૧૧)
હું કવિતા લખું
કે વરસાદનો અવાજ,
સાત શબ્દ લખું કે સાત ફેરા,
વિષયમાં કોઈ નાવિન્ય નથી.
કાગળના દરવાજા પર ટકોરા મારી
ઘૂસી આવેલો શબ્દ
આપણું સત્ય કેટલું ટૂંકું છે એટલું જ દર્શાવે છે,
અને લખવું,એ આપણું પ્રતિબિંબ નથી,
પણ ભીના પારદર્શક પાલવમાં
ઉદભવેલો સનાતન પડછાયો અંગવિક્ષેપ જ છે.
અને મેં આ શબ્દોથી
એ નકશીકામની કેવળ ઉઠાંતરી જ કરી છે. ફરીથી.
૫)
રસોડામાં તારી ઋજુતા
અને તારા ઉતાવળા પગ વચ્ચેના યુધ્ધામાં
તારા મૌન પર પડેલી રાખની વર્ષાથી
ઘા ફરી તાજા થાય છે
પ્રકાશની ધ્રૂજારી અને કારણો વિશેના શબ્દમાં
કોઇ ફરક નથી.
કાઢીનાખ તારા કપડાં
તારી કમર ફરતે બળે છે અંધારું લાલચબોળ જ્વાળામાં;
મેં હમણા જ રોમમાં બધાને પૂતળાં થઇ જતાં જોયાં છે.
૬)
સફેદ પાના પર શબ્દોનું આવવું
એ તારું અન્ય ભાષામાં
રૂપાંતર છે-
શબ્દના ઉચ્ચારમાં ગંઠાઈ રહેલા ધ્વનિ જેવું,
શબ્દ જકડાય છે, પછી બધું છોડી દે છે
અને
ખરતાં પાંદડાંમાં દેખાયા પછી
દેખાતી બંધ થયેલી કોરિયોગ્રાફી જેવું બધું
અનુસરે છે બીજી ભાષામાં,
ડર તો એટલો જ છે
કે તારા મૂળભૂતને હું ભૂલથીયે છેતરું નહીં.
(૨૦૦૫-૬
પ્રિય હિમાંશુભાઇ, તમારા આ છેલ્લા ટુંકા કાવ્યો ખૂબ ગમ્યાં. મેં કોપી કરી લીધા, મારી ફાઇલમાં…
કંઇક ટેકનીકલ ખામી છે જેથી એમાં કૉમેંટ લખવાનું પેજ નથી ખુલતું. હમણાં બહાર રહેવાનું બહુ બને છે એટલે જવાબ આપવામાં મોડું થાય છે.. કુશળ હશો.
લતા હિરાણી
લાલચબોળ જ્વાળામાં
મેં હમણા જ રોમમાં બધાને પૂતળાં થઇ જતાં જોયાં છે.
ભીના પારદર્શક પાલવમાં
ઉદભવેલો સનાતન પડછાયો ….
Look at these expressions… As fresh as Language itself..
My compliments to the Poet .
Prabodh Joshi.
પંચમ શુક્લ
સરસ કાવ્ય સાથે, આ પોસ્ટમાં જોડણી, વ્યાકરણ અને ફોર્મેટિંગ પણ આકર્ષક રીતે ધ્યાન ખેંચે છે.
હિમાંશુભાઈ,
નમસ્તે.
કેમ છો ?
ખુબ નિયમિતતાથી તમારી પોસ્ટ અને તે અંગેની ટપાલ મળતી રહે છે.
કવિતાના વિવિધ સ્વરૂપ ગમે છે. ખાસ કરીને આ પોસ્ટમાં મૂકેલા છે તેવા ટુંકા કાવ્યો.
આજે લખવાનું કારણ એ કે તમારી આ નવી પોસ્ટ તો ખુલે છે પણ તેમાં જે કોમેન્ટ માટેની લીંક છે તે નથી ખુલતી … સવારે પણ પ્રયત્ન કરેલો અને અત્યારે પણ બે-ત્રણ વાર કરી જોયો … કદાચ બીજા કોઈના પ્રતિભાવ નથી એટલે એ બધાને એવો અનુભવ થયો હોવો જોઈએ … એટલે મને થયું કે તમને લખું. ..
તમે શક્ય હોય તો આ પ્રતિભાવ પોસ્ટ કરશો …
સફેદ પાના પર શબ્દોનું આવવું
એ તારું અન્ય ભાષામાં
રૂપાંતર છે-
વાહ …અને આ છેલ્લી રચના તો ખુબ જ ગમી …
હું કવિતા લખું
કે વરસાદનો અવાજ,
સાત શબ્દ લખું કે સાત ફેરા,
વિષયમાં કોઈ નાવિન્ય નથી.
કાગળના દરવાજા પર ટકોરા મારી
ઘૂસી આવેલો શબ્દ
આપણું સત્ય કેટલું ટૂંકું છે એટલું જ દર્શાવે છે.
અંતે, આ વાત કહ્યા વગર રહી નથી શકતો કે
તમારા ઈ-મેઈલમાં સાઈટની લીંક નીચે તમે જે વિવિધ વાક્ય લખતા રહો છો ..(જ્યાં કવિતા … છે) એ વાંચવા ખુબ ગમે છે.
ક્યારેક ફોનથી વાત કરશું.
ચાલો આવજો.
- દક્ષેશ