હાથઃ એક સ્વપ્નશીલ અનુભવ

નવેમ્બર 25, 2009

વ્રુક્ષને તળીયે
ખૂંધિયા મૂળ પકડી
તને આસંગી
ત્યારે કાંડામાંથી છટકી ગયેલો પંજો
હવામાં નૄત્ય કરતો હતો,
કેટલીક દશાંશ બિંદુ ભૂરી કીકી
બીલાડી સ્વરુપ થવા હરફરતી હતી.
એકમેકમાં સીદી સૈયદની જાળી જેવું વણાયેલા
મૂળીયા વચ્ચેથી લક્કડીયા,રબ્બરીયા પંજા
અધુરા હાથ સળવળી
ડોકિયાં કરે છે, ઠાલા– અંદર જાય બહાર આવે,
સ્લોમોશન હાથ ખરી પડે,
તૂટી જતો કાચ છે,
વરસાદ જેવું ખરતા એકોર્ન છે,
હાથમાંથી શિયાળ લાળી કરે છે…વૄક્ષ તળેથીઃ
મારી અર્ધનિંદ્રામાં…
૧૧-૨૦-૨૦૦૯

Advertisements

આકાશ(મોનો-ઈમેજ)

નવેમ્બર 13, 2009

૧)
કામનારૂપ ચંચળ
નૄત્યાંગના જેવું આકાશ
અનેક મુદ્રાઓ કરે
પણ અદ્ર્શ્ય !
૨)
આકાશમાં
તેજનો ભાગ ભળે
ને ક્રોધાયમાન દેવનું
રૂપ ધારણ કરે,
કરી લે પોતાનું
સૂર્ય આખા આકાશને.
૩)
જળ આર્દ્ર કરે
સર્વ શરીરના અંગો
જળબિંદુ સ્નેહનું
વિસ્તરે આકાશમાં
શરીરથી શરીર સુધી
મનથી મન સુધી…
–નલિન પંડ્યા(અમદાવાદ)

Sky Nalin pandya

1)
Sky, is nimble
Like a lustful dancer.
Strikes a pose,
Yet invisible !
2)
Light enters
The sun controlled sky,
And becomes an angry god.
3)
Water soaks;
But a drop of love
Spreads through out the sky
And
From soul to the body…
અનુવાદઃ હિમાનશુ પટેલ ૫-૨૩-૨૦૦૯


એક કાવ્ય

નવેમ્બર 10, 2009

દરવાજાના તાળા જેટલા જીદ્દી છે આ શબ્દો,
એ ઓળખે છે આવતા-જતા,
ઝાળનો પાસ આપેલા,
વળાંકોથી ફરી ગયેલા ડગલાં,
મેશકાળી આંખમાં તણખા જેટલો ચપટો સૂર્ય,
શાકભાજી જેવું કરમાયેલી ચામડી,
લીંટથી ખરડાયેલા હોઠમાં આળોટતું ક્રંદન,
છાપરી તળે અણસાર વગર ખસતા છાંયડામાં.

પછી આવ્યો બેસુમાર વરસાદ,
અને માટીમાંથી ધગધગતી સૉડમ….
૬-૦૭-૨૦૦૮


ભવની ભવાઈ

નવેમ્બર 6, 2009

કવિતા અઘરી છે
જ્યારે શબ્દકોશમાં પીળાશ
પાનાઓમાં જામવા માંડે,
કબાટમાં ઊંઘ વગર પડી રહે.

કવિતા અઘરી છે
જ્યારે શીલામાં અહ્લ્યા સંઘરી રાખી’તી
ચાલુ દિવસે
ઇશ્વરની હયાતિ સાબિત કરવા.

કવિતા, જે મને ગમી હતી-
સિસીફસને* પથ્થર ધકેલવામાં મદદ કરતી હતી,
જ્યારે હું પથ્થર કોરી
ઇશ્વર સાકાર કરવા મથ્યા કરતો હતો.
૬-૧૨-૨૦૦૮

*ગ્રીક મિથોલોજીનું પાત્ર-જેના પરથી આલ્બેર કામ્યુએ વિખ્યાત પુસ્તક “મિથ ઓફ સિસીફસ” લખી થીયરી ઓફ એબ્સર્ડીટીનો સિધ્ધાંત આપ્યો, જેનાથી આપણે હજું પીડઈએ છીએ–આપણી વ્યર્થતાથી,નિષ્ફળતાથી.