એક બ્લૉગ્મંડૂકને
September 21, 2009 – 7:15 pm
♥ પંચમ શુક્લ
એ બ્લૉગ્મંડૂક ના કંઈ જાણે – બીભત્સ શું ને શું અશ્લીલ?
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
દેખી પોદળો સાંઠો ઘાલે, ઘર આખું છાણે શણગારે;
ભગરો ડંડો ભેટે રાખે, નાક-ડાંડીએ ડોબાં ચારે,
કાળા અક્ષર ભેંસ બરાબર એ કહેવતને ઠોકે ખીલ!
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
માણસથી પડછાયો મોટો લાગે એવું ખેંચે ધડ;
સૂરજને ઘુવડની આંખે રગદોળી નાખે બોથડ,
અંધ અંધની રાસલીલા ને અજવાળું ઉઘાડે ડીલ!
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
પોલાં પોલાં ઢોલ વજાડે છાતી પોકળ તાણી;
ને બખ્તરમાં બેસી વહેંચે જનોઈવઢ એ વાણી,
એવાને શું કહીએ? કહીએઃ તેગ નહીં ભઈ તરણું છીલ!
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
૨૧/૯/૨૦૦૯
* કોક બ્લૉગ પર કવિતાને સમજ્યા વગર કવિની કલમને વખોડતા એક પ્રતિભાવને અર્પણ.
વેબ લીલાનું લિવર દબાવતી રચનાઃ-
વેબ જગતના ફલકમાં દરવાસી પ્રાણી સમ બખોલ પાડી ( કે મશરુમ જેવું ઊગી નીકળેલા. ) વેબધારીઓએ જ્યારે સિમોલ્લંઘન કર્યું ત્યારે ” અસર”ના યશવંતભાઈએ “એક સાલા બ્લોગ
આદમીકો ચોર બના દેતા હૈ ” કે પંચમ શુક્લએ ” એક બ્લોગમંડુકને ” જે વા લેખ અને કાવ્ય, અનુક્રમે, તે પ્રવૄત્તિ સામે લાલ આંખો કરી, આપ્યા. આપણા આંધળૂકિયા સામે અખાએ પણ ઉગ્ર ભાષા પ્રયોજી હતી. આ ફરિયાદ આપણા નજીવાપણા કે બેદરકારી પ્રત્યે નથી, પણ આપણું બંધિયારપણું
અને એમાં ઉદભવેલા કહોવારા પ્રત્યે છે.એટલેથી અટકતું નથી કુવાના
દેડકા જેવું જીવતા આ બ્લોગરોમાં વિવેકભેદ નથી કારણ એમને પસંદગીભેદ છે– પણ કવિતો એય નકારે છે-” બિભત્સ શું ને શું અશ્લીલ?…એમને માટે તો બધું એકરંગી !!–વર્ણાંધ?
કવિતા આપણી અસામાન્ય હરકત માટે સામાન્ય પ્રશ્નથી શરું થાય છે. એ કવિનું સામાન્ય આશ્ચર્ય છે, કદાચ સર્વમાન્ય થાય એવી અપેક્ષાએ.પોતાની મર્યાદાઓથી (અને એમાં અજ્ઞાન પણ ભાગ ભજવે છે. જૂઓ વેબમંડૂકની કૉમેન્ટ્સ. ઘણીવારતો ત્યાં પ્રશ્નો વાંચી ખબર પડે છે કે આપણા શબ્દો ઘરડા
થઈ ખરી પડ્યા!? ) આપણે તો કવિતાને લીલપગી બનાવવાની
છે. પણ….” કુવામાંના રહેવાસીને લીલું એટલે–કાં પોતે, કાં લીલ !….આ દેડકાંઓને તો એક તરફી ગતિ છે– પોતે અને પોતાની લીલ–મર્યાદા !
આગળ કહ્યું તેમ આપણી કાવ્યચયન પધ્ધતિ — કે સંપદકિય આવડતમાં અખળડ્ખળ સ્થિતિ વિશે અંગૂલીનિર્દેશ કરતા કહ્યું–” દેખી પોદળો સાંઠો ઘાલે…..કે….ભગરો ડંડો ભેટે રાખે…” થીંગડા મારવાથી સૌદર્ય નીપજતું નથી. ઘર શણગારવા છાંણથી ઓકલીઓ ( સૌરાસ્ટ્રમાં નેવાં કહે.) લીંપવી પડે,અહીંતહીં ધાબાં મૂકવાથી કોઈ આકાર ( સિવાય કે અનાકાર આકાર !) વિકસતો નથી.નિતિનિયમોનું પલનકરો–નાક દંડીએ ડોબાં ના ચરાવાય કે હંકારાય– ટૂંકમાં કદાચ સંપદકિય બેદરકારી કે બેફીકરી
તરફ કવિ ધ્યાન દોરે છે.
આ સંપાદન જેવી જ કાવ્યાસ્વાદ કરાવવામાં પણ સ્થિતિ પ્રવર્તે છે. જે ગુજરાતી ભાષામાં ઈતર મર્યાદાઓ સમ સતત ડોકાયા કરે છે. આસ્વાદમાં એક બે
અંગ્રેજી ઉલ્લેખો અને આમતેમ કરી તાંણીતુસી પાના ભરી દેવાનો પ્રયત્ન હમેશા લબડ્યા કરે છે–ખાસ કરીને મેગેઝીનોમાં. અને એટલે જ ” માણસથી પડછાયો મોટો લાગે એવૂ ખેંચે ધડ…” અવસ્થા ઉદભવી છે. આપણી વિભાવનાઓ ( અને એ દ્વારા આધુનિકતા ) પરદેશી સંજ્ઞાઓ પર વધારે મદાર બાંધે છે, આપણે આપણને છોડી પાશ્ચાત્ય અસર અપનાવી લીધી તેથી. અને જ્ઞાન વિદ્યાપીઠમાં પ્રાધ્યાપકો પૂરતું મર્યાદિત થઈ ગયું—જેમ પશ્ચિમમાં.–અથવા ગુજરાતી મેગેઝીનોમાં થયું છે તેમ ગઠબંધનવાદી થઈ ગયું છે. હવે નવી પેઢી ફાંફાં મારે છે–સંપદકોએ અમુક કવિઓને મનગમતા કરી લીધા– ત્યારે એ ” બોથડ ” દેખાય છે. ફરીફરીને આપણી દશા એક જ સ્થળ-કૂવા-પૂરતી મર્યાદિત થઈ જાય છે. અમુદ્રમાં પાછાં વળતા પાણી જેવી આપણી દશા થઈ ગઈ –કેવળ ઉથલા જ મારીએ છીએ !
આ સંપદકિય અને આસ્વાદ સમ આપણી સર્જન પ્રવૄત્તિ પણ કથળી ગઈ છે.આપણૉ સર્જક સરળતા અને ખયાતિ ( વ્યાપકતા ) તરફ વળી ગયો, આપણું સાંપ્રત સાહિત્ય કેવળ સૌંદર્ય પામવા મથ્યા કરે છે, અથવા કશુંક સાવ સામાન્ય, જેમ કે ” પ્રેમ “( કદાચ લાગણીવેડા !? ).આપણે નીરુપયોગી
થઈ ગયા છીએ, અને વધારે પડતા “રમણીય” થયા.છંદનું જ્ઞાન એ કવિતા નથી, અને વાક્યમાં લય કે લયાવર્તન ગીત નથી,તવીજ રીતે વાક્યને ” ચોટદાર ” બનાવવાથી ગઝલ બંધાતી નથી. કવિતા ચોટ નથી, અન્યથા છાપાંના મથાળાં રોજ કવિતા જ હોય !! આપણે અપનાવેલી સરળતાએ-હાથવાગા પણાએ ?-ગુજરાતી સાહિત્ય અને સર્જનને પોકળ કરિ નાખ્યું છે. ” નગરનો ઢોલ છું દાંડી પીટો મને–જવાહર બક્ષીએ બ્ન્ને તરફી ઉદગાર કર્યા છે, આપણા પોલાણ માટે અને એમાંથી ઉદભવેલા બોદાનાદ માટે. પંચમ શુક્લએ પણ ભૂંગળ ફૂંકી છે–“પોલાં પોલાં ઢોલ વજાડે છાતી પોકળ તાંણી,–આપણેતો લડવૈયા છીએને ! તો ” તેગ નહીં પણ તરણાની “ધાર કાઢવાની કેમ વારી આવી ? ઉમાશંકર જોશીની પંક્તિમાં કહું તો હજું-
આપણે એક્કેન્દ્રિ થવા મથી રહેલા છિન્નભિન્ન છીએ…
આપણો સંસ્કૄતિગત અખાથી ઊતરી આવેલો આ સટાકેદાર અવાજ ,આપણી વેબ લીલાને ચાબખા મારતી રચના ,કેવળ આપણી ભાષામાં જ હોઈ શકે. એનું શું કારણ એ દરેક વેબધારીનો પ્રશ્ન છે,કરણકે કવિ આ કાવ્ય એવી વેબ ( પ્રવૄત્તિ )ને ” અર્પણ ” કરે છે. આપણી ઉણપને અર્પણ કરે છે, કે કવિતા પ્રત્યે ઉદભવેલી માનસિક વિસંગતિને ?કવિતામાં ડૉ. સિતાંશુ મહેતા કહેછે તેમ આપણે અતિશય ઉર્મિપ્રધાન થયા છીએ, તો પંચમ શુક્લ કહેછે આપણે સંપાદક તરીકેની ગુણવત્તાના કોયડામાં ( કેટલાંક ગુજુ મેગેઝિન માટે આ લાગું નથી પડતું ! ) સંડોવાયેલા છીએ. આ ઊઠાંતરી નથી, પણ સાસ્તી પ્રતિષ્ઠા સ્થાપવાનો બેદરકાર આશય હશે ? આપણે ત્યાં જ નહીં વિદેશોમાં પણ થાય છે. પંક્તિ ઊઠાંતરીનો એક કિસ્સો તાજેતરમાં ઓક્ટોબર ૨૦૦૯ના પોએટ્રી મગેઝિનમાં ૭૬માં પાને સોલ્ટ લેક સીટી, ઊટાંથી કે.મેર્રોટનો છપાયેલો પત્ર આ નોંધ લે છેઃ
dear editor,
…..i am referring to the poem”i Googal myself ” by Mel Nicholas. i’m certain the editors were aware of the incredible similaarities between the poem and the lyrics of “i touch myself”by the Divinyls. in fect some stanzas have been lifted entirely and the word “googal” has been inserted or swapped for another word.As a poet. to see this is discouraging can you offer some solace to a poet, one working hard to write his own poetry, who now feels slapped in the face by his favorite magazine ?
પંચમ શુક્લાનું આ કાવ્ય આપણી કઠણાઈમાં નહી ,પણ મારા ” એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે “(૨૦૦૭)માં ગુજરાતી કાવ્ય પ્રવૄત્તિ વિષે જણાવ્યું છે તેમ આપણી-“કળાની વિકૄતિના સમયમાંથી પસાર ” થવાની દશાને આશ્વાસન છે.
(દરેક) કવિતા દરેક સંસ્કૄતિનું ઠરેલપણું છે….
એક વેબ સોનેટ
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
સંપાદક તરીકે આ થવું હતાશજન્ય છે
ઓક્ટોબર ૨૦૦૯
હિમiન્શૂ પટેલ
નોંધ–સોનેટ “કવિતા”માં મૂકાયેલા અંગ્રેજી જેવું, શબ્દફેર કરેલું છે.