સાત બારના ઉતારા

ફેબ્રુવારી 3, 2010

૧) માણસ

પડછાયામાં
માણસ નામે ઘટના વિકસે છે.
કાળો પડછાયો
બારી પાછળ ભટકે અને
ક્યાંક જવા આમંત્રણ આપે,
પણ બાન્ને જણ એકમેકમાં સંધાયેલા હોવાથી
અલગ નથી જઈ શકતા.
જે ખૂબ મહત્વમય છે
એ ક્યારેય શબ્દમાં આકાર ધારણ નહી કરી શકે
અને રાત્રિ, શહેરમાં
અસ્થિકુંભમાંથી વેરેલી રાખ સમ અરવ
પ્રવેશે છે.
૭-૧૨-૨૦૦૯

૨) ઉનાળો

આ તડકો
તારી આંખમાં
મારા પ્રતિબિંબ પર બળીબળી
ઉભો ઉભો ઝોલાં ખાઈ
બંધ થતા ટેલીવિઝન જવું મીંચાઈ
સંસ્મૄતિમાં તમ્મર અનુભવતો
ભીના પોતા જેવું ભારે માથામાં બેસી રહે,
મરી ગયેલી માંખીમાં પાંખ જેવા અભાવ સાથે
હું મારામાં બબડું
અને અચાનક મારી તીવ્રતા ઝાલી
મને પરિવહન કરું છું–
ઉનાળુ ઉંબરા પર.
૭-૧૨-૨૦૦૯

૩) પરિસ્થિતિ

સિસિફસે ધકેલેલો પથ્થર
પાછૉ વળી નીચે ઉતરી જાય છે
સિસિફસ ફરી ધકેલી લાવે
પથ્થર ફરી દડદડી જાય
સિસિફસ પથ્થરમાં ધકેલાઈ ઉપર આવે છે
પથ્થર ધકેલાઈ પડતી મૂકી
પાછો વળી જાય છેઃ
સિસિફસ આકાશમાં જોઈ બબડે-
આના કરતાં ગિરનાર અને મગરીટવાળા પથ્થર ડાહ્યા છે….
૭-૧૨-૨૦૦૯
નોંધઃ-
સિસિફસ ગ્રીક દંત કથાનું પાત્ર છે જેને અગ્નિ ચોરવા બદલ સજા થઈ હતી,પથ્થર
ધકેલી પર્વતની ટોચે ઉભો રાખવાની.
મગરીટ ફ્રેન્ચ ચિત્રકાર જેણે પથ્થર આકાશ્માં અધ્ધર ટેકા વગર મૂક્યો અને તેના ઉપર કિલ્લો પણ મૂક્યો છે.
ગિરનાર પર અટકેલો પથ્થર જાણીતી વાત છે.