ઢીંગલી સંદર્ભે

ડિસેમ્બર 27, 2009

૧)
આ ઢીંગલી તાણીતાણી
એને ઘૂંટણે પડેલા ઉઝરડા,
મારામાં ફૂટી નીકળેલું યુધ્ધ,
જેણે ચોળી નાખ્યા હતા ખૂંણા ઘરના,
જ્યાં મૄત્યૂ કેવળ ખખડ્યું હતું-
પેપરબેગ ભરેલાં હાડકામાં.
૨)
પેલા ગ્રેહામ બેલ સમ
ઢીંગલીમાં અવાજ દાખલ કરી
સતત ખડ્ખડ હસતી રાખે છે
પેટ દાબી દાબી.
હવે એની પાસે, બીજું કોઈ કારણ ન હતું
બાર્બી સ્ત્રીના પ્રેમમાં પડવા માટે.
૩)
આ ઢીંગલીમાંથી
કોઈ કશૂંક કહેવા મથે છે,
જેમ પાછલી રાતે http://
મને હતું, પહેલા વાક્યમાં જ
મારામાંથી મને કાઢી
કોઇ કલ્પિત વિશ્વમાં ભેળવી દેતઃ
હું એ લોકો છૂં જે સતત વેઠે છે.
૪)
ઢીંગલી રડે છે.
આપણે સાંભળતા નથી,
જેમ મૄત્યુ મૄતકમાં.
હોઠ હાલતા નથી;
આપણે અંદરની ઇતર ઢીંગલી માટે
હમેશા પહેલી ઢીંગલીમાં મૂંઝવાયેલા છીએ,
જે મૌન બહુ પહેલાથી હયાત હતું.
૫)
આ ઢીંગલી જ્યાં જન્મી હતી
તે લંબા તેલપૂરેલા નીરસ ચક્રો
જેમાં હજું પગલાં પડઘાય,
ગૂંગળાતી ગંધમાં,
અમારા નામ નોંધી લેવાય ચકાસક તરીકે.
પછી-
કોઇ નિઃસ્વાર્થ બાળક
એના બે પગ પહોળા કરી રમે છે.
૬)
આ ઢીંગલી
કોઇ ખૂંણામાં અજાણ્યા બાળકોને
ઘરઘર રમતા
પતિ-પત્ની તરીકે આસરો આપે છે ;
આપણે મૂળ તત્વ પાસે પહોંચી ગયાં.
૧૨-૨૧-૨૦૦૯


ઘર

ડિસેમ્બર 14, 2009

આ તાળા પાછળથી
હમણા જ પહોળૂ કર્યું છે,
પરિવર્તનશીલ ઘર.
એનો બળેલો થથેડો,
એનો ગ્યુએરનિકા અરિસો,
ગેલેરીમાં લટકી નોંધાયેલી અનુઆધુનિકતા,
હમણા જ થયા હતાં સ્નેપશાટ ફેરફાર,
બદલાયું અકથિત.

તાળા પાછળથી ઉઘડી હતી
મૌલિક વિડીયો ગેમ,
જ્યાં હવે લોહીને કોઈ ધસારો ન હતો.

[ નોંધ,આવી રીતે અથાયો છૂં પાઉલ સેલાનથી.]
૧૨-૦૭-૨૦૦૯


બે ટુંકા કાવ્ય

ડિસેમ્બર 11, 2009

૧) આત્મા

જન્મ પહેલા એવોજ હતો, મૄત્યુ વખતે.
સવારે એ જ હતો.
બપોરે હજુંય એવો.
રાત્રે યથાવત.
મૄત્યુ પછી ખબર નથી કેવો ?
( કેવળ હું ફેરફાર હતો.)
૧૧-૨૫-૨૦૦૯

૨) એક કાવ્ય

આ બીજું વિશ્વયુધ્ધ અને મંદી ભરેલા
જૂના ફોટા
આજે વેપારી કળા સ્વરુપે વિક્સ્યા
ત્યારથી ટી-સર્ટ, બ્રા પરથી ડિજીટલી લપસી પડ્યું.
અને હવે
નવા ફોટા યુધ્ધ, ગરીબી, અને મંદી
ફરીથી ઉદ્દેશવા
સ્વાયત્ત માધ્યમ શોધવા તડફડે છે.
૧૨-૦૯-૨૦૦૯


ચિત્રાળુ હયાતિ

ડિસેમ્બર 5, 2009

ચિત્ર-૧

એક માણસ પાછળ
વિશાળ ફલક પથરાયેલું છે,
અને સામે
ટેબલ પર લોટા માથે નારિયેળ.

ચિત્ર-૨

એક સ્ત્રી પાછળ
વિશાળ ચળકતું ફલક પથરાયેલું છે,
અને સામે
wailing wall.

ચિત્ર-૩

એક માણસ પાછળ
વિશાળ ઝાંખી પડી ગયેલી ગાય ભર્યું ગોચર છે,
અને સામે
લોટીમાં ટટ્ટાર દર્ભ સળીઓ.

ચિત્ર-૪

એક વિશાળ છીકણી ફલકમાં
ટેબલ પાછળ પારદર્શક સ્ત્રી ઊભી છે,
અને સામે
કાચમાં છમકારા ભરેલા છે.

ચિત્ર-૫

એક ટેબલ નીચે
વિશાળ ચળકતા સપાટ ભૂરા પાણી ઉપર
કોઇ ઊભું છે,
અને એમાંથી
હેરિયાં આંખોમાં તીક્ષ્ણ ખૂંચે છે.
૧૧-૦૭-૨૦૦૯


વસવસો

ડિસેમ્બર 3, 2009

હું તો પસાર થયેલો માણસ છૂં.
મારામાંથી છૂટી પડેલી ખૂરશીમાં બેઠો છૂં,
એંઠવાડમાં જમી રહ્યો હતો,
સંભોગમાં પથારી ચોળાયેલી છાંડી ગયો છૂ,
દૈવી વેગે ફૂલો ખૂંટ્યા હતા,
પગાર બેંકમાં ભૂલી ગયો છૂં,
કવિતા માટે મેગેઝીનો નબળા હતાં,
ઘરમાં ઢોળાયેલો હું છાપરામાંથી ટપકું છૂં,
નોબેલ પ્રાઈઝ ગુજરાતી શિતાંશુ માટે નથી હોતું….

હું તો પસાર થયેલો કવિ માણસ છૂં.
મારે હવે તમને ફરી મળવું નથી;
સ્વપ્ન હમેશા હાઈડ્રોલિક હોય છે.
૧૧-૧૬-૨૦૦૯