‘કાંત’ કલા ( સ્વચ્છંદ છંદ )

એપ્રિલ 26, 2010

સોડાવોટર જેવું ફૂલતો સમુદ્ર.
એક હોડી આજ મહારાજ જલ પર ફૂદક્તી,
નગરી જ્યાં યામિની દમકતી વહી આવી,
ભ્રાંતિ વર્ષમાં, વનમહીં અથાક સડતી.

કવિ એક મર્યો. વાંચું લખ્યા છંદ એના
છિન્નવિછિન્ન ચુપકીદી ધસે બારીએથી
કાટ ભરી નાગરિક સદિમાંથી
દામિની શ્વેત નીતરતી ચંદ્રમાંથી.

-પ્રિયે બાષ્પિભૂત થયાં છે સ્વપ્ન સઘળાં?
ઠરી જવાય જૂના લાક્ષાગૃહે, અરીસા ઊભા
મહી સમોપોલા અનાર્ત્ત વા અ-શોક.

ગંઠાયેલા રસમાં વળગી રહ્યું સફરજન છરીએ.
બાકી વધી ગહન રાત્રીએ
આકૃતિ એક સજ્જ્ડ અંગોઅંગ ભીડેલી.
૪-૮-૨૦૧૦


લય

એપ્રિલ 20, 2010

દળમાં રહી ગયાં હતાં પગલાં,
અને પહેલીવાર ખબર પડી
જીવન પગલાં જેટલું નાનું વિશ્વ છે.
પંખી આકાશમાં
પશુ જંગલમાં
પેલી ખીસકોલી દોડી ગઈ હતી મારાં પગલાં પરથી
( જીન્સ પર થીંગડુ થઈ ગયેલી.)
અપેક્ષા કે હીચકીચાટ
ક્યારેય પ્રશ્ન ન હતો.
લાળી આખી રાત રસ્તે દોડતી રહી
મારાં પગલાં વચ્ચેથી–
આટલો સુંવાળો, નિશ્ચિત તીક્ષ્ણ લય
અને પક્ષીઓના વૃક્ષમાં ચોંટી રહેલા ન્હોર
ભય અને સંકોચ
એકજ પધ્ધતિએ મારામાં ધ્રુજ્યાં હતાં.
સુર્યાસ્તે
મારાં પગલાંમાં પાછા ફરી,
મેં ઉઘાડી ઠંડી હવા,
સળગાવી મારી ગરમી,
જે દેખાતું બંધ થઈ ગયું તે વિષે વિચારતાઃ
પેલી ખીસકોલી
એનું નાનકડું વિશ્વ
અને અદ્ર્શ્ય થયેલો લય.
૩-૨-૨૦૧૦


શોક કાવ્ય

એપ્રિલ 12, 2010

ગામ આખું રવિવાર હતું.
તમે, તમારી બારી,સીગરેટ, બધું બહાર જુએ છે,
બારી સાથે ખીચોખીચ આકાશ જડ્યું વૃક્ષ,
અને રવાલ છોકરામાં સરકતો ફૂટપાથ.

ઉનાળુ સંધ્યાકાળ
ખેતર પાર ટ્રેનમાં ખખડતો તણાયા કરે,
કોરાં ખાબોચિયાં મચ્છરની ઉદાસી ભરેલાં
અરવ પતંગિયાં મારા નાદ વિશે મશ્કરી કરે,
ઘંટારવ આવી મધ ચોરી જાય,
મારા ગામમાં પૂલ બાંધ્યો છે !
અને ટ્રેકટરો ધૂળમાં તરે
લાળી પર ઉતરેલા છી્છરા અંધકારમાં
બોંબમારાથી તૂટી પડેલું ઘર
કટાયેલી કેળો પાછળ અવિરત ઉભું છેઃ

ગઈકાલે રાત્રે
મને એક પૌરાણિક લેન્ડસ્કેપ જડી આવ્યું.
૪-૦૯-૨૦૧૦


ઘરઝૂરાપો

એપ્રિલ 9, 2010

આ મારું તડકે સાંધ્યુ,
દળ દાઝ્યું ગામ.
જ્યાં ડાઘુઓ
રસ્તાને શેઢે ઉભડક બેસી રહે,
ટાઢ બીડીમાં બળે, પોલો ખોબો ભરી,
ડમણિયું સાંજે માથું ધુણાવે,
ઘર મારામાં રમણભમણ,
હું અહીં
પાછો આવીશ, અને
પરિયા જેવું મરીશ.ફરીથી.
પછી-
પડખે તમાકુમાં
મારી રાખ વેરી દેજો
અને, મને બીડી વાળી પી જજો.
૪-૨-૨૦૧૦