સાત બારના ઉતારા

February 3, 2010

૧) માણસ

પડછાયામાં
માણસ નામે ઘટના વિકસે છે.
કાળો પડછાયો
બારી પાછળ ભટકે અને
ક્યાંક જવા આમંત્રણ આપે,
પણ બાન્ને જણ એકમેકમાં સંધાયેલા હોવાથી
અલગ નથી જઈ શકતા.
જે ખૂબ મહત્વમય છે
એ ક્યારેય શબ્દમાં આકાર ધારણ નહી કરી શકે
અને રાત્રિ, શહેરમાં
અસ્થિકુંભમાંથી વેરેલી રાખ સમ અરવ
પ્રવેશે છે.
૭-૧૨-૨૦૦૯

૨) ઉનાળો

આ તડકો
તારી આંખમાં
મારા પ્રતિબિંબ પર બળીબળી
ઉભો ઉભો ઝોલાં ખાઈ
બંધ થતા ટેલીવિઝન જવું મીંચાઈ
સંસ્મૄતિમાં તમ્મર અનુભવતો
ભીના પોતા જેવું ભારે માથામાં બેસી રહે,
મરી ગયેલી માંખીમાં પાંખ જેવા અભાવ સાથે
હું મારામાં બબડું
અને અચાનક મારી તીવ્રતા ઝાલી
મને પરિવહન કરું છું–
ઉનાળુ ઉંબરા પર.
૭-૧૨-૨૦૦૯

૩) પરિસ્થિતિ

સિસિફસે ધકેલેલો પથ્થર
પાછૉ વળી નીચે ઉતરી જાય છે
સિસિફસ ફરી ધકેલી લાવે
પથ્થર ફરી દડદડી જાય
સિસિફસ પથ્થરમાં ધકેલાઈ ઉપર આવે છે
પથ્થર ધકેલાઈ પડતી મૂકી
પાછો વળી જાય છેઃ
સિસિફસ આકાશમાં જોઈ બબડે-
આના કરતાં ગિરનાર અને મગરીટવાળા પથ્થર ડાહ્યા છે….
૭-૧૨-૨૦૦૯
નોંધઃ-
સિસિફસ ગ્રીક દંત કથાનું પાત્ર છે જેને અગ્નિ ચોરવા બદલ સજા થઈ હતી,પથ્થર
ધકેલી પર્વતની ટોચે ઉભો રાખવાની.
મગરીટ ફ્રેન્ચ ચિત્રકાર જેણે પથ્થર આકાશ્માં અધ્ધર ટેકા વગર મૂક્યો અને તેના ઉપર કિલ્લો પણ મૂક્યો છે.
ગિરનાર પર અટકેલો પથ્થર જાણીતી વાત છે.


ચે ગ્યુવેરાઃકૉમ્યુનિસ્ટ ફાયરબ્રાન્ડ ટુ કેપિટલિસ્ટ બ્રાન્ડ

January 28, 2010

મરી પાસે છે છે છે
ચે ગ્યુવેરાનું ટી શર્ટ, ખબર નથી કેમ.
બજારમાં
મળે છે ચે ચે ચે,
ચાના મગ,હુડી,સિગરેટ્લાઈટર,કી ચૅન,વૉલેટ,
બેઝબોલ કેપ,ટેન્ક ટાપ્સ,ડેનીમ જીન્સ અને મસાલા ચા…
ચે ચે ચે છે છે છે
કેમેરામાં ચાળેલો ચે અને એના ૩૮ મૄત્યુ વર્ષ પછી,
બર્લીગટન કોટફેક્ટરીએ
પહેરાવેલા લુગડાં અને
ધ ચે મૉલમાં ગોઠવેલી તમારી બગાવતી માંગ,
ચે ચે ચે
છે છે છે મૄત્યુમાંથી ‘ ચે ધૂએ શ્વેત ‘
સાબુ પાવડર સૂત્ર સુધી,
એક પુનરુધ્ધાર;આલ્બેર્ટો કોર્ડાની માર્કાછાપ રેખાકૄતિ જેવો,
ચે ચે ચે
છે છે છે, મારી પાસે છે.
૧-૨૫-૨૦૦૯


રાજેન્દ્ર શાહ

January 23, 2010


હજાર હજાર ઊંટની કાંધ સમું વિસ્તરેલું રણ,
શેની શોધમાં નીકળ્યો છૂં હું?
પછાળ મૂકેલૂં મારું છેલ્લું પગલુંય ભૂંસી નાખે છે કોઇક,
અહીં ક્યાંય કેડી નથી,
સીમ નથી,
બાધા નથી ને,
ક્યાંય કોઇનું ચિહ્ન નથી.

કંઇક શોધું છું.
શોધું છું કેડી?
સીમ? દિશા? બાધા?
કોઇ અવષેશ?
ખબર નથી મને
સાવ ખુલ્લામાં જાણે ખોવાઇ ગયો છું.
સામેના વેળુઢગની પેલી પારથી આવે છે લીલું હાસ્ય,
બેની વચ્ચેનું અંતર ઘટતાં
સમયના પ્રલંબ અંતરાયની ઓળખ થાય છે,
ત્યાં છે હાથેક ઊંડો એક વોકળો,
પડખે લીલે પંખ ઊભું છે તમાલ.
નાની નજરમાં બધુંય સમાઈ જાય છે.
એની આ બાજું ઉઘડેલા મૂળની વચ્ચે જણાય છે શ્વેત રુંડ;
એને જ શોધતો હતો,
લીલા હાસ્યના ઉગમનું આદી કારણ.
રાજેન્દ્ર શાહ
in a desert spread out like thousand of camel humps
i wander, in search of what?
someone has erased my footprints.
there is no road here,
no boundary
no direction,
no obstacles,
no sign of anything.
searching for something,
a path?
boundary? direction? obstacles?
ruins?
i do not know,
i am as if lost in space,
from the other side of dune comes a verdant smile,
in decreased distance
i understood the prolonged obstacles of time.
there i found a cubit deep stream,
standing beside it a green Tamal,
everything contains a small vision,
on this side among the bare roots appeared a white head,
i was looking for it,
the prime cause of a verdant smile.
translation:-himanshu patel
1-20-2010
જટાયુની પાંખ કપાઈ તેમ ગુજરાતી કવિતાની અનેક્માંની એક મહ્ત્વની પાંખ કપાઈ,વેદના મૄત્યુમાં નથી-ગેરહાજરીમાં છે.અમેરીકા આવ્યો ત્યારથી
ગુજરાતી કવિઓની ગેરહાજરી અનુભવતો થઈ ગયો હતો-આ કાંટો આજે જરા વધારે જોરથી વાગી ગયો.
ઈશ્વર કવિ અને કવિતા બન્નેવને શાંતિ આપે.અસ્તુ.
એક કવિને ખોવો એટલે એક આખો જોડણીકોશ ખોવા જેટલો વસવસો ઉદભવે.ગ્રીક કવયિત્રી મારિગો એલેકક્ષોપૌલૌ એમના “નાનકડી પ્રાર્થના”કાવ્યમાં યાનિસ રીત્સોસને અંજલી આપતા લખે છે કે;
…તથાપિ તમે એકલાએ ગણગણાવ્યો લય
અસ્પ્ષ્ટ અને અગ્રાહ્ય.
મેં તો કેવળ સાંભળ્યું
શરીર
શરીર
(આત્મા ક્યાં વસે)
” ખળિયું બદલવાનો ઉત્સવ છે શોક ન કરતા.
રાજેન્દ્ર શાહ અને યાનિસ રીત્સોસ બન્નેવ કવિના”શબ્દ”નેનતમસ્તકે અંજલી.
પ્રેમ અને નિરુદ્દેશ, બનેવ વૄત્તિમાં ભ્રમણ કરતા આ કવિને યાદ કર્યા કરવા જ
સૌથી ઉત્કૄષ્ટ શ્રધાંજલી હશે!


મારે એક કવિતા તારે માટે લખવી હતી, ભૂલથી કેન્વાસ થઈ ગઈ …

January 17, 2010

૧)
તને કેન્વાસ પર
ભૌમિતિક આકરે ખડબાં રંગમાં જામેલી જોઇ
સદંતર અસ્તવ્ય્સ્ત
શહેર યાદ આવ્યું.
હવામાં નિઃસ્તબ્ધ અપેક્ષા,
પરિષ્કૄત સમતોલન,
મકાન વિરુધ્ધ વાયર રેષાઃ
ઉત્તેજીત રંગો.
૨)
તું કેન્વાસ પર
વરણાગી ધક્કા મારતી રેષાઓ
સખત કુચડાંત છેડા. ખૂણા
કપયેલા અધૂરા રખડી પડેલા
કાળા,ભૂરા,વાદળી પ્લાસ્ટર ઓફ પેરિસના લાફા
અને પેન્સિલ, સાહી, ઠરેલી ડીવીડી પર
જ્યાં ભૂસવું, ખોતરવું અનેક ઉઝરડામાં દેખીતું છેઃ
તારા વિશે ફેરફાર અને પુનઃચિતરણ
સમતોલન
ઉઘાડું પડી જાય….
૩)
મને તારી
સ્કોટીશ ચપટીઓવાળી
પુલ્લિંગ ઘાઘરાદાર ભૂમિતિ નથી ગમતી,
તારા તિરકસ ફંટાતા વળાંકો
ઇકેબાના ડાળીઓ જેવા
ક્ષિતિજમાં ઝાંખી થતી ભૂરાશ સામે
પાતળી રેષાઓમાં ફંગોળાયેલા–
બરફ સામે સોરેલી ડાળીઓના
વેક્ટર ડાયેગ્રામ જેવા ઉઘાડા દેખાય છે.
૪)
તારી ગતિ.
અપારદર્શક રાખોડી શ્વેત,
અધૂરી પીરોજી, ઝાંખી લિંબુડી
અને વાદળી
ક્યાંકથી ઉતાવળે ધસી આવે–
ભીંતચિત્ર જેવું.
તીણી પ્રવાહી રેષાઓ
કેક ફ્રોસ્ટીંગ જેવા કેન્વાસ પર–
ગૂંજે છે.
૧૧-૨૪-૨૦૦૯


ચશ્મા

January 6, 2010

પહેલા
આ ઘડપણ, નાક પર ગોઠવવા દે,
કાન પર ભરવવા દે.
પછી
તારો પવન રમતિયાળ પાલવ
સેફટી પીનથી જડી આપુ કમરે.
સાડી ગોઠવવા
આ વાત હમેશા કહેવી પડે છે,
અને તારી ખૂલ્લી આંખમાં ઉઘડેલું
સહજ અચરજ, અકબંધ જળવાઇ રહે છે;
હું, ઘરડા ચશ્મામાંથી
અકળ તાકી રહું છું તારા મલકાટમાં
વચોવચ.
૧-૦૩-૨૦૧૦


શબ્દ

January 1, 2010

૧)
આ શબ્દો અચોક્કસ કરાર છે.
જ્યાં
શ્વેત માણસ, શ્વેત કપડે ઢાંકેલા, શ્વેત અવકાશમાં
સળગતો લાલ ઊભો છે,
શબ્દમાં હું
પક્ષકાર
શરત
નુકસાની
કે, કરારનો અંત.
શબ્દો નોકરી છટકી જવાની જાહેરાત છે,
શબ્દ વ્યક્તિ-નિરપેક્ષ
અને મૂળ સંદર્ભમાંથી ઉચ્છેદાયેલા અસંગત;
એ જ તો આશય છે
શબ્દ જ અર્થનિર્ધારણ શાસ્ત્ર છે.
૨)
આ શબ્દો સફળ પ્લેટો કરાર છે.
શબ્દમાં ચંદ્રમય ખાબડખૂબડ સપાટી
અને
ચોકઠે બાંધેલી સપાટી
ચન્દ્રના પ્લેટો ક્રેટરમાં પ્રદર્શિત કરો
ત્યારે જ કળાત્મક ચિત્ર બને,
વેચવા દ્રૂષ્ટી સ્તરે લટકાવો,
લાવા લવણ સ્ફટિકે ચળકતો સુક્કો ચંદ્ર,
આપણા દૂષણ મુક્ત વાતાવરણમાં.
એ જ તો આશય છે
શબ્દોમાં, સંદર્ભમાંથી ઉચ્છેદી અસંગત બનાવવું,
શબ્દ વેપારી કળા છે;
પીળા દરિયામાં માણસ તરે છે,
પીળી જલેબીમાં દાંત બેઠા છે.
૧-૧-૨૦૧૦


ઢીંગલી સંદર્ભે

December 27, 2009

૧)
આ ઢીંગલી તાણીતાણી
એને ઘૂંટણે પડેલા ઉઝરડા,
મારામાં ફૂટી નીકળેલું યુધ્ધ,
જેણે ચોળી નાખ્યા હતા ખૂંણા ઘરના,
જ્યાં મૄત્યૂ કેવળ ખખડ્યું હતું-
પેપરબેગ ભરેલાં હાડકામાં.
૨)
પેલા ગ્રેહામ બેલ સમ
ઢીંગલીમાં અવાજ દાખલ કરી
સતત ખડ્ખડ હસતી રાખે છે
પેટ દાબી દાબી.
હવે એની પાસે, બીજું કોઈ કારણ ન હતું
બાર્બી સ્ત્રીના પ્રેમમાં પડવા માટે.
૩)
આ ઢીંગલીમાંથી
કોઈ કશૂંક કહેવા મથે છે,
જેમ પાછલી રાતે http://
મને હતું, પહેલા વાક્યમાં જ
મારામાંથી મને કાઢી
કોઇ કલ્પિત વિશ્વમાં ભેળવી દેતઃ
હું એ લોકો છૂં જે સતત વેઠે છે.
૪)
ઢીંગલી રડે છે.
આપણે સાંભળતા નથી,
જેમ મૄત્યુ મૄતકમાં.
હોઠ હાલતા નથી;
આપણે અંદરની ઇતર ઢીંગલી માટે
હમેશા પહેલી ઢીંગલીમાં મૂંઝવાયેલા છીએ,
જે મૌન બહુ પહેલાથી હયાત હતું.
૫)
આ ઢીંગલી જ્યાં જન્મી હતી
તે લંબા તેલપૂરેલા નીરસ ચક્રો
જેમાં હજું પગલાં પડઘાય,
ગૂંગળાતી ગંધમાં,
અમારા નામ નોંધી લેવાય ચકાસક તરીકે.
પછી-
કોઇ નિઃસ્વાર્થ બાળક
એના બે પગ પહોળા કરી રમે છે.
૬)
આ ઢીંગલી
કોઇ ખૂંણામાં અજાણ્યા બાળકોને
ઘરઘર રમતા
પતિ-પત્ની તરીકે આસરો આપે છે ;
આપણે મૂળ તત્વ પાસે પહોંચી ગયાં.
૧૨-૨૧-૨૦૦૯


ઘર

December 14, 2009

આ તાળા પાછળથી
હમણા જ પહોળૂ કર્યું છે,
પરિવર્તનશીલ ઘર.
એનો બળેલો થથેડો,
એનો ગ્યુએરનિકા અરિસો,
ગેલેરીમાં લટકી નોંધાયેલી અનુઆધુનિકતા,
હમણા જ થયા હતાં સ્નેપશાટ ફેરફાર,
બદલાયું અકથિત.

તાળા પાછળથી ઉઘડી હતી
મૌલિક વિડીયો ગેમ,
જ્યાં હવે લોહીને કોઈ ધસારો ન હતો.

[ નોંધ,આવી રીતે અથાયો છૂં પાઉલ સેલાનથી.]
૧૨-૦૭-૨૦૦૯


બે ટુંકા કાવ્ય

December 11, 2009

૧) આત્મા

જન્મ પહેલા એવોજ હતો, મૄત્યુ વખતે.
સવારે એ જ હતો.
બપોરે હજુંય એવો.
રાત્રે યથાવત.
મૄત્યુ પછી ખબર નથી કેવો ?
( કેવળ હું ફેરફાર હતો.)
૧૧-૨૫-૨૦૦૯

૨) એક કાવ્ય

આ બીજું વિશ્વયુધ્ધ અને મંદી ભરેલા
જૂના ફોટા
આજે વેપારી કળા સ્વરુપે વિક્સ્યા
ત્યારથી ટી-સર્ટ, બ્રા પરથી ડિજીટલી લપસી પડ્યું.
અને હવે
નવા ફોટા યુધ્ધ, ગરીબી, અને મંદી
ફરીથી ઉદ્દેશવા
સ્વાયત્ત માધ્યમ શોધવા તડફડે છે.
૧૨-૦૯-૨૦૦૯


ચિત્રાળુ હયાતિ

December 5, 2009

ચિત્ર-૧

એક માણસ પાછળ
વિશાળ ફલક પથરાયેલું છે,
અને સામે
ટેબલ પર લોટા માથે નારિયેળ.

ચિત્ર-૨

એક સ્ત્રી પાછળ
વિશાળ ચળકતું ફલક પથરાયેલું છે,
અને સામે
wailing wall.

ચિત્ર-૩

એક માણસ પાછળ
વિશાળ ઝાંખી પડી ગયેલી ગાય ભર્યું ગોચર છે,
અને સામે
લોટીમાં ટટ્ટાર દર્ભ સળીઓ.

ચિત્ર-૪

એક વિશાળ છીકણી ફલકમાં
ટેબલ પાછળ પારદર્શક સ્ત્રી ઊભી છે,
અને સામે
કાચમાં છમકારા ભરેલા છે.

ચિત્ર-૫

એક ટેબલ નીચે
વિશાળ ચળકતા સપાટ ભૂરા પાણી ઉપર
કોઇ ઊભું છે,
અને એમાંથી
હેરિયાં આંખોમાં તીક્ષ્ણ ખૂંચે છે.
૧૧-૦૭-૨૦૦૯