ભરી
ચા પર જામેલું એ જ બાહ્યચર્મ
અને છેવટે તળીયે સુકાતુ છીકણી બાકી…
અરવ- બીનમહત્વ પરિસ્થિતિ છે. ૭-૮-૨૦૧૦