મેલપૂળોઃ ગુંજારવનો સફુલિંગ

નવેમ્બર 25, 2010

લગણી કે ફાગણી ને મેલ પૂળો
પ્રેમની આ ચાહણી ને મેલ પૂળો
ઢેંચવો જો હોય તો ઢેંચ વટથી
ફાકણી કે ચાખણી ને મેલ પૂળો
ડૂબવું જો હોય તો તું બૂડ પૂરો
આંખડી કે ઢાંકણી ને મેલ પૂળો
આમ કૈં નૈં આવડે ઘડીયાં પલાંખા
માપણી કે આંકણી ને મેલ પૂળો
બૂડથલ ને છે જનમથી જાત ડોબા
શાણપણની તાપણીને મેલ પૂળો
નેહ તારો લોલ હિલ્લોલ ચઢે તો
રાવણી કે લાવણીને મેલ પૂળો
ટેમ છે આ લ્હેર પાણી ને રાહડાનો
ચોયણી કે ઓયણીને મેલ પૂળો…
રાજેન્દ્ર પાઠક , વડોદરા

નવ્ય કવિતાનો પ્રશ્ન એ છે કે સર્જકનું ભાષા પર પ્રભુત્વ છે કે ભાષા સર્જન પ્રક્રિયા પર પ્રભુત્વ ધરાવે છે? એમાંથી બીજો પ્રશ્ન એ ઉદભવે છે કે કવિતા કેવળ ભાષાકર્મ છે કે કવિની સંવેદનાનું પુદગલ પણ છે? આ કે આવા પ્રશ્નો વિવેચકોની મથામણ છે, કારણ દરેક કાવ્યને એની અને દરેક કવિને એના કાવ્યની અસ્તિવાચક ભાષા મળી રહે છે.દરેક કાવ્ય કોઇ પણ કવિની અસ્તિવાચક પુનઃશોધ છે.એવે સમયે જ્યારે એકાદ ટીખળી રચના મળે ત્યારે ગંભીરતાનો તડકા જેવો ભાર કે અનુપ જલોટાના ‘ ભોર ભયે..’જેવો સંગીત ભાર હળવો થાય છે.’મેલ પૂળો’નો સર્જક એવી હળવાશ બેદરકાર ગાંભીર્યથી આપણને સંભળાવે છે,વાક્યાંતે આવતો મત્લા’ મેલ પૂળો’ બેપરવા પણાનો વા મેલ માથાકૂટનું વલણ ધરાવે છે,યદ્યપિ-મેં સાંભળ્યું-એવો અભિગમ પણ ધરાવે છે.એવા દ્વૈત મનોવલણ આ ગઝલનો મૂળ સ્વર છે.
વિશ્વની દરેક ભાષા સમ ગુજરાતી ભાષા પણ રવાનુકારી કે ધ્વનિસામ્ય શબ્દોથી સમૃધ્ધ છે, અને તેવા શબ્દોમાં લયના ગુંજારને ગતિ પણ છે.
આપણા સમાજમાં એવા શબ્દો કે પ્રયોગો હલતા-ચાલતા કે રોજિંદા વ્યવહારમાં સંબંધો સાચવવા વપરાય છે-ચા-બા પીશો.મેલ પૂળો આવા
શબ્દ પ્રવાહથી વણાયેલી ઊર્મિગીત જેવી ગઝલ છે. હેતુહીન જોડાયેલા શબ્દોના ઉચ્ચાર પુનરાવર્ત્તનથી ભાષા પોતિકો લય, ગતિ ઉપસાવે છે. આ યુગ્મ શબ્દો પ્રવાહી સરળતા છે.વડોદરાના રાજેન્દ્ર પાઠકની આ ગઝલમાં રીધમ સ્વયં ઇમેજરી છે.ગઝલ નકારાત્મક અભિગમથી positive અસર નીપજાવે છે, લય માધુર્યની.
રાજેન્દ્રભાઈની ગઝલમાં કવિતા દ્વિભાજન(dichotomy)પધ્ધતિએ કામ કરે છે.એક તરફ -લાગણી કે ફાગણી,..ફાકણી કે ચાખણી,..માપણી કે આંકણી..
આદિ દ્વારા મુંઝવણ ઉપજાવે છે જે નિશ્ચય પણામાં ઢળતી લાગે તો બીજી તરફ પ્રેમની આ ચાહણી…ઢેંચવો હોય તો ઢેંચ…આમ કૈં નૈં આવડે..આદિમાં યથાર્થદર્શન ચિત્ર મેળવે છે જે સમજાય એવા માણસને શોધતાં દેખાય છે. આ ભવાઈ જેવી ચક્કર ઉપસાવતી મુવમેન્ટ એની લય સાપેક્ષતાનો આનંદ છે.આવી કૃતિઓ દૃષ્ટિ કે ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવને એની પ્ર્ત્યક્ષતા અને મર્યાદા સાથે બુધ્ધિગ્રાહ્ય બનાવે છે. આ ગઝલની અસંબંધ રીતિ અને તીવ્ર ઉપેક્ષાનું જક્સ્ટાપોઝીશન( સામીપ્ય) માનવ ચેતનાની દૃઢતા, જ્ઞાન અને ભાષાને પ્રતિબિંબિત કરે છે. આવાં અને દરેક કાવ્યોનું કામ માનવ અર્થપૂર્ણતાને વસ્તુનિષ્ઠ તથ્યથી સંપન્ન કરવાનું છે.
આ પંક્તિઓમાં આશ્ચર્યકારક સુમધુર સ્વર અને વિરોધાભાસ ભાષાની ખિન્ન
ઉત્કટતા સંભળાય છેઃ ઢેંચવો હોય તો ઢેંચ..ટેમ છે લ્હેર પાણી..વગેરે.આગળ જણાવ્યું તેમ નાદનકલમાં કવિ તળપદ લહેંકા કે શબ્દો -ટેમ, રાહડા આદિ ભેળવી આ કાનની કળામાં ઇમેજરીની અસાર
ઉપજાવે છેઃ નેહ તારો લોલ હિલ્લોળે…”બીજી એક નોંધપાત્ર સર્જકતા અહી જોવા મળે છે તે તીવ્ર વિસ્તૃત-આ-,તીવ્ર -ઈ-,વચે- અ-,અને છેવટે પોલો -ઓ-,(લાગણી-ફાગણી-પૂળો )માંથી નાદ પંક્તિની સૂરસંગતીમાં વહીને સંવેદનની અસરને દૂર સુધી લઇ જાય છે , જે એવું સૂચવે છે કે હજું લાગણી પૂરી નથી થઈ એ જીવાવામાં- અનુભૂતિ, સંવેદના સહિત – પ્રેમ અને વેદનાંમાં સાતત્ય ધરાવે છે.સર્જક્નું આ કવિકર્મ-અને ભાષાનું પોતાનું કર્મ પણ- વિષય વૈવિધ્ય(નાવિન્ય) અને સંગીતાત્મકતાનો સુમેળ સાધી આપે છે.ત્રીજા શેરમાં-આંખડી કે ઢાંકણી-કેવળ રવાનુકારી ન રહેતા અથવા phonetic સ્તરે ન રહેતા આગળ દ્રશ્ય સ્તર- visual- સુધી પહોંચે છે.આ આંખ આપણા ખામણાંમાં બહિર્ગોળ બેસાડૅલી છે પરિણામે એ ચહેરામાં-ખોપરીના કાંણામાં-ઢાંકણી છે અને એમાં ડૂબવાની વાત કેવળ ડૂબવા પૂરતી મર્યાદિત ન રહેતા એ ઢાંકણી કેટલાંય પારદર્શક ઉંડાણો ખોલી આપે છે અથવા આપણે બોલચાલની ભાષામાં કહીએ છીએ તે’આંખના ઉંડાણો’ને સાપેક્ષ કરી આપે છે.ઉપરાંત જે મીડુ-૦-અને તેનાં પોલાણો નહીવત સુધી લઈ જાય તે આંખમાં પણ છે, concrete poetryમાં જેમ -૦-(ઓ)નો
ચિત્રાત્મતા રચવા ઉપયોગ થયો છે તે અનુભૂતી અહીં પણ દેખાય છે. કવિતા અહીં visual and phonetics બન્ને સ્તરે સંભળાય છે અને પરિણામે kinetic-ગતિની-અનૂભૂતી પણ આપે છે.
રાવણી કે લાવણી ને મેલ પૂળો-મને કવિશ્રી વાલ્લભની પંક્તિ” રાવણી જેવું આ રણે કપટ દીસે કંઈ ” યાદ કરાવી જાય છે.પ્રેમનું આ લાવણ્ય યુક્ત કપટ પણ ફકીરી જ ને…
પહેલીવાર ‘ભૂવો’, ‘મેલપૂળો’ જેવી ગઝલો વાંચતા લાગ્યું કે કવિતા ગતિ-action- છે,જેમ પાબ્લો નેરૂદાએ એના નોબેલ વ્યાખ્યાનમાં કહ્યું છે-
poetry is an action…in which there join as equal partners solitude and solidarity, emotion and action,the nearness to oneself, the nearness to mankind and to all the the secret manifestation of nature.
નાદનકલની આ કલાત્મક રચના ગુજરાતી ભાષામાં અનેરુ માધુર્ય છેઃ હિમાન્શુ મેલ પૂળો એ વાતમાં,કવિતાતો તારા કાનમાં બેઠી છે…તો ભલે ગુંજ્યા કરે આ ગુંજારવનો સ્ફુલિંગ.
૧૧-૨૦-૨૦૧૦

Advertisements

માણસમાં માણસ ન હોવાની વેદનાનૂ કાવ્યઃ ધૂમ્રસેર

નવેમ્બર 20, 2010

ધ્રૂમ્રસેર

બુઝાતા દીવાની ધ્રૂમ્રસેર જેમ અનંતમાં ભળી જાય તેમ
કદાચ હું પણ અનંત અવકાશમાં ભળી જઇશ…
અને પછી એ જ લોકાચાર, ફોનની ઘંટડીઓ પર ઘંટડીઓ-
એ જ આશ્વાસનો અને સ્મરણોની વણઝારની આપ લે…
ફોટો બની હું લટકતી રહીશ દીવાલ પર-
જન્મદિન કે મરણતિથિએ હાર બદલાતો રહેશે,

અને દુનિયા પાછી પહેલાની જેમ પોતપોતાનામાં વ્યસ્ત થઇ જશે…
દર અઠવાડિયે આતુરતાથી મારી રાહ જોતી
આ વાડામાંની લોન
જેની વધી ગયેલી જટાઓની હું નિયમિત સફાઇ કરું છું ત્યારે
એનો ચહેરો ખિલખિલાટ હાસ્યથી ચમકી ઊઠે છે…
પણ મારા જવાથી ઉદાસી સેવીને
દૂર્વા કાન સરવા કરીને જોયા કરશે
મારા ઘરના બંધ દરવાજા તરફ,
અને મારો પરિચિત વાડો તરસ્યા કરશે
મારા પગલાંના ધબકાર માટે…
-ધૃતિ મોદી
September 20, 2010 at 7:51 am · Filed under અછાંદસ.
સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા………a way of talking.

હાલમાં ગોવિંદ મારુના બ્લોગ પર આપણા રીતરિવાજો, રુઢિઓ વિશે ચર્ચા ચાલી હતી.આપણામાં દ્રઢ થયેલું સ્વક કદાચ મૃત્યુ પછી પણ આપણી હયાતી છે-હાજરી છે.આપણી સંસ્મૃતિ આપણે ન ગુમાવેલું સ્વક છે, એનું કારણ કદાચ આપણે સંબંધોમાં લાંબો સમયલાગણીબધ્ધ જીવીએ છીએ
તે જ હશેને ! અને એને કારણે જ આપણે આપણા જ અન્યતર છીએઃ એક જીવતા અને બીજા મરેલા.
કાવ્યનો ઉઘાડ શક્યતાની પસંદગીથી જીવાય છે અથવા આપણી નશ્વરતાની પ્રતિતીથી થાય છે, જે આપણી ધાર્મિક્તાએ સતત આપણા માળખામાં ધકેલ્યા કરી છે.આપણૂં વિલીન થવું એ જ આપણૉ સંસ્મૃતિસ્પર્શ છે જેમ ધૂમ્રસેર દેખાતી બંધ થયા પછી કાળી વાટ ધરી પડી રહેલું કોડીયું. આ કોડીયું ઘડીકવાર આપણી”પ્રકાશીત”હયાતીને જાગૃત રાખે છે.આપણા પ્રતિકો આપણી ક્ષણભંગુરતાના વાહકો છે છતાંઆ ધૂમ્રસેર આપણી સ્થગિત
ગતિને ગતિમાન કરે છે. વિલિન થવું શૂં છે તેને દ્રૂષ્ટિક્ષમ બનાવે છે.પેલીએક નાનકડી પાતળી આડી અવળી સેર આપણને અનંત સાથે સાંકળી આપે છે અને આપણને નહીં પણ આપણા અંતને -એ દ્વારા સંસ્મૃતિને – વ્યાપક બનાવે છે. ગુજરાતી કાવ્યોમાં ભીખુ કપોડિયાનું ‘કોડી’ અને ભરત નાયકનું ‘કોડી’ કાવ્ય આવું મેટાફર થઈ આવે છે.ભીખુભાઈની કોડી હાથની રેખાઓ સાથે એકાકાર થવા મથ્યા કરતી કરવતી તડવાળી
મુઠ્ઠી બંધ થતા મુઠ્ઠી થઈ જાય છે અને મુઠ્ઠી કાંડાથી છૂટી પડેલી કોડી થઈ જાય છે,બન્ને એકમેકમાં તદરુપ થાય છે, વિલીન થાય છે અને એ જ કોડી
ભરત નાયકના કાવ્યમાં નીલાંબરથી છ્લોછ્લ ભરેલી અને કુંણા ગરભથી
ધબકે છે તથા દાંતવાળા હોઠ બોલવા તત્પર છે.
પહેલી બે પંક્તિ પછી આવતો-‘ અને પછી…” આપણા બોદાપણાનો આપણને અમેરિકા અને ઈંગ્લેન્ડે વારસામા આપેલા છી્છરા શિષ્ટાચારનો
ઢંઢેરો પીટે છે.યાંત્રિક સંસ્મૃતિમાં પ્રવેશેલો યંત્રો સમ ઘસાઈ ગયો અને એનામાં મોનોટોનસ પરંપરા પણ ઉદભવી પેલા યંત્ર જેવી.માણસ માણસથી અને પોતાનાથી ટેવાઈ ગયો.અને લોકાચાર તરફ વળી ગયો,
‘ અને પછી એ જ લોકાચાર -કેટલો બધૉ કંટાળો ભરેલા ધ્વનિ સંભળાય છે કે કેટલો બધો નિરાશાત્મક અભિગમ આ સામાજિકતા માટે વર્તાય છે.આ શબ્દોંમાં, આપણને આપણાથી અને આપણા પ્રત્યે સુગ ચડી હોય, તે સ્ફોટકતાનો ધ્વનિ છે.દરેક સર્જકનું કર્મ આપણા સાંપ્રતને વ્યકત કરવાનું છે.
આપણી આયનાદશાને – દર્પણ વૃત્તિને !-અને આપણને સામસામા મૂકી
આપવાનું છે. ફોનની ઘંટડીઓથી મરણ તિથિએ બદલાતા હાર સુધીની આપણી સામાજિક ટેવોની-કે કુટેવોની !-યાદી છે અને કેટલા આત્મવિસ્વાસથી એ રુટીનને કવયિત્રીએ ગણાવી છે અને એને માટે ‘વણઝાર’ જેવો શબ્દ પણ પ્રયોજ્યો છે.મને એક મેટાફર યાદ આવે છે આપણી આ અવસ્થા માટે,એર ઈન્ડીયાનો નમેલો મહરાજા, યાત્રિઓ ન હોય છ્તાં નમેલો જ ઉભો રહે છે !પોતાની વિનમ્રતામાં પાછો વ્યસ્ત થઈ જાય છે જે – અને દુનિયા પાછી પહેલાની જેમ પોત પોતાનામાં વ્યસ્ત થઈ જશે…- સર્જકને આ વાતમાં કેટલો બધો આત્મવિશ્વાસ છે કે એણે ત્રણ ટપકાં મૂકી આપણા એ સાતત્યને જાળવી રાખ્યું છે.પેલી ધૂમ્રસેર જેમ અનંતમાં કે વ્યાપકતામાં દોરી જાય છે તેમ આ ત્રણ ટ્પકાં પણ – આપણી
વ્યસ્તતાને વહન કરીને – અફાટમાં કે વ્યાપકતામાં ભેળવી દે છેઃ આપણે મૃત્યુથી કે જીવાતા જીવનથી એક જ અવસ્થામાં અટવાઈએ છીએ- વ્યાપકતા, અકે યાંત્રિક છે બીજી અજ્ઞાત છે,દરેક માણસ બે ‘અંધકાર’ વચ્ચે
અટવાયા કરતો કે ફંગોળાયા કરતો પદાર્થ છે.એક જન્મ પહેલાનો અને બીજો મૃત્યુ પછીનો, આ બ્ન્ને અંધકાર જ્ઞાનના અંધકાર છે.જન્મ પહેલા શું હતા , ક્યાં હતા અને મૃત્યુ પછી શું હોઇશું ક્યાં હોઇશું એ વિટંબણા કેવળ
કાલ્પનિકતા છે -હયાતી નથી.
સ્પ્ષ્ટતઃ બે ભાગમાં વહેચાયેલા કાવ્યની છેલ્લી નવ પંક્તિમાં મૃત્યુ પહેલાની
અનેક રોજિંદી પ્રવૃત્તિઓમાંની એક વિશે ઉલ્લેખ છે, જે માણસ અને પ્રકૃતિની તદરુપતા સૂચવે છે. જે રીતે માણસ સ્વરુપે આપણે લાગણી પૂર્વક
આપણા માંડેલા સંબંધો સાથે જીવીએ છીએ,તે જ પ્રમાણે અમાનવ પદાર્થો જેમાં આપણે જિદગી જોઈએ છીએ ત્યાં પણ આપણે આપણને જોડીએ છીએ.કુદરતની કોમળતામાં આપણે આપણને સાંકળ્યા છે.શરુઆતની ધૂમ્રસેર અને બીજા ભાગની લોન – ઘાસ – બન્ને ઉર્ધ્વગામી ગતિના સૂચક છે. અને બન્નેનું આ ઉર્ધ્વગામીપણું જ વિલીન થાય છે.કવયિત્રિ પોતાની પ્રવૃત્તિ તરફ કટાક્ષ કરતાં ઘાસના વધવાને જટા કહે છે.જેમ દાઢી કર્યા પછી માણસ આકર્ષક અને પ્રફુલ્લિત લાગે છે તેમ આ હરિયાળી પણ એની તાજપમાં પ્રસ્ન્ન છે.
પહેલા ભાગમાં મૃત વ્યક્તિનો ઉલ્લેખ અને બીજામાં ચહેરાનું લોનમાં આરોપણ સમસ્ત કાવ્યની સાંકળતી કડી છે અને વ્યક્તિ સ્વરૂપે, સ્ત્રી સ્વરૂપે
લાગણીનો, સંવેદનનો જે પ્રવાહ પોતાનામાં વહે છે તે સર્જકને માણસ હોવાની – પેલા ઘાસ જેવા પ્રફુલ્લિત હોવાની – અને એને વિસરી જવાની
કે માણસને સ્થગિતસ્થિતિ બનાવી દેવાની પ્રવૃત્તિ, એ બન્નેમાં વેદના અનુભવે છે.એટલેતો કહે છે મારા ગયા પછી દૂર્વા-આપણા તર્પણનુ ઘાસ –
મારી પ્રતિક્ષા કરશે. આ દૂર્વા પણ પેલા લોકાચાર જેવું જ કર્મ છે ને !પણ
સર્જક્ને તો માણસમાં માણસ ન હોવાની વેદના છે, એટલે તો અંત કહે છે આ વાડો ભૂલી જવાયેલાં પગલાનો સ્પર્શ ફરીથી અનુભવવા તરસ્યા કરશે.
કવયિત્રિ માણસ અને કુદરત વચ્ચે સંબંધ રચી આપે છે, નમ્રતાપૂર્વક જે વાંચનારને પોતાની નિર્બળતા પ્રત્યે વાકેફ કરે છે-નિર્બળતા જે આપણી
સગવડીયા અને કુદરતથી વેગળી સંસ્કૃતિમાં નજરઅંદાજ કરાઈ છે. સર્જક ઘાસ જેવી ગૃહિત વસ્તુનું ઉદાહરણ આપી જીવન, મૃત્યુ કે કુદરતમાં સંવેદના સ્થાપિ કુદરતી વિશ્વમાં આપણી હયાતીનું પ્રબળ પોત વણે છે,સૌંદર્યપ્રચૂર કુદરત અને માણસ હોવાની મૂળગામી આવશ્યકતા, જેને આપણે અવગણ્યા છે તેને સાંધી આપે છે ભાષાથી. સર્જક અહીં જીવનની સંદિગ્ધતાને,એની વેદના સહિત, અવલોકે છે છ્તાં પ્રશંસા પાત્ર બની રહે છે.ધૃતિ મોદી સ્પ્ષ્ટતઃ હિંદુ framworkમાંથી બોલે છે જેમ મેરી ઑલિવર
christian framworkમાંથી બોલે છે.ધૃતિબેન પણ એવું કહેતા સંભળાય છે કેઃ my work is loving the world.
આપણા વેદો, વ્યાખ્યાનો, તર્કશાસ્ત્રો સતત આપણને એમના ડાહપણથી વલોવ્યા કરે છે, પણ એક કવિ એવું જ કે એના જેવું જ કે એટલું જ આપણને ક્યારેક બર-પંદર પંક્તિમાં કહી જાય છે. કવિતાની દરેક પંક્તિ
અનેક વ્યાખ્યાઓ કે જ્ઞાનને પોતામાં ઘનિભૂત કરી આપણી સમક્ષ આવે છેઃ
કવિતાના એ શબ્દનું હર હમેશ સ્વાગત છે મારા જીવનમાં-અસ્તુ.
૯-૨૫-૨૦૧૦


વિપિન પરીખઃઆપણી ગોપિત વાસ્તવિક વેદના શોધી આપતો કવિ

નવેમ્બર 12, 2010

એક

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો બસ કન્સક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો
ટેક્સી ડ્રાઈવરથી પણ હડધૂત થનારો
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો
એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થથરનારો.
ભોળો, મિનિસ્ટરના લિસ્સા લિસ્સા ભાષણોને સાચ્ચાં માનનારો…
ને વળી તાળી પણ પાડનારો
ચૂંટણી વખતે જોર જોરથી ‘જય હિન્દ’ બોલનારો
બધું ભૂલી જનારો, ગળી જનારો
કચડાયેલો
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક…
– વિપિન પરીખ
જેમના આત્માને સમસ્ત ગુજરાતી વિશ્વએ શાંતિ ઇચ્છી છે તે સ્વ. કવિ વિપિન પરીખ માણસની અશાંતિનું આ કાવ્ય આપણને આપી ગયા છે.પાષાણયુગમાં વિચરતા ‘આ’ પ્રાણીએ હથિયાર ઘડીસંસ્કૃતિ રચિ ત્યારથી એની મથામણ શરૂ થઈ અને સંદિગ્ધ્તા વધું ને વધું ઘનિભૂત થ્તી ગઈ.આગળ જતાં આ સાંસ્કૃતિક વિકાસમાં એણે માણસ હોવાનો રકાસ અનુભવ્યો, જેને તત્વચિંતકોએ ‘ડિહ્યુમનાઈઝેશન’ સંજ્ઞા આપી.માણસ હોવાં છતાં માણસ ન હોવાની અનુભૂતિ અને ઉદભવેલી એ પરિસ્થિતિ, આ કાવ્યનો મૂળ ધ્વનિ છે.સતત બદલાયા કર્તા માણસ( માટે )ની કવિતા, એને ભાષા પણ પરિવર્તન પામ્યા જ કરે છે.દરેક કવિતા એની ભાષામાં માણસનો ‘ અનુવાદ’ કર્યા જ કરે છે અને આપણે આશ્ચર્યચકિત વિચારીએ છીએ કે આવું બધું શબ્દમાં શક્ય છે !
વિપિનભાઈએ આપણી ગોપિત વાસ્તવિકતાને એમનાં ટૂંકા વાક્યાભિગમથી અને ઘેરીવળેલી ઓળાત્મક હાજરીથી એમનો કાવ્ય પ્રદેશ તૈયાર કરે છે. નિખાલસ વાક્યોથી-વાણીથી-કાવ્યધ્વનિને પ્રબળ બનાવે છે.આ ટૂંકા વાક્યોમાં પ્રવાહ છે અને દરેક વાક્ય સંપૂર્ણ ચિત્ર છે.કાવ્યની પ્રથમ પંક્તિ ‘આ સામન્ય માણસ ‘ એક માણસને, એની સામાન્યતા – જેમાં કશું વિષેશ નથી કે અસામાન્ય નથી -સાથે આપણી સમક્ષ ખડો કરી દે છે. ‘ આ ‘ શબ્દથી તેઓ માણસને ચીંધે છે અને એની પ્રત્યક્ષતાને ઉપસાવી આપે છે. તો બીજા વાકયથી એની સ્થળ સાપેક્ષતા પ્રસ્થાપિત કરી એને સ્થાનિક પાસ આપે છે.’સાંઠ કરોડમાંનો એક-‘ કહી માણસને નોખો તારવી આપે છે. એની ઓળખ કરાવે છે.હિન્દુસ્તાનનો કહી એને પોતાનો કહે છે અથવા પોતાના જેવા અનેકમાંનો એક કહ્યો.પહેલી બે નાની પંક્તિઓથી માણસ ઘરોબાવાળો છે તે માંડી આપે છે.
ત્રીજી પંક્તિથી ચૌદમી પંક્તિ હયાતીની વ્યથા, વેદના અને માણસ થવાના પ્રયત્નની નિષ્ફળતાને ઉકેલે છે, જે ઘરથી માંડી ગલીઓ સુધી, જે ખાનગી લાગણીથીમાંડી જાહેર પ્રવૃત્તિ સુધી વિસ્તરે છે અને ઓથાર જેવાં શબ્દો સંભળાય છે.આ એવા સમયની વાતો – કે પરિભાષા ! – છે જ્યાં માનવ નિયતિનો અર્થ એની યાંત્રિકતા કે રાજકિય સંદર્ભમાં અર્થસભર થાય છે. કદાચ આપણું જીવવું કે જીવન પધ્ધતિ જ વિકાસશિલતાનું મેટાફર તો નથીને ! આ બાર પંક્તિઓ – ૩થી ૧૪સુધી -એ સ્થિતિ -( કે દૂર્દશા ! ) છે જ્યાં માણસ એની રોજિંદી સામાન્ય જરૂરિયાતઓમાં સપડાયેલો છે અને એ જરૂરિયાતો જ કદાચ એનો dark time છે. તદઉપરાંત એ પંક્તિઓ આપણી સમાજવ્યવસ્થાનું પ્રતિબિંબ છે. આપણૅ આપણા એકમેકને કેટલા ધિક્કરીએ છીએ તેનું એ એકોર્ડિયન છે,સરગમ છે. દરેક કવિનું એ કર્મ છે કે એના જીવાતા વિશ્વના પરિવર્તનના સાતત્યને કે એની સાંપ્રતતા- જે એનો તત્કાલ ઇતિહાસ પણ છે -ને શોધે, અનુભવે આહવાન આપે અને સંતાયેલી વાસ્તવિકતાને વિશ્વ સમક્ષ અભિવ્યકત કરે.
વર્ષોથી કવિ, વિવેચક કે તત્વચિંતક દરેક જણ કાવ્ય વિષે વાત કરે ત્યારે કાવ્ય ભાષા માટે વિષેશપણે ચર્ચા કરે છે. વિપિનભાઈના કાવ્યઓમાં ભાષા સરળપણે તિર્યક છે, નિખાલસપણે આખાબોલી છે-‘ કરોડરજ્જુ વિનાનો….તાળી પણ પાડનારો.’ અને પેલું માર્મિક હાસ્ય-‘ ચૂટણી વખતે જોર જોરથી ‘ જય હિંદ ‘ બોલનારો..’આવાં કાવ્યો કે એની ભાષા સાર્વજનિક બાબતોની સર્જનાત્મ્કતા છે.
આ ભાષા did you know ? પ્રશ્નમાંથી ઉદભવેલી છે, વિપિનભાઈ એ જ પ્રશ્ન આ કાવ્યમાં પૂછે છે, તમે જાણો છો ! કશું આ સામાન્ય માણસ વિશે ?
કવિ રાજકારણની અત્યુક્તિભરી કે આડંબરી ભાષાને કવિતાની એવી ભાષામાં ફેરવી નાખે છે. વિપિનભાઈ જેવાં કવિઓની દરેક કૃતિમાં અથવા એમની ભાષામાં; poetry has concretized the language of dismaal. ગુજરાતી ભાષામાં ‘ ર ‘ ચાર અર્ધ સ્વરોમાંનો એક છે જેમાં આપણી ઊણપ સતત રણક્યા કરે છે અને આપણી અધૂરી પૂર્ણતા કાવ્યમાં મોટા ભાગના વાક્યાંતે, એ , અર્ધસ્વરમાં અટકે છે- ‘ રો ‘માં. ‘ર’માં ઉમેરાયેલો ઓ વારંવાર આવતાં ઓહ જેવા નાદમાં સંભળાય છે અને વેદનાના પડઘા મૂકી જાય છે.
સમસ્ત કાવ્ય વાંચતા એવું લાગે છે કે કવિ એક લીસ્ટ મૂકી આપે છે અથવા એક જ માણસની અનેક સ્વરૂપસ્થિતિ ગણાવે છે અને પ્રશ્ન પૂછે છે ચીધીને કે આ સામાન્ય માણસ કેવો છે ? આ વિશ્વની મોટમાં મોટી લોકશાહીનો કરોડરજ્જુ વગર્નો માણસ શું છે ? આ સ્વરૂપસ્થિતિવાળા માણસ પ્રત્યે સહનુભૂતિ કેળવી એને ‘ કચડાયેલો ‘ કહી નાખે છે અને માણસને અનાકાર તરીકે ઓળખાવે છે,જેમ કચડાયેલી વસ્તુ આકારહીન થઈ જાય છે,કવિ વ્યથિત છે અને અચાનક કચડાયેલો કહ્યા પછી આવતો ‘ પણ ‘ શબ્દ decentralized થયેલી અભિવ્યક્તિને કેન્દ્ર તરફ પાછી મોકલી આપે છે.
આટઆટલું થયા પછી પણ માણસ હસતા ચહેરે ઉઠે તે માટે કવિને વિસ્મય થયું હશે ! વાક્યાંતે આવતો ‘ ઉઠનારો ‘શબ્દ કવિને સ્વયંને પ્રશ્ન પૂછે છે, આવું શક્ય હોઈ શકે ? જવાબમાં કવિ કહી દે છેઃ હું પણ તેમાંનો જ – એક…., જ પછી આવતી આડી લીટી ખચકાટ છે , કદાચ સંવેદનનું અટકવું
છે, કવિ કશું સ્વીકારવા તૈયાર, તત્પર નથી અને એ બધું નેવે મૂકી ‘ એક ‘
શબ્દથી પેલા સાંઠ કરોડ સાથે પોતાને સાકળી દે છે, હું આ બધાંથી જૂદો ?!
સામાન્ય માણસ માટે સામાન્ય ભાષામાં લખાયેલું આ કાવ્ય અને એનો કવિ
આપણી ગોપિત વાસ્તવિક વેદના શોધી આપે છે.વિપિનભાઈ તમે વિલિયમબ્લેકનું ૧૯૭૪માં લખાયેલું કાવ્ય ” લંડન ” યાદ કરાવી ગયાઃ
and mark in every face i meet
marks of weakness, mark of woe….આભાર.
આસ્વાદઃ૧૧-૧-૨૦૧૦


ભુવાની ગઝલ: એક આસ્વાદ

નવેમ્બર 7, 2010

જોતજોતામાં વિધિના લેખને ટાળી દઉં,
જો મિલાવું હું નજર તો કાળજું કાઢી લઉં.

મેં ભટકતી વંતરીને વશ કરી છે આ વખત,
માંગ માંગ એ બધું લે અબઘડી આલી દઉં.

ધખધખાવી છે ધૂણી ॐ क्लीं ॐ कट બોલ તું,
ખોળિયામાં જીવને પાછો ફરી ઘાલી દઉં.

એક લીંબુ એક મરચું મુઠ મારી છે તને,
હું ભણી મંતર પછીથી ચોતરે વાળી દઉં.

એક બકરું સાત તેતર પાંચ ઘૂવડ લાવજે,
તુ કહે તો નામ આનું હું ગઝલ પાડી દઉં.

બ્રિજ પાઠક,વડોદરા.pathakbrij_hr@yahoo.co.in;

જીવન વ્યવસ્થા છે કે જીવવું વ્યવસ્થા છે !જીવાતા જીવનને ગતિમય રાખવા આપણે શું શું નથી કરતા-જેને મથામણ કહીએ છીએ, અથવા સારા નરસાનો ભેદ.સંસ્કૃતિના વિકાસ સાથે માણસ વેપારી સભ્યતાથી જીવતા શીખ્યો છ્તાં પોતાનો ભૂતકાળ ભૂલ્યો નથી. સંસ્કૃતિની આધૂનિકતા સાથે જ્ઞાનનો વિસ્તાર થયો, મનોવૈજ્ઞાનિકોનો સાક્ષાત્કાર થયો. અસ્તિત્વ અમળાયું. આપણી આવી સદ્યતનતાએ આકાર ધર્યો છતાં માનવ મનમાંથી જૂનવાણી પણું લુપ્ત થયું નથી. આજે પણ અમેરિકા હાલોવિન નાઈટ ઉજવે છે. કહેવાય સર્વસંત દિન સંધ્યા પણ ઉજવાય ભૂતોના કપડાં પહેરી! અને વળી અમેરિકામાંતો એ કેન્ડી-ચોકલૅટનો મોટામાં મોટો (વેપારી)દિન કે અઠવાડીયું ગણાય છે.અહીં મેસેચ્યુસેટ રાજ્યના સેલમ ગામે ૧૬૯૨માં ૧૯ જાદુટોણા કરતી સ્ત્રીઓને, આરોપ મૂકી બાળીનંખાઈ હતી, એટલું જ નહીં તે જમાનામાં ડાબા હથે લખનારા પણ ચૂડેલ ગણાતા હતા અને તેવાય કેટલાંક હણી નંખાયા હતાં. રંગભેદ નીતિનું પરિણામ હતું કે સુઝની ઊણપનું? ઉપરાંત આ જે આપણે એને ‘માણસની ગંભીર ભૂલ’ તરીકે ઓળખાવીએ છીએ.આપણી માણસ હોવાની ‘સંસ્મૃતિ’આવી અઢળક ગંભીર ભૂલોથી ઠાંસીઠાંસી ભરેલી છે.
કવિ આપણી આવી દંભી વિટંબણાથી વ્યથિત છે.આપણી પાખંડી ભાષા કે ટંકાર તો જૂઓ,–જોતજોતામાં વિધિના લેખને ટળી દઉં,” આત્મ મશ્કરી! દૈવી ધાર્મિકતાથી દબાવી દેવાયેલો માણસ પોતાની દયનીયતા સામે માથૂં ઊંચકવા હમેશા પ્રયત્નશીલ રહ્યો છે કારણ એ ક્યાંય કોઈ અસંતોષથી પીડાતો રહ્યો છે. પોતે જ શ્રધ્ધા ઊભી કરે છે અને પોતેજ ખંડિત કરે છે.કવિ માણસ માટે ભાષા છે, અને આ કિંકર્તવ્યમૂઢતા અને મૌનનો તથા આપણા પરિવર્તન વિશે મનોમંથન કરતો કવિ પણ છે, જે પરિવર્તન કાંતો આપણી વાસ્તવિકતા વિષયક જ્ઞાનને દ્ર્ઢ કરે છે અથવા નુકશાન પહોંચાડી માણસજાતને અપૂર્ણ રાખે છે, તેથી જ સાનિધ્ય અસહ્ય વ્રણ છે–જો મિલાવું હું નજર તો કાળજું કાઢી લઉં.”
ગઝલ ક્ષેત્રે તદ્દન કોરો વિષય લઈ આવતું આ કાવ્ય અને કવિ ભાષાગત મિજાજ માટે આસ્વાદ્ય છે.વાક્ય રચનાઓ બોલકણી અને ગતિશીલ છેઃઆ આખેટ ભાષા છે,
હિંદુ સંસ્કૃતિગત વારસાના અનુરાગે ભારોભાર.આ એ નશ્વરતાની ભાષા છે જે આપણને આપણાથી એના તત્વજ્ઞાન કે આપણા મન સાથે વિચારી અંતર કેળવે છે, જેનું ધ્યેય અનસ્તિત્વ કે નગણ્યતા પ્રાપ્ત કરવાનું છે.તત્વ જ્ઞાન એ દૃષ્ટિએ કે આપણી અને સમય વચ્ચે જે જોડાણ છે તેને તોડવા મથે છે. આ વિભાવના કાંતો પૌર્વાત્ય છે અથવા પૂર્વ-સોક્રેટીસ છે-જે દેખીતા વિરોધાભાસના તર્કનીનહીં;સ્વક્ની નહીં, અસ્વકની.જે સંતાયેલું છે એ કેવળ ભૂંસાઈ ગયેલું હોય તેને જ વ્યક્ત કરે છે.
ગઝલમાં અભિવ્યક્તિ- ॐ क्लीं ॐ कट ,અને બીજાં પદાર્થો-મરચાં,લીંબુ, બકરાં તેતર વગેરે ભેગાં થઈ એક સજ્જડ સંવેદના રચી આપે છે. આ સંવેદન પ્રક્રિયા અંતે તો હિંસામાં પરિણમે છે, આ હિંસા શબ્દ સ્વરૂપ કે વાક્ય સ્વરૂપમાંથી ઉદભવે છે.-ખોળિયામાં જીવને પાછો ફરી ઘાલી દઉં.” અને ખરેખરતો પેલા બકરામાંથી જીવ બહાર દદડી પડૅ છે! અહિંસા પરમો ધર્મ; માણસ ખરેખર જુઠ્ઠુ બોલી શકે છે!-કવિતા કેવળ સામીપ્ય રચી આપે છે, સંદર્ભ સાંકળી આપે છે. એટલેતો ભાષા અહીં ભ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. ભષા સ્વયં અહીં subject છે,ઔપચારિક પરિણામકારકતા નથી. દરેક વાક્ય નિશ્ચિત સ્વરૂપે અને ભારથી ઘડેલાં છે-એક લીંબુ એક મરચું…ચોતરે વાળી દઉં.”
આ કૃતિની અંતિમ પંક્તિ વરડુ છે.વરણાગી છે.આપણી પારંપરિક હયાતિનો હ્રાસ એમાં અભિવ્યક્ત છે.ખૂમારી ભરેલી ભાષા, અતિશય વિશ્વાસ ભરેલાં શબ્દો, અંતે તો એક કલકૃતિ છે અને તે પણ બંધન યુક્ત-in every nuance of grammar.
ક્યારેક કૃતિ ચેતના શક્તિથી પ્રાપ્ત કરવી અઘરી હોવા છ્તાં કવિતાના આવા વળાંક ઊંડા (ગૂઢ) પ્રતિકાત્મક ગ્રહણશક્તિને સ્તરે ‘ઉચિતતા’ની લાગણી આપી જાય છે અને એ કામ દરેક કાવ્ય એના નાદ અને શબ્દ પસંદગીની નિશ્ચિતતાના સૌદર્યથી-સીમાંકન અથવા સિમોલ્લંઘનથી કરે છે.

ભુવાની ગઝલ પોતાના મનોદેવતાને પૂછી ચાલનાર શુધ્ધ દાનતના હ્રાસનું કાવ્ય છે.

આસ્વાદઃ- હિમાશુ પટેલ,૨૦૧૦