ઘરઝૂરાપો ( સુધારેલી આવૃત્તિ)

જુલાઇ 23, 2010

છેવટે હું પાછો ફર્યો
મારા સૂર્યથી બળી ગયેલા
ગામડે.
મારી ગેરહાજરીમાં ઉપેક્ષિત,
અહીં દળમાં ચંપાયા હતાં સ્લિપર
અને પડખે ઊભેલી તમાકુ,
ત્યાં નજીકમાં બાળ્યા હતાં બધાંને,
ત્યાં જ ટૂંટિયુ વાળી બેઠો હતો
બીડી મોઢામાં પકડી રાખી
( ટાઢ બળતી હતી બીડીમાં )
અને ખાલી થઈ હતી વાતો સોડાતી,
અને છેલ્લી વાર ખરી હતી લાળ બીડી પાછળથી,
રખડતું કુતરુ ડોકિયું કરી જતું રહ્યું.
હું અહીં જ ફરીથી મરી જઈશ
પૂર્વજો જેવું-
તમાકુમાં વેરી દેજો મારી રાખ,
અને ફરીથી મારી બીડી વાળી પી જજો…


વેગળાપણું

જુલાઇ 21, 2010

રસ્તા પર ખૂણામાં
લાલભીંતે અઢેલી
છાંયડામાં ઉભો ઉભો
ભીંત ખોતર્યા કરું છું.
થોડો વખત પછી જોયું
ભૂક્કો ઈંટ ઢગલીમાં
નીચે બેઠી’તી.
આંગળીએ નખ લાલ થઈ ગયો હતો.
ઢગલી,
પગ મૂકી ઘસી
રસ્તા પર લાંબો લીસોટો તણાયો.
અને તડકો મારા પર આવતા
ત્યાંથી ચાલી નીકળ્યો.
૨૦-૧૧-૧૯૭૫


કોઇ અન્ય વિશે લખે છે (અસ્વાદ-અનુવાદ)

જુલાઇ 17, 2010

સંપૂર્ણ પણે મારું પોતાનું તો
કશું નથી.

મારા મા-બાપે પણ
કશું અનુલ્લેખ રાખ્યું હતું
નાનકડા વાવંટોળમાં
ઊગતા સૂર્ય કિરણોના
ચળકતા સપાટા હેઠળ.

અને અમારી વચ્ચે
લોહીના સંબંધો અને તારાઓ સિવાય કશુંય નથી
જે અમને અન-અંત સપડાવી
મિશ્રક સમ
એના ભરડામાં લે છે.

Someone writes about another

I have nothing whole
of my own.

Even my parents
in a way silence something
in small vortices of air
under bladestrokes
of suns rising to shine.

And between us there is nothing but
a great cycle of blood and stars
that traps us without end
in its turning, like a
blender.

Shimon Adaf
(Israel, 1972)
અદાફથી અન્ય સુધી…એક કાવ્ય અભિપ્રાય
ઇઝરાયલના યુવા કવિઓમાં છેલ્લા દશ વર્ષમાં જેનું નામ સર્જનક્ષેત્રે પ્રતિભા સંપન્ન  સર્જક સ્વરૂપે ચર્ચાયું છે, તે શિમોન અદાફ સીધું પોતાને વિશે, પોતાના મા બાપ વિશે અને જે શહેરમાંથી તે આવ્યો છે તે ના વિશે, નિખાલસતા પૂર્વક લખે છે, એમાં કોઈ છોછ
નથી.૬૦ના દાયકામાં ઉદભવેલું કન્ફેશનાલીઝમ યાદ કરાવે છે.કાવ્યની પ્રથમ પંક્તિની એ નિખાલસતા-સંપૂર્ણ પણે મારું તો / કશું જ નથી-. આ મટીરીઆલિસ્ટિક વિશ્વમાં જ્યારે કવિ આવું વિધાન કરે ત્યારે વાંચનારના મનમાં તરત પ્રશ્ન અને અચરજ બન્નેવ ઉપસાવે છે , શા માટે એનું પોતાનું કશું નથી? કે શા માટે એનું ઉપાર્જીત હવા છતાં એનું કશું નથી? તો પછી એની પાસે છે શું? એનું પોતાનું કહેવા ! અને કવિ છે તેથી આ “”સંપૂર્ણપણે” છે , તે શું છે? આ વિટંબણા માણસ માત્રની છે, અને જન્મજાત છેઃ શિમોન
અદાફે લખ્યું છે તેવું જ પણ જૂદા શબ્દમાં લગભગ સવાસો વર્ષ પહેલાં અન્ય હિબ્રુ કવિ, શોલ ચેરનીકૉવસ્કીઍ લખ્યું હતું “મારૂ પોતાનું કહેવા મારી પાસે કશું જ નથી “આ કે આવી અભિવ્યક્તિ હિબ્રુ કાવ્ય્ની એકલાની કાવ્યબાની નથી. બીજે ક્યાંક થીયોડેર ઍંગ્લોપૌલાસ -ફિલ્મ દિગદર્શકે એના ” હું મુલાકાતિ છું” કાવ્યમાં લખે છેઃ
હમેશા કોઇક તો હશે જ
કહેવા કે
આ મારું છે.
હું-મારી પાસે મારું પોતાનું કશુંય નથી
મેં એક વખત તોછડાઇ પૂર્વક કહ્યું હતું.
હવે મને સમજાયું કે કશું નહી અર્થાત
કશું નહી.
કે તમારું નામ પણ પોતાનું નથી.
અને અવારનવાર તમારે એક ઉછીતું લેવું પડે.
અદાફ કેવળ પોતાને વિશે જ નહીં, મા-બાપ વિશે પણ, પોતાને વિશે કહે છે તેવું જ એક વાક્યમાં કહી દે છેઃ અનુલ્લેખ રાખ્યું હતું …” આ ચૂપકીદી તો પરંપરાથી ચાલી આવતી અનૂભૂતિ છે. આ જડવાદ અને આધ્યાત્મિક મૂલ્યો વચ્ચેનો વિગ્રહ છે, તે સ્થિતિ તરફ નિર્દેશ કરતી ભાષા છે. કદાચ  આપણને એટલે જ કહેવાયું છે-ત્યેન ત્યક્તેન ભૂંજીથા.
બીજી તરફ કદાચ આવિ સ્થિતિ એવા મા-બાપ માટે પણ ઉદભવે છે, જે સ્થળાંતર કરે છે.અને એમની માતૃભાષાથી દૂર જતા રહે છે, જ્યારે સ્વભાષા સીવાય બીજી ભાષામાં વિચારવું સહેલું નથી રહેતું. એવી પરિસ્થિતમાં અભિવ્યક્ત કરવાની શક્તિ હણાઇ જાય છે, અને કેવળ ચૂપકીદી અથડાય છે. કે પછી આવનારી પેઢી વિશે કહેવા એમની પાસે ભાષા નથી? કે બીજા પ્રદેશમાં પગ મૂકતા જ અનઅભિવ્ય્ક્તિ એમનો માનવસ્વભાવ થઈ જાય છે?  એટલે કશું અનુલ્લેખ રહી અથવા થઈ ગયું હતું ! યેનકેન શબ્દોની ગેરહાજરી માં આપણે ગુપ્તતામાં નિર્વાસિત થઈએ છીએ. કવિના મા-બાપની હાજરી કેવળ એકાકી નથી, એને કવિનું હોવું મા-બાપ ઉજ્જડ નથી એટલું જ સૂચવે છે. શું ભાષા પણ આપણા માટે આવું કર્મ કરે છે ? ઉપનિષદ કારે ત્યાગ કરી ભોગવ કહ્યું ત્યારે શું અભિપ્રેત હતું?આપણે કેટલું છોડી દેવું પડશે, કોઇ આપણી પાસે સાવ અલ્પ કે અપૂર્ણ છેતેનો અનાદર કરે તે પહેલા !! ગીતામાં કહ્યું છે “ઉપાય વગરના વિષયનો શોક ના કરીશ “
અદાફ પણ  આ કાવ્યમાં એક વિધાન એવું કરે છે,” લોહીના સંબંધો અને તારાઓ સિવાય કશું ય નથી.”  આપણે આ ઉપાય વગરના સંબંધ કે જટિલ વ્યવસ્થા, જે શરૂમાં અવ્યક્ત  છે, મધ્ય્માં વ્યક્ત છે ( ! ), અંતે ફરી અવ્યક્ત થઈ જાય છે, અર્થાત એમાં પૂર્ણતાનો અભાવ છે, તેના જ એક ભાગ છીએ આપણે, અને આ બધું આ રીતે જ રહેશે. ઇશ્વરે આ વિષયો પ્રત્યે ચિંતામય કે શોકાતૂર ન થવું એવું જણાવ્યું ત્યારે પ્રશ્ન થાય કે  આ -પૂર્ણતા- ઇશ્વર માટે ( અને મા-બાપ માટે પણ !) અલાયદી રાખવી ?જે જાણે છે કે એનું શું કરવું. તો પછી માણસે શું કરવું? અસહાય અને અજ્ઞાત ! કે આ વિટંબણામાં પેલા મિશ્રકમાં બધું
ભરડાય તેમ ભરડાતા માણસે !કવિતો એટલું જ કહે છે કવિતા વાંચો અને વિચારમાં ચક્કર કાપ્યા કરો ! કે પછી અમેરિકન કવયિત્રિ લુઇસ ગ્લિક એના ” પરિવર્તનશીલ વિશ્વ” ( મ્યુટેબલ અર્થ) કાવ્યમાં કહે છે તેમ-
મે મને કહ્યું
મારી પાસે કશું ન હોય
તો વિશ્વ મને સ્પર્શી શકશે નહીં
…કશું ન હતું મારું
અને છતાં હું પરિવર્તિત.
માણસ હોવું એટલે જ અસહાય અન્યતર, તો પછી અસ્તિત્વ કેવી રીતે સત્વ પહેલાં ?
may-2009


બે કાવ્ય

જુલાઇ 14, 2010

૧)
થોડી પળો
તારા ફોટામાં
ટગર ટગર તાકી રહું છું,
તારી આંખો મારા ચહેરામાં–
થોડીવાર પછી
અચાનક મને ભાન થાય છે
તારા ફોટામાંથી તું અને હું
મને જોયા કરીએ છીએ..

અનુવાદઃ-
I gaze at your picture
for a few moments,
your eyes in my face–
after a while
suddenly realizing
you and I
are starring in me.
7-8-2010

૨)
ફોટામાં
તું હજું શરમાળ છું.
બારી વૃક્ષ પહેરી ઉભી છે.
કોફીમાં કોકરવાયો તડકો ગળું છું,
બારીમાંથી આઘે
શિખરબધ્ધતા પવનમાં ટકી રહી છે,
બળી ગયેલી બ્રેડથી
પક્ષીઓ આપણને, તડકાને, પોલા ઓરડાને
અહીં ટ્યુબલાઈટ હેઠળ
વેરાયેલા તારા પડછાયાને
પડતા મૂકી ઉડી ગયાં;
કેવળ હું તારા મૃત્યુમાં સલ્લ સાંધો…
૭-૦૯-૨૦૧૦


ફ્લેટ કાવ્ય-૨

જુલાઇ 9, 2010

તમે
દરવાજો ધકેલો
ઘર
ખૂલી જાય
એને એક ખૂણે
ઉધઈ લાગી હતી
તેથી ખવાઈ ગયો છે
દરવાજો
બંધ હોય
ત્યારે
વાંકો વળી
એક નજર નાખું
ઘર
ખૂલી જાય….
૨૦-૧૧-૧૯૭૫


concrete poetry

જુલાઇ 6, 2010


ફ્લેટ કાવ્ય-૧

જુલાઇ 4, 2010

કાચ પર
ધૂળ ચોટી હતી
મેં
આંગળી વડે
એક
લીટો દોર્યો
રસ્તા પર જતી એક છોકરી
ઝાંખી દેખાઈ
તરત જ આખો કાચ
પંજો ઘસી સાફ કરી
જોયું
એ ત્યાં ન હતી
મે ખસી
બીજા કાચ પર લીટો તાંણ્યો
એ દેખાઈ
મેં જોયા કરી ઝાંખી ઝાંખી
૩૦-૧-૧૯૭૪

ફ્લેટ કાવ્ય એક સંપૂર્ણ ચિત્ર છે,જ્યાંથી લાગણીની હાકલપટ્ટી કરવામાં આવે છે.દરેક પંક્તિ એક પૂર્ણ ક્રિયા છે, જે અનેક ચત્રો સર્જે છે.આવાં કાવ્યોમાં મૂળભૂત કલ્પન(primitive idea)ને તેના મૂળ સ્વરૂપમાં વિકસાવી કશો પણ ઓપ ચઢાવ્યા વગર અનુભવી શકાય છે.
અહીં વાસ્તવિકતાના દરેક વલણોનો સંકેત છે પણ તે હયાતીની આવશ્યક સમજણમાં ભંગ નથી.આધૂનિક પરિભાષામાં પ્રત્યક્ષતા કે ઈન્દ્રિયગમ્યતા છે.અવાં કાવ્ય આપણી તાત્કાલિકતાને,અહીંપણાને વળગી રહે છે જેના દ્વારા ભવિષ્ય ભૂતકાળમાં હડસેલાય છે.
આપણો ભૂતકાળ જ અંતિમ અમૂર્તતા છે, ઇશ્વર જેવી-જે પોતાના આત્મસ્વરૂપને લૌકિક વાસ્તવિકતામાં (material reality ) અભિવ્યક્ત નથી કરતો, છતાં તે છે. ટૂંકમાં અર્થભાર વગર સત્ય નથી, તે રીતે જ હયાતીના લૌકિક સ્વરૂપ વગર અર્થભાર નથી જેની સામે કે સાથે
આપણે અમૂર્ત ખયાલોને તાગવાના છે.
આ અને બીજી, concrete poetryના પ્રયોગો મેં૧૯૮૦ના દાયકામાં કર્યા હતા.ફ્લેટ કાવ્યની નોંધ કવિ-વિવેચક યશવંત ત્રિવેદીએ એમના વિવેચન સંગ્રહમાં અથવા મહાનિંબંધમાં લીધી છે.