ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!ઃઇ-અસ્તિનુંભક્તિ ગીત

ડિસેમ્બર 12, 2010

ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

હાથ ઝાલ્યું મેં જ્યારથી આઈપોડ, હાય દિમાગને શું થયું માય ગોડ!
આલ્ઝાયમર ફેરવે હાં રે જીવતરનો મોડ એ પહેલાં પ્રભુ પાડ તું ફોડ
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

રાખે નામું સંબંધ સંપર્ક કામકાજ કેરી ઝંઝટ એ તો ઝીલે પડ્યો બોલ
કોકિલ કેવી! ચાંચ એની કાનમાં કૂંજી હાં ઘટમાં ગૂંજી કરાવે કિલ્લોલ
શું સોચું આ અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ યા વિક્રમ વેતાળની જોડ?
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

વીડિયો વોર ગેમથી આંગળી થઈ પાંગળી તોય બંદૂક થયાનો વહેમ
લાગણી થઈ નાગણી મનુજ હણશે ટોય ગણી હાય રાખ જણશે રહેમ
મહાભારત વોર રે શબરીના બોર ખરંતા ખીલશે ખરાં સંસ્કારના છોડ?
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

હાઈ ટેક હાઈ ટેક દિલમાંય ગુંજતી હાય એ ટ્રેક હાં જાણું છે હાર્ટ એટેક
અંશ હું આઈંસ્ટાઈનનો ગઈકાલ લગી જે ગાયો આજ ભુલાતી એ ટેક
બ્રેઈન મારું બહેર મારશે માયામઝધારે કોણ તારશે બોટ ઓવરલોડ?
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!

દિલીપ ર. પટેલ,(સૌજન્ય કવિલોક
ગુજરાતી કવિતાનો રસથાળ)

સ્વામીનારાયણવાળા ડૉ.સ્વામી ઇશ્વરને કંપ્યુટરનાય કંપ્યુટર તરીકે ઓળખાવે છે. આપણા દિમાગ અને તેની સાથે સંકળાયેલા જ્ઞાનતંતુઓ
(ફાઇબર ઑપ્ટિક્સ !)એક સિસ્ટમ છે અને એનાથીય ઊંચી ક્વૉલિટી ઉપર
(અજ્ઞાતમાં !)છે.આ એમની વાત માંડવાની પધ્ધતિ છે, તો કવિ દિલીપ પટેલ કેવળ બે સિસ્ટમને જ નહીં પણ ત્રણને સાંકળી આપે છે-
ઓહ માય ગોડ-મારામાં જીવે-આઇ પોડઃ ઇશ્વર,હું અને ઇલેક્ટ્રોનિક્સને.
આગળના આસ્વાદોમાં મેં કહ્યું છે દરેક સર્જક્નું કામ એના સાંપ્રતને અભિવ્યક્ત કરવાનું છે જે એનો ઇતિહાસ છે. અહીં પણ કવિ આઇપોડથી પોતાના જીવાતા સમયને પેલી સિસ્ટમો સાથે સાંકળી આપે છે.અનેક ટપકાં રેણ કરી સર્જાતું ‘મધરબોર્ડ’ જીવાતા જીવનના અનેક સ્તરોને સાંકળી આપે છે.
કવિ માણાસ છે, અને એની ફરતે શું ઘટી રહ્યું છે તેનાથી એ સજાગ છે. સગવડથી થતી અનેક તકલીફો(!) માણસની નબળાઈ છે.ખંતનો અંત.
પેલી રેણ કરેલી લીટીઓ જીવા દોરીઓને નબળી પાડે છે તે આશ્ચર્યથી
હાય દિમાગને શું થયું, માય ગોડ !-ઉદગાર સરી પડ્યા,એટલું જ નહીં એ
deviceથી મળેલો વિસ્મૃતિનો રોગ પણ એમાં સામેલ છે. એ નબળાઇનો શિકાર થવાય તે પહેલાં પેલું અજ્ઞાત કંપ્યુટર છે તેને ફરીથી આધીન થઈ
વિનવે છે-એ પહેલાં પ્રભુ પાડ તું ફોડ…-માણસ તરીકે આ depending અવસ્થા આપણું સાતત્ય છે, જીવવા વલખાં નથી મારતા, મથામણ નથી કરતા,આપણે કેવળ અવલંબનનો વિસ્તાર કરીએ છીએ અને ‘ઓહ માય ગોડ …ધૃવપંક્તિમાં તે વળી વળી ડોકાયા કરે છે.આપણે તેમાં સતત અસ્તવ્યસ્ત છીએ જે ‘ઓ’ અને ‘ડ’માં પડઘાયા કરે છે.ભાષા, વિચાર અને
રૂઢિગત જ્ઞાન આ ત્રણેવથી આપણામાં હજું કશુંક ખૂટે છે એ અનુભૂતિ આ કાવ્યમાં સંભળાયા કરે છે.એ આપણી વેદના હશે !-‘ હાંરે જીવતરનો મોડ..
ત્રણ અંતરામાં લખાયેલા આ અગેય ગીતમાં ( એટલેજ કાવ્યમાં) ગુજલીશ ( અમેરિકામાં સ્પેન્ગલીશ !) ભાષાથી અર્વાચીન સંસ્કૃતિને, સર્જકના ભક્તિરસથી,એના કહેવાતા દુષણો સહિત લવચીક મૂકાયા છે. પહેલા અંતરામાં જે કામ વહિવંચા કે બારોટો કરતા અને આપણે પણ આપણા સંબંધો યાદ રાખતા-જ્યાં ખપ પૂરતી નોંધો કરતા હતા-તે કામ હવે આ સાધન કરે છે અને તે પણ voice activationને કારણે પલમાં કરી આપે છે.પેલા પહેલાના સરકારી નોકર સમ એ ‘ પડ્યો બોલ ઝીલે છે.કાવ્યબાની અને વિષય વસ્તુને કારણે કટાક્ષમય બનવા જતું કાવ્ય romantic પણ છે અને સાથે સાથે એને ભક્તિગીતનો પાસ પણ છે-કાનમાં કુંજી..ઘટમાં ગુંજી…માયા મજધારે કોણ તારશે બોટ…વગેરે. વિક્રમ વેતાળની વાતમાં સંકળાયેલા હોવા છતાં છૂટા પડી જવાનો નિસાસો છે અને ફરી ફરી જોડાવાનું આશ્ચર્ય છે,તો અલ્લાદિનનો ચિરાગ એની દંતકથા જેવી ક્ષમતા સ્વીકારે છે.
વિદેશથી શરુ થયેલી,ગૃહઉદ્યોગ બની ગયેલી હિંસકતા,
આપણી નબળાઈઓ કે ખોડખાંપણોથીયે આગળ વધી ગઈ છે. જેને craze (ઘેલછા કે તત્કાલ ફેશન!) અથવા લત તરીકે અદ્યતન માનસશાત્રીઓ ઓળખાવે છે તે બીજા અંતરાનું પહેલું વિધાન છે.આપણું આ વ્યસન ‘બંદુક થયાનો વહેમ’થી અતિરેક થઈ ગયું છે તે તરફ ઇશારો છે.આનંદ સૌંદર્ય મટી વિકૃતિ થઈ ગયો.આપણાં રમકડાં જ આપણા બાળમાનસને કુંઠિત કરે
છે .કદાચ આપણી શરુઆત જ કુંઠિત થઇ જાય છે,અમેરિકાનું બાળપણ એને કારણે જ નબળું છે (પંચમભાઈ અંગ્રેજપ્રાંતમાં પણ એવું જ હશે ને!-મને ખબર નથી.)શાળામાંથી ડ્રોપ આઉટ અમેરિકાનો ઇલેક્ટ્રોનિક્સ જન્ય રોગ છે.સર્જક ફરીથી પોતાની રૂઢિ તરફ વળે છે આશા માટે,છેલ્લી પંક્તિમાં.આપણી અજ્ઞાત અવસ્થા જ પુનર્પ્રાપ્તિનો માર્ગ હશે? તો સમજણ અને આસ્થા વાચ્ચે શો ભેદ છે ? આપણી પરંપરાઓ આપણને સ્વાયત્ત બનાવી શકે ખરી? આપણી શરણે જવાની લાગણી ખરેખર ‘ જીવતરનો મોડ છે? મહાભારતવૉર અને વિડિયોવૉર શો તફાવત છે?જ્ઞાનનો કે તાબે થઈ જવાનો ? ત્રીજા ભાગમાં પહેલા બે ભાગનો વિસ્તાર છે , ઉદાહરણનો વિસ્તાર છે.
આવાં કાવ્યો કેવળ સામાજિક વ્યંગ જ નથી પણ ગુજરાતી ભાષામાં વિડિયોગેમ અને કવિતા, વિડિયો અને એસ્થેટિક્સની ચર્ચાને અવકાશ આપે છે.આ બધાં પદાર્થો અકાવ્ય મેટર છે છતાં એ કાવ્ય સ્વરુપો છે.આપણા સાહિત્યમાં વિવેચકો આવી ચર્ચાઓ ઉથામે તેથી પણ દિલીપભાઈના આ કાવ્યને આવકારું છુંઃ આપણી ઇલેક્ટ્રોનિક અસ્તિનું વાચાળ ભક્તિગીત.

એ ચર્ચાને કે અભ્યાસને વેગ કે સાથ મળે તે માટે કેટલાંક પાયાના તથા વિકસાવેલા સિધ્ધાંતોવાળા પુસ્તોકોમાંથી સંદર્ભો આપું છૂ.સૌથી પહેલું પુસ્તક આ વિકાસનુ પ્રથમ સોપાન છે અને પછી સાલવાર પ્રકાશન વિસ્તાર અને વિવેચન છે.
1) The media lab-stewart brand(1987)
2) Prehistoric digital poetry (2007)
2) Electronic literature:new horizon Katharine hayles(2008)
3) Digital poetics -Loss glazier(2008)
4)New media poetics – Thomas swiss(2009)
૧૧-૨૫-૨૦૧૦ આસ્વાદ, હિમાંન્શુ પટેલ

આ ઈ પોએટ્રિ વિશે એક નોંધઃ-
ભાષા હોય કે રસ્તા પર ઢગલાબંધ પડેલો કચરો હોય, પણ એ બધું જ્યારે અઢેલીને મૂકાય( જક્સ્ટાપોઝ કરાય )અથવા એમાં અચાનક સામીપ્ય ઉદભવતા તમને કોઈ ચિત્ર દેખાય ત્યારે એ ચિત્ર ( કે સામિપ્યમાં )સંસ્કૄતિગત નાદ ( વોઈસ ) અથવા વૈયક્તિક ભૂતકાળ ( સંસ્મૄતિજને )તમારા મનોજગતમાં ગૂસપૂસ કરતો મૂકી જાય છે, તમારી અદભૂત અને ઉદાસ યાદોની પ્રમાણભૂતતા પ્રસ્થાપિત કરે છે. કદાચ કચરામાં મનહરણ ગોપિત છે ! ( allure of ruins. )આ ઈ પોએટ્રિ આવાં અનેકાઅનેક સામીપ્ય ઊભી કરતી રચના છે, જ્યાં ભાષામાં વ્યાપેલી અને ભાષા બહાર વ્યાપ્ત શક્યતાઓ કવિકર્મ થઈ જાય છે. ઈ પોએટ્રિનો સર્જક સદાકાળ ખૂલ્લા કાન અને દ્રષ્ટિ છે ; i-દ્રષ્ટિ અને iTune…જ્યાં કવિતા કેવળ ભાષા મટી ભાષાચિત્રપટ્ટી
થઈ જાય છે, જ્યાં અડવાપણૂં ( oddness )મનોહારી છે, હવે જ્યારે ગુજરાતી કાવ્ય વેબસાઈટો અને મેગઝિનોમાં થાકેલું કવિકર્મ જ હાથવગું છે.
આ નવી કવિતા રનેસાંસ પેઈન્ટીંગથી એબ્સ્ટ્રેક્ટ એક્સ્પ્રેસનીસ્ટ પેઈન્ટીંગ સુધી ગતિ કરતો ચિતાર છે.
૧૦-૧૯-૨૦૦૯, હિમન્શુ પટેલ

Advertisements