સૂરજ ધોળે દહાડેઃ આસ્વાદ

સૂરજ ધોળે દહાડે છતમાં છીંડું પાડે !
હમણાં હમણાં ફાટીને ગયો છે ધુમાડે !

ચશ્માં પહેરો, છત્રી ઓઢો, શું ફેર પડે ?
પાણીનું પાણી ઊતારી, આગ લગાડે !

લાગ પડે એ એવી ઝાલી લે છે બોચી,
ત્યારે પડછાયો પણ કૈં આવે નહિ આડે !

ભાગી ભાગી બહુ તો એ.સી. રૂમમાં બેસો,
ત્યાંય તમારા મનમાં પેસી એ રંજાડે !

ગીત જવાદો, ટહુકો પણ શોધ્યો ના જડતો,
એવો મારે છે છાપો એ ઝાડે ઝાડે !

આખો દિ’ સૂબો થઈ સૌને નાચ નચાવે,
રાત પડે શાને કોઠીમાં મોં સંતાડે ?

ખખડાવી થાકે ને દ્વાર છતાં ના ઊઘડે,
સૂરજ ધોળે દહાડે છતમાં છીંડું પાડે !

-સુધીર પટેલ

જીવવાની અદભૂત કળા એટલે એક પાસામાંથી બીજા પાસામાં ગોઠવાઈ ત્યાં અકળામણ
અનુભવવી તે.માણસ હોવું એટલેજ અધુરાપણુ, અથવાતો ન ફાવવું તે.આપણું સગવડીયું શારિરીક બંધારણ આપણી માનસિક અવ્યવસ્થા માટે કારણભૂત છે.અસ્તિત્વવાદીઓ કહેછે તેમ આપણે પસંદગીથી જીવીએ છીએ, અથવા આર્થિક પરિભાષામાં કહીએ તો આપણે માંગણીથી જીવીએ છીએ. બીજી રીતે જોઈશું તો આપણે આગ્રહથી હયાત છીએ.આપણી આવી હયાતીમાં સૂર્યનું સ્થાન વિશેષ છે,કારણ સૂર્ય જીવનદાતા છે. આપણું અસ્તિત્વ સૂર્ય પર એટલું જ નભે છે જેટલું વનસ્પતિઆદિનું.પ્રકાશ વગર જીવવું અશક્ય નહિ અઘરું છે.

સૂરજની આ ગઝલ કવિનો અને હયાતિની વૈવિધ્યતાનો એક અનોખો મિજાજ છે. ગામડે રહેઠાણના પાછલા ભાગમાં છાપરી કે છાપરાં ગોઠવી બનાવેલા રસોડામાંથી દેખાતો સૂરજ છાપરી તળેના વ્યક્તિ માટે કાંણું પાડી પ્રવેશેલો છે. અને જેમ પેલો બીલોરી કાચ પેપરમાં
કાંણું પાડે તેમ આ બળબળતી ઉર્જા છતમાં છિદ્ર દ્વારા અણીયાળા સળીયા સમ આવી અથડાય છે, અને-ધોળે દહાડે-કહેલા, પેલા ધોળે દહાડે આવતા લુંટારુઓ જેમ, આપણી
મરજી વિરુધ્ધ જબરદસ્તીથી પ્રવેશે છે.આપણા પર સવાર નૈસર્ગિક શક્તિનો ઉલ્લેખ ખૂબ સહ્જતા અને નિખાલસતાથી શબ્દોમાં સરકી આવે છે.આવા ચિત્ર સામે બીજી પંક્તિમાં ચૂલામાંથી નીકળતો ધૂમાડોઝીણી સેરમાં કે ગોટામાં, જેમાંથી સૂર્ય સંપૂર્ણ નથી દેખાતો અને તદઉપરાંત નીચેથી ઉપર જોતી વ્યક્તિને ફાંટમાંથી કે છિદ્રમાંથી સૂર્ય અંશતઃ દેખાય છે એટલે તો કવિ એને – ફાટેલો- વિભાજીત કહે છે. અને ધૂમાડામાં મૂકેલો સૂર્ય
ગતિમય પણ થઈ જાય છે.પહેલી બે પંક્તિનો સૂર્ય ખૂબજ દ્ર્ષ્ટિક્ષમ છે.( અન્ય આસ્વાદકો
સમ મારે આ બે પંક્તિને આત્મા-પરમાત્માના રુપકો, મૃત્યુ કે ધાર્મિક ક્રિયાઓ સાથે સાંકળવી નથી તેથી એ વાત અહીમ કૌસમાં અધૂરી મૂકું છું, સુધીરભાઈ.)પહેલી બન્ને પંક્તિની ચિત્રાત્મકતા અને મિજાજ ગઝલમાં ઉદભવેલી કાવ્યક્ષમતા છે.- હમણા ફાટીને-માં ચૂલામાંથી તડતડતા કોલસામાં ઉદભવેલો ઉર્જાનો અવાજ તો -છતમાં છીંડું-શબ્દ સ્વરુપે કાગળ પર કાયમી દસ્તાવેજ છે.

બીજો અને ત્રીજો શેર તમે અમદાવાદમાં હોવ તેવો દાહ મૂકી જાય છે.નવી કે જૂની-ચશ્મા કે છત્રી-પધ્ધતિ, ઉનાળામાં કે ઓતરાચિતરા તાપમાં તમને મદદરુપ નથી, કે નથી વૃક્ષનો લીલોતરી ભર્યો કાળો પડછાયો આસ્વાસન રુપ. ગરમીની પકડ -એવી ઝડપી લે છે બોચી-અને એનાથી થતી બળતરા ખાસ કરીને બોચીમાં-કૉલર કે ટાઈથી.
ઉનાળુ અસહિષ્ણુતા આપણા થાકમાં, આપણા નીતરવામાં, અને ચામડીમાં બળતા પાણીથી ઉદભવેલી બળતરા-આપણું ભીનું સુક્કાપણું!!-શું ફેર પડે છે ?-કોને પડી છે માણસ હોવાની અસહિષ્ણુતાની કે અશક્તિની. આપણે એક અને પેલા તેંત્રિસ કરોડ!!
અને એમાંનો એક સૂર્ય, તે પણ કેવો લાગ જોઈ બેઠો હોય જાણે કે, ગરમીથી હિંસકતા આ
– લાગ પડે-શબ્દમાં શિકાર જોઈ છ્લાંગ મારતા સિંહ કે જીવડું જોઈ ગરોળીમાંથી આવતી અતિ ઝડપી જીભ જેવું,ચોટી જાય.આપણું અણજાણ્યાપણું આપણી અશક્તિ કે અસહાયતા છેઃ આપણા હોવાની ઉણપ.

ચોથા શેરમાં આ ભૌતિક વિશ્વના સુખસગવડ આપણને હાંશ નામની શાતા આપે છે, જે
કદાચ છૂટકારો કહેવાય.આપણી અસહિષ્ણુતાની ઉતાવળ તે ” ભાગી ભાગી -આ દીર્ઘ ઈ ની તીવ્રતા!!-છ્તાંએ છૂટકારામાં કે હાંશમાં જેમ ભૂતકાળ કે આંખમાં કણી ખૂંચે તેમ એ ઉર્જા આપણા ચિત્તમાંથી છૂટી નથી પડતી, તો પછી છૂટકારો કેવી રીતે? એટલેતો રંજાડે પછી ” !” છે, તો પાંચમાં શેરમાં વૃક્ષમાં ઘર કરી ગયેલાં પંખીઓ કે એમના નિવાસમાં વ્યાપેલી રિક્તતા અને એમાંથી જન્મેલી જીવાતા લયની તીર્યકતા દેખાય છે.અને સર્જક પણ જાણે એનાથી ખૂશ નથી, એટલે તો પેલો કંટાળો કે માથાકૂટ નથી કરવી તે દાખવતો શબ્દ ” જવાદો” ગીત જેવા મીઠાશ ભરેલા શબ્દ પછી તરત આવી ચડે છે, અને તે પણ
આ સૂર્યની દાદાગીરી જોઈને-એવો મારે છે છાપો ઝાડે ઝાડે”. છઠ્ઠા શેરમાં કવિચિત્ત અક્ળાય છે – આખા દિવસની ઉથલપાથલ પછી જાણેકે સૂર્ય થાકી ગયો હોય અને ચોરની મા કોઠીમાં મોઢુ સંતાડી રડે એવી દશા સૂર્યની હશે! ગામડાના કે શહેરના લોકોની દશા જોઈ અનુકંપા અનુભવતા કવિહ્રુદયમાંથી આ ખૂમારી અભિવ્યક્ત થઈ છે. કદાચ કવિ પોતાની શબ્દ શક્તિનો પરિચય આપે છે! અને એક મા નાનકડા બાળકને શોધતી, બબડતી હોય ” ક્યાં ગયો” એવા નિખાલસ આ શબ્દો અહી સંભળાય છે. છેલ્લા અને સાતમાં શેરમાં ફરીથી પહેલા શેરની સૂર્ય ખૂમારી પાછી ફરે છે. તાપથી બચવા દ્વાર બંધ
રાખી અંદર જીવ્યા કરતા ઘરો મથ્યા કરે છે પણ ઉર્જા પીછો છોડતી નથી. એકધાર્યો
અથડાયા કરતો તડકો જાણે પેલા બીલોરી કાચનું કામ કરે છે અને દરવાજામાં રહેલી ફાંટ શોધી કાઢે છે.પાણી જેવું પાતળુ વહ્યા કરતો તડકો કે ગરમી યેનકેનપ્રવેશે જ છે અને ધોળે દહાડે ધાડ પાડે છે-વિદગ્ધતાની.

સૂર્ય અને એ દ્વારા તડકાનુ કે ઉર્જાનું એક સળંગ ચિત્રણ આ ગઝલનુ આકર્ષણ છે.મોટાભાગે
ગઝલમાં દરેક શેર જૂદા ભાવ વ્યક્ત કરતા હોય છે, પણ એક જ વિષય કે પદાર્થને લગતી ગઝલ ઝટ હાથ લાગતી નથી.( કોઈને એવું કહેવાનું મન હશે કે નજરંમાં લાંબી દોટ મૂકો.)આવું બને ત્યારે કવિતામાં બને તેમ ગઝલ પ્રતિકમય થઈ જાય છે અને અનુભૂતિના કે સંવેદનના એક જ સ્વરુપને ઘનિભૂત આકારમા રજૂ કરે છે,એવું કવિકર્મ અને ભાષાકર્મ અહીં ધ્યાન ખેંચે છે.
નોંધઃ સુધીરભાઈ છેલ્લા શેરમાં ” ખખડાવી થાકે ને દ્વાર “ને બદલે ” થાકે છે દ્વાર “,
વિચારી જુઓ-છંદ તૂટતો નથી.અસ્તુ.
૪-૧૨-૨૦૧૦
હિમાન્શુ પટેલ

17 Responses to સૂરજ ધોળે દહાડેઃ આસ્વાદ

 1. himanshupatel555 કહે છે:

  મિત્રો વાંચો સુધીર પટેલની ગઝનો આસ્વાદ – સુરજ ધોળે દહાડે નો.
  સૂર્ય અને એ દ્વારા તડકાનુ કે ઉર્જાનું એક સળંગ ચિત્રણ આ ગઝલનુ આકર્ષણ છે…
  .પાણી જેવું પાતળુ વહ્યા કરતો તડકો કે ગરમી યેનકેનપ્રવેશે જ છે અને ધોળે દહાડે ધાડ પાડે છે-વિદગ્ધતાની…
  આખા દિવસની ઉથલપાથલ પછી જાણેકે સૂર્ય થાકી ગયો હોય અને ચોરની મા કોઠીમાં મોઢુ સંતાડી રડે એવીદશા સૂર્યની હશે…
  તડકાના આ અને આવાં ચિત્રોથી ભરેલી ગઝલનો અનેરો આસ્વાદ
  @https://himanshupatel555.wordpress.com
  આભાર, હિમાન્શુ

 2. પ્રિય ભાઈશ્રી સુધીરભાઈ

  હમણા ઉનાળાના દિવસો અને પરિયાવરણને લગતી તમારી ગઝલ રચના, દિલને રૂચી, ખૂબજ સુંદર.

  ” સૂરજ ધોળે દહાડે છતમાં છીંડું પાડે !
  હમણાં હમણાં ફાટીને ગયો છે ધુમાડે

  ચશ્માં પહેરો, છત્રી ઓઢો, શું ફેર પડે ?
  પાણીનું પાણી ઊતારી, આગ લગાડે !”

 3. Ramesh Patel કહે છે:

  ગીત જવાદો, ટહુકો પણ શોધ્યો ના જડતો,
  એવો મારે છે છાપો એ ઝાડે ઝાડે !

  આખો દિ’ સૂબો થઈ સૌને નાચ નચાવે,
  રાત પડે શાને કોઠીમાં મોં સંતાડે ?

  ગઝલ રચના ખૂબજ સુંદર.
  Ramesh Patel(Aakashdeep)

 4. Pinki કહે છે:

  જીવવાની અદભૂત કળા એટલે એક પાસામાંથી બીજા પાસામાં ગોઠવાઈ ત્યાં અકળામણ અનુભવવી તે.માણસ હોવું એટલેજ અધુરાપણુ, અથવાતો ન ફાવવું તે. ohhh…. it’s different and nice… and reality !

  વાહ… સાચે જ , હમણાં સૂરજ બૌ ફાટ્યો છે !

  આખો દિ’ સૂબો થઈ સૌને નાચ નચાવે,
  રાત પડે શાને કોઠીમાં મોં સંતાડે ?

  મુસલસલ .. તસ્બી ગઝલ ગમી !

  હિમાંશુ અંકલ, અમદાવાદમાં બહાર ભલે ૪૦ કે ૪૫ ડિગ્રી હોય
  મગજમાં તો ૫૫ ડિગ્રી જ તાપમાન હોય છે.

 5. Pinki કહે છે:

  will enjoy another musalsal gazal on Summer noon

  balabalati bapoorni gazal

  http://webmehfil.com/?p=718

 6. વિવેક ટેલર કહે છે:

  સુંદર ગઝલ અને આસ્વાદ…

 7. પંચમ શુક્લ કહે છે:

  એક અનોખી ચિત્રાત્મક ગઝલનો બ્રોડસ્પેક્ટ્રમ આસ્વાદ- હિમાંશુભાઈની આગવી શૈલીમાં.

 8. pragnaju કહે છે:

  પહેલા માણેલી, નેવુંના દાયકામાં લખાયેલી સુંદર ગઝલ
  પણ આજના આસ્વાદે સાતમો સ્વાદ મણાવ્યો!
  ગીત જવાદો, ટહુકો પણ શોધ્યો ના જડતો,
  એવો મારે છે છાપો એ ઝાડે ઝાડે !
  વાહ્
  જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
  જ્વાળ કને જઈ લ્હાય
  ગતિ જાચી ઝંઝાનિલથી
  એ રૂપ ગગનથી ચ્હાય

 9. KISHOREMODI કહે છે:

  સુંદર ગઝલનો સુંદર અાસ્વાદ

 10. sudhir patel કહે છે:

  હિમાંશુભાઈ, એક મુસલસલ ગઝલને નવા જ પરિમાણથી પિછાણી આગવી શૈલીમાં આસ્વાદ કરાવવા બદલ હાર્દિક આભાર! ગઝલમાં તળપદા શબ્દો અને રૂઢિ-પ્રયોગ દ્વારા રજૂ થયેલી ચિત્રાત્મક અભિવ્યક્તિને આબાદ ઝીલી દર્શાવી છે!
  સુધીર પટેલ.

 11. preetam lakhlani કહે છે:

  I liked only beautiful GAZAL!!!!

 12. દિલીપ મોદી કહે છે:

  પ્રિય હિમાંશુભાઈ,
  કવિમિત્ર શ્રી સુધીર પટેલની એક સ-રસ ગઝલનો તમારી કુશળ કલમ વડે કરવામાં આવેલો આસ્વાદ હું રસપૂર્વક માણી ગયો…ખરેખર મજા પડી !
  આભાર + આનંદ.
  –દિલીપ મોદીનાં સ્નેહવંદન

 13. sneha કહે છે:

  gazal to gami j. pan tame j aaswad karavyo e vadhu gamyo..khub j saras..dhanyvaad.

 14. sneha કહે છે:

  ઉનાળુ અસહિષ્ણુતા આપણા થાકમાં, આપણા નીતરવામાં, અને ચામડીમાં બળતા પાણીથી ઉદભવેલી બળતરા-આપણું ભીનું સુક્કાપણું!!-શું ફેર પડે છે ?-કોને પડી છે માણસ હોવાની અસહિષ્ણુતાની કે અશક્તિની. આપણે એક અને પેલા તેંત્રિસ કરોડ!!
  અને એમાંનો એક સૂર્ય, તે પણ કેવો લાગ જોઈ બેઠો હોય જાણે કે, ગરમીથી હિંસકતા આ
  – લાગ પડે-શબ્દમાં શિકાર જોઈ છ્લાંગ મારતા સિંહ કે જીવડું જોઈ ગરોળીમાંથી આવતી અતિ ઝડપી જીભ જેવું,ચોટી જાય.આપણું અણજાણ્યાપણું આપણી અશક્તિ કે અસહાયતા છેઃ આપણા હોવાની ઉણપ.

  no words…spechless…

 15. […] કામ ન લાગે !   (  હિમાંશુ અંકલે કરેલ આ ગઝલનો રસાસ્વાદ જરુર માણવો ગમશે […]

 16. P Shah કહે છે:

  સુંદર ગઝલનો સચોટ આસ્વાદ !
  બન્નેને અભિનંદન !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: